PASA અંગે પ્રાથમિક સમજણ આપવા હેતું સરળ શબ્દોમાં લખવામાં આવેલ ગુંડા વિરોધી કાયદો 1985-ડો.ચિંતન વૈષ્ણવ.

ગુંડા વિરોધી કાયદો – 1985 (ગુજરાત અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા બાબત કાયદો)

ગુજરાત અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવાનો કાયદો 1985 કે જેને આપણે Prevention Of Antisocial Activities Act ટૂંકમાં PASA તરીકે ઓળખીએ છીએ. આપણે ઘણીવાર સાંભળીએ છીએ અથવા સમાચારપત્રોના માધ્યમથી જાણવા મળે છે કે, કલેકટરે ફલાણાને PASA હેઠળ જેલમાં મોકલી દીધો પરંતુ આવો નિર્ણય લેવાનું કારણ કે પછી કાયદાની જોગવાઇઓ વિષે જાણતા નથી હોતા. પ્રસ્તુત લેખમાં આપણે આ કાયદા વિષે પ્રાથમિક સમજ કેળવીશું અને આપણે માટે જાણવી જરૂરી છે તેવી કેટલીક જોગવાઇઓ વિષે માહિતી મેળવીશું.

આ કાયદા અંતર્ગત (1) દારૂનો ગેરકાયદેસર ધંધો કરનારા, દારૂનો સંગ્રહ કે હેરફેર કરનારા (2) ઔષધ ગુનહેગારો એટ્લે કે, ડ્રગ્સ તથા આયુર્વેદિક કે યુનાની દવાઓનો ગેરકાયદેસર ધંધો કરનારા (3) ભારતીય ફોજદારી અધિનિયમના પ્રકરણ 16 અને 17 ના ગુનાઓ કરેલ વ્યક્તિઓ એટ્લે કે , માનવ શરીરને અસરકર્તા ગુનાઓ જેવાકે મનુષ્યવધ કોઈને આપઘાત માટે પ્રેરવું, ગર્ભપાત કરાવવા મજબૂર કરવું, મહાવ્યથા, અપહરણ કરવું, બળાત્કાર, મિલકત ચોરી, લૂંટ, ધાડ, ઠગાઇ વગેરે ગુન્હાઓ કરનાર (4) ઇમોરલ ટ્રાફિક હેઠળના ગુન્હાઓ વારંવાર કરનાર એટ્લે કે, અનૈતિક સ્ત્રી વેપાર કરનારા તથા (5) જમીનની મિલકત પર અનધિકૃત કબ્જો કરીને જમીન પચાવી પાડનારા… અપરાધીઓ ઉપર પગલાં ભરવામાં આવતા હોય છે.

સામાન્ય પ્રજામાં અસલામતીની લાગણી પ્રવર્તતી હોય તેમજ લોકોના જાનમાલને ગંભીર અને વ્યાપક પ્રમાણમાં ભય ઉદભવતો હોય અને જાહેર વ્યવસ્થા જાળવવામાં બાધ આવતો હોય તેવી પ્રવૃત્તિઓ અટકાવવાના હેતુસર આ કાયદો અમલમાં આવેલ છે.

જુગાર પ્રતિબંધ કાયદાની કલમ-4 મુજબ જુગારનો અડ્ડો ચલાવનાર વ્યક્તિની તેમજ મુંબઈ પશુ સંરક્ષણ અધિનિયમ-1954ની કલમ-8 હેઠળ શિક્ષાપાત્ર ગુન્હાઓ કરનારાઓ સામે આ કાયદા હેઠળ પગલાં ભરવા નવા સુધારાથી સૂચના થયેલ છે.

આ પ્રકારના ગુન્હાઓ અટકાવવા માટે ગુન્હેગારોની અટકાયત કરવા માટે આ કાયદાની કલમ-3(2) હેઠળ પોલીસ કમિશનરોને તેમજ જિલ્લા મેજિસ્ટ્રેટોને સત્તા આપવામાં આવેલ છે.

જીલ્લામાં પોલીસ ઈન્સ્પેકટરો પોતાના જિલ્લા પોલીસ વડા મારફતે ડી.એમ. ને આવા પ્રકારના ગુન્હેગારો સામેની અટકાયત અંગેની દરખાસ્ત, દસ્તાવેજી પુરાવાઑ સાથે મોકલવામાં આવે છે. જેમના દ્વારા આ દરખાસ્તોનું અવલોકન કરીને અટકાયતી હુકમો કરવામાં આવતા હોય છે અને તેની જાણ અટકાયતના કારણોસહ રાજ્ય સરકારને કરતાં હોય છે.

12 દિવસની અંદર રાજ્ય સરકાર મંજૂરી આપે છે. કલમ-4 હેઠળ આવા હુકમોની બજવણી કરવાની જોગવાઈ હોય છે. અટકાયત થયા બાદ નક્કી થયા મુજબના જિલ્લાની જેલમાં અટકાયતિને મોકલવામાં આવે છે.

જો કોઇ આરોપી ફરાર થઈ જાય તો, તેના ઉપર CrPC ની કલમ-82 થી 85 હેઠળની જોગવાઈ મુજબ મિલકતની જપ્તી અને વેંચાણ જેવા પગલાઓ લેવામાં આવે છે.

અટકાયતિને વધુમાં વધુ 1 વર્ષની મુદ્દત માટે અટકાયત હેઠળ રાખી શકાશે અને આવા હુકમો થયા બાદ તેને પરત ખેંચવાની સત્તા માત્ર રાજ્ય સરકાર પાસે જ રહેલી છે.

આ કાયદાની કલમ-9 હેઠળ અટકાયત કરવાના કારણોની જાણ અટકાયતિને તુરંત જ કરવાની રહે છે, જેથી રાજ્ય સરકાર પાસે તેને રજૂઆત કરવાની તક મળી શકે.

રાજ્ય સરકાર આ કાયદાના હેતુ માટે સલાહકાર બોર્ડની રચના કરે છે. જેના અધ્યક્ષ તરીકે હાઇકોર્ટના ન્યાયાધીશ/ પૂર્વ ન્યાયાધીશને નિમણૂક આપવામાં આવતી હોય છે.

રાજ્ય સરકારે ત્રણ અઠવાડિયાની અંદરમાં હુકમના કારણો અને રિપોર્ટ, પાસા બોર્ડ સમક્ષ રજૂ કરવાના રહે છે. ત્યારબાદ બોર્ડ દ્વારા અટકાયતિને રૂબરૂમાં સાંભળ્યા બાદ અટકાયતની તારીખથી 7 અઠવાડિયાની અંદર સરકારને પોતાનો રિપોર્ટ રજૂ કરશે.

જો અટકાયતમાં રાખવા માટે પૂરતું કારણ નથી તેવો રિપોર્ટ સરકારને મળે તો રાજ્ય સરકાર પોતાનો હુકમ રદ કરશે અન્યથા અટકાયત ચાલુ રહેશે.

કોઈપણ રાષ્ટ્ર કે રાજ્યમાં આંતરિક સલામતીની સુરક્ષા ન હોય તો તે રાષ્ટ્ર કે રાજ્ય પ્રગતિ કરી શકે નહિ અને સમૃદ્ધ બની શકે નહીં. આંતરિક સલામતિનો ખતરો બાહ્ય તત્વો તેમજ આંતરિક તત્વો બંનેથી કાયમી રહે છે.

અસામાજિક પ્રવૃત્તિઓ કરતાં તત્વો સામે કડક હાથે પગલાઓ ભરાવા જ જોઈએ પરંતુ સાથોસાથ આ કાયદાનો દુરુપયોગ ન થાય એ પણ જોવું રહ્યું. આ કાયદાઓના ખરા ઉપયોગ સમયે રાજકીય દખલગીરી ટાળવામાં આવે તો આ કાયદાથી ઘણે અંશે અંકુશ લાવી શકાય.

ઉકત લેખ PASA અંગે માત્ર પ્રાથમિક સમજણ આપવા હેતું સરળ શબ્દોમાં લખવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *