શું તમને પોતાનો બિઝનેસ શરૂ કરવા માટે ૧૦ લાખ રૂપિયા સુધીની લોનની જરૂર છે, તો જાણો કઈ રીતે મળશે.

શું તમે પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગે છે તો મુદ્રા યોજના અંતર્ગત ૧૦ લાખ રૂપિયા સુધીની લોન મળે છે,જાણો કેવી રીતે એપ્લાય કરી શકીએ.

જો તમે પણ આ દિવસોમાં પોતાનો વ્યવસાય શરૂ કરવાનો પ્લાન બનાવી રહ્યા હો તો તમને તેના માટે સસ્તામાં લોન મળી શકે છે. સરકાર દ્વારા ચલાવવામાં આવતી મુદ્રા યોજના અંતર્ગત પોતાનો બિઝનેસ શરૂ કરવા માટે તમે ૧૦ લાખ રૂપિયા સુધીની લોન લઈ શકો છો. અમે તમને આજે આ યોજના વિશે જણાવી રહ્યા છીએ.

ગેરંટી આપવાની જરૂર નથી રહેતી :- ૨૦૧૫ માં શરૂ થયેલી આ યોજનાનો હેતુ લારી ગલ્લાવાળાથી લઈને નાના વેપારીઓને કોઈપણ ગેરંટી વગર લોન પ્રદાન કરવાનો છે. કોઈપણ વ્યક્તિ જે પોતાનો વ્યવસાય શરૂ કરવા માગે છે, તે આ યોજના અંતર્ગત લોન લઈ શકે છે. તેની સાથે જો કોઈ પોતાનો વ્યવસાય વિસ્તૃત કરવા માગે છે તો પણ તે આ યોજના દ્વારા લોન મેળવી શકે છે.

કેટલા લાખ સુધીની લોન મળશે :- મુદ્રા લોનને ૩ કેટેગરીમાં વર્ગીકૃત કરવામાં આવી છે. શિશુ લોન, જેમાં મહત્તમ મર્યાદા ૫૦ હજાર રૂપિયા છે. કિશોર લોન, જેમાં ૫૦ હજારથી ૫ લાખ રૂપિયા સુધીની મર્યાદા છે અને તરુણ લોન, જેમાં મહત્તમ ૧૦ લાખ રૂપિયાની મર્યાદા રાખવામાં આવી છે. એટલે કે તમને તમારા કામ મુજબ લોન આપવામાં આવશે.

લોન લેવા માટે બિઝનેસ પ્લાન બતાવવો પડશે :- સૌથી પહેલા અરજદારે બિઝનેસ પ્લાન તૈયાર કરવો પડશે. સાથે લોન લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ પણ તૈયાર કરવાના હોય છે. સામાન્ય દસ્તાવેજોની સાથે બેંક તમારા બિઝનેસ પ્લાન, પ્રોજેક્ટ રિપોર્ટ, ભાવિ આવકના અંદાજ સાથે સંબંધિત દસ્તાવેજો પણ માગશે. જેથી બેંકને તમારી જરૂરિયાત વિશે જાણ થાય, સાથે તે પણ અંદાજ લગાવી શકે કે તમને લાભ કેવી રીતે થશે અથવા લાભ કેવી રીતે વધશે.

કેટલું વ્યાજ ચૂકવવું પડશે :- મુદ્રા લોનની ખાસ વાત એ છે કે તેમાં કોઈ નિશ્ચિત વ્યાજ દર નથી. વિવિધ બેંક લોન પર વિવિધ દરે વ્યાજ વસૂલી શકે છે. વ્યાજ દર વ્યવસાયના પ્રકાર અને તેનાથી સંબંધિત જોખમને આધારે નક્કી કરવામાં આવે છે. સામાન્ય રીતે ૧૦ થી ૧૨% વાર્ષિક વ્યાજ દર રહે છે.

કેવી રીતે મુદ્રા લોન માટે એપ્લાય કરી શકાય છે :-

  • સૌથી પહેલા નક્કી કરો કે તમે કઈ બેંક/સંસ્થામાંથી લોન લેવા માગો છો. અરજદાર એકથી વધારે બેંકોની પસંદગી કરી શકે છે. બેંકને દસ્તાવેજોની સાથે લોન એપ્લિકેશન ફોર્મ ભરીને જમા કરાવવું પડશે.
  • મુદ્રા લોન માટે તમારે અરજી ફોર્મની સાથે નીચેના દસ્તાવેજો સબમિટ કરવાના હોય છે. મુદ્રા લોન અરજી, બિઝનેસ પ્લાન અથવા પ્રોજેક્ટ રિપોર્ટ, ઓળખ સંબંધિત દસ્તાવેજ જેમ કે, આધાર કાર્ડ, પાન કાર્ડ, વોટર(મતદાર) આઈડી વગેરે.
  • એકથી વધારે અરજદારની સ્થિતિમાં પાર્ટનરશિપ સંબંધિત દસ્તાવેજ (ડીડી), ટેક્સ રજિસ્ટ્રેશન, બિઝનેસ લાયસન્સ વગેરે. દસ્તાવેજોની સંખ્યા લોનની રકમ, વેપારનો પ્રકાર, બેંકના નિયમો વગેરેના આધારે ઓછી અથવા વધારે હોઈ શકે છે.
  • જેમ કે- રહેઠાણના પુરાવાને લગતા દસ્તાવેજો જેમ કે, ટેલીફોન બીલ/વીજળી બીલ વગેરે. અરજદારની ઓછામાં ઓછી ૬ મહિના જૂની તસવીર, મશીન અથવા અન્ય સામગ્રીનું કોટેશન જેને ખરીદવા માગે છે, સાથે જ્યાંથી ખરીદશે તે સપ્લાયર/દુકાનદાર વિશે જાણકારી, કેટેગરી (SC/ST/CBC/લઘુમતી), જો લાગુ હોય તો છેલ્લા બે વર્ષોની બેલેન્સ સીટ અને પ્રોજેક્ટ બેલેન્સ સીટ (બે લાખ રૂપિયાથી વધારેની લોન પર).
  • મુદ્રા લોન માટે તે સરકારી અથવા કોઈ અન્ય બેંક અથવા નાણાકીય સંસ્થામાં અરજી કરવાની રહેશે, જે મુદ્રા લોન આપતી હોય. અરજી માટે તમારે વ્યવસાયની સંપૂર્ણ જાણકારી/પ્લાન સહિત અન્ય જરૂરી દસ્તાવેજ જમા કરાવવા પડશે.
  • જો અરજી સાચી જણાય તો બેંક અથવા નાણાકીય સંસ્થા મુદ્રા લોન પાસ કરશે અને અરજદારને મુદ્રા કાર્ડ (ડેબિટ કાર્ડ) પ્રદાન કરવામાં આવશે. તમે તેનાથી તમારા હિસાબથી ખર્ચ કરી શકો છો.

યોજના સાથે સંબંધિત જરૂરી બાબતો :-

  • આ યોજના અંતર્ગત ગેરંટી વગર લોન લઈ શકાય છે.
  • તેના માટે કોઈપણ પ્રકારની પ્રોસેસિંગ ફી નહીં ભરવી પડે.
  • લોન ચૂકવણીનો સમયગાળો ૫ વર્ષ સુધી વધારી શકાય છે.
  • લોન લેનારને મુદ્રા કાર્ડ આપવામાં આવે છે, જેનો ઉપયોગ વેપારી દ્વારા જ્યારે જરૂર પડે ત્યારે થતા ખર્ચ માટે કરી શકાય છે.

તેથી, જો આ લેખ પસંદ આવ્યો હોય તો કોમેંન્ટ કરો અને શેર કરી તમારા મિત્રોને પણ જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *