જાણીલો પોલીસ કસ્ટડીમાં નાગરિકને કયા અધિકારો મળે છે. આ અંગે જાણકારી આપતો પૂર્વ આઈ.પી.એસ અધિકારીનો લેખ.

પોલીસ કસ્ટડીમાં નાગરિકને શું અધિકાર છે ?

સુપ્રિમકોર્ટના ચીફ જસ્ટિસ એન. વી. રમનાએ કહ્યું છે કે માનવ અધિકારોને સૌથી વધુ ખતરો પોલીસ સ્ટેશનોમાં છે. ભારતમાં પોલીસ કસ્ટડી દરમિયાન હત્યા/ટોર્ચર/નકલી એન્કાઉન્ટર /મહિલાઓનું યૌન શોષણ, બળાત્કારના આરોપ પોલીસ ઉપર લાગે છે; અને પોલીસને ભાગ્યે જ સજા થાય છે .

પોલીસે ‘પોલીસ કસ્ટડી’ દરમિયાન 10 ‘કોડ ઓફ કન્ડક્ટ’નું પાલન કરવું જોઈએ; તેવું UNએ ઠરાવેલ છે:-

[1] પોલીસે કોઈ પણ સંજોગોમાં ટોર્ચર ન કરવું. યુધ્ધ કે ઈમરજન્સીનું બહાનું બતાવીને પણ નહીં. ખાસ કરીને મહિલા/બાળકો/વૃધ્ધ/શરણાર્થી/લઘુમતીઓની દરકાર કરે.

[2] દરેક પીડિતો પ્રત્યે કરુણા અને સન્માનની ભાવના રાખવી. તેમની સુરક્ષા અને Privacyનો ખ્યાલ રાખવો. હિંસા પીડિત મહિલાની ખાસ સંભાળ લેવી. તેમની એ રીતે પૂછપરછ કરવી, જેથી તેને અપમાન ન લાગે.

[3] પોલીસે બળનો ઉપયોગ ન છૂટકે જ કરવો. જરુર પડે તો ઓછામાં ઓછું બળ વાપરવું. પોલીસે અહિંસક રહેવું જોઈએ. પોલીસથી કોઈ ઘાયલ થઈ જાય તો તરત જ મેડિકલ મદદ મળવી જોઈએ. પરિવારને તરત જાણ કરવી જોઈએ. જો કોઈનું મોત થાય તો ઉપરી અધિકારીને જાણ કરવી અને ઉપરી અધિકારીએ ઉચિત તપાસ કરાવવી.

[4] અહિંસક ભીડ સામે પોલીસે બળનો ઉપયોગ કરવો નહીં. હિંસક ભીડ હોય તો બળનો ઉપયોગ ઓછામાં ઓછો કરવો. શાંતિપૂર્વક રેલી ઉપર કોઈ પણ હથિયારનો ઉપયોગ ન કરવો. હિંસક વિરોધ વેળાએ પોલીસે હથિયારનો પ્રયોગ ત્યારે જ કરવો જ્યારે બીજા પ્રયત્નો અસફળ રહ્યા હોય.

[5] ગોળીબાર ત્યારે જ કરવો જ્યારે પોલીસનો જીવ જોખમમાં હોય કે બીજાની જિંદગી ખતરામાં હોય. સેલ્ફ ડીફેન્સમાં ગોળીબાર કર્યો હોય તો તેનો તરત જ રીપોર્ટ કરવો અને તેની તપાસ કરવી જોઈએ.

[6] કાનૂની આધાર વિના કોઈને એરેસ્ટ કરવા નહીં. ધરપકડનું કારણ બતાવવું જોઈએ. અટક કરી કઈ જેલમાં મોકલેલ છે? ક્યા અધિકારીએ અટક કરેલ છે? તેની જાણકારી અટક થયેલ વ્યક્તિના વકીલને કરવી જોઈએ. શરણાર્થીને અટક કરવામાં આવે તો તેની જાણ UNHCR-યુનાઈટેડ નેશન હાઈ કમિશ્નર ફોર રેફ્યુજીને કરવી જોઈએ.

[7] કોઈ પણ અટક થયેલ વ્યક્તિને પોતાના પરિવારને જાણ કરવાનો/કાનૂની મદદ લેવાનો/મેડિકલ સહાયતા લેવાનો હક્ક છે.

[8] અટક કરેલ વ્યક્તિ સાથે માનવીય વ્યવહાર કરવો જોઈએ. ટોર્ચર/દુરવ્યવહાર કરી શકાય નહીં. પોલીસ કસ્ટડી દરમિયાન યૌન શોષણ/બળાત્કાર એ ગુનો છે. બાળકોને બહુ જરુર પડે તો જ અટકમાં લઈ શકાય અને તેમને મોટી વ્યક્તિઓથી અલગ રાખવા.

[9] ગેરકાયદેસર કોઈને મારવા/તે માટે હુકમ કરવો/આવા કામને છુપાવવું તે ખોટું છે. પોલીસ સેલ્ફ ડીફેન્સના નામે કોઈને મારી શકે નહીં. સીનિયર અધિકારી કોઈની સામે ગોળીબાર કરવાનું કહે તો તેનો અમલ કરવો નહીં. દરેક એન્કાઉન્ટરની તપાસ કરવી જોઈએ.

[10] ઉપરના 9 નિયમોનું ઉલ્લંઘન થાય તો ઉપરી અધિકારીને તથા સરકારી વકીલને જાણ કરવી. કાયદા મુજબ આવા ઉલ્લંઘન માટે પૂરતી તપાસ થવી જોઈએ. જો કોઈ પોલીસ અધિકારીએ ઉપર દર્શાવેલ નિયમોનું પાલન કરેલ ન હોય તો તેની સામે તપાસ થવી જોઈએ. એ પણ તપાસ થવી જોઈએ કે શું પોલીસ અધિકારીએ નિયમનું ઉલ્લંઘન ઉપરી અધિકારીના આદેશના કારણે કર્યું હતું?

UNના આ ‘કોડ ઓફ કન્ડક્ટ’ અંગે આપણે ત્યાં કાયદામાં જોગવાઈ થઈ છે. સુપ્રિમકોર્ટે પણ ડી. કે. બાસુ વિરુધ્ધ વેસ્ટ બેન્ગાલ-1997/ શિલા બાર્સે વિરુદ્ધ મહારાષ્ટ્ર-1983/ જોગિન્દર કુમાર વિરુધ્ધ ઉત્તરપ્રદેશ-1994 વગેરે કેસમાં લેન્ડમાર્ક જજમેન્ટ આપ્યા છે; NPC-નેશનલ પોલીસ કમિશને 1977માં પોલીસના વર્તનના નિયમો ઘડ્યા હતા. Code of Conduct નો નિર્દેશ પોલીસ મેન્યુઅલમાં અને કેન્દ્ર/રાજ્ય સરકારના પરિપત્રોમાં છે જ. NHRC-નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશને પણ ગાઈડલાઈન ઈસ્યુ કરી છે; પણ તેનો અમલ થતો નથી. સમાજના નબળા વર્ગના લોકો સાથે પોલીસ માનવીય અભિગમથી કામ લેતી નથી. આપણી પોલીસ સત્તાપક્ષની/ધનકુબેરોની/વગવાળાની ચાપલૂસી કરે છે અને નબળા લોકો ઉપર જુલમ કરે છે. 22/23 સપ્ટેમ્બર 2012ના રોજ થાનગઢમાં 3 દલિત યુવકોના પોલીસ ગોળીબારમાં મોત થયા હતા; હજુ સુધી તેમાં ન્યાય મળ્યો નથી.

2006માં, નિર્દોષ કૌસરબીની હત્યા કોણે કરી તે અંગે અદાલતને પુરાવા દેખાયા નહીં ! ચમત્કાર થયો; 45 સાક્ષીઓમાંથી 38 સાક્ષીઓ ફરી ગયા ! કૌસરબીની લાશનો નિકાલ કોણે કર્યો તે મુદ્દો ગુના પછીના વર્તન તરીકે મહત્વનો હતો; પરંતુ તે બાબતે પણ અદાલત ચૂપ રહી ! ફરી ચમત્કાર થયો; તપાસ એજન્સી CBI ‘પોપટ’ બની જતાં અપીલ કરવાનું જ ભૂલી ગઈ ! રોજે કેટલાંય લોકો પોલીસની હેરાનગતિનો શિકાર બને છે, કોને ફરિયાદ કરે? ઉપરી અધિકારીઓ ન્યાય અપાવી શકતા નથી. આર્થિક રીતે સબળ લોકો કોર્ટમાં જઈને ન્યાય મેળવી શકે; બાકીના લોકોએ અરજીઓ કરીને જ સંતોષ માનવો પડે છે ! એવું પણ બને છે કે પોલીસ વિરુધ્ધ અરજી કરી હોય તો અરજદારની સામે પોલીસ દારુનો/ગાંજાનો/બીજા કારણોસર ખોટો કેસ પણ કરી દે ! માનવ અધિકાર પંચ પણ કાગળના વાઘ જેટલું કામ કરતું નથી ! ચીફ જસ્ટિસે ચિંતા વ્યક્ત કરી છે; એ દર્શાવે છે કે લોકોનું માનવ ગૌરવ ન નંદવાય તે માટે સરકારે જાગવું પડે. સરકાર ત્યારે જ જાગે જ્યારે લોકો જાગૃત હોય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *