IPCCનો રિપોર્ટ પ્રમાણે ૨૦૩૦ સુધીમાં પૃથ્વીના તાપમાનમાં ૧.૫ ડિગ્રીનો વધારો થશે.

પૃથ્વીનું તાપમાન ઝડપથી વધી રહ્યું છે અને વર્ષ ૨૧૦૦ સુધીમાં ૧.૫ ડીગ્રી સેલ્સિયસ સુધી મર્યાદિત કરવા માટે સંયુક્ત રાષ્ટ્રની આગેવાની હેઠળ ૧૯૫ દેશો જુદી જુદી રીતે પ્રયાસોમાં કાર્યરત છે, પરંતુ જો યુએન સાથે જોડાયેલી સંસ્થા આઈપીસીસીની વાત માનીએ તો સમગ્ર માનવજાતિ પૃથ્વીને એક મોટા અને કાયમી પરિવર્તન તરફ ધકેલી રહી છે. ખરેખર ગ્લોબલ વોર્મિંગની જ અસર છે, જે આપણે સતત જંગલમાં લાગતી આગ, પૂર, ભૂસ્ખલન વગેરેના રૂપમાં સતત જોઈ રહ્યા છીએ.

IPCCએ એક રિપોર્ટ જાહેર કર્યો :- પૃથ્વી પર કેવા પ્રકારના ફેરફારો થઈ રહ્યા છે એ અંગે ઇન્ટર ગવર્નમેન્ટલ પેનલ ધ ક્લાઇમેટ ચેન્જ (IPCC)એ સોમવારે એક રિપોર્ટ જાહેર કર્યો હતો. રિપોર્ટ અનુસાર, ૧૯૮૦ બાદથી સમુદ્રમાંથી આવતી હીટવેવ, એટલે કે ગરમ પવનની પ્રક્રિયામાં વધારો થયો છે. તેની પાછળનું સૌથી મોટું કારણ માનવજાતની પ્રવૃત્તિઓ છે. ૨૦૦૬ બાદ ખાસ કરીને ગંભીર ફેરફારો જોવા મળ્યાં છે.

ઘણાં જ વિનાશકારી પરિણામો ભવિષ્યમાં જોવા મળશે :- આ IPCCનું છઠ્ઠું આકારણી ચક્ર છે, જે અંતર્ગત વૈજ્ઞાનિકોનાં વિવિધ જૂથો વિશ્વના દરેક ખૂણામાં થઈ રહેલા આબોહવા પરિવર્તનનો અભ્યાસ કરી રહ્યા છે. IPCC પ્રથમ જૂથ, એટલે કે વર્કિંગ ગ્રુપ-૧ નો અભ્યાસ ૬ ઓગસ્ટના રોજ પૂર્ણ થયો હતો અને આજે પેનલ દ્વારા રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો. રિપોર્ટ અનુસાર, હાલમાં વાતાવરણમાં જે પણ ફેરફાર થઈ રહ્યા છે એ બદલી ન શકાય એવા છે. વૈજ્ઞાનિકોએ ૧૯૫ દેશોની સરકારોને પેરિસ કરારના ઠરાવને પરિપૂર્ણ કરવા માટે સાથે મળીને કામ કરવાની સલાહ આપી છે. વૈજ્ઞાનિકોએ કહ્યું હતું કે જો કોઈ લગામ વિના તાપમાન અને કાર્બન ઉત્સર્જન વધતું રહ્યું, તો ભવિષ્યમાં આપણને તેની ઘણી આડઅસરો જોવા મળશે.

વૈજ્ઞાનિકોનું એવું કહેવું છે કે ૨૦૩૦ સુધીમાં કાર્બન ઉત્સર્જનમાં ૫૦ ટકાનો ઘટાડો કરવો ખૂબ જ જરૂરી છે. માત્ર આ જ દિશામાં પૃથ્વીના તાપમાનમાં વૃદ્ધિને ૧.૫℃ સુધી મર્યાદિત કરવાનું શક્ય બનશે. જો આ પ્રમાણે કરવું હશે તો તમામ સરકારોએ તત્કાલિક યોજનાઓ બનાવવી પડશે. તમને જણાવી દઈએ કે ગ્લાસગોમાં આયોજિત થઈ રહેલા કોપ૨૬ પહેલાં આઇપીસીસી વધુ એક મહત્ત્વનો રિપોર્ટ જાહેર કરશે, જેથી COPE૨૬ ની બેઠકમાં જુદા જુદા દેશો આ મુદ્દે ગંભીરતાથી ચર્ચા કરી શકે.

જળવાયુ પરિવર્તનને કારણે પૃથ્વી પર થયા કેવા ફેરફાર :-

  • વર્તમાનમાં જળવાયુ પરિવર્તનના ખરાબ પરિણામ મહાસાગરો અને ગ્લેશિયર્સ દ્વારા સરળતાથી જોઈ શકાય છે. વર્ષ ૧૮૫૦ પછી પ્રથમ વખત આર્કટિક મહાસાગરે છેલ્લા એક દાયકામાં લઘુતમ સ્તર જોયો. ત્યાં ગ્લેશિયર્સનો તૂટવાનો સિલસિલો સતત ચાલુ જ છે. આવું જ કંઈક એન્ટાર્ટિકામાં પણ જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત આપણે જંગલોનો નાશ પણ જોઈ રહ્યા છીએ.
  • દરિયાની વૈશ્વિક જળસપાટીમાં જેટલો વધારો છેલ્લાં ૩૦૦૦ વર્ષમાં થયો હતો, તેટલો જ વધારો ૧૯૦૦ બાદથી એટલે કે છેલ્લાં ૧૨૦ વર્ષમાં નોંધાયો છે.
  • ૧૯૮૦ પછીથી સમુદ્ર તરફથી આવતી હીટવેવ એટલે કે ગરમ પવનનો સિલસિલો તીવ્ર બન્યો છે, જેની પાછળનું સૌથી મોટું કારણ માનવજાતની પ્રવૃત્તિઓ છે. ખાસ કરીને ૨૦૦૬ બાદથી ગંભીર ફેરફારો જોવા મળ્યા છે. વૈજ્ઞાનિકોનો અંદાજ છે કે વર્ષ ૨૧૦૦ સુધીમાં સમુદ્રની વૈશ્વિક જળસપાટી ૨ મીટર વધશે, જ્યારે ૨૧૫૦ સુધીમાં સમુદ્રનો સ્તર ૫ મીટર જેટલો વધી ચૂક્યો હશે.
  • પર્વતો પર ગ્લેશિયર જે ઝડપે પીગળી રહ્યો છે એ બદલાવી શકાય એમ નથી. એ ગ્લેશિયર ફરીથી બનશે, એ કહેવું અપ્રામાણિક હશે.

રિપોર્ટમાં જણાવાયું છે કે માનવજાતિએ કેવી રીતે જળવાયુને પહોંચાડી અસર:-

વૈજ્ઞાનિકોએ કહ્યું હતું કે માનવજાતિએ જે રીતે જળવાયુના તાપમાનમાં વધારો કર્યો છે એને કારણે પૃથ્વી પર ઝડપથી ફેરફાર થઈ રહ્યા છે. છેલ્લાં ૨૦૦૦ વર્ષોમાં જે ફેરફાર થયા છે એ અસાધારણ છે. ૧૭૫૦ બાદ ગ્રીનહાઉસ ગેસોના ઉત્સર્જનમાં ઝડપથી વધારો થયો છે. વર્ષ ૨૦૧૯માં વાતાવરણમાં કાર્બનડાયોકસાઈડ (CO2)નું પ્રમાણ અત્યારસુધીનો સૌથી વધુ નોંધાયું છે. આટલું વધુ પ્રમાણ છેલ્લાં ૨૦ લાખ વર્ષમાં પણ થયું નહીં હોય.

જ્યારે અન્ય ગ્રીન હાઉસ ગેસ- મિથેન (CH4) અને નાઈટ્રસઓક્સાઈડ (N2O)નું પ્રમાણ ૨૦૧૯માં એટલું વધ્યું છે કે એ છેલ્લાં ૮ લાખ વર્ષોમાં પણ નહીં રહ્યું હોય. ૧૯૭૦ બાદથી પૃથ્વીના ગરમ થવાના દરમાં વધુ વધારો થયો છે. જેટલું તાપમાન છેલ્લાં ૨૦૦૦ વર્ષમાં વધ્યું નથી, એટલું છેલ્લાં ૫૦ વર્ષમાં વધ્યું છે.

રિપોર્ટ સાથે જોડાયેલી ખાસ વાત:-

  • IPCના વર્કિંગ ગ્રુપ-૧ નો રિપોર્ટને આજે જાહેર કરવામાં આવ્યો છે, જેને ૧૯૫ સરકારો અને વિવિધ દેશોના ૨૩૪ વૈજ્ઞાનિકોએ મંજૂરી આપી છે.
  • એનું શીર્ષક છે, “ક્લાઇમેટ ચેન્જ ૨૦૨૧: ધ ફિઝિકલ સાયન્સ બેસિસ”. આ ગ્રુપે માનવજાતના કાર્બન ઉત્સર્જન અને એની અસરોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો છે.
  • ૪૭ દેશોની સરકારોએ ૩૦૦૦ થી વધુ કમેન્ટમાં પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો.
  • આ રિપોર્ટને તૈયાર કરવા માટે ૧૪ હજાર સંશોધન પેપરનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

તેથી,જો આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ અથવા શેર કરી તમારા મિત્રોને જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *