વર મરો કન્યા મરો પણ ગોરનું તરભાણું કરો, સનસની મચાવતો ડો ચિંતન વૈષ્ણવનો લેખ.

નો રીપિટ થિયરી અપનાવવા પાછળનું અસલી કારણ જાણવા માટે આ લેખ ખાસ વાંચવો. વર મરો, કન્યા મરો પણ ગોરનું તરભાણું કરો.

પૃથ્વી ઉપરનો દરેક માણસ પોતાની આખી જિંદગી દરમિયાન વિવિધ પ્રકારની લાલચથી પીડાતો હોય છે. જેનામા લાલચનો ગુણ ન હોય એ સંત કહેવાય. લાલચ અલગ અલગ પ્રકારની જોવા મળે છે, જેમ કે.. પૈસાની લાલચ, ખોરાકની લાલચ, નોકરીની લાલચ, છોકરીની લાલચ, સત્તાની લાલચ, પ્રસિદ્ધિની લાલચ વગેરે. લાલચ અને સ્વાર્થ આમ જુઓ તો એકબીજાના ભાઈ ગણાય.

જે માણસ લાલચુ હોય એ સ્વાર્થી હોવાનો જ. આપણે ત્યાં ભારતમાં એક ક્ષેત્ર એવું છે કે જ્યાં સેવા આપતા લગભગ તમામ લોકો લાલચુ, સ્વાર્થી, નક્ટા, ખોટુ બોલનારા, દંભી વગેરે જેવા પુષ્કળ માત્રામાં નકારાત્મક ગુણો ધરાવતા હોય છે. આ બધા લોકોમાં જેની પાસે ઉકત દર્શાવેલા ગુણો ખૂબ મોટા પ્રમાણમા હોય એ એમનો લીડર બનતો હોય છે. એ ક્ષેત્રનું નામ છે – રાજકારણ.

આમ તો હું સરકારી તંત્રમાં અને રાજકારણમાં કોલેજકાળથી રસ લેતો થયો. આ સમયે મારી ઉંમર લગભગ 17 વર્ષ હતી અને એ 2001 નું વર્ષ હતું. એ સમયે ગુજરાતમાં કેશુભાઈ પટેલ બાદ હજુ નરેન્દ્ર મોદીની એન્ટ્રી થઈ હતી. ભારત સરકારમાં માનનીય બાજપાઈ સાહેબ જેવા ઉચ્ચ આદર્શો ધરાવતા પ્રધાનમંત્રી બિરાજમાન હતા. જેમણે સર્વાનુમતે પરમ આદરણીય શ્રી એ.પી.જે. અબ્દુલ કલામ સાહેબની પસંદગી રાષ્ટ્રપતિ તરીકે કરેલી.

હું ભૂલતો ન હોવ તો એ સમયમાં ‘હિંદુત્વ ખતરામાં છે’ એવા કોઈ ઉશ્કેરણીજનક વિધાનો આપણને સાંભળવા મળ્યા ન હતા. બાજપાઈ સાહેબ બાદ દેશના પ્રધાનમંત્રી તરીકેનું સ્થાન શોભાવનાર માનનીય મનમોહન સિંહ સાહેબ બોલતા ઓછું પણ કામ ખૂબ વધારે કરતાં. તેઓ દેશના ટોપ લેવલના અર્થશાસ્ત્રી હોવાનો દરેક ભારતીયને ગર્વ છે.

ભલે મે પુખ્ત ઉંમરે પહોચ્યા બાદ ગુજરાતમાં માત્ર ભાજપનું જ શાસન જોયું છે પરંતુ મે ગુજરાત રાજ્યની સૌથી અઘરી ગણાતી એવી જી.પી.એસ.સી. ની પરીક્ષા તનતોડ અને મનતોડ મહેનતથી જનરલ કેટેગરીમાથી પાસ કરી છે. આ પરીક્ષા પાસ કરવા માટે મે ભારતની રાજનીતિ તેમજ ગુજરાતની રાજનીતિનો ખૂબ અભ્યાસ કરેલ છે. મુખ્ય પરીક્ષામાં મારો પસંદ કરેલો એક વિષય રાજ્યશાસ્ત્ર હતો. આજનો આ લેખ મારા આ અભ્યાસને આધારે અને સરકારી અધિકારી તરીકે મહેસૂલ વિભાગના એક ખૂબ જ જવાબદાર અને એકઝીક્યુટિવ હોદ્દા પર બજાવેલ ફરજ દરમિયાન થયેલા અનુભવો આધારે લખી રહ્યો છું.

આ લેખ દ્વારા હાલની પરિસ્થિતી વિષે બહુ સરળ ભાષામાં કેટલીક છ્ણાવટ કરવાનો મારો પ્રયત્ન છે. હિંદુત્વના નામે અંધભક્તિમાં લીન થયેલા વાંચકમિત્રોને મારો આજનો આ લેખ નહીં ગમે એ હું ખાતરીપૂર્વક કહી શકું છું.

છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાત અને ભારતની રાજનીતિનું એક નવું જ રૂપ જોવા મળી રહ્યું છે. હાલમાં જ ગુજરાતની જનતાને બબ્બે આંચકાઓ ભાજપ હાઈકમાંડ દ્વારા આપવામાં આવ્યા. એક તો તદ્દન નવા, બિનઅનુભવી અને ઓછું ભણેલા એવા અનપેક્ષિત ધારાસભ્યને ગુજરાતની સૌથી જવાબદાર ખુરશી ઉપર મુખ્યમંત્રી બનાવીને બેસાડી દીધા. વધુમાં નો-રિપીટ થીયરીનું નવું તૂત કાઢીને આખેઆખું મંત્રીમંડળ બદલાવી નાંખ્યું. ઓછું ભણેલા અને બિનઅનુભવી ધારાસભ્યોને મંત્રી બનાવીને એમના હાથમાં અગત્યના વિભાગોનું સુકાન સોંપી દેવામાં આવ્યું. આ ઘટનાને ઘણા વિવેચકોએ ખૂબ સારી રીતે વિવિધ મીડિયા ચેનલોના મધ્યમથી ચર્ચામાં સમજાવવાનો પ્રયત્ન કર્યો.

છ્ત્તા હજૂપણ કેટલાય ભણેલા અજ્ઞાની મતદારો પોતાનું સારું અને ખરાબ સમજી નથી શકતા અને ભાજપ હાઈકમાંડે લીધેલા નિર્ણયોને નવાજી રહ્યા છે. સોશિયલ મીડિયામાં પ્રધાનમંત્રીની સરખામણી ગીરના સાવજ સાથે કરી રહ્યા છે. રિપ્લેસ થયેલા મંત્રીશ્રીઓની મજાક ઉડાવી રહ્યા છે. હકીકતે એક અભ્યાસુની નજરે જોવામાં આવે તો લોકશાહી ખતરામાં હોય એવું લાગી રહ્યું છે.

ભારતનું સંવિધાન સૌથી ઉપર છે. સંવિધાન મુજબ વિધાનસભામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓએ વિધાનસભામાં ભેગા મળીને સર્વાનુમતે પોતાનો વડો એટ્લે કે મુખ્યમંત્રી પસંદ કરવાના હોય છે. આપણે ત્યાં તો એવું બન્યું કે ચૂંટાયેલા તમામ ભાજપી ધારાસભ્યો વિધાનસભાને બદલે ભાજપ કાર્યાલય ‘કમલમ’ માં ભેગા થયા, બિનજરૂરી ચર્ચાઓમાં સમય બગાડયો અને અંતે તો દિલ્હીથી મોટા સાહેબની આવેલી એકતરફી સૂચના મુજબ ઘાટલોડીયાના ધારાસભ્યને મુખ્યમંત્રી તરીકે જાહેર કરવામાં આવ્યા. ખુદ ભાજપ પક્ષના પ્રમુખ પાટિલભાઇ, તત્કાલિન મુખ્યમંત્રી વિજયભાઈ સહિત કેબિનેટ કક્ષાના મંત્રીશ્રીઓને પણ સી.એમ. નું નામ જાહેર થતાની સાથે જ જબરદસ્ત આંચકો અનુભવાયો.

મારી દ્રષ્ટિએ આ ઘટના લોકશાહીનું હનન કહેવાય. પરંતુ આ બાબતનો વિરોધ કરવાની હિંમત ભાજપનો એકપણ નેતા, કાર્યકર્તા, વિપક્ષ, બંધારણીય હોદ્દો ધરાવતા અધિકારીઑ-પદાધિકારીઑ કે ગુજરાતની જનતા પૈકી કોઈ કરી શક્યું નહીં.

અબ્રાહમ લિંકને આપેલી લોકશાહીની વ્યાખ્યા “લોકોની, લોકો દ્વારા અને લોકો માટે ચાલતી સરકાર એટ્લે લોકશાહી” એ અહી બંધ બેસતી નથી. અહી તો માત્ર બે મોટા નેતાઓની, એ બંને દ્વારા અને એ બંને માટેની જ આ સરકાર હોય એવું લાગી રહ્યું છે. એક ભયનું વાતાવરણ એવું ઊભું કરવામાં આવ્યું છે કે વિરોધ કરવાની વાત તો દૂર રહી પણ પોતાનો પક્ષ પણ કોઈ રજૂ કરી શકતું નથી.

લોકશાહીની કેટલીક લાક્ષણિક્તાઓ છે જેવી કે… મુક્ત અને ન્યાયી ચૂંટણી, લોકભાગીદારી, માનવ અધિકારનું રક્ષણ, કાયદાનું સમાન શાસન. લોકભાગીદારીનો અર્થ થાય છે કે સરકારની દરેક પ્રક્રિયામાં લોકોની ભાગીદારી હોય. લોકો માટે નિર્ણયો લેવાની અને પોલિસીઓ બનાવવાની પ્રક્રિયામાં તમામ લોકોની એકસરખી ભાગીદારી સુનિશ્ચિત કરવાની હોય. માનવ અધિકારના રક્ષણનો મતલબ છે કે માણસને શાંતિથી, સલામતીથી, ભયમુક્ત અને ગૌરવપૂર્ણ રહેવાનો અધિકાર આપવો.

પ્રથમ લોકડાઉન દરમિયાન પરપ્રાંતિય ગરીબ મજૂરોના ભગવાન સમા ફિલ્મી અભિનેતા સોનું સુદે આમ આદમી પાર્ટીના દિલ્હીના મુખ્યમંત્રીશ્રી અરવિંદ કેજરિવાલજીની રૂબરૂ મુલાકાત કરી એના થોડા જ દિવસ બાદ તેમને ત્યાં ઇન્કમટેક્ષના દરોડા પડ્યા (પડાવવામાં આવ્યા), એ ઘટના શું સૂચવે છે? મારા માનવા મુજબ આપણે ત્યાં લોકશાહી મરી રહી હોવાનું સૂચવે છે.

બાહોશ આઈ.પી.એસ. સંજીવ ભટ્ટ સાહેબ નિર્દોષ હોવા છ્ત્તા જેલના સળિયા પાછળ પીડાઈ રહ્યા છે. શું એ બાબત ગૌરવપૂર્ણ જીવન જીવવાનો અધિકાર ગણાય? જામનગરના સાંસદ સામે નમતું નહીં જોખનાર તાત્કાલિન મામલતદાર ડો.ચિંતન વૈષ્ણવ (એટ્લે કે હું પોતે) ને વગર કારણે ફરજ પરથી છૂટ્ટો કરી દેવો એ ઘટના શું માનવ અધિકારોનું રક્ષણ કહેવાય? હાલ સત્તામાં રહેલા માત્ર 2 ઈસમોની રીતસરની દાદાગીરી વર્તાઇ રહી છે. મુખ્યમંત્રી બદલવાનો નિર્ણય, નો-રિપીટ થીયરી વગેરે ફતવાઓ કોરોના મહામારીમાં તદ્દન નિષ્ફળ રહેલ ભાજપ સરકાર આગામી વિધાનસભામાં બહુમતી મેળવવા માત્રથી નવા નવા નુસખા અજમાવી રહી હોવાનું જણાય છે.

તમામને બદલી નાંખવાનો મતલબ સ્પષ્ટ એવો થયો કે મુખ્યમંત્રીને સંવેદનશીલની ઉપાધિ આપીને માત્ર જાતે ફડાકો મારીને પોતાનો ગાલ લાલ રાખતા હતા. અંદરથી તો જાણતા જ હતા કે સી.એમ. તરીકે વિજયભાઈ નિષ્ફળ રહ્યા છે. મને લાગે છે કે સ્ટેટ આઈ.બી. ના અહેવાલને આધારે વર્ષ 2022 માં આવનારી વિધાનસભા ચૂંટણીના ભયાનક પરિણામના અત્યારથી ભાજપને દર્શન થઈ ગયા છે. ભાજપના આગેવાનો એવું માને છે કે મોદીના નામે અમારી પાર્ટી સત્તામાં આવે છે. મોદી પોતે પણ એવા ભ્રમમાં રાચતા લાગે છે કે મે પબ્લિક ઉપર જાદુ કરી દીધો છે અને પબ્લિક મારાથી પ્રભાવિત છે એટ્લે મારા નામે મારા ઊભા રાખેલા ઉમેદવારો ચૂંટાય છે. હકીકતે બિચારી પબ્લિક પાસે બીજો કોઈ વિકલ્પ નથી એટ્લે ના-છૂટકે અને અનિચ્છાએ પણ ભાજપને અગ્રતા આપવી પડે છે.

કોંગ્રેસ પાસે જોઈએ એવી નેતાગીરી નથી. પણ હવે આમ આદમી પાર્ટી ગુજરાતમાં એક નવી આશા અને વિકલ્પ તરીકે ઊભરી આવી છે. મારૂ એવું માનવું છે કે ગુજરાતની પબ્લિક પૈકીના જાગૃત અને હોંશિયાર મતદારો પણ નો-રિપીટ થીયરી અપનાવીને આગામી વિધાનસભા ચુંટણીમાં આમ આદમી પાર્ટીને એક તક આપશે ખરી. જોવાનું એ છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ આ તકને ઝડપી શકે છે કે કેમ.

મારૂ એવું માનવું છે કે ગુજરાતની પ્રજા ભોળી છે પણ સાવ મૂર્ખ તો નથી જ. આપણે બધા જ જાણીએ છીએ કે આપણા રાજયમાં છેલ્લી 3 ટર્મથી રબ્બર સ્ટેમ્પ સમા મુખ્યમંત્રીઓ મૂકવામાં આવી રહ્યા છે. જે દિલ્હીથી મળતી સૂચના મુજબ માત્ર કઠપૂતળી માફક વર્તી શકે છે. સી.એમ. કે મંત્રીમંડળ બદલવાથી નહીં પરંતુ તદ્દન નિષ્ફળ રહેલી સ્વચ્છંદી સરકારને નેસ્ત નાબૂદ કરવાથી કોરોનામાં આપણે ગુમાવેલા સ્વજનોની આત્માને શાંતિ મળશે.

રોજગારીને નામે માત્ર ગુજરાત રાજયમાં જ ફિક્સ પગારની સિસ્ટમ લાવનાર સરકારને ઉખાડી ફેંકવાથી યુવાનોનું શોષણ થતું અટકશે. ગરીબ અને મિડલ ક્લાસ પર મોંઘવારીનો બોજો લાદનાર, ખેડૂતોને પાયમાલ કરનાર, બાબુશાહીને બઢાવો આપનાર સરકારને હવે જાકારો આપવાનો સમય પાકી ગયો છે.

એકને એક વ્યક્તિ કે પક્ષના હાથમાં સતત સત્તા આવે એ લોકશાહી માટે ખતરારૂપ ગણાય. સત્તા પરીવર્તન એ પ્રજાના હિતમાં છે. સત્તાના લાલચુ અને પ્રસિદ્ધિનો શોખ ધરાવતા મૂળ ગુજરાતનાં બે મોટા નેતાઓ માટે સામાન્ય પ્રજાની કે એમની લાગણીઓની કોઈ જ કિંમત નથી. જાતિવાદ અને જ્ઞાતિવાદને બઢાવો આપનાર રાજકીય નેતાઓની માનસિકતા એક ગુજરાતી કહેવત જેવી હોય છે કે, “વર મરો, કન્યા મરો પણ ગોરનું તરભાણું કરો”.

કોઈપણ ભોગે સત્તાલાલચું અને વર્ષોથી એકહથ્થું શાસન ચલાવવા ટેવાયેલી એવી લોકશાહીની કાતિલ ભાજપને ભો ભેગી કરવા માટે “દુશ્મન કા દુશ્મન દોસ્ત” એ કહેવતને નજર સમક્ષ રાખીને આમ આદમી પાર્ટી, કોંગ્રેસ સહિત અન્ય પ્રાદેશિક પક્ષોએ ભેગા મળીને ગઠબંધન કરવું પડે તો પણ લોકશાહીની રક્ષા ખાતર આ બાબતે અત્યારથી વિચારવા જેવુ ખરું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *