સરકારી જમીન પરના દબાણો અંગે પૂર્વ મામલતદાર ડો ચિંતન વૈષ્ણવનો ખુબજ અગત્યનું લેખ, ભાગ 2

સરકારી જમીન પરના દબાણો (Encroachments) – ભાગ 2.

(આ લેખનું વાંચન કરતાં પહેલા સરકારી જમીન પરના દબાણો અંગે પૂર્વ મામલતદાર ડો.ચિંતન વૈષ્ણવનો ખુબજ અગત્યનું લેખ.  ભાગ-1 વાંચી જવો) ક્ષેત્રિય અધિકારીઓ તરીકે ફરજ બજાવતા નાયબ કલેક્ટર, મામલતદાર અને સર્કલ ઓફિસરને દર મહિને દબાણો શોધી કાઢવા માટેનો ટાર્ગેટ આપેલો હોય છે. જેમકે સર્કલ ઓફિસરે માસિક દશ સર્વે નંબરો ચકાસણી કરવાની હોય છે. જ્યારે મામલતદારે માસિક પાંચ અને નાયબ કલેક્ટરે માસિક એક સર્વે નંબર ચકાસવાનો હોય છે.

પરંતુ હકીકતે એકપણ જિલ્લા તાલુકામાં આ પ્રમાણેના ટાર્ગેટ ઉપર કામ થતું નથી. તલાટીએ પણ ગામતળના દબાણો માટે અલગ રજીસ્ટર, શહેરી જમીનના દબાણો માટે અલગ રજીસ્ટર નિભાવવાનું હોય છે. આવા સર્વે નંબરો વાઇઝ દબાણો દૂર કરવા માટે કાયદેસરની કાર્યવાહી કરવાની થાય છે. જો આ સર્વે નંબરો પૈકી કોઈ સર્વે નંબર સરકારી હેતુ માટે નીમ થયેલો હોય તો તેના પરના દબાણો અગ્રતાના ધોરણે દૂર કરવાના હોય છે.

પ્રવર્તમાન પરિસ્થિતી આદર્શ સ્થિતિથી તદ્દન વિપરીત છે. સરકારી કિંમતી મિલકતોની જાળવણી મહેસૂલી અધિકારીઓ રાખી શકતા નથી. શહેરી અને ગ્રામ્ય વિસ્તારની સરકારી જમીનો પર થયેલા દબાણો અંગેની ચોક્કસ વિગતો પણ કલેક્ટર/પ્રાંત/મામલતદાર કે જિલ્લા વિકાસ અધિકારી/તાલુકા વિકાસ અધિકારીની કચેરીઓમાં હોતી નથી. આ ઉપરાંત દબાણો દૂર કરવા માટે લીધેલા પગલાઓની માહિતી પણ ઉપલબ્ધ હોતી નથી. પરિણામે વિધાનસભામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ મારફતે સત્ર દરમિયાન પૂછાતા પ્રશ્નોના જવાબો પણ તંત્ર દ્વારા સાચા આપવામાં આવતા નથી.

જે-તે કસબો, નગરપાલિકા હોય ત્યારે કસબાની મહેસૂલી હદમાં આવેલ સરકારી પડતર જમીન ઉપરના દબાણો દૂર કરવા બાબતના અઢળક પરીપત્રો થયેલા છે. નિયમાનુસાર પધ્ધતિ મુજબ જુઓ તો જમીન મહેસૂલ અધિનિયમ – 1879 ની કલમ 61 મુજબ ગ્રામ્ય વિસ્તારમાં અને કલમ 202 મુજબ નગરપાલિકાની હદમાં દબાણદારને નોટિસ આપીને કેસ ચલાવવામાં આવતો હોય છે. દબાણ સાબિત થયેથી આ દબાણને દૂર કરવા માટે મુદ્દત સહિતનો ચુકાદો સક્ષમ અધિકારી આપે છે.

સમયમર્યાદામાં દબાણ દૂર કરવામાં ન આવે તો પોલીસપાર્ટી સાથે રાખીને જે-તે અધિકારી દબાણદારના ખર્ચે દબાણ દૂર કરાવતા હોય છે. દબાણ અંગે થયેલા પરીપત્રો પૈકીનાં કેટલાક પરીપત્રો તો એવું કહે છે કે સક્ષમ સતાધિકારીને એવું જણાય કે કરેલું દબાણ સરકારી જમીનમાં જ છે અને તાત્કાલિક દૂર કરવું જરૂરી છે તો કેસ ચલાવ્યા વગર જ માત્ર નોટિસ આપીને પણ દબાણ દૂર કરાવી શકાય છે.

મને મારા “ઉકેલ” કાર્યાલયે ઘણી વખત એવા પ્રશ્નો મળતા હોય છે કે, અમારી જમીનમાં બાજુવાળાએ દબાણ કર્યું છે. અથવા તો વર્ષો જૂનો ગાડામાર્ગ હતો એ દબાઈ ગયો છે. અથવા તો બાજુવાળો ખેડતા ખેડતા મારા ખેતરમાં ઘૂસી ગયો છે અને મારે માપણી કરાવવી છે. અથવા તો કેટલાક અસામાજિક તત્વોએ અમારા ખેતરમાં દબાણ કર્યું છે. વગેરે… હવે આ બાબતે સ્પષ્ટતા કરતાં જણાવી દઉં કે ખાનગી માલીકીની જમીનમાં જો કોઈ ઈસમ દ્વારા દબાણ કે ઘુસણખોરી કરવામાં આવી હોય તો તે દબાણની વ્યાખ્યામાં નહીં આવે.

જો આસપાસના ખેડૂતો દ્વારા ભૂલથી બાજુના ખેતરમાં ખેડાણ થયેલ હોય તો આવા કિસ્સાઓમાં પરસ્પર સંપીને અથવા તો ગ્રામપંચાયતની મધ્યસ્થી દ્વારા પ્રશ્નનો ઉકેલ લાવવો જોઈએ. જો કોઈ ઈસમ દ્વારા જમીનમાં કબજો જમાવવામાં આવ્યો હોય તો આ બાબતે કલેક્ટરશ્રીને સાદી અરજી અથવા લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ થઈ શકે. સરકારી જમીનો ઉપર ગેરકાયદેસર રીતે કબજો ધરાવનારને બ્લેક મેઈલ કરીને હપ્તા ઉઘરાવતા ઇસમો ઉપર મહેસૂલ વિભાગના પરિપત્ર ક્રમાંક દબાણ-102001-4379-લ, તા.14/12/2001 અનુસંધાને ફોજદારી અને “પાસા” જેવી કાર્યવાહીઓ કરવા કલેક્ટરને સત્તા આપેલ છે.

તાલુકા મામલતદાર તરીકે મે હળવદ, મહેસાણા, માળીયામિયાણા, બાબરા અને ખંભાળિયા ખાતે ફરજ બજાવેલ. લગભગ દરેક તાલુકામાં પોસ્ટિંગ સમયે મે એકથી વધારે દબાણો દૂર કરેલા છે. દરેક કિસ્સાઓ ખૂબ રસપ્રદ છે. જેનો ઉલ્લેખ મે મારા પુસ્તક “તેજોવધ” માં કરેલ છે. હાલ હું જ્યારે મામલતદાર તરીકે હળવદમાં ફરજ બજાવતો હતો તે સમયનો એક કિસ્સો જણાવવા માંગું છું. હું મારી ઓફિસમાં બેઠો હતો અને કઈક કામ કરી રહ્યો હતો એ દરમિયાન એક આધેડ વયનો ભાઈ તેના દીકરા સાથે મારી પાસે આવ્યો અને મને ફરિયાદ કરવા લાગ્યા.

એમના કહેવા મુજબ તેમના ખુલ્લા પ્લોટમાં કોઈ ભરવાડ સમાજનો માથાભારે વ્યક્તિ મકાન ચણી રહ્યો હતો. તેઓ રોકવા ગયા તો લાઠી લઈને મારવા દોડ્યો. બાપ-દીકરો પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા ગયા તો પોલીસે કહ્યું કે તમે ફરિયાદ લખાવો પછી અમે તપાસ કરીશું અને પછી પગલાં લઈશું. તત્કાલિક કઈ થાય નહીં. પોલીસ સ્ટેશનમાં કોઈએ તેમને કહ્યું કે મામલતદાર સાહેબને મળો એ જબરદસ્ત માણસ છે. એ તમારી મદદ કરશે. આમ તેઓ મારી પાસે આવેલા હતા.

એમની વાત સાંભળીને હું સમજી ગયો કે સામેવાળો માથાભારે છે અને આમનો પ્લોટ પચાવી પાડવાની ગણતરી લાગે છે. મે તરત જ ચીફ ઓફિસરને ફોન કર્યો અને પાલિકાનો એક જાણકાર માણસ મારી સાથે મોકલવા સૂચના આપી. માત્ર પાંચ જ મિનિટમાં અમે જીપ લઈને સ્થળ પર જવા નીકળી પડ્યા. ત્યાં પહોચીને જોયું તો મોટી મોટી મૂછોવાળો એક માણસ હાથમાં બડીકો લઈને ત્યાં ઊભો હતો અને પ્લીન્થ લેવલનું ચણતરનું કામ શરૂ હતું.

હું ત્યાં ગયો અને મે પુછ્યું કે ભાઈ પ્લોટના કાગળિયા અને બાંધકામની મંજૂરી જોવા લાવો. સામેવાળાએ મને જવાબ આપ્યો કે મંજૂરી બંજૂરી કઈ નથી. પાલિકાના સ્ટાફે પણ મને કહ્યું કે ગેરકાયદેસર બાંધકામ છે. મે તરત જ પાલિકાનું લોડર મંગાવ્યું અને પોલીસની હાજરી વગર આ ચણતર તોડી નાંખ્યું. અરજી નહીં, નોટિસ નહીં, કેસ નહીં… ફેસલા ઓન ધ સ્પોટ. બાપ-દીકરો બંને ખુશ થયા અને મને પણ મારી ફરજ બજાવ્યાનો સંતોષ થયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *