જૂનાગઢનો પાણિપુરી વાળો દીપક હવે પોલીસ સબ ઈન્સ્પેકટર બની ગયો. પાણીપુરીથી PSI બનવા સુધીની પ્રેરણાદાયી સફર અંગે જાણો.

મહેનતમાં ન રાખ્યું બાકી, ડ્રેસ પહેરી શક્યો ખાખી.ડો. ચિંતન વૈષ્ણવનો લેખ.

તા.26/10/2011 ના એક પ્રખ્યાત સમાચારપત્રની જુનાગઢ આવૃત્તિના ફ્રન્ટ પેજ પર પ્રકાશિત હેડલાઇન આ મુજબ હોય છે. – “જૂનાગઢનો પાણિપુરી વાળો દીપક હવે પોલીસ સબ ઈન્સ્પેકટર બની ગયો!” સબ ઈન્સ્પેકટર બનનાર આ યુવાનની પાણીપુરીથી પોલીસ સબ ઈન્સ્પેકટર બનવા સુધીની પ્રેરણાદાયી સફર આપણે દરેકે ખાસ જાણવા જેવી છે.

જુનાગઢના કાળવાચોક વિસ્તારમાં જલારામ ભેળપુરીની લારી ધરાવતા પ્રભુદાસભાઇ ઉનડ્કટને ઘેરે 15 ઓગસ્ટ 1984 ના દિવસે દીકરાનો જન્મ થાય છે. પ્રભુદાસભાઇ અને તેમના ધર્મપત્ની શારદાબેન માટે આજનો દિવસ તેમની જીંદગીનો સૌથી શ્રેષ્ઠ દિવસ હતો. એ દિવસ આપણો સ્વતંત્રતા દિવસ હતો. આજે ભારત દેશના નાગરિકો દેશને મળેલી સ્વતંત્રતાની 37મી ઉજવણી કરી રહ્યા હતા. આજના દિવસે વીર દેશભક્ત જવાનોની શહાદતને લોકો યાદ કરી રહ્યા હતા. એક તરફ રાષ્ટ્રધ્વજને સલામી અપાઈ રહી હતી અને જન ગણ મન… નું ગાન થઈ રહ્યું હતું અને બીજી તરફ શારદાબેન એક એવા દીકરાને જન્મ આપી રહ્યા હતા કે જે તેમના કુળનો દીપક હતો અને તેના ભાગ્યમાં એક સિપાહી બનવાના લેખ લખાઈ ચૂક્યા હતા. એટ્લે જ જ્યારે એ જનમ્યો ત્યારે લોકો સાવધાન ની સ્થિતિમાં ઊભા હતા. તેનું નામકરણ દીપક કરવામાં આવ્યું.

પ્રભુદાસભાઇ ભલે લારી ચલાવતા પરંતુ કાળવાચોક એટ્લે જૂનાગઢનો ધમધમતો વિસ્તાર. અહી દરેક પ્રકારના ધંધા બહુ સરસ ચાલે. તેમની ભેળપુરીની લારી પણ ધમધમે. આર્થિક રીતે આ પરિવાર મિડલક્લાસની વ્યાખ્યામાં આવે. પ્રભુદાસભાઇની ઇચ્છા એવી હતી કે તેનો દીકરો તેમની જેમ મજૂરીનો ધંધો કરે નહીં. ભણીગણીને સારી નોકરી મેળવે એવું તેમનું અને શારદાબેન બંનેનું સપનું હતું.

દિપકે પોતાનો સંપૂર્ણ અભ્યાસ સરકારી સ્કૂલોમાથી કર્યો. બન્યું એવું કે ધોરણ 10 માં તે ગણિત વિષયમાં ના-પાસ થયો. તેનું એક વર્ષ બગડયું. થોડો નિરાશ થયો પોતે. પરંતુ તેના પિતાશ્રીએ તેને કહ્યું કે, “હમણાં જે પરીક્ષા ફરીથી લેવાય એમાં ટ્રાય કરજે, તું પાસ થઈ જઈશ. ખોટી ચિંતા કરવી નહીં.”

રિપીટર માટે લેવામાં આવતી પરીક્ષામાં ગણિતના પેપરમાં પાસિંગ માર્કસ સાથે દીપક પાસ થઈ જાય છે. આગળ જતાં તે થોડો ગંભીર બને છે અને આર્ટ્સના વિષયો સાથે ધોરણ 11 અને 12 નો અભ્યાસ પૂર્ણ કરે છે. ધોરણ 12 માં પ્રથમ પ્રયત્નમાં જ 70% સાથે ઉતીર્ણ થાય છે. આ સમયગાળા દરમિયાન તે દરરોજ પોતાના પપ્પાને લારી ઉપર મદદ કરવા પણ જતો અને પોતાના અભ્યાસનો સમય પણ કાઢી લેતો. આગળ જતા પોતે ઇતિહાસ વિષય સાથે બી.એ. ની ડિગ્રી હાંસલ કરે છે.

કોલેજકાળ દરમિયાન પોતે સરકારી નોકરી કરવાનો ગોલ બનાવે છે. ભરતી પરીક્ષાઓની દિશામાં ધીમે ધીમે આગળ વધે છે. આ સમયગાળામાં અહી જૂનાગઢનાં યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાઓ સંદર્ભે યોગ્ય માર્ગદર્શન આપે એવું કોઈ હોતું નથી. આથી તે પોતાની રીતે મથતો હોય છે. આ સમયગાળા દરમિયાન તે બી.એડ. ના અભ્યાસક્રમમાં એડમિશન મેળવે છે. એક વર્ષનો બી.એડ. નો કોર્સ પૂરો કર્યા બાદ સરકારી ભરતી બહાર પડે ત્યાં સુધી કોઈ ખાનગી સ્કૂલમાં શિક્ષક તરીકે જોડાવાનું તેણે વિચાર્યું. તેના પિતાશ્રીએ પણ આ બાબતે તેને સહકાર આપ્યો.

જૂનાગઢની વર્ષો જૂની અને મારા ખાસ મિત્ર પ્રતિકભાઈ ભીંડીની પરાગ સ્કૂલમાં દીપક સમાજવિધા વિષયના શિક્ષક તરીકે જોડાઇ જાય છે. આ સમયગાળા દરમિયાન પોલીસ સબ ઈન્સ્પેકટરની ભરતી બહાર પડે છે. જંગલમાં ફરવાના શોખીન દીપકની ફિઝીકલ ફિટનેસ ખૂબ સારી હોય છે એટ્લે તે પી.એસ.આઈ. બનવા માટે મહેનત કરવાનું વિચારે છે. આ સમયગાળા દરમિયાન તે મારા સંપર્કમાં આવે છે. જૂનાગઢમાં સ્પર્ધાત્મક પરીક્ષા અંગેનું વાતાવરણ ઊભું કરવું અને અહીના વધુમાં વધુ યુવાનો સરકારી નોકરી મેળવે તે બાબતને મે મારૂ મિશન બનાવેલ.

આ મિશનના ભાગરૂપે મે જૂનાગઢમાં જય કેરિઅર એકેડેમી નામથી એક કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરેલ. દીપક અમારા ફ્રી માર્ગદર્શન સેમિનારમાં આવે છે. તે પોતાના લક્ષ્યને પામવા માટે જય કેરિઅર એકેડેમીનું માર્ગદર્શન મેળવવાનું નક્કી કરીને એકેડેમીની પી.એસ.આઈ. ભરતીની બેચમાં જોડાઈ જાય છે. તે સમયે લગભગ બધા જ વિષયો હું પોતે ભણાવતો હતો.

હકીકતે કોલેજકાળમાં મે પોતે પણ પી.એસ.આઈ. બનવાનું સપનું જોયેલું. પી.એસ.આઈ. બનવા માટે મે કોલેજ પૂરી થયા બાદ તરત જ તૈયારીઓ શરૂ કરી દીધેલી. ફિઝીકલ મારૂ બહુ સારું હતું પહેલેથી જ અને એ વખતે તો પી.એસ.આઈ. ભરતીમાં રનિંગની સાથોસાથ, ઊંચીકૂદ, લાંબીકૂદ, રસ્સાચડ, ગોળફેંક, ઓબ્સ્ટેકલ્સ વગેરે… જેવી ઇવેંટ્સ પણ હતી. મને કુદરતી આ બધુ પહેલેથી જ ફાવે. જનરલ નોલેજ, ગુજરાતી અને અંગ્રેજીમાં પણ સારું પ્રભુત્વ હતું.

વર્ષ 2008 માં પી.એસ.આઈ. ની ભરતી ગૌણ સેવા પસંદગી મંડળે કરેલ. એ વખતે 180 જગ્યાઓની ભરતી થવાની હતી. મારી તૈયારી તે સમયે એવી હતી કે, ગુજરાત આખામાં પહેલા નંબરે આવું. પરંતુ બન્યું એવું કે, મારી ઉંમર આ ભરતીમાં જણાવેલી તારીખો મુજબ 1 મહિનો અને 18 દિવસ જેવી ઓછી પડી. હું પરીક્ષા આપવા માટે જ લાયક ગણાયો નહીં. મને ભારોભાર અફસોસ થયો હતો. મારા પિતાશ્રીએ મને કહ્યું કે, મારા નસીબમાં પી.એસ.આઈ. નહીં પણ ડી.વાય.એસ.પી. બનવાનું લખ્યું હશે. એમણે મને જી.પી.એસ.સી. ની દિશામાં વાળ્યો. પરંતુ મનમાં ક્યાયને ક્યાક પી.એસ.આઈ. હજુ જીવતો હતો અને એટ્લે જ નવી આવેલી પી.એસ.આઈ. ની ભરતીમાં મે જૂનાગઢનાં યુવાનોને ફોજદાર બનાવવાનું પ્રણ લીધું.

નવી આવેલી ભરતીમાં લગભગ 650 જેટલી જગ્યાઓ હતી. આ વખતથી પી.એસ.આઈ. અને કોન્સટેબલની ભરતીઓ યોજવાની જવાબદારી સરકારે પોલીસ ભરતી બોર્ડને સોંપી દીધી હતી. મને યાદ છે ત્યાં સુધી દીપક સહિત લગભગ 21 છોકરાઓ મારી પાસે પી.એસ.આઈ. ભરતી પરીક્ષાનું ભણવા આવતા હતા. એ પૈકીનાં ઘણા મિત્રો એવા હતા કે, એમને પોતાની જાત ઉપર ભરોસો ઓછો હતો કે પોતે પી.એસ.આઈ. બની શકે છે. એમને મન એવું હતું કે, આપણો વારો કોન્સ્ટેબલમાં આવી જાય તો પણ જિંદગી સુધરી જાય. એવા છોકરાઓને મારે વારંવાર મોટિવેટ કરીને પી.એસ.આઈ. બનવાનું લક્ષ્ય નજર સમક્ષ રાખવા જણાવવું પડતું હતું. દીપક એક એવો વિધાર્થી હતો કે, જેણે પોતાનું માત્ર એક જ લક્ષ્ય બનાવેલ – પી.એસ.આઈ. બનવું.

આ ભરતી વર્ગ 3 કક્ષાની હોવા છ્ત્તા 4 તબક્કામાં આયોજિત હતી. પ્રિલિમિનરી પરીક્ષા, ફિઝીકલ ટેસ્ટ, મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યુ. પ્રિલિમિનરી પરિક્ષાની મને યાદ છે ત્યાં સુધી અમે 1500 રૂપિયા જેવી ફી લીધી હતી. મુખ્ય પરિક્ષાની લગભગ 2000 રૂપિયા માત્ર ફી લેવામાં આવેલ. ફિઝીકલ અને ઇન્ટરવ્યુની તૈયારીઓ અમે તદ્દન ફ્રી માં કરાવતા. આ નિયમ આજે પણ જાળવી રાખ્યો છે. મારો હેતુ ગમે તેમ કરીને જૂનાગઢનાં યુવાનોને ફોજદાર બનાવવાનો હતો. ફી મહત્વની હતી નહીં. આ છોકરાઓ જે ફી ભરતા એમાં મારે પણ થોડા પૈસા ઉમેરવા પડેલા કે જેથી અમે ક્લાસનું ભાડું અને અન્ય ખર્ચાઓ કાઢી શકીએ.

દીપક સખત મહેનત કરતો. એકદમ ગંભીરતાથી પોતાના લક્ષ્યને વળગીને તેણે મહેનત પ્રારંભેલી. હું મારા વિધાર્થીઓને કહેતો કે, “તમે અત્યારસુધી શું ભણ્યા અને કેવું ભણ્યા એ આગામી સમયમાં મહત્વનુ નથી રહેવાનુ. હવે આ 6 માહિનામાં તમે પી.એસ.આઈ. બનવા કેટલી મહેનત કરો છો એ જ તમારી જિંદગીમાં આગામી સમયમાં મહત્વનું રહેશે. આ 6 મહિના તમારી લાઈફ બનાવશે. લડી લ્યો…” ઉન્ધેકાંધ થઈને દીપક સહિત બધા યુવાનો મંડી પડેલા. મે તેમના મોબાઈલ નંબરો પણ તેમના નામની આગળ પી.એસ.આઈ. લખીને જ મારા મોબાઇલમા સાચવેલા. હું તેમને તે બતાવીને કહેતો કે જુઓ મને પૂરો ભરોસો છે કે, તમે પી.એસ.આઈ. બનવાના જ છો. આ જોઈને તેમનો પણ આત્મવિશ્વાસ વધતો. આ બધી રમત જોશ અને જુસ્સાની છે. એક વખત મગજમાં ચોંટી ગયું કે સરકારી નોકરી મેળવવી છે એટ્લે તમને આકાશ જેવડી મુસીબતો આવે તો પણ રોકી શકતી નથી.

દીપક સહિત મારા બધા જ વિધાર્થીઓને છૂટ હતી કે, તમને અભ્યાસ કરતી વખતે કઈ ન સમજાય તો મને અડધી રાત્રે પણ ફોન કરી લેવાનો. મને આ છોકરાઓ ખરેખર અડધી રાત્રે 2 કે 3 વાગે પણ ફોન કરતાં અને હું તેમના પ્રશ્નોનું નિરાકરણ કરતો. ક્યારેક હું એમને સામેથી આ સમયે ફોન કરીને એ જાણતો કે આ લોકો જાગે છે અને વાંચે છે કે નહિ? મુખ્ય પરીક્ષામાં અંગ્રેજી જેવા વિષયોમાં નિબંધ અને પત્ર લેખન લખવાના આવતા હતા. ગુજરાતી માધ્યમમાં ભણેલા અને જેનું અંગ્રેજી પહેલેથી જ નબળું હતું એવા દીપક અને તેની જેવા અન્ય વિધાર્થીઓ માટે આ પેપરમાં સ્કોર કરવો થોડો અઘરો હતો. પરંતુ મે કેટલીક તરકીબો અજમાવી અને તેમને આઇડિયાપૂર્વક કેટલાક અગત્યના વિષયોના નિબંધ અને પત્રલેખન માટેના ફંડા તૈયાર કરાવ્યા અને અમારા ફંડા પરીક્ષામાં કારગર પણ નીવડ્યા.

દીપક પોતે પ્રિલિમ, ફિઝીકલ અને મુખ્ય પરીક્ષામાં ઉતીર્ણ થઇ ગયો અને હવે ઇન્ટરવ્યુની તૈયારીઓ માટે પણ તેણે મહેનત શરૂ કરી દીધી. અમે રવિવારે મોક ઇન્ટરવ્યુના આયોજનો કરતાં. શરૂઆતમાં ઇન્ટરવ્યુ ટેકનિક્સના લેકચરો ગોઠવ્યા અને કઈ રીતે ઇન્ટરવ્યૂમાં રજૂ થવાનું એ શીખવ્યું. ત્યારબાદ દર રવિવારે હું મારા સિવાયના અન્ય 3 સરકારી અધિકારીઓને માનદ સેવા માટે બોલાવતો. અમે વારાફરતી એક-એક છોકરાઓના ઇન્ટરવ્યુ લેતા અને બાકીના વિધાર્થીઓ બેસીને જોતાં. દીપક ખૂબ સરસ ઇન્ટરવ્યુ આપતો. અહીથી જે પણ સૂચનો આપવામાં આવતા તેના પર પણ તે સુધારો લાવવા પ્રયત્ન કરતો.

એક દિવસ પી.એસ.આઈ. ભરતીનું અંતિમ પરિણામ જાહેર થાય છે. એસ.એસ.સી. બોર્ડમાં એક વરસ નિષ્ફળતા મેળવનાર અને પાણીપુરીની લારી પર પોતાના પિતા સાથે ભેળપુરી બનાવનાર દીપક તનતોડ મહેનત અને દ્રઢનિશ્ચયને કારણે આ ભરતી પ્રક્રિયાના ચારેય તબક્કાઓ સફળતાપૂર્વક પસાર કરીને પોલીસ સબ ઈન્સ્પેકટર બની જાય છે. તેના આ સફળતાના સમાચાર સાંભળીને તેના મમ્મી અને પપ્પા ગળગળા થઈ જાય છે. દીપકને ગળે વળગાડીને ખૂબ રોવે છે. આ દિવસ તેમની લાઇફનો સૌથી શ્રેષ્ઠ દિવસ હતો.

દીપકની સાથોસાથ જય કેરિઅર એકેડેમીના મારા કુલ 8 વિધાર્થીઓ પી.એસ.આઈ. અને 8 વિધાર્થીઓ કોન્સટેબલ બને છે. જુનાગઢ માટે આ બહુ મોટું પરિણામ હોય છે. લાખો રૂપિયા આપો તો જ પી.એસ.આઈ. બની શકો એવી ભ્રામક અને ખોટી વાતો ફેલાવનારાઓના ગાલે આજે તમાચો પડેલો હતો. કારણકે ખૂબ જ સામાન્ય આર્થિક પરિસ્થિતીમાથી આવતા અને આપબળે સફળ થયેલા દીપક જેવા યુવાનોના શરીરે ખાખી વરદી અને ખભ્ભે 2 સ્ટાર ચમકવાના હતા. જૂનાગઢનાં તત્કાલિન ધારાસભ્યશ્રીના હસ્તે એકેડેમી દ્વારા આ તમામ સફળ યુવાનોનું હાર પહેરાવીને અને પ્રશસ્તિપત્ર આપીને સમ્માન કરવામાં આવ્યું. દીપકના પપ્પા પ્રભુદાસભાઇનું પણ સમ્માન કરવામાં આવ્યું. આ દિવસ મને આજે પણ યાદ છે. કારણકે આ દિવસે દિપકે અને મે, અમે બંનેએ અમારા લક્ષ્યનો વેધ કર્યો હતો. લક્ષ્યવેધ કરવાની ખુશીની લાગણી અદ્ભૂત હોય છે. આજે પણ હું અનુભવી શકું છુ.

તા.26/10/2010 ના રોજ દીપક પોતાની ફરજ પર હાજર થાય છે. તેની તાલીમ ગુજરાત પોલીસ ટ્રેનીંગ એકેડેમી કરાઇ ખાતે શરૂ થાય છે. બરોબર એક વર્ષ બાદ તા.26/10/2011 ના દિવ્ય ભાસ્કરની જુનાગઢ આવૃત્તિના ફ્રન્ટ પેજ પર એક સમાચાર પ્રકાશિત થાય છે. જેની હેડલાઇન આ મુજબ હોય છે. – “જૂનાગઢનો પાણિપુરી વાળો દીપક હવે પોલીસ સબ ઈન્સ્પેકટર બની ગયો!” હવે જૂનાગઢનાં લોકો પ્રભુદાસભાઈને જલારામ પાણીપુરી વાળા નહીં પરંતુ પી.એસ.આઈ. દીપકના પપ્પા તરીકે ઓળખે છે. જ્યારે પહેલી વખત દીપક યુનિફોર્મમાં પોતાના ઘેરે ગયો તે દિવસને યાદ કરતાં તે જણાવે છે કે, મને વરદીમાં જોઈને મારો પરિવાર મને જોતો જ રહી ગયો. તેમની આંખોમાથી હર્ષના આંસુ સારી પડ્યા હતા.

દીપકે પોતાના પપ્પાને હવે લારી બંધ કરવાનું કહ્યું પરંતુ પ્રભુદાસભાઇએ કહ્યું કે, “બેટા આ લારીને કારણે જ આટલા વર્ષોથી હું તારો અને તારા ભાઇનો ભણવાનો ખર્ચો અને ઘરનો અન્ય ખર્ચ કાઢી શક્યો છું. લારી ભલે શરૂ રહી”. પરંતુ દીપક એક નો બે થયો નહીં. તે ન જ માન્યો. પી.એસ.આઈ. તરીકેની તાલીમ પૂરી થાય બાદ તરત જ તેણે તેના પપ્પાને ભેળપુરીની લારી બંધ કરાવી દીધી. આજે દીપક બઢતી મેળવીને પોલીસ ઈન્સ્પેકટર બની ગયો છે. પ્રભુદાસભાઇ હાલમાં નિવૃત જીવન પસાર કરી રહ્યા છે અને જૂનાગઢના કાળવાચોકમાં જૂની લિબર્ટી ટોકિઝ પાસે તેમણે કરેલી મહેનતના દિવસો યાદ કરી રહ્યા છે. દીપક જેવો દીકરો આપવા બદલ જલારામબાપાનો મનોમન આભાર માને છે. જે વ્યવસાયથી તેમણે દીપકને પોલીસ અધિકારી બનાવ્યો તે વ્યવસાય પર તેમને આજે પણ ગર્વ છે. દીપકને તેના પપ્પા પર ગર્વ છે અને મને મારા વિધાર્થી દીપક પર ગર્વ છે.

“જિંદગીમાં હાર-જીત તો આપણા વિચારોમાં હોય છે,
જે મનથી માની લે તે હારી જાય છે અને
જે નક્કી કરી લે તે જીતી જાય છે.”

One thought on “જૂનાગઢનો પાણિપુરી વાળો દીપક હવે પોલીસ સબ ઈન્સ્પેકટર બની ગયો. પાણીપુરીથી PSI બનવા સુધીની પ્રેરણાદાયી સફર અંગે જાણો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *