ધોરણ બાર ફેઇલ ટ્રસ્ટીને શિક્ષકે ચોપડાવ્યું કે હું ચોકીદાર કે પટાવાળો નથી હું શિક્ષક છું વર્તમાન યુગના શિક્ષકની વેદના.

વર્તમાન યુગના શિક્ષકની વેદના (ભાગ-1) ડો.ચિંતન વૈષ્ણવનો લેખ.

એક શાળાના ધોરણ 12 ફેઇલ ટ્રસ્ટીને શિક્ષકે ચોપડાવ્યું કે, હું ચોકીદાર કે પટાવાળો નથી. હું શિક્ષક છું. રાજીનામું ટેબલ પર ઘા કરીને વટભેર નોકરી છોડીને જતો રહ્યો.

મારા ‘ગુરુકિલ્લી‘ નામના પુસ્તકના લખાણ સમયે કેટલીક બાબતો પર વિધાર્થીઓ, વાલીઓ, શિક્ષકો, વિવિધ શૈક્ષણિક સંસ્થાના સંચાલકો, કોચિંગ કલાસના સંચાલકો, ટયુશન ભણાવતા શિક્ષકો, શિક્ષણવિદો… શું વિચારે છે એ જાણવા માટે ગુગલફોમૅ પર અલગ–અલગ ત્રણ પ્રશ્નાવલીઓ તૈયાર કરેલ. તમામમા થઈને લગભગ પ૦૦ જેટલા વ્યકિતઓના મને ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાથી રિસ્પોન્સ મળ્યા. જેનું મે પૃથકકરણ પણ કર્યું. કેટલાક પ્રશ્નો અનુસંધાને કેટલીક ચોંકાવનારી બાબતો ધ્યાનમા આવી, જેની વિગતે ચચૉ મે મારા ‘ગુરુકિલ્લી’ નામના પુસ્તકમાં કરેલી છે. આ સર્વેમા એવું જાણવા મળ્યું કે, ૯ર ટકા શિક્ષણવિદોનું માનવું એવું છે કે, શિક્ષકોને તંત્ર તરફથી બાળકોને અભ્યાસ કરાવવા સિવાયના વધારાના કામ સોંપાવાના કારણે બાળકોનો અભ્યાસ બગડે છે. આથી શિક્ષકોને સોંપવામા આવતા ચુંટણી કામગીરી સિવાયના આવા વધારાના કામો સોંપવા ન જોઈએ. આ સર્વે સરકારશ્રીએ પણ ધ્યાનમા લેવો જોઈએ અને આ બાબતે યોગ્ય તે રસ્તો કાઢવો જોઈએ.

પ્રાથમિક શાળાના શિક્ષકોને આપણે ત્યા ખાસ મહત્વ આપવામા નથી આવતું પરંતું હું જણાવી દઉં કે, બાળકની સમગ્ર કારકિર્દીનો આધાર તેણે મેળવેલા પ્રાથમિક શિક્ષણ પર આધારિત છે. જયારે આપણે એવું માનીએ જ છીએ કે, દેશ અને સમાજનું ઘડતર કરવામા શિક્ષકોનું અમુલ્ય યોગદાન રહેલું છે તો પછી આ અમુલ્ય યોગદાન આપનાર શિક્ષકોનો પગાર શા માટે ઓછો છે ? શા માટે એમની પાસેથી અભ્યાસેત્તર કામો લેવામા આવે છે ? શા માટે એમને એમના વતનથી દૂર બદલીઓ કરીને પરેશાન કરવામા આવે છે ? શા માટે સરકારી પ્રાથમિક શાળામા કલાકૅ કે પટાવાળાની નિમણુંક કરવામા આવતી નથી ? શા માટે નિવૃત થયા બાદ પણ પોતાનું પી.એફ. કઢાવવા માટે એમણે ધકકા ખાવા પડે છે ? શા માટે શિક્ષકે વિધાર્થીઓને ભણાવેલા ભ્રષ્ટાચારમુકત ભારતની પરિકલ્પનાથી વિપરીત અનુભવો કરવા પડે છે ?… આ દરેક શા માટે ના જવાબો આપવાની તંત્રની ફરજ છે.

આપણે જાણીએ છીએ અને અનુભવેલું પણ છે કે, મોટાભાગની કોલેજોમા લેકચરર/રિડર/પ્રોફેસરો માત્ર મસમોટો પગાર કેળવી રહયા છે પણ વિધાર્થીઓને ભણાવવામા આવતા નથી. પૂછો તો એવું કહે છે કે, અમને કયા વાંધો જ છે ? વિધાર્થીઓ આવતા નથી. અરે ભાઈ… જો પ્રાથમિક શાળાના શિક્ષકોને ગામડે–ગામડે અને ઘેરે–ઘેરે વાલીઓને સમજાવવા અને વિધાર્થીઓને લાવવા મોકલવામા આવતા હોય, ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા દોડાવવામા આવતા હોય તો કોલેજોમા છોકરાવ ભણવા આવતા થાય તેના માટેની જવાબદારી શું આચાયૅ અને લેકચરરોની નથી ? મન હોય તો માળવે જવાય એવી એક કહેવત યાદ રાખવા જેવી ખરી. મારો પ્રશ્ન એ છે કે, લેકચરરોને તો Ready Reckoner એટલે કે તૈયાર માલે વિધાર્થીઓ મળે છે.

જયારે પ્રાથમિક શાળામા તો બિલકુલ ફ્રેશ અને ન ઘડાયેલા બાળકો પાસે કામ લેવાનું હોય છે, એમનું પ્રોગ્રામીંગ કરવાની સખત મહેનત કરવાની હોય છે. તો પછી લેકચરરોની સરખામણીમા પ્રાથમિક શિક્ષકોનો પગાર કેમ ઓછો ? ખરેખર તો, પ્રાથમિક અને ઉચ્ચતર પ્રાથમિક શિક્ષકોની આપણે ખૂબ સારી સંભાળ લેવાની જરૂર છે. આઈ.એ.એસ. અને આઈ.પી.એસ. જેવા સનદી અધિકારીઓને જો આપણા તંત્રમા ગાડી–બંગલા, નોકર–ચાકર જેવી સગવડતાઓ આપવામા આવતી હોય તો એક સામાન્ય વિધાર્થીને સનદી અધિકારી બનાવનાર શિક્ષકોની ઉપેક્ષા શા માટે કરવામા આવી રહી છે ?

પ્રાથમિક શાળાના એક આચાર્ય મિત્રએ મને સર્વેમા જણાવ્યું કે, ”સાહેબ આજનો શિક્ષક દેશનો ઘડવૈયો ઓછો અને ગુલામ ગોવાળીયો વધારે જણાય છે.” તેમના આગળ જણાવ્યા મૂજબ શિક્ષકોનો કોઈ સંઘ હોવો જ ન જોઈએ કારણકે, સંઘને કારણે રાજનીતિ થાય છે અને બાળકો માટે જે શકિત વપરાવી જોઈએ એ અન્ય ફાલતું કામોમા ખચૉય છે. તેઓ બહું સરસ જણાવે છે કે, અમે સરકારી શાળાના શિક્ષકો ખાનગી શાળાના શિક્ષકો કરતા ભલે વધું ગુણવતા ધરાવતા હોઈ પણ એક શિક્ષકને તલવાર અને બીજાને તોપ પકડાવો પછી શું હાલત થાય ? એવી જ કઈંક અમારી પરિસ્થિતી છે.

અમને પણ તોપ પકડાવો અને પછી જુઓ કમાલ. તેમણે તો ત્યા સુધી કહ્યું છે કે, કેટલીક શાળાઓમા શિક્ષકોની પરિસ્થિતી એટલી હદે દયનીય છે કે, શિક્ષકને પણ આપઘાત કરવાના વિચારો આવી જાય છે. શિક્ષકોને વ્હોટસએપમા રોજના થતા હુકમો બંધ થશે તો પણ ફેર પડશે. શિક્ષકો પોતે ગુલામ હોવાનું અનુભવી રહ્યા છે ત્યારે તેઓ ગુલામ જ પેદા કરી શકવાના… આવું કઈક તેઓ હિંમતપૂવૅક મને જણાવી રહયા છે. એક શિક્ષકશ્રીના જણાવ્યા મૂજબ હાલમા શિક્ષકોને તેમની મૂળ કામગીરીઓ ઉપરાંત ૯૩ પ્રકારની કામગીરીઓ સોંપવામા આવે છે… આ પારિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક ગણાય.

મારી દ્રષ્ટિએ આ દુનિયામા ધરતી પર બે ભગવાન છે. એક આપણા માતાપિતા જે આપણને જન્મ આપે છે અને બીજા આપણા શિક્ષકો જે આપણો જન્મારો સિધ્ધ કરવા માટે આપણને તૈયાર કરે છે. મારું તો એવું માનવું છે કે, એક ખરડો પસાર કરીને આપણા દેશના બંધારણમા ફેરફાર કરીને કેટલાક મહત્વના પદો જેવા કે, રાષ્ટ્રપતિ, રાજયપાલ, રાજયસભાના સભ્યો વગેરે નિવૃત થયેલા શિક્ષકો માટે અનામત કરી નાંખવા જોઈએ. જો આટલી હદ સુધી શિક્ષકોને મહત્વ આપવામા આવશે તો જ આપણું ટેલેન્ટ વિદેશગમન કરવાના બદલે પોતાના દેશમા શિક્ષક બનવાનું પસંદ કરશે, તો જ ૯૦ ટકા લાવનાર વિધાર્થી ડોકટર કે એન્જીનીયર બનવાને બદલે શિક્ષક બનવાનું પસંદ કરશે અને તો જ આપણી શિક્ષણ વ્યવસ્થામા સુધારો થશે અને આવનારા વર્ષોમા ખરા અથૅમા આપણે મજબૂત રાષ્ટ્ર બનીશું.

હું ર૦૦૯ આસપાસ જૂનાગઢની એક ખાનગી માધ્યમિક શાળામા શોખથી ભણાવતો. ઈન્ટરવ્યુ સમયે જ મારી શરત હતી કે પગાર તમે જે આપશો તે હું લઈ લઈશ પણ વિજ્ઞાનની સાથે મને શારીરિક શિક્ષણ ભણાવવા આપવું પડશે. મને મારા છોકરાઓ સાથે મિત્રતાના ભાવ સાથે રહેવું ગમતું. હું મારા કલાસમા છોકરાઓને May I come in Sir ? પૂછીને અને તેઓ હા પાડે તો જ અંદર દાખલ થતો. મેં એમને કહેલું કે, તમને એવું લાગે કે મારા લેકચરમા મજા નથી આવતી તો તમારે મને સ્પષ્ટ કહી દેવાનું એટલે હું બીજા દિવસથી નહિ આવું પણ આવું કયારેય બન્યું નહિ. નીચે ઓફિસમા બેઠા બેઠા અમારા ટ્રસ્ટી અને આચાયૅ બધું જોયે રાખે. એક વાર હું મારી મસ્તીમા મસ્ત બનીને વિજ્ઞાન ભણાવી રહ્યો હતો અને પટાવાળા બહેન આવ્યા મને ડિસ્ટબૅ કરીને કહે કે પ્રિન્સિપાલ સાહેબ બોલાવે છે. મને મારી એક કનેકટીવીટી સેટ થઈ હોય એ બ્રેક કરવી ન ગમે એટલે મે કહેવરાવ્યું કે સાહેબને કહેજો કે હું મારો લેકચર પૂરો થયા બાદ આવું છું.

લેકચર બાદ હું ગયો એટલે મને ફરીયાદો કરવા લાગ્યા કે, આમ ન ભણાવાય, આવી રીતે બેંચ પર ન બેસાય, છોકરાવ પાસે તમે જે પ્રવૃતિઓ કરાવી રહયા હતા એ મુદો ખાસ પરીક્ષામા કામનો નથી એટલે એમા આખો પિરિયડ ન બગાડાય, આવી રીતે ભણાવશો તો કોસૅ પૂરો નહિ થાય, વગેરે… મારો સ્વભાવ પણ આકરો રહ્યો એટલે મેં પણ મારા આચાયૅની સાથે ઘણી દલીલો કરી અને સમજાવવા પ્રયત્ન પણ કર્યો કે સાહેબ પરીક્ષાના આધારે મારે વિધાર્થીઓને ભણાવવાના નથી. સૈાથી પહેલા તો મારે તેમને પ્રશ્નો પૂછતા કરવાના છે. મારે તમામ મુદાઓ પરના એમના ખ્યાલો સ્પષ્ટ કરવાના છે. એમના મનમા ઉદભવતા પ્રશ્નોના નિરાકરણ કરી આપવાના છે. પણ અંતે એટલું જ કહ્યું કે, હું મારી પધ્ધતિથી જ છોકરાવને ભણાવીશ, તમને અનુકૂળ ન આવે તો બીજા સાહેબ શોધી લેજો.

ધીમે ધીમે સમય પસાર થતો જતો હતો. વારંવાર મારે કેટલીક બાબતોમા મેનેજમેંટ સાથે દલીલો પણ થતી રહેતી અને થાય એ પણ સ્વાભાવિક હતું. પરંતુ મારા વિધાર્થીઓને મારાથી ખૂબ સંતોષ હતો. જે વાતનો મને ભારોભાર સંતોષ હતો. આટલા વર્ષોમા મે કરેલી વિવિધ કામગીરીઓમા મને સ્કુલમા ૯ મહિના છોકરાવને ભણાવ્યા એના જેવી મજા કયારેય નથી આવી. મને તો શિક્ષકમિત્રોની કયારેક બળતરા પણ થાય છે અને વિચાર આવે છે કે, મારે પણ મામલતદાર ને બદલે માસ્તર બનવાની જરૂર હતી. પણ ત્યા ફરીથી વિચાર આવે છે કે, જો આવું બન્યું હોત તો મારે મારા આચાયૅ અને શિક્ષાણાધિકારી સહિત કેટલાય સાથે મગજમારી અને મારામારી પણ થઈ હોત.

એક વખત હું ફ્રી પિરીયડમા સ્ટાફરૂમમા બેઠો બેઠો કઈક વિચાર કરી રહ્યો હતો. પટાવાળા બહેન આવ્યા બોલાવવા કે ટ્રસ્ટીસાહેબ બોલાવે છે. હું ગયો એમની ચેમ્બરમા. મને કહે કે આજે આપણા ચોકીદાર રજા પર છે અને બહાર પવનના કારણે સાયકલો પડી ગઈ છે. તમે ફ્રી બેઠા છો તો જરા એ સાયકલો વ્યવસ્થિત ગોઠવો. મારો તો મગજ છટકી ગયો અને મેં ટ્રસ્ટીને સીધું જ ચોપડાવ્યું કે સાહેબ હું બી.એસ.સી, એમ.એડ. છુ હો… મારું કામ છોકરાવને ભણાવવાનું છે નહિ કે ચોકીદારી કે પટાવાળી કરવાનું. ટ્રસ્ટી પણ ગરમ થઈ ગયો અને મને કહે કે બી.એસ.સી. નું દાળીયું પણ ન આવે, તમે બિલકુલ નવરા બેઠા છો અને અમે અહિં તમને પગાર આપીએ છીએ એટલે અમે કહીએ તેમ કરવું પડે. મે કહ્યું સાહેબ પગારની વાત છોડો. નહિ આપો તો પણ ચાલશે. હું મારા નિજાનંદ માટે ભણાવું છું. બી.એસ.સી. નું શું આવે તે તમને ભવિષ્યમા ખબર પડી જશે. એમ કહીને હું ૧પ મિનિટમા મારું રાજીનામું આપીને ત્યાંથી નિકળી ગયો. આચાયૅને કહેતો ગયો કે તમે લોકોએ શું ગુમાવ્યું છે એ તમને આજે ખબર નથી પણ ભવિષ્યમા સમજાશે.

મને તો ખબર હતી ત્યારે કે આપણો ટાર્ગેટ જી.પી.એસ.સી. પાસ કરીને સરકારમાં અધિકારી બનવાનો છે. મુખ્ય પરીક્ષા અને ઈન્ટરવ્યુ વચ્ચેના સમયગાળામા સ્કુલના વાતાવરણને ફરીથી માણવા અને બાળકો સાથે મોજ કરવા તથા શિક્ષક તરીકેની લાઈફ થોડો સમય જીવવા હું અહિ જોડાયો હતો. વર્ષ 2012 માં મામલતદાર હળવદ તરીકે હું ફરજ બજાવતો હતો ત્યારે આ સ્કૂલના ટ્રસ્ટી એક કામથી મને મળવા આવેલ ત્યારે બી.એસ.સી. ની લાયકાત નું શું આવે એ એમને બરોબર સમજમાં આવે એટ્લે બે કલાક મારી ચેમ્બર બહાર મે એમને બેસાડેલા. આ વાતનો ઉલ્લેખ અહી એટ્લે કર્યો કે, મને શિક્ષકોનું ડી-વેલ્યુએશન કોઈ કરે એ બિલકુલ ન ગમે. અરે, ફ્રી પીરીયડ શિક્ષકનો હક છે.

પ્રોક્ષી પીરીયડ લેવા જવાનો થાય તો બરોબર છે કે જવું જ જોઈએ પણ નવરા બેઠા છો એટલે સાયકલ ઉપાડવા બાબતનું લોજીક ન સમજાયું. આવા જ કેટલાય રાજકારણીઓ અને કથળેલી શિક્ષણ પધ્ધતિના કારણે ઉદભવેલી પેટા પેદાશો સ્કુલોમા શિક્ષણનો વેપાર ચલાવતી થઈ ગઈ છે. આ ૧ર ધોરણ નાપાસ ટ્રસ્ટીની હિંમત એવી તે કેવી કે એ કવોલીફાઈડ શિક્ષકને કહી જાય કે તારી ડીગ્રીનું કઈ ન આવે ? મને પછી ખબર પડેલ કે, આ ટ્રસ્ટી ધોરણ ૧ર નાપાસ હોવા છતા ટયુશન કરાવતો અને તેમાથી કમાયેલા રૂપીયા થકી એક મોટા બિલ્ડર સાથે મળીને આ શાળા શરૂ કરેલ અને શિક્ષકો એકઠી વધારે ડિગ્રીઓ ધરાવતા હોવા છતા એમની નીચે કામ કરવું પડે છે… ખરેખર શિક્ષકની બિચારાની આ કમનસીબી છે હો… (વધુ આવતા અંકે)

વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ શિક્ષકોની અભ્યાસલક્ષી મૂંઝવણોના ઉકેલસમું પુસ્તક એટલે ‘ગુરુકિલ્લી’.
માત્ર ₹ 151 ની કિંમતનું આ પુસ્તક મંગાવવા માટે આપનું પુરુ નામ, સરનામુ, મો.નં. લખેલ મેસેજ 8980035034 પર Whats App કરશો. આપને ઘેરે બેઠા પુસ્તક મળી રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *