રેશનાલિઝમ સમાજને નાગરિક અને ધર્મ સમાજને ઝનૂની ભક્ત આપે છે – રમેશ સવાણી IPS ના આ લેખ સાથે તમે કેટલા સહમત છો ? [ભાગ-1]

રેશનાલિઝમ સમાજને નાગરિક આપે છે; જ્યારે ધર્મ સમાજને ઝનૂની ભક્ત આપે છે.- રમેશ સવાણી IPS ના આ લેખ સાથે તમે કેટલા સહમત છો ? [ભાગ-1]

વિવેકબુદ્ધિ એટલે સત્ય કે અસત્ય; સારું કે ખરાબ પારખવાની શક્તિ. રેશનાલિઝમના પાયામાં બુદ્ધિ નહીં પરંતુ વિવેકબુદ્ધિ છે. રેશનાલિસ્ટ ભૂપેન્દ્રસિંહ રાઓલ કહે છે કે ધડમાથા વિનાની વાતોમાં ન માનવું એટલે રેશનાલિઝમ/વિવેકબુદ્ધિવાદ. તર્ક વિનાની વાતો ન માને તે રેશનાલિસ્ટ/વિવેકપંથી. સેટેલાઈટ વૈજ્ઞાનિક/ડોક્ટર/એન્જિનીયર/કુલપતિ/જજ/IAS/IPS વગેરે શિક્ષિત લોકો સત્યનારાયણની કથા કરાવતા હોય છે; કાંડે રક્ષા પોટલી બંધાવતા હોય છે;

જ્યોતિષી સામે લાંબો હાથ કરતા હોય છે. પૂર્વ રાષ્ટ્રપતિ અને વૈજ્ઞાનિક અબ્દુલ કલામ પ્રમુખસ્વામિના પગ પાસે બેસીને ‘જ્ઞાન’ ગ્રહણ કરતા હોય તેવા ફોટા જોઈને સવાલ થાય છે કે ભણેલા અંધશ્રદ્ધાળું અને અભણ વિવેકબુધ્ધિવાળા કેમ? ભોજા ભગત/અખો/કબીરે શાળા જોઈ નહતી; છતાં અંધશ્રધ્ધાના વિરોધી હતા ! વિવેકબુદ્ધિ એટલે રેશનલ અભિગમ. વિજ્ઞાનનો અભ્યાસ કરનારા રેશનલ અભિગમવાળા ન પણ હોય ! જાણીતા લેખક અશ્વિન ન. કારીઆએ 42 પાનાંની નાનકડી પુસ્તિકા લખી છે-‘ચાલો સમજીએ રેશનાલિઝમ. આ પુસ્તિકાને ઈ.બૂકમાં ઢાળી છે અભિવ્યક્તિ બ્લોગના સર્જક ગોવિંદ મારુએ.

કોરોના વાયરસ ગૌમૂત્રથી જતો રહે તેમ માનવું તે વૈજ્ઞાનિક અભિગમનો અભાવ સૂચવે છે. તર્ક, અનુભવ અને વૈજ્ઞાનિક ચકાસણી એ રેશનાલિઝમનો પાયો છે. જે વિચાર પધ્ધતિથી જ્ઞાન, સત્ય, સ્વાતંત્ર્ય, નીતિમત્તા અને માનવવાદને સ્થાન મળે છે, તે રેશનાલિઝમ છે. કાર્ય કારણ પ્રક્રિયાની સમજ રેશનાલિઝમ છે. રમણ પાઠક કહે છે કે ‘રેશનાલિઝમ એટલે વિવેકબુદ્ધિપૂત વિચાર અને વ્યવહાર.’ બાઇબલનું પ્રથમ પ્રકરણ વાંચ્યા પછી રેશનલ વ્યક્તિ તરત જ પ્રશ્ન પૂછશે કે ઈશ્વરે પ્રકાશ પહેલાં સર્જ્યો હોય અને સૂર્ય/ચંદ્ર પછી સર્જ્યા હોય તો સૂર્ય-ચંદ્ર વિનાનો પ્રકાશ આવ્યો ક્યાંથી? સમાજ જેટલો રેશનલ તેટલો ફાયદો થાય.

સમાજ જેટલો રેશનાલિઝમથી દૂર તેટલું નુકશાન. લોકો અંધશ્રદ્ધા/ચમત્કારો/રુઢિવાદી સંપ્રદાયો/જડ ધાર્મિક રીતરિવાજોમાં માને તો તેમને શોષણ/અસમાનતા/પછાતપણું મળે છે. રેશનાલિઝમ સામાજિક દૂષણોની સામે હોય છે; શોષણ/અનીતિ/અસમાનતા સામે હોય છે. રેશનાલિઝમ માને છે કે માનવી પોતે જ ભાગ્યનો ઘડવૈયો છે. માણસનું નસીબ કોઈ દેવ-દેવી કે ગ્રહ આધારિત નથી; પૂર્વજન્મના કર્મ આધારિત નથી.

રેશનાલિઝમ એવા સમાજની કલ્પના કરે છે જે સ્વાતંત્ર્ય, સમાનતા અને ન્યાય આધારિત હોય; જ્યાં માનવીનું ગૌરવ હોય. માનવીના ગૌરવનો ભંગ થાય તેવા સામંતવાદી/આપખુદ તંત્રનો રેશનાલિઝમ વિરોધ કરે છે. રેશનાલિઝમના કેન્દ્રમાં માનવવાદ છે; માનવ ગૌરવ છે. રેશનાલિઝમ એટલે મનની નિખાલસતા, સક્રિય ચકાસણી, તટસ્થ-હેતુલક્ષી દ્રષ્ટિકોણ, તર્ક, કાર્યકારણ સંબંધ, સાબિતીમાં અતૂટ વિશ્વાસ, જ્ઞાનની સતત તૃષા, અભિપ્રાયની ચકાસણી અને સત્યની શોધ ! રેશનાલિઝમ જડતાવાદી વલણનો વિરોધ કરે છે. ધાર્મિક ગ્રંથોમાં સત્ય જાહેર કરેલા તથ્યોને ચકાસણી વિના સ્વીકારવાનો રેશનાલિઝમ ઈન્કાર કરે છે. રેશનાલિઝમ વ્યક્તિને માનવવાદી બનાવે છે. રેશનાલિઝમ વ્યક્તિને ધાર્મિક ઝનૂનથી બચાવે છે. રેશનાલિઝમ સમાજને નાગરિક આપે છે; જ્યારે ધર્મ સમાજને કટ્ટર ભક્ત આપે છે !

માનવજીવનનો હેતુ જીવનમાં આવતી મુશ્કેલીઓ/દુ:ખો દૂર કરી પ્રગતિ, સ્થિરતા અને સલામતી મેળવવાનો છે. ધર્મશાસ્ત્રો દુનિયાના દુ:ખો અને મુશ્કેલીઓ સહન કરી; પરલોકમાં મોક્ષ પ્રાપ્ત કરવાનો ઉપદેશ આપે છે. પરલોકની કોઈ સાબિતી નથી છતાં ધર્મગ્રંથો જૂઠ પીરસે છે. ગુજરાતમાં જે રીતે કથાઓ/પારાયણો યોજાય છે; મંદિરોની સંખ્યા વધી રહી છે; મહોત્સવો ઊજવાય છે; એ જોતાં ગુજરાતના કોઈ ગામમાં એક પણ અનૈતિક કામ થવું જોઈએ નહીં ! સમાજમાં છેતરપિંડી/બૂચ મારવા/કપટ/અપ્રામાણિકતા/ભ્રષ્ટાચારનું પ્રમાણ વધતું જાય છે. આપણે મૂર્તિમાં પ્રાણ પૂરીએ છીએ; પરંતુ પ્રાણ પ્રતિષ્ઠિત મૂર્તિ અનૈતિક કામ અટકાવી શકતી નથી. દરેક ધર્મ નીતિમત્તાની વાત કરે છે; સત્ય, શાંતિ, સમભાવ, કરુણા, દયા, પ્રેમ, સહાનુભૂતિની વાત કરે છે; પરંતુ વાસ્તવમાં તેનાથી ઉલટું જોવા મળે છે. કોઈ વ્યક્તિ ચોક્કસ ધર્મનો હોવાને કારણે જ તેની હત્યા કરવામાં આવે છે અને તેનો ગર્વ કરવામાં આવે છે !

ધર્મગ્રંથના કારણે આપણે અસ્પૃશ્યતા પાળીએ છીએ ! ધર્મગ્રંથના કારણે આપણે અમુકને ઊંચા અને અમુકને નીચા માનીએ છીએ ! દુ:ખની વાત એનછે કે કોઈ સમસ્યાનો સામનો કરવા આપણે એકત્રિત થતાં નથી; પરંતુ ‘માતાજીના ધામ’ના નામે એકત્ર થઈએ છીએ ! રેશનાલિઝમ શિખવે છે કે જીવનની ઉન્નતિ માટે કાર્યનિષ્ઠા/ પરિશ્રમ/ ચોકસાઈ/પ્રમાણિકતાના ગુણો જોઈએ. તે માટે મંત્ર-તંત્ર/પાઠ-પૂજન/શાસ્ત્રો/પુરાણો/ધર્મગ્રંથોની પૂજા કરવાની જરુર નથી. આપણા મોટા ભાગના પ્રશ્નો આપણી ઘેલછાયુક્ત માન્યતાઓ અને જડવાદી રૂઢિઓમાંથી ઉત્પન્ન થાય છે. રેશનાલિઝમ આપણને અતિ ધાર્મિકતા/ધાર્મિક ઝનૂનથી થયેલ અને થનાર નુકશાનનો ખ્યાલ આપે છે. રેશનાલિઝમના કારણે દયા/પ્રેમ/કરુણા/વાત્સલ્યની લાગણીઓ સક્રિય બને છે. રેશનાલિઝમ આપણને દરેક માનવ તરફ સમાન વર્તન કરવાનું શિખવે છે.

રેશનાલિસ્ટ ક્યારેય કટ્ટરવાદી/જડવાદી વલણ સ્વીકારશે નહીં. આપણામાં વ્યાપેલી જડતા/ એક બીજા તરફ નફરત/ કટુતા/ જ્ઞાતિવાદ/જાતિવાદના માહોલમાંથી મુક્ત થવા માટે રેશનાલિઝમ જરુરી છે. આપણે પશુ જેવું જીવન જીવવા માગતા નથી; આપણે માનવ તરીકે અને ગૌરવપૂર્વક જીવન જીવવા ઈચ્છીએ છીએ; તે માટે રેશનાલિઝમ રસ્તો કરી આપે છે. સવાલ એ છે કે દુનિયાના તમામ ધર્મો/સંપ્રદાયવાદીઓ રેશનલ અભિગમનો વિરોધ કેમ કરે છે? એમને ડર છે કે જો માણસ જાગી જશે તો છેતરપિંડી બંધ થઈ જશે !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *