જાતિગત વસતિગણતરી જરૂરી કેમ છે અને મોદી સરકાર આ કામ કેમ નથી કરાવવા માંગતી, જાણો આ વિશે વિગતવાર.

જાતિગત વસતિગણતરીની જરૂરિયાત કેમ? શું સરકાર જાતિગત વસતિગણતરીથી કેમ ગભરાય છે ? જાણો વિગતવાર

કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે ગયા મહિને ૨૦ જુલાઈ, ૨૦૨૧ ના રોજ લોકસભામાં આપેલા પોતાના જવાબમાં કહ્યું હતું કે હાલ કેન્દ્ર સરકારે અનુસૂચિત જાતિ અને જનજાતિ સિવાય અન્ય કોઈ જાતિની ગણતરી કરવાનો કોઈ આદેશ નથી આપ્યો. પાછલા વખતની જેમ જ આ વખતે પણ એસસી અને એસટીને જ વસતિગણતરીમાં સામેલ કરાયા છે.

પરંતુ જે મોદી સરકાર મંત્રીમંડળના વિસ્તરણ બાદ પોતાની જાતને ઓબીસી મંત્રીઓની સરકાર ગણાવી રહી હતી, જે સરકાર નીટ પરીક્ષાના ઓલ ઇંડિયા ક્વોટામાં ઓબીસી અનામત આપવા બાબતે પોતાની પીઠ થાબડતી આવી છે, આખરે એ જ મોદી સરકાર જાતિગત વસતિગતરીથી કેમ ગભરાઈ રહી છે?

આ પ્રશ્ન વિરોધ પક્ષ સતત પૂછતો રહ્યો છે. હવે તેમનો સાથ એનડીએની કેટલીક સહયોગી પાર્ટીઓ પણ આપી રહી છે.

જાતિગત વસતિગણતરીની જરૂરિયાત કેમ? :-

મોદી સરકારે જાતિગત વસતિગણતરી ન કરાવવા અંગેનો મત વ્યક્ત કર્યો છે, આનો જવાબ જાણીએ એ પહેલાં જરૂરી છે કે આપણે જાણી લઈએ કે ભારતમાં વર્ષ ૧૯૩૧ સુધી જાતિગત વસતિગણતરી થતી હતી. વર્ષ ૧૯૪૧ માં વસતિગણતરીના સમયે જાતિ આધારિત ડેટા મેળવવામાં આવ્યો હતો, પરંતુ પ્રકાશિત નહોતો કરાયો.

વર્ષ ૧૯૫૧ થી ૨૦૧૧૧ સુધીની વસતિગણતરીમાં દરેક વખત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનો ડેટા જાહેર કરાયો, પરંતુ ઓબીસી અને અન્ય જાતિઓનો નહીં. આ દરમિયાન વર્ષ ૧૯૯૦ માં કેન્દ્રની તત્કાલીન વિશ્વનાથપ્રતાપ સિંહની સરકારે બીજા પછાતવર્ગ પંચ, જેને સામાન્યપણે મંડલ કમિશન તરીકે ઓળખવામાં આવે છે, ની ભલામણોને લાગુ કરી હતી.

આ ભલામણ અન્ય પછાત વર્ગના ઉમેદવારોને નોકરીઓમાં તમામ સ્તરે ૨૭ ટકા આરક્ષણ આપવાની હતી. આ નિર્ણયે ભારત, ખાસ કરીને ઉત્તર ભારતના રાજકારણનું ચિત્ર બદલી નાખ્યું. જાણકારોનું માનવું છે કે ભારતમાં ઓબીસી વસતિ કેટલા ટકા છે તેના નક્કર પુરાવા હાલ નથી.

મંડલ કમિશનના આંકડાઓના આધારે કહેવાય છે કે ભારતમાં ઓબીસી વસતિ ૫૨ ટકા છે. જોકે મંડલ કમિશને વર્ષ ૧૯૩૧ની વસતિગણતરીને આધાર માન્યો હતો. આ ઉપરાંત જુદીજુદી રાજકીય પાર્ટીઓ પોતાના ચૂંટણી સરવે અને અનુમાનના આધારે આ આંકડાને ક્યારેક થોડો ઘટાડીને તો ક્યારેક થોડોક વધારીને આંકતી આવી છે.

પરંતુ કેન્દ્ર સરકાર જાતિના આધારે ઘણી નીતિઓ તૈયાર કરે છે. તાજેતરનું ઉદાહરણ નીટ પરીક્ષા જ છે જેમાં ઑલ ઇંડિયા ક્વૉટામાં ઓબીસી માટે અનામત લાગુ કરવાની વાત મોદી સરકારે કરી છે.

સેન્ટર ફૉર સ્ટડી ઑફ ડેવલપિંગ સોસાયટીઝ (સીએસડીએસ)ના પ્રોફેસર અને રાજકીય વિશ્લેષક સંજયકુમારનું માનવું છે કે, “વસતિગણતરીમાં આદિવાસી અને દલિતો વિશે પૂછવામાં આવે છે. માત્ર બિનદલિતો અને બિનઆદિવાસીઓની જાતિ પૂછવામાં નથી આવતી. આ કારણે આર્થિક અને સામાજિક પછાતપણા પ્રમાણે જે લોકો માટે સરકાર નીતિઓ ઘડે છે, આ પહેલાં સરકારને એ ખબર હોય એ જરૂરી છે કે આખરે જે-તે જાતિના કેટલા લોકો છે, જાતિગત વસતિગણતરીના અભાવમાં સરકારની નીતિ અને યોજનાઓનો લાભ યોગ્ય જાતિ સુધી યોગ્ય રીતે પહોંચી રહ્યો છે કે કેમ તે જાણવું અઘરું બની જાય છે.”

તેઓ આગળ કહે છે કે, “અનુસૂચિત જાતિ, ભારતની વસતિના ૧૫ ટકા છે અનુસૂચિત જનજાતિ ૭.૫ ટકા છે. આ આધારે જ તેમને સરકારી નોકરીઓ, સ્કૂલ, કૉલેજમાં અનામત મળે છે.” “પરંતુ વસતિમાં ઓબીસીનો ભાગ કેટલો, તે અંગે કોઈ નક્કર આંકડો નથી. સુપ્રીમ કોર્ટના નિર્ણય પ્રમાણે કુલ ૫૦ ટકા કરતાં વધુ અનામત ન આપી શકાય, આ કારણે જ ૫૦ ટકામાંથી અનુસૂચિત જાતિ અને જનજાતિની અનામતને કાઢીને બાકી રહેલી અનામત ઓબીસીને ફાળવી દેવાઈ.”

“પરંતુ આ સિવાય ઓબીસી આરક્ષણનો કોઈ આધાર નથી.” આ જ કારણ છે કે અમુક વિપક્ષી પાર્ટીઓ જાતિગત વસતિગણતરી અંગે સ્પષ્ટપણે બોલી રહી છે. કોરોના મહામારીને કારણે વસતિગણતરીનું કામ યોગ્ય રીતે શરૂ નથી થઈ શક્યું.

જાતિગત વસતિગણતરીથી કેમ ગભરાય છે સરકાર? :-

આવી પરિસ્થિતિમાં પ્રશ્ન એ થાય છે કે સત્તામાં આવતાની સાથે જ પાર્ટીઓ આવી વસતિગણતરીની વિરુદ્ધ કેમ થઈ જાય છે?

સંજયકુમાર જણાવે છે કે, “ધારો કે જાતિગત વસતિગણતરી થાય છે તો અત્યાર સુધીની જાણકારીમાં જે આંકડા છે તે ઉપર-નીચે થવાની પૂરેપૂરી સંભાવના છે. માની લો કે ઓબીસીની વસતિ ૫૨% થી ઘટીને ૪૦% ટકા થઈ જાય છે, તો બની શકે કે રાજકીય પક્ષોના ઓબીસી નેતા એક થઈને કહે કે આ આંકડા સાચા નથી.”

“અને માની લો કે તેનું પ્રમાણ વધી ૬૦ ટકા થઈ જાય, તો વધુ અનામત આપવા માટેની માગ ઊઠી શકે છે. સરકારો કદાચ આવી સંભાવનાઓથી જ ગભરાય છે. ” “કારણ કે આદિવાસીઓ અને દલિતોના આકલનમાં તો ફેરફાર નહીં જ થાય કારણ કે દરેક વસતિગણતરીમાં તેમની તો અલગથી ગણતરી થાય જ છે, આવી પરિસ્થિતિમાં જાતિગત વસતિગણતરીમાં ટકાવારીની દૃષ્ટિએ વધારા-ઘટાડાની આશંકા અપરકાસ્ટ અને ઓબીસી માટે જ છે.”

પ્રોફેસર સંજયકુમાર એવું પણ જણાવે છે કે જેવી રીતે હાલના દિવસોમાં જ મોદી સરકાર ઓબીસી અંગે મુખર બની છે, કેન્દ્ર સરકાર આવનારા દિવસોમાં જાતિગત વસતિગણતરી પર પહેલ કરી શકે છે. અલાહાબાદ યુનિવર્સિટીના જી. બી. પંત સોશિયલ સાયન્સ ઇન્સ્ટિટ્યૂટના નિદેશક પ્રોફેસર બદ્રીનારાયણ કહે છે, “અંગ્રેજો તરફથી વસતિગણતરી લાગુ કરાયા પહેલાં, જાતિવ્યવસ્થા સ્થિતિસ્થાપક અને ગતિશીલ હતી.” “પરંતુ અંગ્રેજ જ્યારે જાતિગત વસતિગણતરીને લઈને આવ્યા, ત્યારે બધું રેકર્ડમાં નોંધાવા લાગ્યું, આ બાદ જાતિવ્યવસ્થા જટિલ બની ગઈ.”

“વસતિગણતરી એક અત્યંત જટિલ કાર્ય છે. વસતિગણતરીમાં કોઈ પણ વસ્તુ જ્યારે નોંધાય છે, ત્યારે તેનાથી એક રાજકારણ પણ જન્મ લે છે, વિકાસનાં નવાં પરિમાણ પણ તેનાથી નિર્ધારિત થાય છે.” “આના કારણે જ કોઈ પણ સરકાર તે અંગે સમજી-વિચારીને જ કામ કરે છે. આમ જોઈએ તો વસતિગણતરીથી જ જાતિગત રાજકારણની શરૂઆત થાય છે.” ત્યાર બાદ જ લોકો પોતાની જાતને જાતિ સાથે જોડીને જોવા લાગ્યા, જાતિઆધારિત પાર્ટીઓ અને ઍસોસિએશન બન્યાં.

તેથી, આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ અથવા શેર કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *