જ્યુડિશિયલ સિસ્ટમમાં રિનોવેશનની જરૂરિયાત અંગે ડો.ચિંતન વૈષ્ણવનો લેખ (ભાગ -2)

જ્યુડિશિયલ સિસ્ટમમાં રિનોવેશનની જરૂરિયાત (ભાગ -2)

કેટલાક વકીલો માત્ર જ નહીં પરંતુ ઘણાખરા સરકારી અધિકારીઓ અને ખૂદ સત્તાપક્ષ પણ નામદાર કોર્ટના વલણનો ગેરલાભ લેતા ઘણી વખત જોવા મળે છે. હમણાં જ તા.6 જુલાઇ ના રોજ ગુજરાત હાઇકોર્ટની માનનીય જસ્ટિસ પારડીવાળા સાહેબ અને માનનીય જસ્ટિસ નાણાવટીની ડબલ બેચ કોર્ટમાં અપીલ નંબર 1780/2017 નો ચુકાદો આવ્યો. જે મુજબ પ્રોબેશનનો મહત્તમ સમયગાળો પૂર્ણ થયા બાદ કર્મચારીને કાયમી જ ગણવાના રહે છે. હકીકત એ મુજબ હતી કે ગુજરાત સરકારના ન્યાય અને અધિકારિતા વિભાગમાં એક અધિકારીની વર્ષ 2002 માં નિમણૂંક કરવામાં આવેલ. તેમનો પ્રોબેશન પિરિયડ 2 વર્ષનો હોય. પરંતુ આ 2 વર્ષના સમયગાળામાં તેમણે ખાતાકીય પરીક્ષા પાસ કરેલ ન હોવાથી તેમનો પ્રોબેશન અલગ અલગ ઓર્ડર્સથી વધારાના 2 વર્ષ એટ્લે કે 2006 સુધી લંબાવવામાં આવ્યો.

પરંતુ ત્યારબાદ પણ વર્ષ 2008 સુધી તેમને કાયમી કરવાનો લેટર આપવામાં ન આવ્યો અને 2008 માં તેમની વર્તણુંક સારી ન હોવાનું બોગસ કારણ દર્શાવીને તેમને નોકરીમાથી કાઢી મૂકવામાં આવેલ. સરકારની આવી જોહુકમી સામે તેઓએ નામદાર હાઇકોર્ટમા સ્પેશિયલ સિવિલ પિટિશન દાખલ કરેલ અને વર્ષ 2017 માં એટ્લે કે લગભગ 9 વર્ષ જેટલા લાંબા સમયગાળા બાદ તેઓની તરફેણમાં ચુકાદો આવે છે. પરંતુ કોર્ટના ચુકાદા સામે સરકાર અપીલમાં જાય છે. જેનો ચુકાદો વધારાના 4 વર્ષ બાદ આવે છે અને જેમાં પણ તે અધિકારી વિજયી બને છે. નામદાર હાઇકોર્ટ દ્વારા તેમને ફરીથી તેમની જગ્યાએ નિમણૂંક આપવાનો હુકમ કરવામાં આવ્યો.

સત્યનો હંમેશા વિજય થાય છે એ વાક્ય બોલવામાં અને સાંભળવામાં આપણને ખૂબ સારું લાગે છે. પરંતુ મોડો મળેલો વિજય એક રીતે જોતાં પરાજય જ છે. જે-તે અધિકારીને હવે છેક 13 વર્ષ બાદ ફરીથી નિયુક્તિ મળશે. પોતે જે-તે સમયે મેળવેલી તાલીમમાથી તેને કેટલું યાદ હશે ? શું હવે તે પોતે સરકાર પ્રત્યે વફાદાર રહીને પોતાની ફરજ અદા કરી શકશે ? તેમની બેચના અન્ય અધિકારીઑ આગળ નીકળી ગયા હશે. સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જાહેર કરાયેલો એક પરિપત્ર છે કે જેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે કોઈપણ સંજોગોમાં ક્લાસ 1 અને 2 કક્ષાના અધિકારીઓનો પ્રોબેશન પિરિયડ એટ્લે કે અજમાયશી સમયગાળો 2 વર્ષથી વધારી શકાય નહીં.

જો તેમની કામગીરી કે વર્તણુંક યોગ્ય લાગતી ન હોય તો કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વિના પણ તેમનો નિયમાનુસારનો પ્રોબેશન પિરિયડ પૂરો થયા પહેલા તેમને નોકરીમાથી રુખસદ આપવાનો નિર્ણય કરી શકાય. પરંતુ એ પિરિયડ પૂર્ણ થયા બાદ એટલી સરળતાથી આવો ગંભીર નિર્ણય લઈ શકાતો નથી. સચિવાલયમાં બેઠેલા ઉચ્ચ અધિકારીઓ આ પરિપત્રથી બખૂબી વાકેફ છે પરંતુ તેમ છ્ત્તા પણ તેઓ જાણે છે કે પરિપત્ર કે નિયમો વિરુદ્ધનો નિર્ણય લઈશું તો પણ આપણને કઈ નુકસાન થવાનું નથી. જે-તે અધિકારી કોઈ મોટા રાજકીય નેતાને તાબે થયો ના હોય અથવા તો તેની કામગીરી સચિવાલયના અધિકારીઓને ખૂંચતી હોય ત્યારે આવા પ્રકારના હિટલરશાહી નિર્ણયો લેવામાં આવતા હોય છે. આવું થવાનું કારણ છે આપણી જ્યુડિશિયરી સિસ્ટમની કેટલીક નબળાઈઓ.

ભારતના બંધારણમાં આર્ટિકલ ૧૫ શું છે? જાણો બંધારણ વિશે.

મારો ખુદનો કેસ પણ કઈક આવો જ છે. મારી નિમણૂંક વર્ષ 2011 માં મહેસૂલ વિભાગમાં થયેલી. નિયમાનુસાર મારો પ્રોબેશન પિરિયડ વર્ષ 2013 માં પૂરો થાય પરંતુ જે-તે સમયના અમારા વિભાગના ઉચ્ચ અધિકારીઓએ મારી ઉપર વાહિયાત મુદ્દાઓ કાઢીને ખાતાકીય તપાસ શરૂ કરાવેલ. જેનો મારા તરફથી પ્રત્યુત્તર અપાઈ ગયા બાદ પણ લગભગ સાડા ત્રણ વર્ષ સુધી તેમણે કોઈ નિર્ણય લીધો નહીં અને મારૂ પ્રકરણ ટેબલ પર મૂકી રાખ્યું. બદલામાં ખાતાકીય તપાસ હજુ શરૂ હોવાનું નિયમ વિરૂદ્ધનું કારણ આપીને મારો પ્રોબેશન વર્ષ 2015 સુધી કાગળ ઉપર લંબાવે રાખ્યો. પરંતુ ત્યારબાદ અમારી બેચને નાયબ કલેક્ટરનું પ્રમોશન આવતું હોય મારા તરફથી કેટલીક અપેક્ષાઓને કારણે મારા પ્રોબેશન બાબતે કે તપાસ બાબતે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નહીં.

અમારી આખી બેચને વર્ષ 2016 માં પ્રમોશન આપવામાં આવ્યું પરંતુ મને તદ્દન નિર્દોષ હોવા છ્ત્તા બાકાત રાખવામા આવ્યો. અંતે એક મોટા રાજકીય નેતા સાથે વર્ષ 2018 ના અંત ભાગમાં ઇસ્યુ ઊભો થતાં તેમનો ઇગો હર્ટ થવાથી તેમણે મહેસૂલ વિભાગમાં મારી કારકિર્દીને નુકસાન કરવા માટે રાજકીય અને મોટા ઉધોગપતિઓ મારફત પ્રેશર કરાવતા સચિવાલયમાં કામ કરતાં કેટલાક ડરપોક અને સ્વાર્થી અધિકારીઓએ તદ્દન ગેરવ્યાજબી અને ખોટી રીતે મારો પ્રોબેશન પૂરો થયો ન હોવાનું જણાવીને મને 8 વર્ષ બાદ વગર નોટિસે નોકરીમાથી બરતરફ કરી નાંખ્યો.

નિયમો અને પરીપત્રોથી માહિતગાર હોવા છ્ત્તા અને કોર્ટમા સરકાર કેસ હારશે તેની ખાતરી હોવા છ્ત્તા માત્ર એટલા માટે કે કોર્ટના ધક્કા ખાઈખાઈને હું હેરાન થાવ, પગાર બંધ થઈ જવાથી ઘરનું ગુજરાન ચલાવવામાં મને પરેશાની થાય, મારો પરિવાર દુ:ખી થાય, કોર્ટમાં તારીખો પડે રાખે જેથી જલ્દી ચુકાદો આવે નહીં એટ્લે જેટલા વર્ષ પસાર કરી શકાય એટલા કરવા, જો હું જીતી જાવ તો સરકાર અપીલમાં જાય એટ્લે થોડા બીજા વર્ષો પણ ખેંચી શકાય, 12-15 વર્ષે હું ઉચ્ચ ન્યાયાલયમાંથી પણ જો જીતીને આવું અને ફરીથી મને લેવો પડે તો ત્યારે મારો જોશ અને જુસ્સો પણ પહેલા જેવો રહ્યો ન હોય… વગેરે ફાયદાઓ જોઈને સચિવાલયના ઉચ્ચ અધિકારીઓએ મંત્રીના કહેવાથી ફટાફટ સહી કરીને મારી કારકિર્દીનો વધ કરી નાંખ્યો.

જો નામદાર કોર્ટ આવા કિસ્સાઓમાં કડક વલણ અપનાવે અને વગર વિચાર્યે અને નિયમ વિરુદ્ધના હુકમો કરનાર સરકારી અધિકારીઓ સહિત આખી ચેનલમાં સંકળાયેલા તમામ કર્મચારીઓની ઉપર પગલાં લેવા માંડે તો કોર્ટમાં આવા ખોટા કેસોનો ભરાવો થતો ઓછો થઈ જાય. નિર્દોષ વ્યક્તિઓનો વધ થતો અટકી જાય. આ લેખનો પહેલો ભાગ વાંચ્યા બાદ આવા જ કેટલાય કિસ્સાઓ કેટલાય લોકોએ મારી પાસે દિલ ખોલીને રજૂ કર્યા છે. એ દરેકને વાચા આપવી શક્ય નથી. હું તો મને ખુદને થયેલા કેટલાક કડવા અનુભવો આ પ્લેટફોર્મ ઉપરથી આપ સૌને જણાવવા માંગુ છું.

અત્યારે હોંશિયાર લોકો કોર્ટના ખભે બંધુક રાખીને બીજા માથે ફોડવાનું હલકું કૃત્ય કરી રહ્યા છે. શા માટે કોર્ટમાં ચુકાદાઓ આવતા વર્ષો લાગી જાય છે ? શા માટે આપણા દેશમાં ન્યાય મેળવવો સૌથી મોંઘો બની ગયો છે ? ખેતરમાં જવા આવવાના રસ્તા બાબતના સાવ મામૂલી કેસોનો ચુકાદો આવતા આવતા 5-6 વર્ષ પસાર થઈ જાય છે. કોઈ કેસનો ચુકાદો આવે એ પહેલા તો ફરિયાદીનું અવસાન થઈ જાય છે અને કેસ દફતરે થઈ જતો હોય છે અથવા તો આખી પેઢી જ બદલાઈ જતી હોય છે. અંગ્રેજોના સમયમાં સ્થાપિત આપણી ન્યાયની આખી પધ્ધતિમાં હવે સમૂળગો ફેરફાર કરવાની તાતી જરૂર છે.

કોર્ટોમાં પડતાં વેકેશન બંધ થવા જોઈએ. કોમન સેન્સની વાત છે કે જ્યારે લાખોની સંખ્યામાં કેસ પેન્ડિંગ હોય ત્યારે વેકેશન હોય ?? કઈ સરકારી કચેરીમાં વેકેશન હોય છે મને બતાવો ચલો… તો પછી કોર્ટોમાં શા માટે ? અલગ અલગ પ્રકારના કેસોમાં જેવો વ્યક્તિ એવી ફી નું ધોરણ ચાલુ છે. જેને બદલે ફી નું એક નિશ્ચિત ધોરણ નિયત થયેલું હોવું જોઈએ. કોઈ વકીલશ્રી પાસે કેસનું ભારણ વધારે છે તો કોઈ પાસે બિલકુલ ઓછું. બધાને સમાન કામ મળે એવું કેમ ન થઈ શકે ? જો શિક્ષક બનવા માટે બી.એડ. કર્યા બાદ ટેટ કે ટાટ ની પરીક્ષા આપવી પડે અને એ પાસ કરો પછી જ સરકારી સ્કૂલોમાં શિક્ષક બની શકાય, તો એવી જ રીતે એલ.એલ.બી. કર્યા બાદ ક્વોલિફાઇંગ પરીક્ષા પાસ કર્યા પછી જ કોર્ટમાં પ્રેક્ટિસ કરી શકાય એવો કોઈ નિયમ કેમ ન બની શકે ?

જ્યુડિશિયલ સિસ્ટમમાં રિનોવેશનની જરૂરિયાત અંગે ડો.ચિંતન વૈષ્ણવનો લેખ (ભાગ -1)

હું દાવા સાથે કહી શકું છું કે કોઈપણ જિલ્લાની કોર્ટમાં પ્રેક્ટિસ કરતાં વકીલશ્રીઓ પૈકીનાં અડધાથી વધારે વકીલોને કાયદાની અગત્યની કલમો વિષે પણ જ્ઞાન નથી. કેટલાય હજુ સુધી ભારતનું બંધારણ પણ સમજેલ નથી. આવા વકીલોના ચુંગલમાં અરજદાર આવી જાય છે અને પછી બિચારો વર્ષો સુધી તડપે છે. શું એવું ન થઈ શકે કે દરેક અરજદારને પરીક્ષા પાસ કરેલ સરકારમાન્ય વકીલ ફાળવવાની જવાબદારી કોર્ટ પોતાના હસ્તક જ રાખે ? ક્રમબદ્ધ વકીલોને એક પછી એક કેસ મળતા જાય. કોઈને કેસ લેવો ન હોય તો એ પોતાની રીતે સ્વતંત્ર. આવું કઈક નવીનીકરણ કરીશું તો જ ન્યાયનો વેપલો બંધ થશે. આ સિવાય નીચલી કોર્ટોમાં જજોની સંખ્યા વધારીને કોર્ટનું ભારણ ઘટાડી શકાય. રાત્રિ કોર્ટો શરૂ કરી શકાય. કેસ નિકાલનો માસિક ટાર્ગેટ આપી શકાય. કોઈ એક ચુકાદો આવ્યો તો પછી તેને લગત એકસમાન બાબતે કોર્ટમાં પેન્ડિંગ તમામ કેસોનો તત્કાલ નિકાલ લાવી શકાય.

ઉદાહરણ તરીકે પ્રોબશન પિરિયડ બાદ નોકરીમાથી કાઢી શકાય નહીં એ બાબતે ચુકાદો આવ્યો તો પછી હાલ જેટલા પણ અધિકારીઓને સરકારે પ્રોબેશન પિરિયડ બાદ છૂટ્ટા કર્યા હોય અને તેઓએ નામદાર કોર્ટ સમક્ષ પિટિશન ફાઇલ કરેલી હોય તેવા તમામ કેસોનો ચુકાદો તાબડતોબ આપવો જોઈએ. માફ કરશો પણ “ખોટું બોલું તો ભગવાન પહોંચે” વાળું વિધાન હવે હાસ્યાસ્પદ લાગે છે. સરકારી વકીલોનો સમય લેવામાં અને એમને બ્રીફ કરવામાં સરકારી અધિકારીઓને નાકે દમ થઈ જાય છે. આથી દરેક જીલ્લામાં લો-ઓફિસરની નિમણૂંક ફરજિયાત કરવી જોઈએ. ગુજરાત હાઇકોર્ટમાં તમામ કેસોની લેખિત અને દલીલની ભાષા ગુજરાતી જ રાખવી જોઈએ. જેથી કરીને અભણ અને અંગ્રેજી નહીં જાણનાર અરજદાર પણ પોતાના કેસની પ્રોગ્રેસ સમજી શકે. અન્યથા તેને પોતાના વકીલના દોરવાયા જ દોરવાવું પડે છે.

ગુસ્સો અને લાચારી ત્યારે અનુભવાય છે કે જ્યારે નિર્ભયાકાંડના આરોપીઓના કેસ લડવા કોઈ વકીલ તૈયાર થાય છે. જ્યારે એમના ઉપર કેસ ચલાવીને કોર્ટ અને લોકોનો કિંમતી સમય બગાડવામાં આવે છે. જ્યારે આતંકવાદી કસાબ જેવાના કેસ કોર્ટમાં ચાલે છે ત્યારે ખરેખર એવું લાગે છે કે આ આતંકવાદીઓને જીવતા પકડવા જ ન જોઈએ. મોટી મોટી ભાષણબાજી કરવાથી કે ચૂંટણીઓ સમયે ચીજ વસ્તુઓના ભાવોમાં ઘટાડો કરવાથી કે મેટ્રો ટ્રેન લાવવાથી દેશ મહાસત્તા નથી બનતો ભાઈ…. બળાત્કારીઓને અને આતંકવાદીઓને જાહેરમાં ભડાકે દેવાથી દેશ મહાસત્તા બને છે. શીખો કઇંક ચીન અને ઇઝરાઈલ પાસેથી…. મને એ નથી સમજાતું કે પોતાના સમાજ અને પોતાના હક માટે કરીને લોકશાહી દેશના એક નાગરિક તરીકે આગેવાની લેનાર અને લડત ચલાવનાર એક નવયુવાન ઉપર રાષ્ટ્રદ્રોહનો કેસ કરવાનો હોય કે આતંકવાદીઓના કેસ લડનાર એડ્વોકેટ ઉપર ??? (વધુ આવતા અંકે…)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *