મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીના જીવનના અમૂલ્ય યોગદાન અંગેની જાણકારી.

મોહનદાસ કરમચંદ ગાંધી,જન્મ ૨ ઓક્ટોબર ૧૮૬૯, મૃત્યુ ૩૦ જાન્યુઆરી ૧૯૪૮, અંતિમ સ્થાન રાજઘાટ સંકુલ.

મોહનદાસ કરમચંદ ગાંધી (ઓક્ટોબર ૨, ૧૮૬૯ – જાન્યુઆરી ૩૦, ૧૯૪૮) , મહાત્મા તરીકે જાણીતા છે. તેઓ અત્યંત પ્રતિભાસંપન્ન નેતા હતા. તેમણે અંગ્રેજ સરકાર પાસેથી દુનિયા દંગ રહી જાય તે રીતે ભારત દેશને આઝાદી અપાવી. તેમની અહિંસક ચળવળની ફિલસૂફીએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિપૂર્ણ તબદીલી ઉપર ખૂબ ઊંડો પ્રભાવ પાડ્યો. તેમના શબ્દોમાં આ ચળવળ એ એક સત્યાગ્રહ હતો; અને આખરે તેમણે સફળતા મેળવી અને એ સાબિત કરી બતાવ્યું. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના મહાનાયક મોહનદાસ કરમચંદ ગાંધી વિશ્વ માનવ હતા, તેઓ મહાત્મા ગાંધી નામે વિશ્વભરમાં જાણીતા થયેલા અને ભારતના રાષ્ટ્રપિતા તરીકેનું માન પામ્યા છે. તેમણે બ્રિટીશ રાજ પાસેથી આઝાદી મેળવવાની ભારતની ચળવળને દુનિયાના નકશા પર મૂકી. તેમના આદર્શો ભારતમાં અને અન્ય દેશોમાં પણ શાંતિમય પરિવર્તનની ચળવળ માટે પ્રેરણાદાયક રહ્યા છે.

અહિંસક સવિનય કાનૂનભંગનો જે ખ્યાલ તેમણે લિયો ટોલ્સટોય અને હેન્રી ડેવિડ થોરો પાસેથી મેળવ્યો હતો, તેના ઉપયોગ દ્વારા તેમણે બ્રિટીશ રાજ્યની હકાલપટ્ટી કરી ભારતને સ્વતંત્ર બનાવ્યું. આમાંથી પ્રેરણા લઈ ઘણાં પ્રદેશના લોકોએ પોતાના દેશની સ્વતંત્રતા માટે બ્રિટીશરો સામે લડાઈ આદરી અને ક્રમશઃ બ્રિટીશ સામ્રાજ્યનો વિસ્તાર ઘટીને ફક્ત તેમના પોતાના દેશ બ્રિટન(અને સ્કોટલેન્ડ) સુધી સીમિત થઈ ગયો. આમ ગાંધીજીની પ્રેરણાદાયી લડતને કારણે ફક્ત ભારત પર બ્રિટીશ શાસન જ નહીં, પણ જેના રાજ્યનો સૂરજ કદી આથમતો નહોતો તેવી બ્રિટીશ સલ્તનત ખુદ આથમી ગઈ અને કોમનવેલ્થ દેશોનું અસ્તિત્વ ઊભું થયું. ગાંધીજીના સત્યાગ્રહના આદર્શે માર્ટીન લ્યૂથર કિંગ જુનિયર જેવા લોકશાહીના પ્રખર હિમાયતી અનેક આંદોલનકારીઓ માટે નવો રસ્તો ઊભો કર્યો. માર્ટીન ઘણી વખત કહેતા કે ગાંધીજીના આદર્શો સરળ હતા તેમજ તે પારંપરિક રીતે હિન્દુ સંસ્કૃતિ સાથે સંકળાયેલી સત્ય અને અહિંસા જેવી માન્યતામાંથી તારવેલા હતા.

મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ પોરબંદર (ગુજરાત, ભારત)માં એક હિંદુ (વૈષ્ણવ વણિક) પરિવારમાં થયો હતો. તેમના વડવાઓ વ્યવસાયે ગાંધી (કરિયાણાનો ધંધો કરતા) હતા, પરંતુ તેમની પહેલાની ત્રણ પેઢીમાં કોઈએ ગાંંધીનો વ્યવસાય કરેલો નહીં અને તેઓ કોઈકને કોઈક રજવાડાના દીવાનપદે રહેલા. મોહનદાસ ગાંધીના પિતા કરમચંદ ગાંધી પણ પોરબંદર સ્ટેટના દીવાન હતા, આ ઉપરાંત તેઓ રાજકોટ અને વાંકાનેરના પણ દીવાન રહ્યા હતા. વૈષ્ણવ પરંપરા મુજબ ગાંધી કુટુંબ એકદમ ચુસ્ત શાકાહારી હતું. હિંદુઓમાં પ્રચલિત બાળવિવાહની પ્રથાને કારણે મોહનદાસના લગ્ન ફક્ત ૧૩ વર્ષની વયે કસ્તુરબા સાથે થયા હતા. મોહનદાસ ગાંધીને ચાર પુત્રો હતા; સૌથી મોટો પુત્ર હરીલાલ(જન્મ સન ૧૮૮૮), ત્યાર બાદ મણીલાલ(જન્મ સન ૧૮૯૨), ત્યારબાદ રામદાસ(જન્મ સન ૧૮૯૭) અને સૌથી નાનો પુત્ર દેવદાસ(જન્મ સન ૧૯૦૦).

તરુણાવસ્થા સુધી ગાંધી એકદમ સામાન્ય વિદ્યાર્થી હતા. શરૂઆતનો અભ્યાસ તેમણે પોરબંદર અને પછી રાજકોટમાં કર્યો હતો. મેટ્રીક્યુલેશનની પરીક્ષા માંડ માંડ પાસ કર્યા પછી સન ૧૮૮૭માં યુનિવર્સિટી ઑફ બૉમ્બે સાથે સંલગ્ન શામળદાસ કોલેજમાં ઊચ્ચ અભ્યાસ અર્થે તેમણે પ્રવેશ લીધો. જો કે ત્યાં તેઓ ઝાઝું ટક્યા નહીં. તેમના ઘણા કુટુંબીઓ ગુજરાતમાં ઊંચા પદ પર નોકરી કરતા હતા. કુટુંબનો આવો મોભો જાળવવા તેઓ બૅરીસ્ટર બને તેવી તેમના કુંટુંબીઓની ઇચ્છા હતી. એવામાં જ તેમને ઇંગ્લેન્ડમાં અભ્યાસ કરવાની તક મળી. વળી, ભારતમાં અંગ્રેજોની હકૂમતના કારણે બંધાયેલી તેમની માન્યતા મુજબ તો ઇંગ્લેન્ડ વિચારકો અને કવિઓની ભૂમિ હતી તેમજ તહજીબનું કેન્દ્ર પણ ઇંગ્લેન્ડ જ હતું. આથી તેમણે ઇંગ્લેન્ડ જવાની એ તક ઝડપી લીધી.

શ્રી લાલ બહાદુર શાસ્ત્રી, જન્મ 2 ઓક્ટોબર, 1904

શ્રી લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મ 2 ઓક્ટોબર, 1904ના રોજ ઉત્તર પ્રદેશના વારાણસીથી સાત માઇલ દૂર એક નાના રેલવે ટાઉન, મુગલસરાયમાં થયો હતો. તેમના પિતા એક સ્કૂલ શિક્ષક હતા. જ્યારે લાલ બહાદુર શાસ્ત્રી માત્ર દોઢ વર્ષના હતા ત્યારે તેમન પિતાનું દેહાંત થઇ ગયું હતું. તેમની માતા તેમના ત્રણેય સંતાનો સાથે પોતાના પિતાના ઘરે જઇને વસ્યા હતા.

એ નાના એવા શહેરમાં લાલ બહાદુરની સ્કૂલની શિક્ષા કંઇ ખાસ રહી નહોતી પરંતુ ગરીબીનો માર પડવા છતાં તેમનું બાળપણ પર્યાપ્તરૂપે આનંદમય રહ્યું હતું. તેમને વારણસીમાં કાકા સાથે રહેવા મોકલાયા હતા જેથી ઉચ્ચ વિદ્યાલયનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે. ઘરમાં તેમને સહું નન્હેના નામથી બોલાવતા હતા. તેઓ ઘણા માઇલનું અંતર ઉઘાડા પગે જ ચાલીને શાળાએ જતા હતા, એ ત્યાં સુધી કે ભીષણ ગરમીમાં જ્યારે રસ્તાઓ ખૂબ જ ગરમ હતા ત્યારે પણ તેમને આવી રીતે જ જવું પડતું હતું.

મોટા થવાની સાથે જ લાલ બહાદુર શાસ્ત્રી વિદેશી ગુલામીમાંથી આઝાદી માટે દેશના સંઘર્ષમાં વધારે રસ દાખવવા લાગ્યા. તેઓ ભારતમાં બ્રિટિશ શાસનનું સમર્થન કરી રહેલા ભારતીય રાજાઓની મહાત્મા ગાંધી દ્વારા કરાયેલી નિંદાથી અત્યંત પ્રભાવિત થયા હતા. લાલ બહાદુર શાસ્ત્રી જ્યારે માત્ર 11 વર્ષના હતા ત્યારથી જ તેમણે રાષ્ટ્રીય સ્તરે કંઇક કરવાનું મનમાં વિચારી લીધું હતું.

ગાંધીજીએ અસહયોગ આંદોલનમાં સામેલ થવા માટે પોતાના દેશવાસીઓને આહવાન કર્યું હતું, આ સમયે લાલ બહાદુર શાસ્ત્રી માત્ર 16 વર્ષના હતા. તેમણે મહાત્મા ગાંધીના આ આહવાન પર પોતાનું ભણતર છોડી દેવાનો નિર્ણય કરી લીધો હતો. તેમના આ નિર્ણયે તેમની માતાની આશાઓ તોડી નાંખી. તેમના પરિવારે તેમના આ નિર્ણયને ખોટો ગણાવીને તેમને રોકવાના ઘણા પ્રયત્નો કર્યા હતા પંરતુ તેઓ નિષ્ફળ રહ્યાં. લાલ બહાદુરે પોતાનું મન મનાવી લીધું હતું. તેમના બધા નજીકના લોકોને એ ખબર હતી કે એક વખત મન મનાવી લીધા બાદ તેઓ પોતાનો નિર્ણય ક્યારેય નહીં બદલે કેમ કે બહારથી વિનમ્ર દેખાતા લાલ બહાદુર અંદરથી ખડક જેવા દ્રઢ હતા.

લાલ બહાદુર શાસ્ત્રી બ્રિટિશ શાસનની અવજ્ઞામાં સ્થાપિત કરાયેલી ઘણી રાષ્ટ્રીય સંસ્થાનોમાંથી એક કાશી વિદ્યાપીઠમાં સામેલ થયાં હતા. અહીં તેઓ મહાન વિદ્વાનો તેમજ દેશના રાષ્ટ્રવાદીઓના પ્રભાવમાં આવ્યા. વિદ્યાપીઠ દ્વારા તેમને પ્રદત્ત સ્નાતકની ડિ.ગ્રીનું નામ ‘શાસ્ત્રી’ હતું. પરંતુ લોકોના મનમાં તે તેમના નામના એક ભાગરૂપે વસી ગયું. 1927માં તેમના લગ્ન થયાં હતા. તેમની પત્ની લલિતા દેવી મીરઝાપુરના હતા. જે તેમના શહેરની પાસે જ હતું. તેમના લગ્ન બધી રીતે પારંપરિક હતા. દહેજના નામે એક ચરખો તેમજ હાથથી વણેલું અમુક મીટર કાપડ હતું. તેઓ દહેજના રૂપમાં એનાથી વધારે બીજું કંઇ પણ ઇચ્છતા નહોતા.

1930માં મહાત્મા ગાંધીએ મીઠાનો કાયદો તોડીને દાંડી યાત્રા કરી હતી. આ પ્રતિકાત્મક સંદેશે સમગ્ર દેશમાં એક પ્રકારની ક્રાંતિ લાવી દીધી હતી. લાલ બહાદુર શાસ્ત્રી જોશભેર સ્વતંત્રતાના સંઘર્ષમાં સામેલ થયાં. તેમણે ઘણા વિદ્રોહી અભિયાનોનું નેતૃત્વ કર્યું તેમજ કુલ સાત વર્ષ સુધી બ્રિટીશ જેલોમાં રહ્યા. આઝાદીના સંઘર્ષે તેમને પૂર્ણત: પરિપક્વ બનાવી દીધા હતા.

આઝાદી પછી જ્યારે કોંગ્રેસ સત્તામાં આવી તેના પહેલા જ રાષ્ટ્રીય સંગ્રામના નેતા વિનીત તેમજ નમ્ર, લાલ બહાદુર શાસ્ત્રીના મહત્વને સમજી ચૂક્યા હતા. 1946મા જ્યારે કોંગ્રેસ સરકારનું ગઠન થયું તો આ નાના કાર્યકરને દેશના શાસનમાં રચનાત્મક ભૂમિકા નીભાવવાની જવાબદારી અપાઇ હતી. તેમને પોતાના ગૃહરાજ્ય ઉત્તરપ્રદેશના સંસદિય સચિવ નિયુક્ત કરાયા હતા અને ઝડપથી જ તેઓ ગૃહમંત્રીના પદ પર પહોંચી ગયા હતા. સખત મહેનત કરવાની તેમની ક્ષમતા તેમજ તેમની દક્ષતા ઉત્તર પ્રદેશમાં એક ઉદાહરણરૂપ બની હતી. તેઓ 1951માં નવી દિલ્હી આવ્યા તેમજ કેન્દ્રીય મંત્રીમંડળના ઘણા વિભાગોનો પ્રભાર સંભાળ્યો- રેલ મંત્રી, પરિવહન તથા સંચાર મંત્રી, વાણિજ્ય તેમજ ઉદ્યોગમંત્રી. ગૃહમંત્રી તેમજ નહેરુજીની બિમારીના સમયે વિભાગ વગર મંત્રી રહ્યા હતા. તેમની પ્રતિષ્ઠા સતત વધી રહી હતી.

એક રેલવે દુર્ઘટના, જેમાં ઘણા લોકો માર્યા ગયા હતા, માટે પોતાને જવાબદાર ઠેરવતા તેમણે રેલવે મંત્રીના પદેથી રાજીનામું આપી દીધું હતું. દેશ તેમજ સંસદે તેમની આ અભૂતપૂર્વ પહેલને બિરદાવી હતી. તત્કાલિન પ્રધાનમંત્રી પંડિત નહેરુએ આ ઘટના અંગે સંસદમાં બોલતા લાલ બહાદુર શાસ્ત્રીની ઇમાનદારી તેમજ ઉચ્ચ આદર્શોની ખૂબ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે તેમણે લાલ બહાદુર શાસ્ત્રીનું રાજીનામું એટલા માટે સ્વીકાર્યું નથી કે જે કંઇ પણ થયું છે તેમના માટે એ જવાબદાર છે પરંતુ એટલા માટે સ્વીકાર્યું છે કે એનાથી બંધારણીય મર્યાદામાં એક દાખલો બેસશે. રેલવે દુર્ઘટના પર લાંબી ચર્ચાનો જવાબ આપતા લાલ બહાદુર શાસ્ત્રીએ કહ્યું “કદાચ હું લંબાઇમાં ટૂંકો હોવાથી તેમજ નમ્ર હોવાને કારણે લોકોને લાગે છે કે હું બહું દ્રઢ નથી થઇ શકતો. જોકે શારીરિક રીતે હું મજબૂત નથી પરંતુ મને લાગે છે કે આંતરિક રીતે હું એટલો પણ કમજોર નથી.”

પોતાના મંત્રાલયના કામકાજ દરમિયાન પણ તેઓ કોંગ્રેસ પાર્ટી સંબંધિત બાબતોનું ધ્યાન રાખતા તેમજ તેમાં ભરપૂર યોગદાન આપતા હતા. 1952,1957 તેમજ 1962ની સામાન્ય ચૂંટણીઓમાં પાર્ટીની નિર્ણાયક તેમજ જબરદસ્ત સફળતામાં તેમની સંગઠનની પ્રતિભા તેમજ વસ્તુને નજીકને પારખવાની અદભુત ક્ષમતાનું ખૂબ મોટું યોગદાન હતું.

30થી વધુ વર્ષો સુધી પોતાની સમર્પિત સેવા દરમિયાન લાલ બહાદુર શાસ્ત્રી પોતાની નિષ્ઠા તેમજ ક્ષમતા માટે લોકોમાં ખૂબ પ્રસિદ્ધ થયાં હતા. વિનમ્ર, દ્રઢ, સહિષ્ણુ તેમજ જબરદસ્ત આંતરિક શક્તિવાળા શાસ્ત્રીજી લોકો વચ્ચે એવા વ્યક્તિ બનીને ઉભર્યા જેમણે લોકોની ભાવનાઓને સમજી. તેઓ દૂરદર્શી હતા કે જેથી દેશને પ્રગતિના માર્ગે લઇ આવ્યા. લાલ બહાદુર શાસ્ત્રી મહાત્મા ગાંધીની રાજનૈતિક શિક્ષાઓથી અત્યંત પ્રભાવિત હતા. પોતાના ગુરુ મહાત્મા ગાંધીના લયમાં જ તેમણે એક વખત કહ્યું હતું કે ‘‘ મહેનત પ્રાર્થના કરવા બરાબર છે.’’ મહાત્મા ગાંધી જેવા જ વિચાર ધરાવનારા લાલ બહાદુર શાસ્ત્રી ભારતીય સંસ્કૃતિની શ્રેષ્ઠ ઓળખ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *