સરકારી જમીન પરના દબાણો અંગે પૂર્વ મામલતદાર ડો.ચિંતન વૈષ્ણવનો ખુબજ અગત્યનું લેખ.

સરકારી જમીન પરના દબાણો (Encroachments) – (ભાગ-1)

સરકારી જમીનો જેવી કે, ગ્રામ્ય વિસ્તાર, શહેરી વિસ્તાર, ગામતળ, સિટી સર્વે વિસ્તાર, ગૌચર વિસ્તારની જમીનોમાં બિનઅધિકૃત રીતે ખેતી વિષયક અગર તો બિનખેતી વિષયક દબાણો દિવસે દિવસે વધતા જાય છે. આજે આપણે વાત કરવી છે કે આવા દબાણો વધવા પાછળનું કારણ શું છે ? આવા દબાણો દૂર કરવા માટે શું કરી શકાય ? તેમજ આવા દબાણો થવાના કારણે સરકારને અને જનતાના પક્ષે શું નુકસાન રહેલું છે ?

સરકારી જમીનોમાં થતાં દબાણો અટકાવવા તેમજ જો દબાણ થઈ ગયું હોય તો સરકારી મિલકત જાળવણીના હેતુથી તેને દૂર કરાવવા ખૂબ જરૂરી છે. આ માટે ગુજરાત સરકારના મહેસૂલ વિભાગે જાહેર કરેલા એક પરિપત્ર મુજબ આવા દબાણો દૂર કરાવવાની સંપૂર્ણ જવાબદારી જે-તે સંબંધિત ક્ષેત્રના લાગતા વળગતા ક્ષેત્રિય અધિકારીની છે. જેમકે ગામતળમાં દબાણો થાય નહીં તે તકેદારી રાખવાની જવાબદારી સર્કલ ઈન્સ્પેકટર/તલાટી મંત્રીની હોય છે.

શહેરી વિસ્તારોમાં નગરપાલિકા વિસ્તારમાં ચીફ ઓફિસર/સિટી સર્વે અધિકારી તેમજ મહાનગરપાલિકા વિસ્તારોમાં દબાણશાખા/કમિશનરશ્રી તથા તાલુકામાં સરકારી પડતર જમીનો ઉપર દબાણો થાય નહીં તે જોવાની જવાબદારી સર્કલ ઓફિસર/મામલતદારની અને ગૌચરમાં દબાણો થાય નહીં તે બાબતે સત્તત ધ્યાન રાખવાની જવાબદારી સર્કલ ઈન્સ્પેકટર/તાલુકા વિકાસ અધિકારી/ગ્રામ પંચાયતની હોય છે.

સરકારી પડતર જમીનો ઉપર થયેલા દબાણો દૂર કરવા માટે પણ સત્તાઓની ફાળવણી કરવામાં આવેલ છે. જેમકે ગ્રામ્ય વિસ્તારની સરકારી પડતર જમીનો ઉપર થયેલા દબાણો જમીન મહેસૂલ કાયદાની કલમ-61 અન્વયે કાર્યવાહી કરીને મામલતદાર દૂર કરાવી શકે છે. જૂના ગામતળની જમીનોમાં થયેલા દબાણો તાલુકા વિકાસ અધિકારીએ તથા નવા ઠરાવેલ ગામતળની જમીનોમાં થયેલા દબાણો મામલતદારે દૂર કરાવવાના હોય છે.

નગરપાલિકા વિસ્તારની જમીનોમાં દબાણો હટાવવાની ફરજ નગરપાલિકાના મુખ્ય અધિકારીની છે. તેઓ ગુજરાત નગરપાલિકા અધિનિયમ-1963 ની કલમ 185 મુજબ દબાણો હટાવતા હોય છે. સિટી સર્વે વિસ્તારની જમીનો ઉપરના લારી-ગલ્લાના કે રસ્તા પૈકીનાં દબાણો દૂર કરાવવાની જવાબદારી સિટી સર્વે સુપ્રિટેંડેંટની હોય છે. જો ગૌચરમાં દબાણો થયા હોય અથવા ગ્રામ પંચાયતને સંપ્રાપ્ત થયેલ જમીનોમાં દબાણો હોય તો ગુજરાત પંચાયત અધિનિયમ-1993 ની કલમ 105 ની જોગવાઇઓ ધ્યાને લઇને તાલુકા વિકાસ અધિકારીએ આવા દબાણો દૂર કરવાના રહે છે.

દબાણો મુખ્યત્વે 2 પ્રકારના હોય છે. ખેતી વિષયક દબાણ અને બિનખેતી વિષયક. સરકારી જમીનમા દબાણ કરેલ હોય તો દબાણ દૂર કરવાની, આકાર નક્કી કરીને દંડ વસૂલ કરવાની, હકાલપટ્ટી કરવાની તેમજ પાક ખાલસા કરવા સહિતની જોગવાઇઓ જમીન મહેસૂલ અધિનિયમની કલમ 61 માં કરવામાં આવેલી છે. દરેક કચેરીમાં દબાણનું એક ટેબલ હોય છે. જેના પર ક્લાર્કથી ઉપરના લેવલના સ્ટાફની નિમણૂંક કરવાની થતી હોય છે.

મોટેભાગે દબાણની જગ્યાઓ લગભગ કચેરીમાં ખાલી અથવા તો ચાર્જમાં જ જોવા મળતી હોય છે. દબાણો દૂર કરવાની વાત તો દૂર રહી પરંતુ શોધવામાં પણ સરકારી કર્મચારીને રસ હોતો નથી. હકીકતે જિલ્લા કક્ષાના વડા અધિકારી એવા કલેક્ટરશ્રી દ્વારા વખતોવખત ઉકત તમામ ફેરણી અધિકારીઓ (Field Officer) ની બેઠક બોલાવવી જોઈએ. એમને દબાણો શોધવાના અને દૂર કરવાના લક્ષ્યાંકો આપવા જોઈએ. એ પૂરા ન કરે તો એમની ઉપર નિયમાનુસાર કાર્યાવાહી થવી જોઈએ.

મને યાદ છે કે જ્યારે હું મામલતદાર તરીકે હળવદ ખાતે ફરજ બજાવી રહ્યો હતો ત્યારે રોડ ટચ સરકારી જગ્યામાં કરેલ હોટલનું એક દબાણ તોડવા દરમિયાન જે-તે સમયના ભાજપના મંત્રીશ્રી સાથે મારે માથાકૂટ થયેલી. પોતાની વોટબેન્ક મજબૂત કરવા માટે તેઓ જે.સી.બી. ની આડે આવી ઊભા રહી ગયેલા. આમ જુઓ તો એક પ્રકારની સરકારી રૂકાવટ કહેવાય. પરંતુ મોટે ભાગે અધિકારીઓ નેતાઓ સાથે આવી બાબતોમાં માથાકૂટમાં ઉતરતા નથી.

અધિકારીઓ એવી માનસિકતા ધરાવે છે કે દબાણ તોડીને કોઇની સાથે દુશ્મનાવટ લઈને મને શું ફાયદો ? એના કરતાં તો મંત્રી સાહેબના વહાલા બની જવું મારા ફાયદામાં રહેશે. હું એ વખતે બિલકુલ નવો હતો, એ મારૂ પ્રથમ પોસ્ટિંગ હતું આથી કેટલીક કાયદાકીય બાબતોથી હું અજાણ હતો. નહીં તો એ મંત્રીની વિરુદ્ધમાં મે ફરજમાં રૂકાવટની પોલીસ ફરિયાદ ચોકકસ દાખલ કરાવી હોત. જો કે હું એ દબાણ અડધું તો અડધું તોડીને પાછો આવેલ. બદલામાં મને સરકારશ્રી તરફથી બદલીનું ઈનામ મળેલ.

મહેસૂલ વિભાગના તા.13-10-78/તા.6-12-78 ના પરિપત્ર ક્રમાંક એલ.એન.સી./3978/1978/અ થી આપેલ સૂચના મુજબ દરેક પ્રાંત અધિકારીશ્રીએ તેમના સબ ડીવીઝન હેઠળ આવતા શહેરી વિસ્તારની સરકારી જમીનો ઉપર દબાણો થતા અટકે અગર તો થયા હોય તો સત્વરે તે ધ્યાન ઉપર આવે તથા શહેરી વિસ્તારની સરકારી જમીનોનું રેકર્ડ અધતન રહે તે માટે આ પરિપત્ર સાથે આપેલ નિયત નમૂનામાં દરેક શહેરી વિસ્તારના તાલુકા મથકે દરેક મામલતદાર કચેરીમાં જે-તે શહેરી વિસ્તારમાં આવેલ આવા સરકારી સર્વે નંબરોની વિગતો દર્શાવતુ અધતન રજીસ્ટર નિભાવડાવવાનું રહે છે.

તેમજ આ રજીસ્ટરમાં જણાવેલ સરકારી નંબરોની નીચે જણાવેલ સક્ષમ અધિકારીઓએ તેની સામે ઠરાવેલ ધોરણ મુજબ ચકાસણી કરવા તથા દબાણ હોય તો તાકીદે દૂર કરાવવાની સૂચના આપી તાબાના અધિકારીઓ દ્વારા અમલ કરાવવાનો રહે છે. વધુમાં પ્રાંત અધિકારી, મામલતદાર અને સર્કલ ઓફિસરે ક્ષેત્રિય મુલાકાતો એટ્લે કે ગામોની વિઝીટ દરમિયાન જે-તે ગામે દબાણ અંગેનું તલાટીએ નિયત નમૂનામાં રજીસ્ટર નિભાવેલ છે કે કેમ ? તે તપાસવાનું હોય છે.

અફસોસ સાથે કહેવું પડે છે કે હાલ ભાજપ સરકારની જાહેરાતો માટેના કાર્યક્રમોના ફતવાઓ એટલા બધા વધી ગયા છે કે સરકારી કર્મચારીઓ દ્વારા આ પ્રકારની મૂળ મહેસૂલી કામગીરીઓ લગભગ એકપણ તાલુકામાં થતી નથી. (વધુ ચર્ચા આવતા લેખમાં…)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *