ભારતની રાજનીતિમાં હાહાકાર મચાવનાર પેગાસસ સ્પાયવેર અંગે જાણો.

ભારતની રાજનીતિમાં હાહાકાર મચાવનાર ઇઝરાયેલનું પેગાસસ સ્પાયવેર શું છે ? તેમજ આ સ્પાયવેરથી બચવા શું કરવું જોઈએ?,જાણો અહીં વિગતવાર.

શું છે પેગાસસ સ્પાયવેર ? :- પેગાસસ એક શક્તિશાળી સ્પાયવેર સોફ્ટવેર છે. જે મોબાઈલ તેમજ કમ્પ્યુટરમાંથી ગોપનીય અને વ્યક્તિગત માહિતી ચોરી શકે છે અને હેકર્સ સુધી પહોંચાડી શકે છે. આને સ્પાયવેર કહેવા પાછળનું કારણ એ છે કે, તેને કોઈપણ વ્યક્તિના ફોનમાં મોકલીને તેની જાસૂસી કરી શકાય છે. પેગાસસ બનાવનારી કંપની એનએસઓ (NSO) નું કહેવું છે કે, તેઓ આ સ્પાયવેર અધિકૃત રીતે માત્ર સરકારોને જ વેચવામાં આવે છે. પેગાસસ દ્વારા iOS તેમજ એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલતા કોઈપણ ફોન હેક કરી શકાય છે. જ્યારબાદ તેમાંથી ફોનનો ડેટા, ઈ-મેઈલ, કોલ રેકોર્ડ્સ, ફોટોગ્રાફ્સ સહિત તમામ ગતિવિધિઓ હેકર્સ સુધી પહોંચાડવામાં આવે છે.

કઈ રીતે થાય છે જાસૂસી ? :- જો પેગાસસ સ્પાયવેર આપના ફોનમાં આવી ગયો હોય તો તમે ૨૪ કલાક હેકર્સની નજર હેઠળ હશો. તેઓ તમને મળતા મેસેજિસને પણ કોપી કરી શકે છે. આ સ્પાયવેર તમારા ફોનમાં રહેલા ફોટોગ્રાફ્સ અને ફોન કોલ્સના રેકોર્ડિંગ્સ પણ તાત્કાલિક ધોરણે હેકર્સ સુધી પહોંચાડી શકે છે. આ સ્પાયવેરમાં માઈક્રોફોન એક્ટિવ કરવાની પણ ક્ષમતા છે. જેથી તમારો ફોન જ્યારે પણ આસપાસમાં હોય ત્યારે તમે શું બોલી રહ્યા છો, તે પણ હેકર્સ સાંભળી શકશે. આ સ્પાયવેર માત્ર કોઈ લિંક પર ક્લિક કરવાથી જ નહિં, પરંતુ માત્ર એખ મિસકોલથી પણ એક્ટિવ થઈ શકે છે.

શું છે ભારતીય કાયદાઓની જોગવાઈ :- ભારતમાં ઈન્ડીયન ટેલિગ્રાફ એક્ટ,૧૮૮૫ ના સેક્શન ૫(૨) મુજબ, કેન્દ્ર અને રાજ્ય સરકારો પાસે માત્ર ફોન ટેપિંગ કરવાનો અધિકાર છે. જો સરકારના પોલીસ કે ઈન્કમ ટેક્સ વિભાગને લાગે કે કાયદાઓનું ઉલ્લંઘન થઈ રહ્યું છે, તો તેઓ ફોન ટેપ કરી શકે છે. આઈટી એક્ટ અંતર્ગત મોબાઈલ કે કમ્પ્યુટરમાં કોઈપણ પ્રકારના વાયરસ અને સોફ્ટવેર થકી જાસૂસી કરવી ગેરકાયદેસર છે. આ હેકિંગની શ્રેણીમાં આવે છે, જે અપરાધ છે.

ગ્રીક દંતકથાઓમાં છે ‘પેગાસસ’નો ઉલ્લેખ :- હાલમાં પેગાસસ જાસૂસી માટેના સ્પાયવેર તરીકે અહેવાલોમાં છે, પરંતુ ગ્રીક દંતકથાઓમાં તેનો અર્થ થાય છે દિવ્ય શક્તિથી યુક્ત પાંખો ધરાવતો ઘોડો. ગ્રીક દંતકથાઓમાં પેગાસસના અદ્ભુત કારનામાઓનો ઉલ્લેખ છે. ઈઝરાયેલી કંપનીએ પોતાના સ્પાયવેરનું નામ આ ગ્રીક દંતકથાઓ પરથી જ રાખ્યું છે.

પેગાસસ વાઇરસથી બચવા માટે શું કરવું જોઈએ? :- જો તમારી પાસે એક સ્માર્ટફોન છે અને તે ઇન્ટરનેટ સાથે જોડાયેલો છે તો તમારી પ્રાઈવસી સુરક્ષિત રહે એવું ખૂબ ઓછું જોવા મળે છે કારણ કે તમે અત્યારે જે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વાપરો છો તેમાં તમને જાહેરાતો બતાવવા અને પ્રોડક્ટને સુધારવા માટે તમારી એક્ટિવિટી ટ્રેક થતી રહે છે.

તેના ઉપાયો :-

  • તમારે થર્ડપાર્ટી વેબસાઇટ પરથી કોઈ પણ Apk ફાઈલો ન ડાઉનલોડ કરવી જોઈએ, તમારે Google Play Store નો ઉપયોગ કરવો જોઈએ.
  • તમારે અજાણ્યા મેસેજ કે ઈમેલ પર આવતી લિન્ક પર ક્લિક ન કરવું જોઈએ અને વગર કામની સ્કીમમાં પણ ભાગ ન લેવો જોઈએ.
  • તમારે એક અલગ નંબર અને જે ખૂબ જ અલગ દેખાતો હોય તેને ન ઉપાડવો જોઈએ તેના માટે તમે કોલર-આઈડી એપનો ઉપયોગ કરી શકો છો.
  • તમે કોઈ સારું VPN નો પણ ઉપયોગ કરી શકો છો પણ મફત VPN સર્વિસ એટલી સારી નથી હોતી.
  • તમે પોતાના મોબાઇલના OS અને તેમાં રહેલી એપ્લિકેશનને અપડેટ કરતાં રહો જેથી જો સ્પાઇવેર તમારા સોફ્ટવેરના જૂના વર્ઝન માટે હોય અને તમે તમારા OSને અપડેટ કરી લો તો તે નવા વર્ઝન માટે કામ નહીં કરી શકે.

આવા ઘણા પગલાં તમારે અનુસરવા જોઈએ અને ધ્યાન રાખવું જોઈએ તો આશા છે કે આજે તમારી ઘણી મૂંઝવણ દૂર થઈ હશે અને તમને આ પેગાસસ સ્પાઇવેર વિશે જાણવા મળ્યું હશે. તેથી આ માહિતી તમારા મિત્રોને પણ શેર કરો જેથી તમારા મિત્રો પણ સુરક્ષિત રહી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *