રેશનાલિઝમ સમાજને નાગરિક અને ધર્મ સમાજને ઝનૂની ભક્ત આપે છે. રમેશ સવાણી IPS ના આ લેખ સાથે તમે કેટલા સહમત છો ? [ભાગ-1, 2 અને 3]

રેશનાલિઝમ સમાજને નાગરિક આપે છે; જ્યારે ધર્મ સમાજને ઝનૂની ભક્ત આપે છે. [ભાગ-1]

વિવેકબુદ્ધિ એટલે સત્ય કે અસત્ય; સારું કે ખરાબ પારખવાની શક્તિ. રેશનાલિઝમના પાયામાં બુદ્ધિ નહીં પરંતુ વિવેકબુદ્ધિ છે. રેશનાલિસ્ટ ભૂપેન્દ્રસિંહ રાઓલ કહે છે કે ‘ધડમાથા વિનાની વાતોમાં ન માનવું એટલે રેશનાલિઝમ/વિવેકબુદ્ધિવાદ. તર્ક વિનાની વાતો ન માને તે રેશનાલિસ્ટ/વિવેકપંથી.’ સેટેલાઈટ વૈજ્ઞાનિક/ડોક્ટર/એન્જિનીયર/કુલપતિ/જજ/IAS/IPS વગેરે શિક્ષિત લોકો સત્યનારાયણની કથા કરાવતા હોય છે; કાંડે રક્ષા પોટલી બંધાવતા હોય છે; જ્યોતિષી સામે લાંબો હાથ કરતા હોય છે. પૂર્વ રાષ્ટ્રપતિ અને વૈજ્ઞાનિક અબ્દુલ કલામ પ્રમુખસ્વામિના પગ પાસે બેસીને ‘જ્ઞાન’ ગ્રહણ કરતા હોય તેવા ફોટા જોઈને સવાલ થાય છે કે ભણેલા અંધશ્રદ્ધાળું અને અભણ વિવેકબુધ્ધિવાળા કેમ? ભોજા ભગત/અખો/કબીરે શાળા જોઈ નહતી; છતાં અંધશ્રધ્ધાના વિરોધી હતા ! વિવેકબુદ્ધિ એટલે રેશનલ અભિગમ. વિજ્ઞાનનો અભ્યાસ કરનારા રેશનલ અભિગમવાળા ન પણ હોય ! જાણીતા લેખક અશ્વિન ન. કારીઆએ 42 પાનાંની નાનકડી પુસ્તિકા લખી છે-‘ચાલો સમજીએ રેશનાલિઝમ.’ આ પુસ્તિકાને ઈ.બૂકમાં ઢાળી છે અભિવ્યક્તિ બ્લોગના સર્જક ગોવિંદ મારુએ કોરોના વાયરસ ગૌમૂત્રથી જતો રહે તેમ માનવું તે વૈજ્ઞાનિક અભિગમનો અભાવ સૂચવે છે. તર્ક, અનુભવ અને વૈજ્ઞાનિક ચકાસણી એ રેશનાલિઝમનો પાયો છે.

જે વિચાર પધ્ધતિથી જ્ઞાન, સત્ય, સ્વાતંત્ર્ય, નીતિમત્તા અને માનવવાદને સ્થાન મળે છે, તે રેશનાલિઝમ છે. કાર્ય કારણ પ્રક્રિયાની સમજ રેશનાલિઝમ છે. રમણ પાઠક કહે છે કે ‘રેશનાલિઝમ એટલે વિવેકબુદ્ધિપૂત વિચાર અને વ્યવહાર.’ બાઇબલનું પ્રથમ પ્રકરણ વાંચ્યા પછી રેશનલ વ્યક્તિ તરત જ પ્રશ્ન પૂછશે કે ઈશ્વરે પ્રકાશ પહેલાં સર્જ્યો હોય અને સૂર્ય/ચંદ્ર પછી સર્જ્યા હોય તો સૂર્ય-ચંદ્ર વિનાનો પ્રકાશ આવ્યો ક્યાંથી? સમાજ જેટલો રેશનલ તેટલો ફાયદો થાય. સમાજ જેટલો રેશનાલિઝમથી દૂર તેટલું નુકશાન. લોકો અંધશ્રદ્ધા/ચમત્કારો/રુઢિવાદી સંપ્રદાયો/જડ ધાર્મિક રીતરિવાજોમાં માને તો તેમને શોષણ/અસમાનતા/પછાતપણું મળે છે. રેશનાલિઝમ સામાજિક દૂષણોની સામે હોય છે; શોષણ/અનીતિ/અસમાનતા સામે હોય છે. રેશનાલિઝમ માને છે કે માનવી પોતે જ ભાગ્યનો ઘડવૈયો છે.

માણસનું નસીબ કોઈ દેવ-દેવી કે ગ્રહ આધારિત નથી; પૂર્વજન્મના કર્મ આધારિત નથી. રેશનાલિઝમ એવા સમાજની કલ્પના કરે છે જે સ્વાતંત્ર્ય, સમાનતા અને ન્યાય આધારિત હોય; જ્યાં માનવીનું ગૌરવ હોય. માનવીના ગૌરવનો ભંગ થાય તેવા સામંતવાદી/આપખુદ તંત્રનો રેશનાલિઝમ વિરોધ કરે છે. રેશનાલિઝમના કેન્દ્રમાં માનવવાદ છે; માનવ ગૌરવ છે. રેશનાલિઝમ એટલે મનની નિખાલસતા, સક્રિય ચકાસણી, તટસ્થ-હેતુલક્ષી દ્રષ્ટિકોણ, તર્ક, કાર્યકારણ સંબંધ, સાબિતીમાં અતૂટ વિશ્વાસ, જ્ઞાનની સતત તૃષા, અભિપ્રાયની ચકાસણી અને સત્યની શોધ ! રેશનાલિઝમ જડતાવાદી વલણનો વિરોધ કરે છે. ધાર્મિક ગ્રંથોમાં સત્ય જાહેર કરેલા તથ્યોને ચકાસણી વિના સ્વીકારવાનો રેશનાલિઝમ ઈન્કાર કરે છે. રેશનાલિઝમ વ્યક્તિને માનવવાદી બનાવે છે. રેશનાલિઝમ વ્યક્તિને ધાર્મિક ઝનૂનથી બચાવે છે. રેશનાલિઝમ સમાજને નાગરિક આપે છે; જ્યારે ધર્મ સમાજને કટ્ટર ભક્ત આપે છે.

માનવજીવનનો હેતુ જીવનમાં આવતી મુશ્કેલીઓ/દુ:ખો દૂર કરી પ્રગતિ, સ્થિરતા અને સલામતી મેળવવાનો છે. ધર્મશાસ્ત્રો દુનિયાના દુ:ખો અને મુશ્કેલીઓ સહન કરી; પરલોકમાં મોક્ષ પ્રાપ્ત કરવાનો ઉપદેશ આપે છે. પરલોકની કોઈ સાબિતી નથી છતાં ધર્મગ્રંથો જૂઠ પીરસે છે. ગુજરાતમાં જે રીતે કથાઓ/પારાયણો યોજાય છે; મંદિરોની સંખ્યા વધી રહી છે; મહોત્સવો ઊજવાય છે; એ જોતાં ગુજરાતના કોઈ ગામમાં એક પણ અનૈતિક કામ થવું જોઈએ નહીં ! સમાજમાં છેતરપિંડી/બૂચ મારવા/કપટ/અપ્રામાણિકતા/ભ્રષ્ટાચારનું પ્રમાણ વધતું જાય છે. આપણે મૂર્તિમાં પ્રાણ પૂરીએ છીએ; પરંતુ પ્રાણ પ્રતિષ્ઠિત મૂર્તિ અનૈતિક કામ અટકાવી શકતી નથી. દરેક ધર્મ નીતિમત્તાની વાત કરે છે; સત્ય, શાંતિ, સમભાવ, કરુણા, દયા, પ્રેમ, સહાનુભૂતિની વાત કરે છે; પરંતુ વાસ્તવમાં તેનાથી ઉલટું જોવા મળે છે. કોઈ વ્યક્તિ ચોક્કસ ધર્મનો હોવાને કારણે જ તેની હત્યા કરવામાં આવે છે અને તેનો ગર્વ કરવામાં આવે છે.

ધર્મગ્રંથના કારણે આપણે અસ્પૃશ્યતા પાળીએ છીએ ! ધર્મગ્રંથના કારણે આપણે અમુકને ઊંચા અને અમુકને નીચા માનીએ છીએ ! દુ:ખની વાત એનછે કે કોઈ સમસ્યાનો સામનો કરવા આપણે એકત્રિત થતાં નથી; પરંતુ ‘માતાજીના ધામ’ના નામે એકત્ર થઈએ છીએ ! રેશનાલિઝમ શિખવે છે કે જીવનની ઉન્નતિ માટે કાર્યનિષ્ઠા/ પરિશ્રમ/ ચોકસાઈ/પ્રમાણિકતાના ગુણો જોઈએ. તે માટે મંત્ર-તંત્ર/પાઠ-પૂજન/શાસ્ત્રો/પુરાણો/ધર્મગ્રંથોની પૂજા કરવાની જરુર નથી. આપણા મોટા ભાગના પ્રશ્નો આપણી ઘેલછાયુક્ત માન્યતાઓ અને જડવાદી રૂઢિઓમાંથી ઉત્પન્ન થાય છે. રેશનાલિઝમ આપણને અતિ ધાર્મિકતા/ધાર્મિક ઝનૂનથી થયેલ અને થનાર નુકશાનનો ખ્યાલ આપે છે. રેશનાલિઝમના કારણે દયા/પ્રેમ/કરુણા/વાત્સલ્યની લાગણીઓ સક્રિય બને છે. રેશનાલિઝમ આપણને દરેક માનવ તરફ સમાન વર્તન કરવાનું શિખવે છે.

રેશનાલિસ્ટ ક્યારેય કટ્ટરવાદી/જડવાદી વલણ સ્વીકારશે નહીં. આપણામાં વ્યાપેલી જડતા/ એક બીજા તરફ નફરત/ કટુતા/ જ્ઞાતિવાદ/જાતિવાદના માહોલમાંથી મુક્ત થવા માટે રેશનાલિઝમ જરુરી છે. આપણે પશુ જેવું જીવન જીવવા માગતા નથી; આપણે માનવ તરીકે અને ગૌરવપૂર્વક જીવન જીવવા ઈચ્છીએ છીએ; તે માટે રેશનાલિઝમ રસ્તો કરી આપે છે. સવાલ એ છે કે દુનિયાના તમામ ધર્મો/સંપ્રદાયવાદીઓ રેશનલ અભિગમનો વિરોધ કેમ કરે છે? એમને ડર છે કે જો માણસ જાગી જશે તો છેતરપિંડી બંધ થઈ જશે.

ફાધર સ્ટેન સ્વામી સરકારને આંખના કણાની માફક શામાટે ખટકતા હતા?-રમેશ સવાણી IPS ના લેખ.

દૈવીશક્તિ/અદ્રશ્યશક્તિ એ છેતરપિંડી છે. [ભાગ-2]

માણસ ઈશ્વરમાં માનતો કેમ થઈ જાય છે? બાળપણથી જ આપણા અજ્ઞાત ચિત્તમાં ધાર્મિક કથાઓ દ્વારા અસત્યો/વહેમો/ઈશ્વર જેવી કલ્પનાઓ સ્થાપિત કરી દેવામાં આવે છે. પુખ્ત વયે આ માન્યતાઓ મનમાંથી દૂર કરવી મુશ્કેલ બને છે. કોઈ હોસ્પિટલમાં હિન્દુ અને મુસ્લિમ મહિલાએ એક સાથે બાળકને જન્મ આપ્યો હોય; પરંતુ નર્સની ભૂલને કારણે બાળક બદલાઈ જાય; તો જન્મથી હિન્દુ બાળક મસ્જિદમાં જશે અને જન્મથી મુસ્લિમ બાળક મંદિરે જતો થઈ જશે ! ઈશ્વરની કલ્પનાનો જન્મ થયો કેવી રીતે? મનુષ્ય પોતે જે છે તે કરતાં કંઈક થોડો વધારે બનવા ઈચ્છે છે. આ ઈચ્છા તેની શક્તિ છે. શક્તિશાળી મનમાં જન્મતી કલ્પના જ મનુષ્યને આગળ અને આગળ ધકેલે છે.

હજારો વર્ષ પહેલાં એક શ્રેષ્ઠ મનુષ્યની કલ્પના કરી; તેને ‘ઈશ્વર’નું નામ આપવામાં આવ્યું. ઈશ્વરની કલ્પનાનો જન્મ ભયમાંથી થયો છે. મનુષ્ય જીવનની શરુઆતના વર્ષોમાં તેના રક્ષણ અને સલામતીનો પ્રશ્ન હતો. ભયભીત દશામાં તેણે જીવન ગુજારવું પડતું હતું. રક્ષણ માટે સમૂહ/ગામો બનવા લાગ્યા. સમાજ સંચાલન માટે નિયમો બન્યા. વ્યવસ્થા માટે શક્તિશાળી વ્યક્તિને રાજા બનાવ્યો. વિરાટ વિશ્વને જોતાં માનવીના મનમાં અનેક પ્રશ્નો ઊઠતા હતા. તેણે માન્યું કે નાનકડા સમાજના સંચાલન માટે ‘રાજવી’ છે તો વિશ્વના સંચાલન માટે કોઈ શક્તિશાળી તત્વ કામ કરી રહ્યું હશે; તેમાંથી ઈશ્વર/અલ્લાહ/ગોડની કલ્પના જન્મી ! જીવનની મૂંઝવણો સહન ન થતા માણસ ઈશ્વરના શરણે જાય છે.

ઈશ્વરની માન્યતાથી માનવીનો અહમ્ સંતોષાય છે. ઈશ્વર પાસે આપણે પગાર વધારો/લગ્નયોગ/સંતાનપ્રાપ્તિ/પરિક્ષામાં સફળતા/વાહનયોગ/વિદેશ પ્રવાસ/ચૂંટણીમાં વિજય/કોર્ટકેસમાં વિજય/પ્રધાનમંડળમાં સ્થાન/માંદગીમાંથી છૂટકારો/એવોર્ડ પ્રાપ્તિ વગેરે માંગીએ છીએ. દુનિયામાં 7 અબજ વસતિ છે. માની લઈએ કે 1 અબજ લોકો ઈશ્વર સમક્ષ 10 માંગણીઓ મૂકતા હોય અને તેમાંથી ઈશ્વર 50% માંગણીઓ મંજૂર રાખે એમ સ્વીકારીએ તો શું આ શક્ય છે? ઈશ્વર તમામ માંગણીઓને બાજુ ઉપર મૂકીને આપણા ઉપર જ કૃપા કરે તે એક પ્રકારનો અહમ્ છે. ઈશ્વરને માનીએ તો તેનું સર્જન કરનાર કોઈ સર્જનહાર હોવો જોઈએ; કેમકે શૂન્યમાંથી કંઈ સર્જન થતું નથી. સર્જનહારનો પણ સર્જનહાર હોવો જોઈએ; આમ ઈશ્વરની/સર્જનહારની અંતહીન હારમાળા સ્વીકારવી પડે ! સર્જનહાર હોવો જોઈએ, એ સિધ્ધાંત ખુદ જ એ સિધ્ધાંતને ખોટો ઠરાવે છે.

ઈશ્વર સર્વશક્તિમાન હોવા છતાં ભયંકર પાપ/ત્રાસ/દમન/ભૂખમરો/પૂર/વાવાઝોડાં/તોફાનો વગેરેનો ભોગ બનનાર માણસને ઈશ્વર જરા પણ મદદ કરતો નથી. આપણી આસપાસ ભયંકર પીડા/ગંદકી/અસમાનતા/અસ્પૃશ્યતા/તંગી/અવ્યવસ્થા/અન્યાય છે. પરમ કૃપાળુ ઈશ્વર આવી દુનિયા બનાવે? ઈશ્વર સર્વવ્યાપક હોય તો પવિત્ર સ્થળોએ ભ્રષ્ટાચાર/બળાત્કાર હોય? ઈશ્વર કરુણાસાગર હોય તો તેના દર્શને જતાં ભક્તો અકસ્માતમાં મૃત્યુ પામે? એક તરફ થોડા લોકો બંગલાઓમાં રહે છે; બીજી તરફ કરોડો લોકો ફૂટપાથ અને ઝૂપડપટ્ટીમાં રહે છે; રોજે કરોડો લોકો એક ટંક ભૂખ્યા રહે છે. શું ઈશ્વર આવી અસમાનતા સર્જતો હશે? જો ઈશ્વર અંતર્યામી હોય તો પ્રાર્થના કરવી પડે? ધર્મ/સંપ્રદાયો દૈવીશક્તિ/અદ્રશ્યશક્તિની વાત કરે છે; ચમત્કારોની વાત કરે છે. પરંતુ તે છેતરપિંડી છે. આજે માનવ સમાજે ઈન્ટરનેટ/મોબાઈલ/સેટેલાઈટ વગેરે ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરી છે, તે માનવશ્રમ અને વિજ્ઞાનને આભારી છે; તેમાં ધર્મશાસ્ત્રોની શક્તિનું યોગદાન શૂન્ય છે ! તમામ ચમત્કાર IPC મુજબ છેતરપિંડી છે ! જન્મે તેલુગુ બ્રાહ્મણ ગોરા એટલે કે ગોપુ રામચંદ્ર રાવ ઈશ્વર/કર્મવાદ/પુનર્જન્મ વગેરે માન્યતાઓના સખત વિરોધી હતા.

તેમના આ વિચારોના કારણે કોલેજમાંથી અધ્યાપકની નોકરી તેમણે ગુમાવી હતી. સગાવહાલાનો રોષ વહોરીને પોતાની પુત્રીને દલિત સાથે પરણાવી હતી. ગાંધીજી કહેતા હતા કે ‘ઈશ્વર સત્ય છે.’ પરંતુ ગોરાને મળ્યા પછી કહ્યું કે ‘સત્ય એ જ ઈશ્વર છે !’ રેશનલ વ્યક્તિ અચૂક નાસ્તિક હોય; પરંતુ નાસ્તિક રેશનલ ન પણ હોય. નાસ્તિકતા એ રેશનાલિઝમનું પ્રથમ પગથિયું કહી શકાય. રેશનાલિઝમ નાસ્તિકતાથી આંગળની અવસ્થા છે. નાસ્તિકમાં સદાચાર/નીતિ/દયા/કરુણા/સંવેદનાના ગુણો ન પણ હોય. ટૂંકમાં નાસ્તિકતા એ રેશનાલિઝમ નથી. રેશનાલિઝમમાં અનુભવવાદ-Empiricism ને મહત્વ નથી. અનુભવવાદના મતે સત્ય શોધવાનું એકમાત્ર શસ્ત્ર અનુભવ છે. જ્યારે રેશનાલિઝમના મતે કોઈ પણ સત્ય માત્ર અનુભવ પર આધારિત પૂર્ણ ન હોઈ શકે; કેમકે અનુભવ આત્મલક્ષી-Subjective હોય છે તેથી અપૂર્ણ કે ભૂલભરેલો હોઈ શકે. વિવેકબુદ્ધિ અને પ્રયોગથી જ પૂર્ણ સત્ય પામી શકાય.

પ્રત્યેક ધર્મકથાઓમાં ચમત્કાર જોવા મળે છે; ધર્મના પ્રચાર/પ્રસાર માટે એક યુક્તિ તરીકે ચમત્કાર જોડવામાં આવે છે. આપણે ધાર્મિક કર્મકાંડો પાછળ આપણા કિંમતી સંસાધનો/ધન/શ્રમને વેડફી નાખીએ છીએ. આપણે કરોડા ખર્ચે મંદિર/મસ્જિદ ઊભા કરીએ છીએ; પરંતુ યુનિવર્સિટી ઊભી કરવાનું આપણને સૂઝતું નથી ! ધર્મગુરુઓ/કથાકારો આપણા માનસમાં ઠસાવ્યા કરે છે કે ‘પૂર્વજન્મના કર્મોને કારણે તમે ગરીબ છો !’ વાસ્તવિકતા એ છે કે જમીન સુધારાના કાયદાનો અસરકારક અમલ કરવામાં આવે; જુદા જુદા વર્ગો વચ્ચે પ્રવર્તતી આવકની અસમાનતા દૂર કરવામાં આવે તો ગરીબીનો પ્રશ્ન હલ થઈ શકે તેમ છે. ગરીબી ઈશ્વર દૂર કરી શકે નહીં; આપણે જ દૂર કરી શકીએ ! CM ઢેબરભાઈએ ‘ખેડે તેની જમીન’ની નીતિનો અમલ કરાવી લાખો ખેડૂતોની ગરીબી દૂર કરી હતી. કોઈ કોર્પોરેટ કથાકાર ભૂમિ/જળ/આકાશમાં કથા કરીને આ કામ કરી શકે નહી.

અયોધ્યામાં રામમંદિર નિર્માણથી લોકોની ગરીબી દૂર ન થાય; સત્તાપક્ષના માત્ર અમુક લોકોને જ ફાયદો થાય ! એક પણ ધર્મ આજના પ્રશ્નોને ઉકેલી શકે તેમ નથી. અંધશ્રદ્ધાના વિરોધમાં રેશનાલિઝમ પૂરું થઈ જતું નથી. અંધશ્રદ્ધાના પર્દાફાશમાં રેશનાલિઝમ અટકી જતું નથી. રેશનાલિઝમનો ધ્યેય શું છે? અંધશ્રદ્ધાનું પાલનપોષણ કરનારા ધાર્મિકગ્રંથો/રુઢિચુસ્તતા/પૂર્વગ્રહો/વહેમોનું નિદાન કરવાનો છે. વૈજ્ઞાનિક/રેશનલ મિજાજ કેળવવાનો છે; વૈચારિક સજ્જતા કેળવવાનો છે. જ્ઞાતિ/જાતિ/ધર્મના ભેદભાવ દૂર થાય અને સ્વતંત્રતા/સમાનતા/બંધુત્વની સ્થાપના થાય તે રેશનાલિઝમનો ધ્યેય છે. રેશનાલિઝમ ઈચ્છે કે સ્વર્ગ તો ધરતી ઉપર જ હોવું જોઈએ.

શૂન્યની શોધ ભારતમાં ક્યારે અને કેવી રીતે થઈ હતી? જાણો આ વિશે સંપૂર્ણ માહિતી.

રેશનાલિસ્ટ/વિવેકપંથી શું દૂધે ધોયેલા હોય છે? [ભાગ-3, અંતિમ]

કેટલાંક લોકોને રેશનાલિઝમ વિશે ગેરસમજ હોય છે :-

 1. રેશનાલિસ્ટ લોકો દંભી હોય છે. તેઓ દૂધે ધોયેલા હોતા નથી.
 2. રેશનાલિસ્ટ લોકો સેક્યુલર હોવાનો દાવો કરે છે પરંતુ તેઓ ‘દંભી સેક્યુલર’ હોય છે.
 3. રેશનાલિસ્ટ લોકો પર્દાફાશના કાર્યક્રમો કરે છે; તેમાં પ્રચાર ભૂખ વધુ હોય છે.
 4. રેશનાલિસ્ટ નાસ્તિક હોય છે તેથી દારુ પીએ છે અને ન કરવાનું કરે છે.
 5. રેશનાલિસ્ટ લોકો ‘દંભી માનવવાદી’ હોય છે.
 6. રેશનાલિસ્ટ ગરમ મગજના હોય છે; બીજાની વાત સાંભળતા નથી.
 7. રેશનાલિસ્ટો સામ્યવાદીઓ/વામપંથી હોય છે.
 8. રેશનલ ગૃપ ‘ગોસિપ ક્લબ’ જેવી દેખાડાની પ્રવૃતિ કરે છે; માત્ર બૌદ્ધિક કસરત કરી આનંદ મેળવે છે. રેશનાલિસ્ટો બની બેઠેલાં હોય છે. જાતિવાદ સામે લડત ચલાવતા નથી.

આ બધી ફરિયાદોના જવાબો ‘ચાલો રેશનાલિઝમને સમજીએ’ પુસ્તિકામાંથી મળે છે. રેશનલ માણસ પરફેક્ટ ન પણ હોય, તેમના સ્વભાવના કારણે તે ધગી જતો પણ હોય ! તેમ છતાં બીજાની સરખામણીમાં રેશનલ વ્યક્તિ વધુ સંવેદનશીલ હોય છે. રેશનાલિઝમથી માનવીય લાગણીઓનું શુદ્ધીકરણ થાય છે. રેશનાલિસ્ટ વ્યક્તિ બીજી વ્યક્તિને માનવી તરીકે જૂએ છે. ફેસબૂક ઉપર રેશનલ ગૃપ છે- ‘અપના અડ્ડા.’ આ ગૃપથી નારાજ એક ફેસબૂક મિત્ર હંમેશા ‘નકલી રેશનાલિસ્ટ’/ ‘દંભી સેક્યુલર’/ ‘નકલી હ્યુમેનિસ્ટ’ની ફરિયાદ કરતા રહે છે ! કોઈ એક રેશનાલિસ્ટ વ્યક્તિ સાથેનો અનુભવ; બધા રેશનાલિસ્ટોને લાગુ પાડવાની વૃત્તિને પૂર્વગ્રહ કહી શકાય. કોઈ બાબતે કે વ્યક્તિ માટે અગાઉથી મત કે અભિપ્રાય બાંધવો તે રેશનાલિઝમને અસ્વીકાર્ય છે. રેશનાલિસ્ટ ખુલ્લું મન ધરાવે છે અને તેથી પોતાના મતથી વિરુધ્ધનો મત સમજવાનો તે પ્રયત્ન કરે છે.

પોતાનો મત પાછળથી ખોટો જણાય તો તે કબૂલ કરવામાં તેને સંકોચ નથી. રેશનાલિઝમ જીવનને પ્રગતિ તરફ દોરી જતો અભિગમ છે. રેશનાલિસ્ટ બીજી વ્યક્તિની લાગણીઓનો ખ્યાલ રાખે છે. રેશનાલિસ્ટ જડ હોઈ શકે નહીં. રેશનાલિસ્ટ રમણ પાઠકે કહ્યું હતું કે ‘ભલે હું ઈશ્વરમાં માનતો ન હોઉં; પરંતુ મારી માતા મંદિરે જવાનું કહે તો તેમને ખભે બેસાડીને મંદિરે લઈ જાઉં !’ રેશનાલિસ્ટ કોઈ એક વ્યક્તિ, વર્ગ, જૂથ કે રાષ્ટ્ર માટે નહીં; પરંતુ સમગ્ર માનવજાત માટે સંવેદનશીલ હોય છે. તેથી તેનો અભિગમ માનવવાદી હોય છે. રેશનાલિઝમ ‘વસુધૈવ કુટુમ્બકમ’માં માને છે. ધર્મ/ધર્મગુરુઓ કહે છે કે ઈશ્વરનું મનન કરવાથી નૈતિક ભાવના દ્રઢ થાય છે. રેશનાલિઝમ કહે છે કે આપણને જે નથી ગમતું તેવું વર્તન અન્ય સાથે ન કરવું !

રેશનાલિઝમ વિશે જે ગેરસમજ છે તેની સ્પષ્ટતા કરીએ :-

 1. રેશનાલિસ્ટ/વિવેકપંથી સંપૂર્ણ ન પણ હોય. પરંતુ તેના રેશનલ અભિગમનો તેમના બૌધ્ધિક અને સંવેદનાના વિકાસમાં નોંધપાત્ર ફાળો હોય છે. રેશનલ અભિગમ ધરાવનાર વ્યક્તિ પોતાના જીવનમાં આવતા પ્રશ્નોનો સફળતાપૂર્વક સામનો કરી શકે છે.
 2. રેશનલ વ્યક્તિ હંમેશા સેક્યુલર હોય છે; જો તે સેક્યુલર ન હોય તો તેને રેશનાલિસ્ટ કહી શકાય નહીં. સેક્યુલરિઝમ એ રેશનાલિઝમનું આવશ્યક તત્વ છે. સેક્યુલરિઝમ વિના રેશનાલિઝમ હોઈ શકે નહીં. ‘દંભી સેક્યુલર’ શબ્દ ધર્મઝનૂનીઓ રેશનાલિઝમનો વિરોધ કરવા વાપરે છે. મનના કોઈ ખૂણે મુસ્લિમો પ્રત્યે નફરત ભરી હોય તે વ્યક્તિ આ શબ્દનો ઉપયોગ કરે છે.
 3. અંધશ્રદ્ધાનો પર્દાફાશ કરનારા કોઈ રેશનાલિસ્ટમાં પ્રચાર ભૂખ હોઈ શકે; આ વાત બીજા રેશનાલિસ્ટોને લાગુ પાડી શકાય નહીં. એવા અનેક રેશનાલિસ્ટો છે જે પ્રચાર ભૂખ વિના માનવજાગૃતિનું કામ કરે છે. જેમકે જયંતિ પટેલ/બિપિન શ્રોફ/ભૂપેન્દ્રસિંહ રાઓલ/ડો. બી. એ. પરીખ/કિરણ ત્રિવેદી/અશ્વિન કારીઆ/ગોવિંદ મારુ વગેરે.
 4. નાસ્તિક વ્યક્તિ રેશનાલિસ્ટ ન પણ હોય. કોઈ નાસ્તિક અનીતિ આચરતા હોય તો તેને રેશનાલિસ્ટ કહી શકાય નહીં. દારુ પીવો તે અમુક ભૌગોલિક સીમામાં ગુનો બને છે; બીજે ગુનો બનતો નથી. પરમિટ લઈને કોઈ દારુ પીએ તો તેની સામે વાંધો હોઈ શકે નહીં.
 5. રેશનાલિસ્ટ દંભી માનવવાદી હોઈ શકે નહીં. ‘દંભી માનવવાદી’ શબ્દોનો પ્રયોગ ધાર્મિક કટ્ટરવાદીઓ કરે છે.
 6. રેશનાલિસ્ટ ગરમ મગજના હોઈ શકે છે; ઠંડા મગજના પણ હોય છે. આ સ્વભાવનો ગુણ છે. કોઈ એક વ્યક્તિના સ્વભાવના અનુભવના કારણે બીજા લોકો પ્રત્યે પૂર્વગ્રહ રાખવો ઉચિત નથી.
 7. રેશનાલિસ્ટો માનવવાદી હોય છે. જે વિચારધારાના કેન્દ્રમાં માનવ હોય; માનવને સુખી કરવાની ઝંખના હોય; માનવ ઉન્નતિનું કામ ઈશ્વર ઉપર છોડવાને બદલે માનવ પરિશ્રમથી કરવાનો આગ્રહ રાખનાર વિચારસરણી તરફ રેશનાલિસ્ટ ખેંચાય તે સ્વાભાવિક છે. પ્રારબ્ધવાદ/નસીબવાદ સાચો હોય તો નીતિની/ઈશ્વરકૃપાની/સ્વપસંદગી-Free Willની જરુર જ નથી. જે થવાનું હતું તે થઈને રહેવાનું હોય તો આ ત્રણેય નિર્રથક છે. જે સમાજ પ્રારબ્ધવાદી વિચારસરણીનો પુરસ્કાર કરે, એ સમાજની પ્રગતિ થઈ શકે નહીં.
 8. રેશનલ સંસ્થાઓ કે રેશનલ વ્યક્તિઓ માત્ર બૌદ્ધિક કસરત કરે છે, તેમ કહેવું ઉચિત નથી. કોઈ રેશનલ વ્યક્તિમાં માનવ સહજ મર્યાદા હોઈ શકે; પરંતુ તે કારણસર રેશનાલિઝમ ઉપર પ્રહાર કરવાની માનસિકતા છોડવી પડે. રેશનાલિસ્ટ બનવામાં કોઈ સામાજિક ફાયદો નથી; કેમકે એમને સમાજ/પરિવાર વગેરેના રુઢિચુસ્ત વિચારોનો સતત સામનો કરવો પડે છે; એટલે રેશનાલિસ્ટને ‘બની બેઠેલાં’ કહેવા તે વ્યાજબી નથી. માણસ પૂર્ણ હોઈ શકે નહીં; પરંતુ પૂર્ણતા તરફની ગતિનું સ્વાગત થવું જોઈએ. વિવેકબુદ્ધિની કસરત ઉપયોગી છે જ. એમાંથી સમાનતા/સ્વતંત્રતા/ન્યાયની ભાવના પ્રગટતી હોય છે.

હનીટ્રેપ દ્વારા સૈન્ય ના અધિકારીઓને જાળમાં ફસાવી જીતવામાં આવે છે યુદ્ધ. જાણો ભારતના સૈનિકો જોડે હનીટ્રેપ કઈ રીતે કરવામાં આવે છે.

આર્યસમાજે મૂર્તિપૂજાનો વિરોધ કર્યો; એ વિચારધારામાંથી આગળ જતા ભગતસિંહ અને બીજા રેશનાલિસ્ટ/માનવવાદી આપણને મળ્યા હતા. કોઈ પણ ક્રાન્તિના પાયામાં રેશનાલિઝમની મહત્વની ભૂમિકા હોય છે. રેશનાલિઝમ જ્ઞાતિ/જાતિ/ધર્મ/રંગ વગેરે ભેદભાવનો વિરોધ કરે છે. રેશનાલિઝમ જાતિવાદનો સખ્ત વિરોધ કરે છે. રેશનાલિઝમ થકી જ જાતિવાદને દૂર કરી શકાય; બીજો કોઈ રસ્તો નથી.

રેશનાલિઝમને સમજવા માટે ‘ચાલો સમજીએ રેશનાલિઝ’ ઈ.બૂક વાંચવી પડે. આ પુસ્તિકાના લેખક અશ્વિન ન. કારીઆ અને ઈ.બૂકના સર્જક ગોવિંદ મારુને ધન્યવાદ ઘટે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *