સરકારી વિશ્રામગૃહો તેમજ અતિથિગૃહોનું કડવું સત્ય દર્શાવી સનસની મચાવતો ડો.ચિંતન વૈષ્ણવનો લેખ

સરકારી વિશ્રામગૃહો તેમજ અતિથિગૃહોનું કડવું સત્ય.

ગુજરાતનાં લગભગ તમામ જિલ્લાઓ અને તાલુકાઓના વડા મથકે સરકારી ગેસ્ટ હાઉસ આપણને જોવા મળે છે. સરકારી તંત્રના માર્ગ અને મકાન વિભાગ તેમજ પંચાયત વિભાગ દ્વારા આવા પ્રકારના ગેસ્ટ હાઉસનું સંચાલન કરવામાં આવતું હોય છે. ઘણી જગ્યાઓ પર ફોરેસ્ટ વિભાગના પણ રેસ્ટ હાઉસ જોવા મળે છે. આપણે સામાન્ય રીતે આ ગેસ્ટ હાઉસને સર્કિટ હાઉસ તરીકે ઓળખીએ છીએ. આજે મારે આ સર્કિટ હાઉસ બનાવવાના બેઝીક હેતુઓ વિષે અને વાસ્તવમાં સર્કિટ હાઉસમાં કેવી કેવી પ્રવૃત્તિઓ ચાલે છે અને તેનો કેવો ઉપયોગ-દુરૂપિયોગ કરવામાં આવી રહ્યો છે એ બાબતે ચર્ચા કરવી છે.

સર્કિટ હાઉસ ઉપરાંત આપણે ત્યાં કેટલાક શહેરોમાં વિશ્રામ ગૃહો, આરામ ગૃહો, ગુજરાત ભવનો તેમજ પથિકાશ્રમ પણ કાર્યરત છે. ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ તરફથી જે વ્યક્તિઓને વખતોવખત મહાનુભાવો તરીકે જાહેર કરવામાં આવે છે જેવા કે ભારતના રાષ્ટ્રપતિ, વડાપ્રધાનશ્રી, કેન્દ્રના મંત્રીશ્રીઓ તથા વિધાનસભાના અધ્યક્ષશ્રીઓ, ગુજરાત રાજ્યના મંત્રીમંડળના તમામ સ્તરના મંત્રીશ્રીઓ, હાઇકોર્ટના ન્યાયાધીશો, રાજ્યના સંસદસભ્યો તથા વિધાનસભાના સભ્યો, સચિવશ્રીઓ તથા અલગ અલગ કેડરના ક્લાસ-1 કક્ષાના સરકારી અધિકારીઓ વગેરે… તમામ અતિથિ ગૃહોમાં ઉતારો મેળવવા પાત્ર છે.

વર્ગ-1,2 કક્ષાના અધિકારીઓએ તથા વર્ગ-3 કક્ષાના કર્મચારીઓ સહિત અતિથિ ગૃહોમાં ઉતારો મેળવવા પાત્ર તમામ વિશ્રામ ગૃહોમાં ઉતારો મેળવવા પાત્ર બને છે. આ સિવાય આરામ ગૃહોમાં તેમજ પથિકાશ્રમમા કોઈપણ વ્યક્તિને ઉતારો આપી શકાય છે. પરંતુ કોઈપણ સરકારી નોકરને આ ગૃહમાં ઉતારો આપવામા અગ્રતા આપવામાં આવેલ છે. ગુજરાત બહાર આપણી રાજ્ય સરકારની માલિકીના અને રાજ્ય સરકાર સંચાલિત કુલ 3 સર્કિટ હાઉસ આવેલા છે. નવી દિલ્હી ખાતે આવેલ ગુજરાત ભવન, માઉન્ટ આબુ ખાતે આવેલ સરદાર ગઢ અતિથિ ગૃહ અને આબુ ખાતે જ આવેલ ગુજરાત ભવન.

રાજ્ય સરકારના અધિકારીઓ, ગુજરાતમા ઉચ્ચ હોદ્દો ધરાવતી વ્યક્તિઓ તેમજ સરકારી કામગીરી સાથે સંકળાયેલ અન્ય તમામ ઇસમો ઉકત ત્રણેય ગુજરાત બહાર આવેલા અતિથિ ગૃહોમાં સુવિધા મેળવવા પાત્ર છે. જો આપ સહ પરિવાર આબુ ફરવા જવાના હોઈએ અને રહેવા માટે સરકારી વ્યવસ્થાનો ઉપયોગ કરવા ઇચ્છતા હોઈએ તો કાર્યાપાલક ઇજનેરશ્રી, માર્ગ અને મકાન વિભાગ, પાલનપુરને અરજી કરીને રહેવાની સુવિધા પૂરી પાડવા બાબતે રજૂઆત કરી શકો છો.

એક રીતે જોવા જઈએ તો આ બધા જ પ્રકારના સર્કિટ હાઉસ કે સરકારી ઉતારાઓનું સમગ્ર સંચાલન માર્ગ અને મકાન વિભાગ જ કરે છે અને સ્વાભાવિક છે કે એ તમામ ખર્ચ પબ્લિકના ટેક્ષના પૈસાથી જ થતું હોય. હકીકતે તો ભલે દરેક પ્રકારના આવાસોમાં સરકારી કર્મચારીઓને અગ્રતા આપવામાં આવે પરંતુ જો અતિથિ ગૃહો ખાલી હોય તો પછી કેટલાક વી.વી.આઈ.પી. કે વી.આઈ.પી. રૂમો બાદ કરતાં બાકીના રૂમો બિનસરકારી વ્યક્તિઓને પણ ટોકન દરે ફાળવવા જોઈએ. હકીકતે બને છે એવું કે મોટાભાગે અમદાવાદ અને ગાંધીનગર જેવા શહેરોના સર્કિટ હાઉસને બાદ કરતા બાકીના સર્કિટ હાઉસો મોટાભાગે ખાલી જ રહેતા હોય છે. તેમાં છ્ત્તા બિનસરકારી વ્યક્તિને જગ્યા આપવામાં આવતી નથી. રૂમ ખાલી નથી એવું કહીને રવાના કરી દેવાની વૃતિ સામાન્ય રીતે જોવા મળે છે.

હું પોતે સરકારી અધિકારી હોવા છ્ત્તા મારે પણ કેટલીક વખત સર્કિટ હાઉસ ખાતે જગ્યા મેળવવા માટે માથાકૂટ કરવી પડેલી હોવાના અનુભવો છે. કેટલાક ઉચ્ચ અધિકારીઓએ તો પોતે એકલા જ રહેતા હોવાથી લાંબો સમય સર્કિટ હાઉસમાં રહેવાનુ પસંદ કરે છે. કારણકે એમનું ચા-પાણી, નાસ્તો, જમવાનું , નહાવા માટે ગરમ પાણી, સફાઈ વગેરે જેવી સગવડતાઓ ખૂબ સરળતાથી ઉપલબ્ધ થતી હોય છે. આથી તેઓ પોતાને માત્ર 2-4 દિવસ માટે ફાળવેલો રૂમ ખાલી કરવાની દાનત રાખતા નથી અને મહિનાઓ સુધી પોતાની સત્તાના જોરે રૂમ પચાવી પડતાં હોય છે. સામે પક્ષે બદલી પામીને નવો આવેલો નાનો અધિકારી/કર્મચારી પોતાને રહેવા માટે ભાડે મકાન કે સરકારી ક્વાર્ટર મળે નહીં ત્યાં સુધી સર્કિટ હાઉસમાં રહેવા માટે અધિકૃત હોવા છ્ત્તા તેને રૂમ પ્રાપ્ત થતો નથી. અમુક ઉચ્ચ અધિકારીઓની તો દાદાગીરી એટલી હદે હોય છે કે તેના રૂમમાં 2 બેડ ની વ્યવસ્થા હોવા છ્ત્તા પોતે એકલો જ રહેવાનો હઠાગ્રહ રાખે છે.

મને યાદ છે કે બાબરા મામલતદાર તરીકે જે દિવસે હું હાજર થયો ત્યારે સાંજે કલેક્ટર કચેરીના અધિકારીશ્રીઓને મળવા માટે સાંજે હું અમરેલી આવેલો અને રાત્રિ રોકાણ ત્યાં જ અમરેલી સર્કિટ હાઉસમાં કરવાનું વિચારેલ. હું રાત્રે ત્યાં ગયો અને ત્યના મેનેજરશ્રીને મળ્યો. મને કહે કે અત્યારે આખું સર્કિટ હાઉસ પેક છે. મને થયું કે ચાલુ દિવસ છે અને કોઈ સરકારી કાર્યક્રમ પણ નથી કે બહારથી કોઈ અધિકારીઓ આવેલ હોય ને સર્કિટ હાઉસ પેક હોય. મને થોડી શંકા ગઈ એટ્લે મે કહ્યું કે આટલું મોટું સર્કિટ હાઉસ છે તો મારી કઈક ને કઈક વ્યવસ્થા કરી આપો. આવતીકાલે સવારે તો હું બાબરા જતો રહીશ. છ્ત્તા પણ મને એમણે ખાસ કઈ રિસ્પોન્સ આપ્યો નહીં. મે રજીસ્ટર જોવા માટે માંગ્યું પણ આપ્યું નહીં અને મને કહે કે તમે અમારા એકઝીક્યુટિવ ઇંજિનિયર સાહેબ સાથે વાત કરી લ્યો. મે કહ્યું કે હું અહી નવી છું એટ્લે કોઈને ઓળખતો નથી. આટલી નાની વાતમાં મારે અધિક કલેક્ટર સાહેબ કે કલેક્ટર સાહેબને ફોન કરવો પડે એ પણ સારું નહીં લાગે, તમે મને રાત્રે સુવાની વ્યવસ્થા કરી આપો એટ્લે તમારો આભારી રહીશ.

મે તેમની સાથે થોડી દલીલો કરી એટ્લે મને રજીસ્ટર જોવા આપ્યું. મે જોયું કે મોટાભાગના રૂમો છેલ્લા કેટલાય દિવસથી કેટલાક ક્લાસ 1 અધિકારીઓએ પચાવી પડેલા હતા. મેનેજરનો પણ વાંક હતો નહીં. ડી.વાય.એસ.પી.શ્રી, ડી.આર.ડી.એ. નિયામકશ્રી, પોલીસ ઈન્સ્પેકટરશ્રી, નાયબ કલેક્ટરશ્રી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી વગેરે એ મહિનાઓથી રીતસરનો સર્કિટ હાઉસ પર અડિંગો જમાવેલ. આ સિવાય રાજકીય નેતાઑના ચમચાઓ માટે પણ કેટલાક રૂમો બુક હતા. અમુક રૂમો જિલ્લાના ખાસ ધારાસભ્યો માટે પણ રિઝર્વ રાખવામા આવેલ. મે મેનેજરને કહ્યું કે તમારી પરિસ્થિતી હું સમજી શકું છું પણ હવે રાતના 10 વાગ્યા છે એટ્લે તમે રિઝર્વ રાખેલ રૂમોમાં કોઈ આવે એવી શક્યતાઓ નથી. તમે મને રાતના સુવા પૂરતી વ્યવસ્થા માત્ર કરી આપો.

બહુ દલીલ કરવા છ્ત્તા એ ભાઈ માન્ય નહીં એટ્લે મે સર્કિટ હાઉસના દરવાજા પાસે જ મારી બેગમાં રહેલી ચાદર પાથરીને હેન્ડ બેગને ઓશીકું બનાવીને લંબાવ્યું. એમને મે કહ્યું કે હું પત્રકારોને બોલવું છું અને આવતીકાલના સમાચારમાં અપાવું છું કે સર્કિટ હાઉસના મેનેજરે બાબરના નવા હાજર થયેલા મામલતદારશ્રીને રિસેપ્શન કાઉન્ટર પાસે જમીન પર સુવા મજબૂર કર્યા…. તરત જ એમણે એમના સાહેબને ફોન કર્યો અને થોડી ચર્ચાઓ બાદ એમણે મને તિજોરી અધિકારી સાહેબશ્રીના રૂમમાં વ્યવસ્થા કરી આપી. અત્રે નોંધવું ઘટે કે તે સમયના જિલ્લા તિજોરી અધિકારી સાહેબશ્રી ખૂબ ઉમદા અધિકારી હતા.

આવા લગભગ કેટલાય અનુભવો મને અને મારી જેવા ઘણા અધિકારીઓને થયા જ હશે. હાલમાં લગભગ જિલ્લા તાલુકાના સર્કિટ હાઉસ કે વિશ્રામ ગૃહો ઉપર સત્તાધારી પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓનો પરોક્ષ કબજો જોવા મળે છે. ગુજરાતમાં કાયદાકીય રીતે જે ગેરકાયદેસર અને ગુનાહિત કૃત્યની વ્યાખ્યામાં આવે એવા પ્રકારના કેટલાક કામો સરકારી સર્કિટ હાઉસમાં થતાં હોવાનું મને મારા અંગત સ્ત્રોતમાથી જાણવા મળે છે. અતિથિ ગૃહોમાં યોજાતી રાજકીય મિટિંગો અને પાર્ટીઓમાં દારૂ અને નોનવેજની મહેફિલ સામાન્ય બાબત બની ગઈ છે. પોલીસ અધિકારીઓ આ બધુ જાણતા હોવા છ્ત્તા મજબૂર બનીને પોતાની પાસે રહેલી કાયદારૂપી બુઠ્ઠી તલવાર મ્યાનમાથી બહાર કાઢી નથી શકતા. લગભગ દરેક સર્કિટ હાઉસમાં લોકલ અને કોન્ટ્રાક્ટ આધારિત સ્ટાફ હોવાથી તેઓ પણ રાજકીય માણસોના સેવક બનીને એમના મહેમાનોને ઈમાનદારીથી સાચવતા અને સેવા કરતાં નજરે પડે છે.

સર્કિટ હાઉસના મેન્ટેનન્સ બાબતે વાત કરું તો માત્ર વી.વી.આઈ.પી. અને વી.આઈ.પી રૂમોને બાદ કરતાં ભાગ્યે જ અન્ય રૂમોની તકેદારી રાખવામા આવતી હશે. બિનજરૂરી ખર્ચાઓ રેકર્ડ પર બતાવીને વર્ષે લાખો રૂપિયાના ખોટા બિલો મંજૂર થતા હશે. ટેક્ષના ભરેલા પબ્લિકના પૈસા આ રીતે કરપ્શનના માધ્યમથી અધિકારીઓનાં ખિસ્સામાં જતા હશે. કોઈ બોલવાવાળું નથી. કોઈને આર.ટી.આઈ. કરવી નથી. કોઈને હિસાબ માંગવો નથી. પોતાના હક પ્રત્યે કોઈને જાગૃત થવું નથી. સરકારને વિકાસમાં રસ છે, પણ પોતાના પક્ષના… અધિકારીઓને પણ વિકાસ કરવો છે, પણ પોતાના બેંક બેલેન્સનો… પ્રજા પણ સ્વાર્થી છે. સમગ્ર પ્રજાતંત્રના વિકાસમાં કોઈને રસ નથી.

અહી કોઈને પણ સાચા અર્થમાં પબ્લિક, સમાજ અને સરકારી તંત્રના વિકાસમાં રસ નથી. સરકારી કર્મચારીઓને પણ પોલિટિકલ માણસોના વ્હાલા થવું છે. ઇલેકશન વખતે આદર્શ આચારસંહિતા મુજબ સર્કિટ હાઉસનો ઉપયોગ કોઈપણ પક્ષના રાજકીય લોકો કરી શકતા નથી. તેમ છ્ત્તા મે મારી નારી આંખે ઈલેકશન સમયે સંસદસભ્ય, ધારાસભ્ય સહિત અન્ય પદાધિકારીઓને સર્કિટ હાઉસનો ઉપયોગ અને દુરૂપિયોગ બંને કરતા જોયા છે. અફસોસ કે આઈ.એ.એસ. કક્ષાના જિલ્લાના ચૂંટણી અધિકારીઓ મૂક પ્રેક્ષક બનીને તમાશો જોયા કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *