હોદ્દાનું ગૌરવ હોવું જોઈએ અભિમાન નહી. પૂર્વ મામલતદાર ડૉ ચિંતન વૈષ્ણવની કલમે એક ધગધગતો લેખ.

સરકારી અધિકારીઓની રાજાશાહી બિલકુલ ચલાવી લેવાય નહિ.

આ સોશિયલ મિડિયાના યુગમાં સમાજમાં બનતી સારી-નરસી ઘટનાઓ તરત જ ફેલાઈ થઈ જતી હોય છે. હમણાં જ થોડા દિવસો પહેલા ગુજરાત સરકારના મહેસૂલ વિભાગના ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન સીધી ભરતીના નાયબ કલેક્ટરશ્રીનો તેમના જ એક જૂના મિત્ર સાથેનો ઓડિયો વાયરલ થયો. જેમાં નાયબ કલેક્ટરશ્રી તેમના કોઈ જૂના મિત્રને પોતાને હરેશભાઈ તરીકે નહીં સંબોધવા જણાવે છે અને પોતે ખૂબ મહેનત કરીને જી.પી.એસ.સી. પાસ કરીને ઉચ્ચ હોદ્દે બિરાજમાન થયા હોવાથી પોતાને ‘સાહેબ’ કહેવાનો આગ્રહ રાખતા સાંભળવા મળે છે.

એમના કહેવા મુજબ નાયબ કલેક્ટરને તમે નામથી બોલાવી ન શકો, પછી ભલે તમે ક્લાસમેટ હોવ. હરેશભાઈ નામથી સંબોધવાને તેઓ અપમાનજનક અને ગેરકાયદેસર કૃત્ય ગણાવે છે. પોતે આ બાબતે કાયદેસરની કાર્યવાહી કરવાની ધમકી પણ આપતા સાંભળવા મળે છે. પોતાના જૂના મિત્રને વોરંટ કાઢીને ઓફિસે હાજર કરવાની પણ બડાશ મારતા ઓડિયોમાં આપણને માલૂમ પડે છે.

બહુ સ્પષ્ટતાથી કહું તો એક પૂર્વ સરકારી અધિકારી તરીકે મને આ ઘટના બિલકુલ પસંદ પડી નહીં. હોદ્દાનું તો ગૌરવ હોવું જોઈએ, નહીં કે અભિમાન. હોદ્દાની ગરિમા જાળવી શકનારા અધિકારીઓ બહુ ઓછા છે સરકાર પાસે. આવી ઘટનાઓ તો ક્યારેક બને છે એટ્લે આપણને સામાન્ય રીતે અધિકારીઓની માનસિકતાનો ખ્યાલ આવતો નથી. હું તો લગભગ ઘણા અધિકારીઓને નજીકથી ઓળખું છું. બહુ ઓછા અધિકારીઓ એવા છે કે જેમના ઉપર આપણને ખરા હ્રદયથી માન ઉપજે. મોટાભાગના અધિકારીઓ સરકારી હોદ્દો મળી જવાથી હવામાં ઉડવા લાગે છે.

અન્યોને પોતાનાથી ઉતરતી કક્ષાના સમજવા લાગે છે. વર્ગ-4 ના કર્મચારીઓ સાથે તો એમનું વર્તન ખૂબ જ ખરાબ હોય છે. પોતે પ્રજાના નોકર હોવા છ્ત્તા પોતાને રાજા સમજે છે અને સ્ટાફને પોતાના નોકર સમજતા હોય છે. પોલીસબેડામાં આવું ઘણી વખત જોવા મળે છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ કોન્સટેબલ કક્ષાના સ્ટાફને એમની જોબ પ્રોફાઇલમાં સમાવિષ્ટ થતા ન હોય એવા પ્રકારના કામો સોંપતા હોય છે. બાળકોને સાચવવાનું કામ, બગીચામાં પાણી છાંટવાનું કામ, સાહેબના મેડમ ખરીદી કરવા જાય ત્યારે સામાન ઉપાડવાનું કામ વગેરે…

વાયરલ થયેલા ઓડિયોમાં બનેલ ઘટના બનવા પાછળનું કારણ છે આપણી બોગસ સરકારી ભરતી પ્રક્રિયા. મારા ખુદના અનુભવે જણાવું તો સરકારી અધિકારી બનનાર યુવાનના ગોખણિયા જ્ઞાનની માત્ર કસોટી થતી હોય છે. લેખિત પરીક્ષાઓમાં સામાન્ય જ્ઞાન સહિત અંગ્રેજી, ગુજરાતી, ગણિત, રીઝનીંગ વગેરે વિષયોના પ્રશ્નો પૂછાતા હોય છે. ઇન્ટરવ્યુમા પણ મોટે ભાગે ફરીથી આવા જ માત્ર ગોખણિયું જ્ઞાન ચકાસતા પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે. ઉમેદવારનો અભિગમ ચકાસવો, વિચારોની ગુણવત્તા જાણવી, ઈમાનદારી, લાગણીશીલતા, ત્વરિત નિર્ણયશક્તિ, નીડરતા, માણસાઈનો ગુણ, નિરાભિમાનીપણું વગેરે મુદ્દે ચકાસણી થાય એવી કોઈ કસોટી એકપણ સરકારી ભરતીપ્રક્રિયામાં જોવા નથી મળતી.

પોલીસ બનવું હોય તો સૌથી વધારે મહત્વ રનિંગને આપવામાં આવે છે. પરિણામે માત્ર ઝડપી રનિંગ કરી શકનાર ઉમેદવાર એક સારો અને ઉમદા પોલીસ અધિકારી બની શકતો નથી. આવા કારણોસર જ સરકારી હોદ્દાઓ ઉપર યોગ્ય માણસો ગોઠવાતા નથી. જેનું પરિણામ પબ્લિક વારંવાર ભોગવતી હોય છે. વિવિધ ભરતી બોર્ડના ચેરમેન તરીકેનું પદ હકીકતે સત્તાપક્ષ સાથે રાજકીય સબંધો ધરાવતા લોકોને જ ઓફર કરવામાં આવતું હોય છે. એટ્લે આવા હોદ્દાઓ ઉપર પણ જવાબદાર માણસ કરતા કહ્યાગરો માણસ જ મોટેભાગે નિમણૂંક પામતો હોય છે. પરંતુ મે સાંભળ્યુ છે કે છેલ્લા કેટલાક વર્ષથી દિનેશભાઇ દાસા કરીને કોઈ સારા વ્યક્તિએ જી.પી.એસ.સી. નું ચેરમેન પદ સંભાળ્યું છે. ભરતી પરીક્ષાઓના કાર્યક્રમો હવે નિયમિત થઈ ગયા છે. ઇન્ટરવ્યુની પ્રથામાં પણ સારા ફેરફારો કર્યા હોવાનું ઘણા મિત્રો દ્વારા જાણવા મળતું હોય છે.

આ અપવાદરૂપ બાબત જો ખરા અર્થમાં સાચી હોય તો મારે આ લેખના માધ્યમથી દાસા સાહેબને એટલું જ કહેવાનું થાય છે કે ભરતી પ્રક્રિયામાં જડમૂળથી ફેરફાર કરવાની તાતી જરૂરિયાત છે. જેવી રીતે ડિફેન્સમા અધિકારી બનવું હોય તો કેટલીક આકરી શરતો છે, એવી જ કઈક આકરી શરતો અને ભરતીના કઠિન તબક્કાઓ ગુજરાત સરકારમા ભરતી થવા માંગતા યુવાનોએ પસાર કરવા પડવા જોઈએ. કોઈ યુવાન આર્મી, નેવી કે એરફોર્સમાં અધિકારી બનવા માંગતો હોય તો તેની ઉંમર 25 વર્ષથી નાની જ હોવી જોઈએ પછી ભલે તે કોઈપણ કેટેગરીમાથી આવતો હોય. લગ્ન કરેલ હોવા ન જોઈએ અને શરીરમાં કોઈ સર્જરી કરાવેલી હોવી ન જોઈએ… આ તેની આકરી શરતો છે. આવી જ કઈક બીજી આકરી શરતો સ્ટેટ કેડરની ભરતીઓમાં દાખલ કરવી જોઈએ.

સાથોસાથ ઉમેદવારનો આઈ.ક્યૂ., અંગ્રેજી અને મેથેમેટીક્સનું જ્ઞાન ચકાસવા પૂરતી લેખિત હેતુલક્ષી કસોટી લેવામાં આવતી હોય છે. ત્યારબાદ કટ ઓફમા પસંદ થયેલા ઉમેદવારોને એસ.એસ.બી. ઇન્ટરવ્યુમા બોર્ડ સમક્ષ બોલાવવામાં આવે છે. પ્રથમ વખત પસંદ થયેલા ઉમેદવારને આવવા-જવાનો ખર્ચો સિલેક્શન બોર્ડ તરફથી આપવામાં આવે છે. પ્રથમ દિવસે ક્વોલિફાઇ ટેસ્ટ લેવામાં આવતી હોય છે જે પસાર કરનાર ઉમેદવારનો એસ.એસ.બી. ઇન્ટરવ્યુ પછીના 5 દિવસ ચાલે છે. આ ઇન્ટરવ્યૂમાં ઉમેદવારની સંપૂર્ણ કસોટી કરવામાં આવતી હોય છે. કોઈપણ ઉમેદવાર પોતે જેવો છે એવો જ ચિતરાઇ જતો હોય છે. આ ઇન્ટરવ્યુની પધ્ધતિ જ એવી છે કે ઉમેદવાર ખોટો દેખાડો કરી શકતો નથી.

ટૂંકમાં એક ઉમેદવારને પગથી માથા સુધી આ 5 દિવસમાં તપાસવામાં આવતો હોય છે અને પછી એને મેડિકલ તપાસણીમાં મોકલવામાં આવતો હોય છે. જેમાથી વગર મુશ્કેલીએ પસાર થયા બાદ તેને નોકરીનો ઓર્ડર મળતો હોય છે. જબરદસ્ત અને એકદમ વ્યવસ્થિત તાલીમ શરૂ થતી હોય છે. તાલીમ મેળવ્યા બાદ તેને રેગ્યુલર પોસ્ટિંગ મળતું હોય છે. આ આખી પ્રક્રિયામાં કોઈપણ પ્રકારની લાગવગ, પૈસાનો વ્યવહાર, થોડું-ઘણું જતું કરવું વગેરેને કોઈ સ્થાન હોતું નથી. આપણે ત્યાં શા માટે આ મુજબ ભરતીઓ ન થઈ શકે ?

મારા ખુદના અનુભવે જણાવી શકું કે સરકારી ભરતીઓમાં પસંદ થયા બાદ પણ અધિકારીઓને પ્રોપર તાલીમ આપવામાં આવતી નથી. જી.પી.એસ.સી. દ્વારા અમારી મામલતદાર સંવર્ગમાં પસંદગી થયા બાદ સ્પીપા અમદાવાદ ખાતે અમારી તાલીમની શરૂઆત થઈ. માત્ર આપવા ખાતર તાલીમ આપવામાં આવેલ. એકપણ વિષયનો કોર્સ પૂર્ણ કરવામાં આવેલ નહીં. અધકચરું જ્ઞાન પીરસવામાં આવેલ. હકીકતે અધિકારી તરીકે બિરાજમાન થયા બાદ કેવી કેવી મુશ્કેલીઓ અને ચેલેંજીસ આવશે અને તેનો સામનો કેવી રીતે કરવો, રાજકીય પ્રશ્નો સર્જાય તો કેવી રીતે હેન્ડલ કરવા, અરજદારો સાથે કેવું વર્તન કરવું, વગેરે પ્રેક્ટિકલ બાબતોની કોઈપણ પ્રકારની તાલીમ આપવામાં આવેલ નહીં.

અમારે અમારી જાતે ફિલ્ડમાં ગયા બાદ અનુભવે જાતે આ બધુ શીખવાની ફરજ પડેલ. લગભગ દરેક ભરતી થયા બાદ તાલીમનું તરકટ જ કરવામાં આવતું હોય છે. કોઈ આ બાબતે રજૂઆત કરવાની હિંમત કરતાં નથી હોતા એ પણ હકીકત છે. સામે પક્ષે યુ.પી.એસ.સી. પાસ કરે છે એમને આઈ.એ.એસ. તાલીમ કેન્દ્ર મસુરી ખાતે જબરદસ્ત તાલીમ આપવામાં આવે છે. તો ગુજરાત સરકારની તાલીમી સંસ્થાઓ શા માટે સારી તાલીમ આપી ન શકે ?

મને મારી જાત પર ગૌરવ છે કે મે જ્યાં જ્યાં સરકારી ફરજ બજાવેલ છે ત્યાં ક્યારેય પણ કોઈને મારાથી ઊતરતી કક્ષાના સમજીને કામ કર્યું નથી. મારા ક્લાર્ક અને નાયબ મામલતદારો તો ઠીક પણ મે મારી ઓફિસમાં કામ કરતાં કરાર આધારિત ઓપરેટરો પાસેથી પણ મને આવડે નહીં એવી બાબતો વિના સંકોચે શીખી છે. અરજદારો સાથે માનવીય અભિગમ દાખવીને કામ કર્યું છે. ગામેગામ રૂબરૂ જઈને લોકોના પ્રશ્નો સાંભળ્યા છે એટલું જ નહીં પણ તેને તાત્કાલિક સ્થળ પર જ હલ પણ કર્યા છે.

અધિકારી જો પોતાની જાતને ‘સાહેબ’ કહેવરાવવાનો અભરખો રાખતો હોય તો લોકો દ્વારા માન-સમ્માન મળે એવા ઉમદા અને દાખલારુપ કામો તેણે કરી બતાવવા જોઈએ. સરકારી હોદ્દા પર બિરાજમાન વ્યક્તિને તેની નીચેનો સ્ટાફ ‘સાહેબ’ કહેવો જોઈએ એ બાબત વ્યાજબી છે. પરંતુ જેમના ટેક્ષના પૈસાથી તેનો પગાર થાય છે તેવા પ્રજાજનો તેને ‘સાહેબ’ કહેવા જોઈએ એવો દુરાગ્રહ રાખવો ગેરવ્યાજબી છે. સરકારી અધિકારી તો પબ્લિકનો સર્વન્ટ એટ્લે કે નોકર છે.

મારા પપ્પા મને હંમેશા કહેતા કે બેટા જેમ જેમ ઉચ્ચા હોદ્દા તરફ આગળ વધતાં જઈએ તેમ તેમ સ્વભાવે એકદમ વિનમ્ર બનવું જોઈએ. આ બાબતને હું આજદિન સુધી ભૂલ્યો નથી. ‘સાહેબ’ શબ્દ સાંભળવા માંગતા હોઈએ તો જે વિસ્તારમાં તમારું પોસ્ટિંગ હોય ત્યાના લોકોના દિલ જીતવા પડે. કોઈ આપણને ડરથી કે પરાણે સાહેબ કહે એમાં મજા નથી. રહી વાત સહપાઠી મિત્રોની તો જણાવી દઉં કે મિત્ર માટે એક ખૂબ સરસ મજાનો શબ્દ છે – ભાઈબંધ. મને આ શબ્દ ખૂબ ગમે છે.

ભાઈબંધીમાં ક્યારેય કોઈપણ પ્રકારનો ઇગો કે ઊંચનીચ હોય નહીં. ભાઈબંધી તો એક નિર્મળ સબંધ છે. એમાં પણ નાનપણના જૂના મિત્રો વર્ષો પછી મળી જાય તો તો મોજે દરિયો આવી જવો જોઈએ. મારૂ માનવું છે કે આ દુનિયામાં સૌથી ધનવાન માણસ એ છે કે જેની પાસે બહોળું મિત્ર વર્તુળ હોય. હું નસીબદાર છું કે મારે અઢળક મિત્રો છે. કેટલાક ખૂબ ઘનિષ્ઠ છે અને મને હંમેશા મદદરૂપ થવા તૈયાર હોય છે. મારા મિત્રો મને ‘સાહેબ’ કહીને બોલાવે એ મને કદાપિ પસંદ પડતું નથી. સામે પક્ષે મારા જે મિત્રો સરકારી અધિકારી બની ગયા છે અને ઘણા મિત્રો ખૂબ નામાંકિત ડોક્ટર છે એ તમામ ને ‘સાહેબ’ કહીને સંબોધવામાં મને ગૌરવ મહેસુસ થાય છે.

મને આજથી લગભગ 2 વર્ષ પહેલા જ્યારે સરકારે વગર કારણે નોકરીમાથી ટર્મિનેટ કર્યો ત્યારે હું પડી ભાંગ્યો નહીં અને મારી પર ફેંકેલા પથ્થરને પગથિયું બનાવીને આગળને આગળ વધવાની ગતિ જો હું જાળવી શક્યો છું તો એની પાછળનું મુખ્ય કારણ એ જે છે કે મને હંમેશા મારા હોદ્દાનું ગૌરવ રહ્યું છે, આજે પણ છે પરંતુ મે ક્યારેય પણ મારા હોદ્દાનું અભિમાન રાખેલ નથી.

આ આર્ટિકલ તમારા મીત્રો સાથે SHARE કરવાનું ભૂલશો નહિ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *