ગાંઠિયાની રેંકડી ચલાવતા પિતાના સફળ પુત્રની સત્યકથા ડો.ચિંતન વૈષ્ણવનો લેખ મહેનતની ખેતીમાં એકાગ્રતાનું બીજ.

મહેનતની ખેતીમાં એકાગ્રતાનું બીજ (ગાંઠિયાની રેંકડી ચલાવતા પિતાના સફળ પુત્રની સત્યકથા)

સૌરાષ્ટ્રમાં સૌથી પ્રખ્યાત અને નંબર 1 ફરસાણ કોઈ હોય તો એ છે ગાંઠિયા. સૌથી વધારે વેંચાણ થતું હોય એવું ફરસાણ ગાંઠિયા ખાધા નહીં હોય એવું તો ભાગ્યે જ કોઈ હશે. અમારે કાઠિયાવાડીઓને તો સવારે કે સાંજે નાસ્તામાં દર બે-ત્રણ દિવસે ગાંઠિયા જોઈએ જ. અમે અલગ અલગ પ્રકારના ગાંઠિયા ખાવાના શોખીન. જેવા કે, વણેલા, લાંબા, ફાફડી, ઝીણા, જાડા, ટમટમ, નાયલોન, મરીવાળા, તીખા… અમારે જૂનાગઢમાં કાળવાચોક, બસસ્ટેન્ડ, દોલતપરા, મોતિબાગ…

આ બધા વિસ્તારો એવા છે કે તમને સાંજના 6 થી રાત્રિના 12 વાગ્યા સુધીમાં ઢગલો લારીઓ જોવા મળે કે જેમાં ગરમા ગરમ ગાંઠિયા તમને ખાવા મળે. સાથે હોય પપૈયાં કે ગાજરનો સંભારો, કાકડી કે કોબી નો સંભારો અને કઢી કે ચટણી. મજા જ પડી જાય ગાંઠિયા ખાવાની. સાથે જલેબી પણ મળે. છાશ પણ મળે. અહી સવારના સમયમાં દુકાનોમાં ગાંઠીયાનો વેપાર સારો ચાલે અને સાંજના સમયે લારીવાળાનો વેપાર ધમધમે.

મારા જોડીદાર એવા જય કેરિયર એકેડેમીના ડાયરેક્ટર પરસભાઈ સંઘવી પણ ગાંઠિયા ખાવાના ભારે શોખીન. ભૂતનાથ મંદિર પાસે દોમડિયાવાડી નજીક એક ભાઈના ગાંઠિયા અને સંભારો બહુ વખણાય. આવનાર ગ્રાહકોને બહુ પ્રેમથી અને ગણતરી વગર હોંશે હોંશે ગાંઠિયા ખવરાવે છે એવી માહિતીના આધારે ત્યાં એક દિવસ ભાઈબંધો સાથે પારસભાઈ પહોચ્યા ગાંઠિયાનો આનંદ લેવા. ગાંઠિયાનો ઓર્ડર આપ્યો અને એટલી તો મોજ પડી ભાઈને કે 3 જણા વચ્ચે 1.5 કિલો ગાંઠિયા ઉડાવી ગયા. વાતો વાતોમાં ગાંઠિયાવાળા ભાઇનું નામ શાંતિલાલ પાબારી હતું અને એમને 2 દીકરાઓ હતા, મોટો દીકરો ગ્રેજ્યુએટ થઈ ગયો હતો અને નાનો હજુ અભ્યાસ કરતો હતો એવું પારસભાઈને જાણવા મળ્યું

પારસભાઈ સ્વભાવે બહુ નિખાલસ અને મળતાવડા. એ ગમે તે ઉંમરના વ્યક્તિ સાથે ભાઈબંધી કરી લે. આ દીવસ પછી તો પારસભાઈ દર 2-3 દિવસે શાંતિલાલ પાસે ગાંઠિયા ખાવા જવા લાગ્યા. માણસ પ્રેમનો ભૂખ્યો હોય છે. એમાં પણ પ્રેમથી કોઈ ગાંઠિયા ખવરાવતું હોય પછી તો પૂરું થઈ ગયું. ત્યાં વારંવાર જવું જ પડે. એક દિવસ શાંતિલાલ પોતાના દીકરાઓની ચિંતા પારસભાઈ પાસે વ્યક્ત કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે, “પારસભાઈ, બેય દીકરાઓ મોટા થવા લાગ્યા છે. એમના જીવનમાં કોઈ લક્ષ્ય નથી. એમને ખુદને ખ્યાલ નથી કે તેઓ ભવિષ્યમાં શું કરવા માંગે છે?

નાનો તો હજુ ભણે છે પણ મોટો દીકરો જયેશ અત્યારે એક ખાનગી કંપનીમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરવા જાય છે. પરંતુ પ્રાઈવેટ નોકરીમાં પગારધોરણ બહુ ઓછું હોય છે. કામના કલાકો અનિયમિત હોય છે. પ્રમોશન અને પગાર વધારો કંપનીના ઉપરના સાહેબોના મળતીયાઓને જ મળતા હોય છે. આ નોકરીમાં કોઈ સલામતી પણ નથી. હું નથી ઇચ્છતો કે મે જોયેલા દુ:ખના દિવસો મારા દીકરાઓને પણ જોવા પડે. મારે એમને ગાંઠિયા વણતા નથી જોવા. પારસભાઈ તમે કઈક સલાહ આપો કે મારે શું કરવું જોઈએ?”

પારસભાઈ એ એમને સલાહ આપતા જણાવ્યુ કે, “શાંતિભાઈ, તમે તમારા મોટા દીકરા જયેશને આવતા રવિવારે મારી એકેડેમીએ મોકલો સવારે 10 વાગે. અમે યુવાનોને સરકારી નોકરી માટે તૈયાર કરીએ છીએ. આવતા રવિવારે એક ફ્રી માર્ગદર્શન સેમિનાર રાખેલો છે. એમાં મામલતદાર ચિંતન વૈષ્ણવ સાહેબ વિધાર્થીઓને માનદ માર્ગદર્શન આપવા પધારવાના છે. સાહેબને સાંભળીને કેટલાય યુવાનોને યોગ્ય રાહ મળી છે અને હાલ સરકારી નોકરીમાં લાગી ગયા છે અને સુખેથી જીવન જીવે છે. એક વખત જયેશને સરકારી નોકરી મેળવવાની ધૂન સવાર થઈ ગઈ પછી તમારું ટેન્શન કાયમ માટે દૂર થઈ જશે. એના મગજ પર ધૂન સવાર કરવી એ અમારું કામ છે , તમે બસ એને રવિવારે મોકલો.”

શાંતિલાલ આજે પોતાની લારી વહેલી સંકેલીને વહેલા વહેલા ઘેરે પહોંચી જાય છે. જયેશ સાથે શાંતિથી વાત કરીને તેને સરકારી નોકરી મેળવવા બાબતે અને મહેનત કરવા તેમજ રવિવારે જય કેરિઅર એકેડેમીમાં જઈને સેમિનાર ભરવા માટે સમજાવે છે. જયેશ તેના પપ્પા સાથે દલીલ કરતાં જણાવે છે કે, “પપ્પા સરકારી નોકરી મેળવવી સહેલી નથી. લોકો એવું પણ કહે છે કે પૈસા આપવા પડે ત્યારે સરકારી નોકરી મળે છે. આપણે પૈસા ક્યાથી કાઢીશું?” શાંતિલાલ જયેશને તેના જન્મથી લઈને આજદિન સુધીના દિવસોની વાત કરે છે. તે કહે છે કે, “જયેશ, તારો જન્મ 6 જૂન 1988 ના રોજ જૂનાગઢમાં સરકારી દવાખાનામાં થયો હતો. આપણી આર્થિક પરિસ્થિતી બહુ સારી ન હતી.

થોડો સમય છૂટક મજૂરીના કામો કર્યા બાદ મને થયું કે આના કરતાં તો પોતાનો કોઈ નાનો ધંધો કરવો સારો. એટ્લે મે મારા એક મિત્ર પાસેથી થોડા પૈસા ઉછીના માંગીને ગાંઠિયાની લારી શરૂ કરી. છેલ્લા 17 વર્ષથી હું લોકોને ગાંઠિયા ખવરાવીને તમારું પેટ ભરું છુ અને તમને ભણાવું છુ. ઘણી ઇચ્છાઓ મારી હતી પરંતુ હું તમને જે-જે સગવડતાઓ આપવા માંગતો હતો તે નથી આપી શક્યો તેનો મને ભારોભાર અફસોસ આજે પણ છે બેટા..

..તને નાનપણમાં ખાનગી સ્કૂલોમાં ભણાવવાનો ખર્ચો મે અને તારા મમ્મીએ કઈ રીતે ઉઠાવ્યો છે એ અમે જ જાણીએ છીએ. અમે લગભગ એકપણ દિવાળીમાં નવા કપડાં ક્યારેય લીધા નથી. છેલ્લે છેલ્લે આર્થિક પરિસ્થિતી થોડી વિકટ હતી એટ્લે તને સરકારી શાળામાં બેસાડવો પડેલ. મારી ઇચ્છા તને રાજકોટ કે અમદાવાદની નામાંકિત કોલેજમાં એડમિશન અપાવવાની હતી પરંતુ નાણાકીય પીઠબળ ન હોવાથી કોલેજ નું શિક્ષણ પણ સરકારી કોલેજમાથી તારે પૂરું કરવું પડેલ. તારી અને તારા નાનાભાઈની યુવાની મારી જેમ મજૂરી કરવામાં પસાર થાય એવું હું કે તારી મમ્મી નથી ઇચ્છતા.

ખાનગી નોકરીમાં બેટા શોષણ સિવાય કશું નથી. હવે પારસભાઈ અને એની એકેડેમી આપણે માટે છેલ્લી આશા છે. પૈસા આપો તો જ સરકારી નોકરી મળે એવું નથી બેટા. તું મારા અને તારી મમ્મીના ખાતર એકવાર સેમિનારમાં જા. તને અનુકૂળ નહીં આવે તો હું ક્યારેય તને આ બાબતે બીજીવાર ફોર્સ નહીં કરું.”

શાંતિલાલ પોતે ખાસ ભણેલા હતા નહીં પરંતુ ગણેલા અને ખાસ તો ઘડાયેલા હતા. એમણે જયેશને માનાવી લીધો. એ જાણતા હતા કે, જો મોટા દીકરાની કારકિર્દી બની જશે તો નાનાની આપોઆપ એની પાછળ બની જ જશે. હાલ એમણે મોટા દીકરામાં જ મહેનત કરવાની હતી. જયેશે પણ કહ્યું કે, “પપ્પા આપ કહો છો તો હું આ રવિવારે ચોક્કસ જય કેરિઅર માં જતો આવીશ.” મમ્મી-પપ્પાના આશીર્વાદ મેળવીને રવિવારે જયેશ સેમિનારમાં ભાગ લેવા આવ્યો. પૂરેપુરી 3 કલાકનો સેમિનાર તેણે ભર્યો અને એના જીવનમાં એકાએક એક પરીવર્તન આવ્યું. તેણે સેમિનાર ભર્યા બાદ ઘેરે જઈને તેના પપ્પાને જણાવી દીધું કે, “હું સરકારી નોકરી મેળવવા માટે મહેનત કરવા માંગું છુ.

મારે જય કેરિયર એકેડેમીમાં એડમિશન મેળવવું છે. તમે પારસભાઈ સાથે વાત કરો.” બીજે જ દિવસે શાંતિલાલ પારસભાઈને ફોન કરીને જયેશને એડમિશન આપવા બાબતે વાત કરે છે. પારસભાઈ તેમને જણાવે છે કે, “અત્યારે જે બેચ શરૂ થવા જઇ રહી છે એ GPSC માટેની છે. હજુ જયેશની શરૂઆત છે એટ્લે તમે એને આ બેચમાં નહીં પણ આવતા મહિનેથી શરૂ થતી નવી જનરલ બેચમાં મોકલો.” નવા મહિને થી શરૂ થતી જનરલ બેચમાં તે પ્રવેશ મેળવે છે. ફી બાબતે પણ પારસભાઈ એમના સ્વભાવ મુજબ શકય એટલી જયેશને મદદ પણ કરે છે. એકેડેમીના અભ્યાસની સાથોસાથ જયેશ ઘરખર્ચમાં મદદરૂપ થવા પોતાની નોકરી પણ શરૂ રાખે છે અને આ દરમિયાન જયેશ પોતાનું એક્સટર્નલ એમ.એ. પણ પૂરું કરે છે.

જયેશ અભ્યાસમાં એવરેજ વિધાર્થી હતો. ધોરણ 10, 12 અને કોલેજમાં તેની ટકાવારી એવરેજ 60% આસપાસ હતી અને ધોરણ 12 માં તો જયેશ એક વિષયમાં નાપાસ પણ થયો હતો. આર્ટ્સમાં ભણેલા જયેશના ગણિત, રિઝનિંગ જેવા વિષયો થોડા નબળા હતા. પરંતુ એકેડેમીના અનુભવી અને વિષય નિષ્ણાંત શિક્ષકો પાસે ભણીને તે આ વિષયોમાં પકડ બનાવી લે છે. બેચ પૂરી થયા બાદ પણ સતત ઘેરે પણ પોતાના સમય પત્રક મુજબ અભ્યાસ શરૂ રાખે છે.

જયેશ મારા અને પારસભાઈના સતત સંપર્કમાં રહે છે. તે પરીક્ષાઓ આપતો રહે છે પરંતુ તેને સફળતા મળતી નથી હોતી. આવા સમયે અમારું કામ આવા વિધાર્થીઑ પોતાનું લક્ષ્યવેધ કરવાના વિચારો છોડીને પોતાનો માર્ગ તો નથી બદલી નાંખતા ને એ જોવાનું હોય છે. હું તેને હંમેશા કહેતો કે, “કુદરત જે કરે છે એ હંમેશા આપણાં સારા માટે જ હોય છે. તમને આ નોકરી નથી મળી તો તમારા નસીબમાં આનાથી પણ વધારે સારી નોકરી લખી હશે. તમે કર્મ કરે રાખો, ફળની આશા છોડી દો.” મારા સ્વભાવ મુજબ નવી શરૂ થતી બેચમાં મે પારસભાઈને કહીને જયેશને કોઈપણ પ્રકારની ફી ભર્યા વગર એડમિશન આપવા પણ જણાવેલ.

અમે આ પ્રકારની એન્ટ્રીને વાઇલ્ડકાર્ડ એન્ટ્રી નામ આપ્યું છે. ધગશવાળા અને મહેનત કરવામાં પાછીપાની કરે નહીં તેવા અમારા વિધાર્થીઓને અમે દરેક નવી બેચમાં સામેથી ફોન કરીને બોલાવીએ છીએ અને એમને ફ્રી માં ભણાવતા હોઈએ છીએ. આવા કેટલાય કિસ્સાઓમાં અમને સફળતા મળ્યાના પણ દાખલાઓ છે. શાંતિલાલને કહીને જયેશને ફરીથી ભણવા બોલાવવામાં આવ્યો. એ સમયે ગુજરાત હાઇકોર્ટ દ્વારા ક્લાર્કની ભરતી બહાર પડેલ. જયેશે પણ તેમાં ફોર્મ ભરેલું. કોર્ટ દ્વારા પરીક્ષા લેવામાં આવી અને જયેશ પ્રિલિમ પરીક્ષામાં ઉતીર્ણ થઈને બીજી પરીક્ષા માટે ક્વોલિફાઇ થયો. આ સમયે તેની ખાનગી નોકરી પણ શરૂ હતી. તેણે બીજી અને મુખ્ય પરીક્ષા પાસ કરવા ખૂબ મહેનત કરી. તેણે ખાનગી નોકરીમાં પણ લાંબી અને કપાત પગરી રજા માંગી લીધી.

એક દિવસ હાઇકોર્ટ ક્લાર્ક ભરતીનું બીજી પરીક્ષાનું પણ પરિણામ આવે છે અને જયેશ તેમાં પણ પોતાની કાબેલિયતના આધારે મૌખિક ઇન્ટરવ્યુ માટે પસંદ થાય છે. ઘણા લોકો ઇન્ટરવ્યુને ખાસ મહત્વ નથી આપતા. પરંતુ રૂબરૂ મુલાકાત માટે પસંદગી પામેલા ઉમેદવારોમાથી જે-તે પોસ્ટ માટે લાયક ઉમેદવાર પસંદ કરવાની આ પ્રક્રિયા ખૂબ જ મહત્વ ધરાવે છે. આ સમયે તમારો સ્વભાવ, વર્તણુંક, કોઈ બાબત પ્રત્યે તમારી વિચારશક્તિ, વાણી-વર્તન, નિખાલસતા, નિર્ણય લેવાની ક્ષમતા વગેરે જેવા ગુણોની ચકાસણી થતી હોય છે. એકાદ પ્રશ્નના જવાબમાં જો નબળું બોલાઈ ગયું કે ન બોલવાનું બોલાઈ ગયું તો મહામૂલી સરકારી નોકરીથી હાથ ધોઈ નાંખવાનો વારો આવતો હોય છે.

અમે વર્ષોથી એક નિયમ રાખ્યો છે કે, કોઈપણ ભરતીમાં ઇન્ટરવ્યુ સુધી પહોચેલા ઉમેદવારોને વિનામુલ્યે ઇન્ટરવ્યુ અંગેનું માર્ગદર્શન આપવાના લેકચર ગોઠવવા અને વિવિધ અધિકારીઓને બોલાવીને તેમની પાસે 3 થી 4 વખત મોક ઇન્ટરવ્યુ લેવરાવવા. આવું કરવાથી ઉમેદવારમાથી ઇન્ટરવ્યુનો ભય દૂર થતો હોય છે. જયેશ અને તેની સાથે પાસ થયેલા તમામ ઉમેદવારો માટે પણ પારસભાઈએ ઇન્ટરવ્યુ માર્ગદર્શન અને મોક ઇન્ટરવ્યુના આયોજનો કરેલા. હું પણ રવિવારની રજાઓમાં વિધાર્થીઓને માર્ગદર્શન આપવા માટે સ્વખર્ચે જુનાગઢ આવતો અને એમને શક્ય તેટલું ઉપયોગી થવા પ્રયત્ન કરતો. જયેશે અમે સૂચવેલા તમામ મુદ્દાઓ ઉપર બખૂબી કામ કરી બતાવ્યુ. હવે તે આખરી રાઉન્ડમાં હતો. કિનારે આવીને નાવડી ડૂબી જાય એ પાલવે તેમ ન હતું. જયેશ પોતાના રૂબરૂ મુલાકાતના દિવસે પોતાનું શ્રેષ્ઠ આપી આવે છે અને પરિણામની આતુરતાથી રાહ જોવા લાગે છે.

આખરે એ દિવસ આવી જાય છે અને હાઇકોર્ટ ક્લાર્ક ભરતીનું અંતિમ પરિણામ બહાર પડે છે. કોઈપણ જાતની લાગવગ કે પૈસા આપ્યા વગર માત્ર પોતાના મેરીટ અને મહેનત આધારે જયેશ પાબારી તેના માતાપિતાનું સપનું પૂરું કરવામાં સફળ નીવડે છે. તેની કોર્ટ ક્લાર્ક તરીકે પસંદગી થઈ જાય છે. પૂરા પગાર સાથે અને કાયમી સલામતી વાળી નોકરી તેને મળે છે. આ દિવસ શાંતિલાલ, જયેશ અને તેમના પરિવાર માટે સૌથી શ્રેષ્ઠ અને ખુશીનો દિવસ હતો.

તા.22 જૂન 2015 ના રોજ જયેશ પોતાના જ ગામ જૂનાગઢની કોર્ટમાં હાજર થાય છે. પોતાના સરકારી નોકરીના પ્રથમ દિવસનો અનુભવ તેને માટે કાયમી યાદગીરી હોવાનું તે જણાવે છે. પોતાની સફળતામાં યોગદાન બદલ પરિવાર ઉપરાંત પારસભાઈ, વેરાવળ નગરપાલિકાના હાલના ચીફ ઓફિસર જતિન મહેતા તેમજ ડો.ચિંતન વૈષ્ણવ એટ્લે કે મારો આભાર માને છે. શાંતિલાલે 20 વર્ષ સુધી ગાંઠિયાની લારી ચલાવી અને જયેશને સરકારી નોકરી અપાવી. આજે જયેશે તેના પિતાને ગાંઠિયાની લારી પરથી નિવૃત કરી દીધા છે. ઘરની સંપૂર્ણ જવાબદારી અને નાના ભાઈની કારકિર્દી બનાવવાની જવાબદારી તેણે પોતાના માથે ઉઠાવી લીધી છે. જૂનાગઢનાં પ્રતિષ્ઠિત એવા રાયજી નગર વિસ્તારમાં લોન ઉપર પોતે એક સરસ મજાનો ફ્લેટ પણ ખરીદી લીધો છે. સહપરિવાર આજે બધા ખૂબ ખુશીથી જીવન વ્યતીત કરી રહ્યા છે.

જયેશ જેવો દીકરો મળવા બદલ શાંતિલાલ અને તેના ધર્મપત્ની દક્ષાબેન આજે પોતાની જાતને ધન્ય અનુભવે છે. સામે છેડે જયેશ પોતાને આવા મા-બાપ મળ્યા તે બદલ જલારામબાપાને મનોમન વંદન કરે છે. હાલ નોકરી ઉપરાંત છેલ્લા 8 વર્ષોથી જલારામ ભક્તિધામમાં સક્રિય કાર્યકર તરીકે સેવાકાર્ય સાથે પણ જયેશ જોડાયેલ છે. યુવાનોને નાસીપાસ થયા વગર અને એક યોગ્ય માર્ગદર્શક શોધીને એમના માર્ગદર્શન અનુસાર સતત મહેનત કરતાં રહેવાનો સંદેશ પાઠવે છે. જયેશ પાબારી કેટલાય ગરીબ અને સામાન્ય પરિવારમાં જન્મેલા અને ઉછરેલા યુવાનો માટે પ્રેરણાનું એક ઝરણું છે. ઘણી વખત ઈશ્વર આપણી ધીરજની કસોટી પણ કરતો હોય છે. જેનામાં શ્રદ્ધા અને સબૂરીના ગુણ હોય છે એ લક્ષ્યવેધ કરવામાં ચોક્કસ સફળ નીવડે છે. મને મારા વિધાર્થી જયેશ પાબારી ઉપર ગર્વ છે.

ડૉ. ચિંતન વૈષ્ણવ લિખિત મોટીવેશનલ પુસ્તક “લક્ષ્યવેધ-૧” માંથી આ સત્યવાર્તા લેવામાં આવેલ છે. આવી જ અન્ય સત્ય સંઘર્ષ કથાઓનો જેમાં સમાવેશ છે એવું પુસ્તક “લક્ષ્યવેધ” મેળવવા 8980035034 પર આપનું નામ સરનામું અને પુસ્તકનું નામ Whats app કરશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *