મારી વિનંતી છે કે ક્યારેક તમને ટ્રાફિક પોલીસ જવાન રોકે તો એમને સહકાર આપજો. એમની કામગીરીને બિરદાવજો, ડો.ચિંતન વૈષ્ણવ.

દયાજનક પરિસ્થિતીમાં ફરજ બજાવી રહેલ ટ્રાફિક પોલીસ જવાનો.

સરકારી ફરજમાં સૌથી વધારે દયનીય સ્થિતિ કોઇની હોય તો એ છે ટ્રાફિક પોલીસની. ટ્રાફિક જવાન લગભગ દરેક દિશાઓમાથી મુશ્કેલીઓથી ઘેરાયેલો હોય છે. પબ્લિક હાલતાને ચાલતા ટ્રાફિક પોલીસ સહિત ટ્રાફિક બ્રિગેડના જવાનો સાથે ઘર્ષણમાં ઉતરી પડતી હોય છે. ઘણી વખત સામે પક્ષે પણ ઉશ્કેરાટ જોવા મળતો હોય છે.

આપણે તંત્ર અને તંત્રએ બનાવેલા નિયમો સામેનો ગુસ્સો ટ્રાફિક પોલીસ સામે કાઢીએ છીએ. આપણે એવું માનીએ છીએ કે ટ્રાફિક વાળા પૈસા ખાઉ હોય છે. તેઓ હાઇવે પર, રસ્તા પર કે ચાર ચોકમાં ઊભા રહીને માત્ર ઉઘરાણી જ કરતાં હોય છે એવી ગેરમાન્યતાથી ઘણા લોકો પીડાતા હોય છે. પરંતુ આપણે સામેવાળા જવાનની માનસિક હાલત અને તેની મજબૂરી વિશે ક્યારેય વિચારતા જ નથી.

રાજકોટનો એક કિસ્સો મને યાદ આવે છે. એક બહેને ટ્રાફિક પોલીસ સાથે ખૂબ ખરાબ વર્તન કરેલું. પોતે વકીલ હોવાનો રોફ ઝાડતા તેમણે જાહેર માર્ગ પર લોકોની હાજરીમાં એક ટ્રાફિક કોન્સ્ટેબલનું અપમાન કરેલ. સુરતનો એક કિસ્સો પણ વાયરલ થયેલો, જેમાં એક વડીલ વાહન ચાલક બે ટ્રાફિક જવાનો સાથે ઉધ્ધતાઈભર્યું વર્તન કરતાં દ્રશ્યમાન થયેલા. એક કિસ્સામાં ટ્રાફિક જવાન પબ્લિક સાથે ઝપાઝપી કરતો નજરે ચડે છે.

મીડિયા વાળાએ ટ્રાફિક પોલીસને વિલન તરીકે ચીતરી દીધેલ. હકીકતે ટ્રાફિક જવાનને ઉશ્કેરવામાં સામેવાળા વ્યક્તિનો સિંહફાળો હતો એ કોઈ ચેનલે બતાવ્યુ નહીં. રાજકોટની ગોંડલ ચોકડી પાસે ટ્રાફિક પોલીસે ફેન્સી નંબરપ્લેટ બાબતે ગાડી રોકતા ચાલક પોતે માથાભારે વ્યક્તિ હોય, હાથમાં રિવોલ્વર લઈને કારની ઉપર ચડી ગયેલો અને પબ્લિક ભેગી કરીને ખૂબ ખેલ કરેલ.

મારે ટ્રાફિક પોલીસ સાથે માથાકૂટ કરવાની હિમ્મત રાખતા બાહુબલીઓને એટલું જ કહેવું છે કે જો તમારી ત્રેવડ હોય તો માત્ર એક વખત દિવસની 12 કલાક માત્ર તમારા શહેરના કોઈપણ એક ચોકમાં કે હાઇવે ઉપર ઊભા રહીને ટ્રાફિક મેનેજમેંટ કરી બતાવો. બીજા દિવસે ઝાડા-ઊલટી ન થઈ જાય તો મારૂ નામ બદલી નાંખજો. ટ્રાફિક પોલીસ વિષે ખરાબ વાતો કરવી, એમની સાથે બબાલ કરવી એ બધુ બહુ સરળ છે અને કોઈપણ કરી શકે છે.

પરંતુ ટ્રાફિકના જવાનો ધોમધખતા તાપમાં, ધૂળની ઊડતી ડમરીઓની વચ્ચે ઊભા રહીને જે કામ કરી બતાવે છે એ બધા નથી કરી શકતા. રસ્તાઓની હાલત જુઑ તમે. અત્યંત ખરાબ રસ્તાઓ. રસ્તામાં ખાડા છે કે ખાડામાં કોઈ જગ્યાએ ભૂલથી રસ્તો છે એ જ સમજાય એમ નથી. પુષ્કળ ધૂળ ઊડે છે. રાહદારીઓ, વેપારીઓ અને ટ્રાફિક જવાનો તેમની આંખમાં અને શ્વાસમાં માત્ર ડસ્ટ જ ફાંકે છે. જેના કારણે કોરોના કાળમાં તેમના ફેફસાઓ સતત નબળા પડી રહ્યા છે.

આકાશમાથી સુરજદાદા અગનજ્વાળા વરસાવી રહ્યા છે. જબરદસ્ત ગરમીમાં પણ આ લોકો પોતાની ફરજ બજાવવાનું ચુકતા નથી. સૌથી ખરાબ છે વાહનોમાથી નીકળતો ધુમાડો. જેમાં કાર્બન ડાયોક્સાઈડ અને કાર્બન મોનોક્સાઈડ જેવા ઝેરી તત્વો રહેલા હોય છે. સતત તે શ્વાસમાં લેવાના થાય છે. જેના કારણે ટ્રાફિક જવાનો લાંબા ગાળે બીમારીનો શિકાર બને છે. કેટલાક ટ્રાફિક પોઈન્ટ એવી જગ્યાએ હોય છે કે જ્યાં પીવાનું શુદ્ધ પાણી નથી મળતું. કેટલાક વિસ્તારોમાં જાહેર શૌચાલય પણ હોતું નથી.

ખુલ્લામાં પેશાબ કરવા મજબૂર બને છે આપણા ટ્રાફિક જવાનો. અમારે જૂનાગઢમાં તળાવ દરવાજા વિસ્તારમાં મુતરડીની પણ વ્યવસ્થા નથી. ત્યાં પોઈન્ટ પર રહેલા જવાનોને ત્યાથી પસાર થતી રેલ્વે લાઇન પર યુરીનલ જવાની ફરજ પડે છે. કેટલાક જ્ઞાની માણસો પોતે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં વધારે ફોલોવર્સ કે લાઈક મેળવવાના મલીન ઇરાદાથી મજબૂરીવશ ખુલ્લામાં પેશાબ કરવા મજબૂર બનેલા ટ્રાફિક પોલીસના ફોટોગ્રાફ્સ પાડીને પોસ્ટ મુક્તા પણ સંકોચ અનુભવતા નથી.

આપણી સિસ્ટમ સડેલી છે. સૌથી વધુ સડો ઉપરની તરફ છે. જેમ જેમ ગાંધીનગરની નજીક હતા જઈએ તેમ તેમ આ સડો વધતો જાય છે. મોટેભાગે ટ્રાફિક પોલીસ જવાનોને નાણાકીય દંડ ઉઘરાવવા માટે ટાર્ગેટ આપવામાં આવતો હોય છે. જેના ભાગરૂપે તેઓ આપણને રસ્તામાં રોકતા હોય છે. લાયસન્સ અને પી.યુ.સી. ની માંગણી કરતાં હોય છે. જો આપણી પાસે આ બંને વસ્તુઓ ન હોય તો તેઓ હાજર દંડ લઈને આપણને અને આપણા વાહનને છોડી મુક્તા હોય છે. પોલીસતંત્રમાં ઘર કરી ગયેલી હપ્તા સિસ્ટમ પણ કઈક અંશે જવાબદાર છે.

નીચેના સ્ટાફ પાસેથી ઉપરનો સ્ટાફ પરાણે ઉઘરાણું કરાવતો હોવાની વાતો પણ લગભગ જગજાહેર છે. મારા અનુભવે હું કહી શકું કે મોટેભાગે દરેક ટ્રાફિક પોલીસ હંમેશા ખૂબ જ સહકારયુક્ત અને હળવું વલણ અપનાવતા હોય છે. મોટર વ્હીકલ એક્ટ ભલે નાનો કાયદો હોય પણ ખરેખર જો પોલીસ તંત્ર આ કાયદાનું 100% પાલન કરાવવા લાગશે તો એકપણ વ્યક્તિ પોતાનું વાહન લઈને ઘરની બહાર નીકળી નહીં શકે. કારણકે આપણે લગભગ જાણ્યે અજાણ્યે મોટર વ્હીકલ એક્ટની ઘણીખરી જોગવાઇઓનું પાલન કરતાં હોતા નથી.

કોરોના જેવા કપરા સમયમાં ટ્રાફિક પોલીસ દ્વારા માસ્ક વગર નીકળેલા લોકો પાસેથી 1000 રૂપિયા જેવો અસહ્ય દંડ લેવામાં આવતો હતો. હાલ પણ શહેરોમાં લગાવેલા સી.સી.ટી.વી. કેમેરાની મદદથી ચાલુ બાઈકે મોબાઈલ પર વાત કરનારાઓને પહેલી વખત 500 અને બીજી વખત 1000 રૂપિયાનો મેમો આપવામાં આવે છે. દેવાદાર બનેલી સરકારની તિજોરી છલકાવવાના ભાગરૂપે આ પ્રકારના ઉઘરાણાઓ કરવામાં આવતા હોય છે. જેની સૂચના મંત્રાલય લેવલથી આવતી હોય છે. ગ્રાઉન્ડ લેવલ પર રહેલ ટ્રાફિક પોલીસને બિચારા ખુદને પોતાની અનિચ્છાએ આવા પ્રકારના દંડ ઉઘરાવવા પડતા હોય છે. આજથી 6 મહિના પહેલા મારી ઓફિસની બાજુમાં રેલ્વેના ફાટક પાસે ઉભેલા કેટલાક પોલીસ જવાનોએ એક નવયુવાનને રોકેલો અને તેણે માસ્ક પહેરેલ ન હોવાથી તેની પાસે 1000 રૂપિયા દંડની માંગણી કરતાં હતા.

એ નવયુવાન લોકડાઉન પહેલા મારી ઓફિસે જ કામ કરતો એટ્લે તેણે મને ફોન કર્યો અને મદદ માંગી. હું નજીક જ હતો એટ્લે રૂબરૂ પહોંચી ગયો. મે પોલીસના અધિકારીને કહ્યું કે સાહેબ આ છોકરાનો પગાર અત્યારે મહીને માત્ર 3000 રૂપિયા છે. જેમાથી તમે 1000 રૂપિયા દંડ પેટે લઈ લ્યો તો વધે શું એને ભાગે ? થોડી દયા રાખો તો સારું. મને એ પોલીસ અધિકારીએ સ્પષ્ટ કહ્યું કે સાહેબ અમે તો બધુ જાણીએ જ છીએ. અમને બિલકુલ પસંદ નથી લોકો પાસેથી આટલી મોટી રકમનો દંડ વસૂલવાનું. પરંતુ અમને ઉપરથી પ્રેશર હોવાના કારણે અનિચ્છાએ પણ કરવું પડે છે.

ટ્રાફિક પોલીસની નોકરી ખૂબ અઘરી છે મિત્રો. પોતાના બાળકોને ભણાવવા, એમની કારકિર્દીનું ઘડતર, પારિવારિક પ્રશ્નો, મેડિકલી પ્રશ્નો વગેરે કેટલીયે સમસ્યાઓના ઉકેલ માટે તો એમને સમય જ મળતો નથી. ઓછામાં પૂરું ફરજ દરમિયાન કેટલાય લોકો સાથે સત્તત મગજમારી કરીકરીને તેઓ માનસિક બીમારીઓના પણ ભોગ બની શકે છે. તહેવારોમાં જ્યારે આપણે પરિવાર સાથે ફરવા અને આનંદ કરવા નીકળી પાડીએ છીએ ત્યારે ટ્રાફિક જવાનો રસ્તા પર ઊભા રહીને ટ્રાફિક મેનેજમેન્ટ કરતાં નજરે ચડે છે.

મુખ્યમંત્રી તેમજ ગૃહપ્રધાને ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા જવાનો માટે કઈક નક્કર પોલિસી વિચારવાની જરૂર છે. તેઓ પણ માણસની વ્યાખ્યામાં આવે છે એ તંત્રએ સમજવું પડશે. ટ્રાફિક મેનેજમેન્ટ માટે સરકારે ટ્રાફિક જવાનોને લેટેસ્ટ ગેઝેટ્સ અને કેટલીક અનિવાર્ય સગવડતાઓ આપવાની જરૂર છે. એટલું ખાસ કહેવા માંગું છું કે હપ્તા ઉઘરાવનાર અને તોડ કરનાર પોલીસ જવાનને ક્યારેય કોઈએ શરણે થવું નહીં.

હમણાનો એક તાજો કિસ્સો તમને જણાવું તો મારા એક મિત્રના જન્મદિવસે હું એના માટે કેક ખરીદવા એક બેકરીમાં ગયો. મારૂ બુલેટ મોટરસાઇકલ મે દુકાન બહાર રસ્તા પર સાઇડમાં હેન્ડલ લોક વગર પાર્ક કરેલ. હું અંદર કેક ઓર્ડર કરી રહ્યો હતો એ દરમિયાન ટોઇંગ વેન આવી અને તેનો સ્ટાફ મારૂ બુલેટ દોરીને લઈ જવા લાગ્યા. હું તરત જ પાછળ દોડ્યો અને બુલેટને ટોઇંગવેનમાં ચડતું રોકી લીધું. ટ્રાફિક પોલીસને મે વિનંતી કરી અને હાજર દંડ લઈ લેવા જણાવ્યુ. તેમણે મને પુછ્યું કે તમે તો મામલતદાર સાહેબ હતા એ જ કે નહીં ? મે પ્રત્યુત્તર આપ્યો કે એ હું પોતે જ. એટ્લે મને કહે કે સાહેબ તમારો દંડ લેવાય નહીં.

મે તેમને વિનંતી કરી કે મારી ભૂલ થઈ છે તો તમે મારો દંડ લઈ લ્યો. સાથે એ પણ કહ્યું કે નિયમભંગ કરનાર વ્યક્તિ નેતા હોય, અધિકારી હોય કે આમ આદમી હોય, તેનો દંડ વસૂલવામાં જરા પણ સંકોચ કે ડર રાખવો નહીં. એમણે મોટર વ્હીકલ એકટની જોગવાઇ મુજબ મારો હાજર દંડ લઈ લીધો અને હું પાવતી લઈને નીકળી ગયો. મારી વિનંતી છે કે ક્યારેક તમને ટ્રાફિક પોલીસ જવાન રોકે તો એમને સહકાર આપજો. એમની કામગીરીને બિરદાવજો. આવું કરવામાં કે આપણી ભૂલ બદલ નિયમાનુસાર સરકારી દંડ ભરવામાં આપણે નાના નહીં થઈ જઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *