ચેમ્બર ટ્રસ્ટમાં સરકારી વહીવટદારની નિમણુંક કરવા જોઇન્ટ ચેરીટી કમિશનરમાં અરજી.

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ડેવેલોપમેન્ટ સેન્ટર ગુજરાત ચેરીટી કમિશ્નરમાં નોંધાયેલ ટ્રસ્ટ છે. વર્ષ ૨૦૦૧ માં આ ટ્રસ્ટની રચના કરવામાં આવી હતી, ત્યારથી અત્યાર સુધી ૨૦ વર્ષના સમયગાળામાં ફક્ત ૫ વ્યક્તિઓ જ ટ્રસ્ટી તરીકે PTR માં નોંધાયેલ છે. અને વર્ષોથી આ ૫ પૈકી ૪ ટ્રસ્ટીઓ જ વહીવટ કરી રહ્યા છે. સરકાર દ્વારા રાહત દરે આપવામાં આવેલ જમીન પર ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવેલ સારસાણા કન્વેન્શન સેન્ટર ( ડોમ ) માં કરોડો રૂપિયાનો ગેર વહીવટ થતો હોવાનો આક્ષે પણ લાગેલ છે.

સુરત શહેરના જાગૃત નાગરિક શ્રી સંજય ઇઝાવા દ્વારા RTI એક્ટ અંતર્ગત મેળવી લીધેલ માહિતી ના અધારે ચેમ્બર ટ્રસ્ટ દ્વારા સરકાર શ્રી પાસેથી મોટા પ્રોજેક્ટો પેટે મેળવી લીધેલ કરોડોના નાણાકીય સહાયમાં મોટા પાયે ગેરરીતિઓ થયેલ છે તે જાણવા મળ્યું. જે અનુસંધાને ફક્ત ૪ વ્યક્તિઓ થઈને ચલાવી રહેલ આ ટ્રસ્ટના ગેર વહીવટમાં રોક લગાવવા સંજય ઇઝાવા દ્વારા જોઇન્ટ ચેરીટી કમિશનરમાં અરજી કરીને ન્યાયની માંગણી કરેલ છે.

જમીન ફાળવણી પહેલા સરકાર દ્વારા કરવામાં આવેલ હુકમ મુજબ ઘણા નિયમો અને શરતોનું પાલન ચેમ્બર ટ્રસ્ટ ને કરવાનું હોય છે. પણ છેલ્લા ૨૦ વર્ષ થી સદર ટ્રસ્ટ દ્વારા સરકારશ્રીની ઘણી શરતોનું ભંગ કરાયું છે, જેમાં નીચે મુજબના નિયમ ભંગ ફરિયાદમાં ઉલ્લેખ કરેલ છે.

 1. મુંબઈ પબ્લિક ચેરીટબલ ટ્રસ્ટ ૧૯૫૦, કલમ ૩૬ (૧) ક ની જોગવાઈ મુજબ કોઈ પણ સ્થાવર મિલકતનું કોઈ વેચાણ, ગીરો, વિનિમય અથવા બક્ષીસ ચેરીટી કમિશ્નરશ્રીના પૂર્વ મંજૂરી વગર કરવાના નથી અથવા કલમ ખ ની જોગવાઈ મુજબ બિન ખેતી અથવા મકાન બાબતમાં ૩ વર્ષ કરતા વધુ મુદ્દતના ભાડા પટે પણ ચેરીટી કમિશ્નરશ્રીની પૂર્વ મંજૂરી આવશ્યક છે. તેમ છતાં ઉક્ત પક્ષકારોએ સદરહુ ટ્રસ્ટની માલિકીની જમીન ઉપર ચેરીટી કમિશ્નરશ્રીની પૂર્વ મંજૂરી વગર આ ટ્રસ્ટની નોંધાયેલ જમીન ઉપર ૬ (છ) માળનું બિલ્ડીંગ બાંધી દેવામાં આવ્યું છે.
 2. તારીખ ૧૦.૦૮.૨૦૦૫ ના રોજ ક્રમાંક : એ/બખપ/ટ્રેડ સેન્ટર / વશી ૧૩૮૭ થી ૧૩૯૭/૦૫ થી સુરત કલેકટર કચેરી માંથી કરેલ હુકમના શરત ન. ૭ મુજબ “આ જમીન મહેસુલ વિભાગના ઠરાવ ક્રમાંક : જમન/૨૦૮૯/સી.એમ.આર/૭૩/ગ તારીખ ૨૨.૦૬.૨૦૦૪ ઠરાવની જોગવાઈઓ અને અન્ય પ્રવર્તમાન હુકમોની શરતો એ નવી અને અવિભાજન વિક્રીયાદિત નીયંત્રિત શરતે ફાળવવામાં આવી હોવાથી કલેકટર શ્રી ની પૂર્વ મંજુરી વગર કોઈ પણ ઇસમ કે સંસ્થાને વેચાણ/ગીરો/બક્ષીશ કે અન્ય રીતે તબદીલ કરી શકશો નહી”.
 3. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી – SGCCI સાથે થયેલ કરાર અનવયે સદર બિલ્ડીંગમાં ૯૯ વર્ષ ના લીઝ પર ઓફીસ ફાળવી દીધેલ છે, જે અંતર્ગત રૂ. ૨.૦૭ કરોડ ટ્રસ્ટ દ્વારા સ્વીકારેલ છે. જેવી રીતે ધી સીન્થેટીક એન્ડ રેયોન ટેક્ષ્સ્ટાઈલ એક્ષ્પોરટ પ્રોમોશન કાઉન્સિલ- પાસેથી રૂપિયા. ૧.૯૮ કરોડ, ક્રેડાઈ સુરત ( સુરત બીલ્ડેર અસોસિએશન ) પાસેથી રૂ.૧.૦૧ કરોડ, સુરત પીડિયાટ્રીક એસોસીએશન રૂ. ૫૨ લાખ, જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન પાસે થી રૂ.૯૦ લાખ, સાઉથ ગુજરાત ઇવેન્ટ મેનેજમેન્ટ એસોસીએશન પાસેથી રૂ. ૯૪ હાજર, સાઉથ ગુજરાત પ્રોડકટીવીટી કાઉન્સીલ પાસથી રૂ. ૫૫ લાખ, સાઉથ ગુજરાત નીટર્સ એસોસીએશન પાસેથી રૂ. ૪૩ હાજર, સાઉથ ગુજરાત ટેક્સ્ટયુરઈસેર વેલ્ફેર એસોસીએશન પસેથી રૂ. ૮૪ હજાર લઈને ફૂળે ૭ કરોડ ૨૫ લાખ થી પણ વધારે રકમ ગેર કાયદેસર ઉઘરાવી ચુક્યા છે.
 4. સરકારશ્રીનાં તા: ૧૦.૦૮.૨૦૦૫ના મૂળ હુકમના શરત ન. ૧ મુજબ આ ટ્રસ્ટમાં ત્રણ સરકારી પ્રતિનિધિ (૧). કમિશ્નરશ્રી ટ્રેડ એન્ડ કોર્મસ, (૨) ઉધોગ કમિશ્નરશ્રી અને (૩) કલેકટરશ્રી, સુરતના ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે નિમણૂંક કરવાની હતી પરંતુ સરકાર શ્રી પાસેથી મળેલ કરોડો રૂપિયાનું ગેર વહીવટ કરવા તથા ટ્રસ્ટ માં થનાર આવક માં ભ્રષ્ટાચાર કરવાના ઈરાદાથી આ ટ્રસ્ટનાં ટ્રસ્ટીઓ એ સરકારશ્રીની આ શરતનું પાલન કરેલ નથી.
 5. સરકારશ્રીની શરતો મુજબ ટ્રસ્ટે ૬૦% જમીન ખુલ્લી રાખી ત્યાં લેન્ડસ્કેપિંગ કરી વનીકરણ કરવાનું હતું. પરંતુ ટ્રસ્ટીઓએ કોઈપણ જાતનાં વૃક્ષો ન રોપી ખુલ્લી જગ્યાનો માત્ર પાર્કિંગ તરીકે ઉપયોગ કરી લાખો રૂપિયા પાર્કિંગ ચાર્જ તરીકે વસૂલી લોકોનાં ખીસા ખાલી કર્યા છે. આ અંગે આગળ પણ ચેમ્બર ટ્રસ્ટ સામે દંડનીય કાર્યવાહી સરકાર તરફથી થયેલ હોવા છતાં આજ દિન સુધી કોઈ વનીકરણ કરવામાં આવેલ નથી.
 6. સરકાર શ્રીના હુકમ ના વિરુદ્ધની પ્રવૃત્તિઓ જેવી કે ગરબા – નવરાત્રી, લગ્ન સમારંભો તેમજ અન્ય ઉજવણીઓ ડોમ માં કરાવી રહ્યા છે.

ઉપરોકત તમામ ગેરરીતિઓ પુરાવા સાથે જોઇન્ટ ચેરીટી કમિશનરમાં રજુકરીને અરજદાર દ્વારા નીચે મુજબની દાદ માંગવામાં આવેલ છે.

 1. ઉપર જણાવેલ આ ટ્રસ્ટની જમીન ઉપર ૬ ( છ) માળનું બિલ્ડીંગ બંધાયેલ છે. એ બિલ્ડીંગમાં ચેરીટી કમિશ્નરશ્રીની પરવાનગી વગર આ ટ્રસ્ટનાં કોઈપણ ટ્રસ્ટી /ટ્રસ્ટીઓ કોઈપણ ઇસમ / સંસ્થાને કોઈપણ પ્રકારનો કબજો ભોગવટો આપે અપાવે નહી તેમજ તબદીલી બાબતે કોઈપણ પ્રકારનાં લખાણ જેવા કે, વેચાણ, ગીરો, બક્ષીસ, ભાડાપટે વિગેરે કરે કરાવે નહીં તેવો હુકમ કરવા દાદ માંગેલ છે.
 2. ટ્રસ્ટનાં ગેરવહીવટ બાબત હાલ PTR ઉપર નોંધાયેલ તમામ ટ્રસ્ટીઓની ટ્રસ્ટીશીપ રદ બાતલ કરવી, તેમજ કોઈપણ પ્રકારનાં ઠરાવ મારફત નિમાયેલા તમામ ટ્રસ્ટીઓને પણ આ ટ્રસ્ટનાં ટ્રસ્ટી ન ગણવા હુકમ કરવા દાદ માંગેલ છે.
 3. આ ટ્રસ્ટનાં તમામ એજન્ડાબુકો, તમામ ઠરાવબુકો, તમામ હિસાબી ચોપડાઓ આપ સાહેબશ્રીની દેખરેખ હેઠળ રહે એ રીતે કસ્ટડીમાં મુકવા તેમજ આ ટ્રસ્ટનો વહીવટ કરવા માટે તાત્કાલિક ધોરણે વહીવટદાર નીમવા દાદ માંગેલ છે.
 4. આ ટ્રસ્ટનાં તમામ વહીવટો હાલના ટ્રસ્ટીઓ પાસે થી લઈને સરકારી વહીવટદારની નિમણુંક કરવા દાદ માંગેલ છે.
 5. આ ટ્રસ્ટ તેમજ એને સંલગ્ન કોઈપણ કંપની કે સંસ્થાના તમામ નાણાંકીય વહેવારો એટલે કે, તમામ હિસાબી કામકાજો, થયેલાં ઠરાવો તેમજ કરારો એ તમામનું CAG જેવી તટસ્થ સંસ્થા પાસે ઓડીટ કરાવવાનો હુકમ કરવા દાદ માંગેલ છે.
 6. આ ટ્રસ્ટનો વહીવટ કોઇપણ આજીવન ટ્રસ્ટી પાસે ન રહેતાં લોકશાહી પધ્ધતિ દ્વારા દર ત્રણ વર્ષે ટ્રસ્ટીઓ નિવૃત્ત થાય તે મુજબ બંધારણમાં સુધારો કરવાનો હુકમ કરવા દાદ માંગેલ છે.
 7. આ ટ્રસ્ટનો વહીવટ કોઇપણ વ્યક્તિ આજીવન ટ્રસ્ટી ન રહે અને લોકશાહી પધ્ધતિ જળવાઈ રહે તે માટે સદર ટ્રસ્ટમાં સભ્યો બનાવવા (લાઈફ મેમ્બર, પેટ્રન વિગેરે) માટે બંધારણમાં સુધારો કરવા દાદ માંગેલ છે.

સદર ન્યાય પરચુરણ અરજી ફાઈલે સ્વીકારી જોઈન્ટ ચેરીટી કમિશ્નર શ્રી દ્વારા નોટીસ જારી કરીને ચેમ્બર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ પાસેથી તારીખ ૨૯.૦૯.૨૦૨૧ ના રોજ જવાબ લઈને હાજર રહેવા માટે હુકમ કરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *