સરકારી ભરતીની તૈયારી માટે ક્લાસીસ પસંદ કરતા સમયે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈ, ડો.ચિંતન વૈષ્ણવનો ખુબ જ અગત્યનો લેખ.

સરકારી ભરતી પરીક્ષાઓની મોસમ આવી ગઈ (ભાગ-1)

ગુજરાત સરકારમાં સરકારી નોકરી મેળવવા માટે કેટલીક વિવિધ પરીક્ષાઓ આપવાની થતી હોય છે. વર્ગ 3 કક્ષાની સરકારી નોકરી જેવી કે પંચાયત મંત્રી, રેવન્યુ તલાટી, પોલીસ સબ ઈન્સ્પેકટર, કોન્સ્ટેબલ, કોઈ સરકારી કચેરીના ક્લાર્ક, વિધુત સહાયક, વગેરે હોદ્દાઓ પ્રાપ્ત કરવા માટે ગુજરાતનાં યુવાનોએ સમયાંતરે યોજાતી સરકારી ભરતી પરીક્ષાઓ આપવાની થતી હોય છે. વર્ગ 1 અને 2 કક્ષાની રાજ્ય સરકારની ભરતી પરીક્ષાઓ મોટેભાગે જી.પી.એસ.સી. દ્વારા લેવામાં આવતી હોય છે. જેમાં નાયબ કલેક્ટર, ડી.વાય.એસ.પી., મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, લેબર ઓફિસર, વગેરે હોદ્દાઓનો સમાવેશ થાય છે.

છેલ્લે લગભગ 15 વર્ષોમાં સરકારના વિવિધ વિભાગોમાં પુષ્કળ પ્રમાણમા ભરતીઓ કરવામાં આવેલ છે. હાલમાં રાજ્ય સરકારનું ચાલુ ટર્મનું છેલ્લું વર્ષ ચાલી રહ્યું છે ત્યારે લગભગ 10-12 મહિના બાદ વિધાનસભા ચૂંટણીઓ યોજવાનું નક્કી જેવુ છે. આથી બેરોજગાર યુવાનોના મત મેળવી શકાય એ હેતુથી રાજ્ય સરકાર આ વર્ષમાં સૌથી વધારે ભરતીઓ બહાર પાડશે એમાં શંકાને સ્થાન નથી. અગાઉ જાહેર થયેલી પરંતુ આજદિન સુધી ન લેવાયેલી ભરતીઑ પણ ચાલુ વર્ષે લેવાશે એવું દેખાય રહ્યું છે. સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાઓની તૈયારીઓ કરતાં વિધાર્થીઓને હું એટલું અવશ્ય કહીશ કે હવેનો એક એક દિવસ, એ દિવસની એક એક કલાક અને એ કલાકની એક એક સેકન્ડ તમારી કારકિર્દી બનાવવા માટે ખૂબ જ અગત્યની છે.

આજથી લગભગ 12-15 વર્ષ પહેલાની વાત કરું તો હું પોતે દરેક સરકારી ભરતીની પરીક્ષાઓ આપતો. મારા સમયગાળામાં મે કુલ 16 સરકારી નોકરીઓ મેળવેલ. જેમાં ક્લાર્ક, તલાટી, પોલીસ, શિક્ષક, બેન્ક, સ્ટાફ સિલેકશન, સી.ડી.એસ., મામલતદાર વગેરે ભરતી પરીક્ષાઓનો સમાવેશ થતો હતો. છેલ્લા લગભગ 15 વર્ષથી હું પોતે જય કેરિઅર એકેડેમીના માધ્યમથી સ્પર્ધાત્મક પરિક્ષાઓના ક્ષેત્ર સાથે જોડાયેલો હોવાથી મારા અનુભવે ઉમેદવારોને વારંવાર ઉદભવતા કેટલાક પ્રશ્નનો બાબતે આજે અહી માર્ગદર્શન આપવા ઇચ્છું છું.

(1) કેટલી કલાક વાંચન કરવું જોઈએ- વાંચન માટે મહત્વનુ છે એકાગ્રતાથી વાંચવું. હકીકતે તો વાંચવું શબ્દ કરતાં અભ્યાસ કરવો શબ્દપ્રયોગ વધારે અનુકૂળ રહે. આપણે એવું જ માનીએ છીએ કે માત્ર વાંચન કરીને પાસ થઈ જવાય પણ એવું નથી. વાંચન કરતાં પણ અગત્યનું છે લખી લખીને તૈયારીઓ કરવી. વારંવાર મહાવરો કરવો. કોઈ ટોપીકને લઈને ગ્રુપમા ચર્ચાઓ કરવી. પેપરો ભરવાની પ્રેક્ટિસ કરવી, કોઈ ક્લાસીસમા જોડાઈને લેક્ચર્સ ભરવા… સફળતા મેળવવા માટે આ બધુ ખૂબ જ અગત્યનું અને જરૂરી છે.

(2) કયું મટિરિયલ વાંચવું જોઈએ- મારૂ એવું માનવું છે કે દરેક ઉમેદવારે મટિરિયલ અલગ અલગ હોવું જોઈએ. બજારમા ઉપલબ્ધ પુસ્તકો પૈકી લગભગ દરેક પુસ્તક ઓછે-વતે અંશે ઉપયોગી હોવાનું જ. તેમાથી આપણા કામનું શું છે અને જે પરિક્ષાની તમે તૈયારીઓ કરી રહ્યા છો એના માટે કેટલું અગત્યનું છે એ જાણવું બહુ જરૂરી છે. એ ઉપયોગી મુદ્દાઓ પૈકી જેટલા મુદ્દાઓ વિષે તમને જાણકારી ન હોય એ મુદ્દાઓ અને પ્રશ્નો અલગથી વિષયવાઈઝ નોંધવા જોઈએ. વારંવાર તેનું રિવિઝન કરતાં રહેવું જોઈએ. આ પ્રકારે બનેલું મટિરિયલ સૌથી વધુ ઉપયોગી સાબિત થાય. ગણિત, રીઝનીંગ અને અંગ્રેજી જેવા વિષયોની સત્તત પ્રેક્ટિસથી જ ફાયદો થાય છે.

(3) ક્લાસીસમા ફી ભરીને જોડવાય કે નહીં- સામાન્ય રીતે મારૂ માનવું એવું છે કે કોઈપણ ક્ષેત્રમાં જો આપણે નવા હોઈએ તો સૌથી પહેલા તેના વિષે સંપૂર્ણ જાણકારી મેળવવી ખૂબ જરૂરી છે. આથી સ્પર્ધાત્મક પરીક્ષાઓના ક્ષેત્રમાં જો તમે નવા હોવ તો એક વખત ક્લાસમા જોડાવું હિતાવહ રહેશે. તમામ વિષયો અંગે તલસ્પર્શી જાણકારી એક વખત મેળવી લેવી જોઈએ. ગણિત અને અંગ્રેજી જેવા વિષયોની પ્રશ્નો હલ કરવાની પધ્ધતિઓ શીખી લેવી જોઈએ. ત્યારબાદ વખતોવખત એક વખત મેળવેલા અનુભવ અને જ્ઞાનને આધારે ઘેરે બેસીને કે લાયબ્રેરીમાં જાતે તૈયારીઓ કરી શકાય. ખાસ મહત્વનુ છે ભરોસાપાત્ર ક્લાસીસમાં જોડાવું. કારણકે ઘણા ક્લાસીસો વાળા મિત્રોએ કાયદેસર રીતે કોચિંગ ક્લાસને ધંધો બનાવી દીધો છે. મટિરિયલ, પુસ્તકો અને વિવિધ પ્રકારની લોલિપોપ પકડાવીને તેઓ ઉમેદવારોના ભવિષ્ય સાથે ચેડાં કરી રહ્યા હોવાના દાખલાઓ પણ મોજૂદ છે.

(4) ક્લાસીસ પસંદ કરતાં સમયે શું ધ્યાન રાખવું જોઈએ- સૌથી પહેલા તો જે ક્લાસીસમાં જોડાવાની ઈચ્છા હોય ત્યાં અભ્યાસ કરી ગયેલા ભુતપૂર્વ વિધાર્થીનો સંપર્ક કરીને તેના પ્રતિભાવો મેળવવા જરૂરી. જે-તે ક્લાસીસનું સંચાલન કરનાર વ્યક્તિના સિધ્ધાંતો, અનુભવ, આચાર અને વિચાર અને ખાસ તો આ ક્ષેત્રમાં તેની ખુદની સાફલ્યગાથા વિષે જાણીને પછી આગળ વધવું ખૂબ જરૂરી. જે વ્યક્તિ પોતે જ સફળ થયો ન હોય એ બીજાને કઈ રીતે સફળતા અપાવી શકે ? અલગ અલગ વિષયોના નિષ્ણાંત શિક્ષકોનું જે-તે વિષય પરનું પ્રભુત્વ, જે-તે બેચની સરખામણીમા ફી નું ધોરણ, મેનેજમેન્ટ, ક્લાસરુમની બેઠક વ્યવસ્થા, ભૂતકાળના પરિણામો વગેરે બધી જ તપાસ કરીને તેમજ ચાલુ બેચમા 3-4 દિવસ લેક્ચર્સ ભર્યા બાદ જ એકેડેમીમા જોડવાનું નક્કી કરવું જોઈએ.

(5) વર્ગ 3 ની તૈયારીઓ કરવી જોઈએ કે જી.પી.એસ.સી. ની- જો તમે સ્નાતક હોવ અને શૈક્ષણિક બેકગ્રાઉંડ સારું હોય, લાંબો સમય એકાગ્રતાથી અભ્યાસ કરવાની ત્રેવડ હોય, અન્ય કોઈ પ્રવૃત્તિ કરતા ન હોવ અને માત્ર સરકારી અધિકારી બનવાનું જ લક્ષ્ય હોય, તમારા વિસ્તારમાં કોઈ આ બાબતે માર્ગદર્શન આપનારું હોય અથવા મોટા શહેરમાં જઈને રહેવા-જમવા અને ભણવાનો ખર્ચ માફક આવે તેમ હોય… તો હું તો એવું કહું છું કે જી.પી.એસ.સી. જ નહીં પરંતુ યુ.પી.એસ.સી. ની તૈયારીઓ કરવી જોઈએ. લક્ષ્ય ભલે ઉંચુ રાખવું જ જોઈએ પરંતુ સાથોસાથ વર્ગ 3 કક્ષાની યોજાતી વિવિધ ભરતી પરીક્ષાઓ પણ આપતા રહેવી જોઈએ. જેમા પાસ થયા બાદ નોકરી સ્વીકારવી કે નહીં એ નિર્ણય જે-તે સમયે પરિસ્થિતી જોઈને લેવો જોઈએ. મારૂ પોતાનું લક્ષ્ય ક્લાસ-1 ઓફિસર બનવાનું હતું. જે મે વર્ષ 2011 મા પ્રાપ્ત કર્યું. પરંતુ વર્ષ 2006 થી વર્ષ 2011 દરમિયાન મારા લક્ષ્યપ્રાપ્તિની દિશામાં સખત મહેનત કરવાના કારણે મને કુલ 16 સરકારી નોકરી મેળવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું.

હાલમાં જ પોલીસ કોન્સટેબલ, પોલીસ સબ ઈન્સ્પેકટર, બિનસચિવાલય ક્લાર્ક વગેરે જેવી પરીક્ષાઓ યોજાવાની છે ત્યારે આ અંગે વધુ માહિતી આપવા અંકમાં ચર્ચીશું.

સરકારી ભરતી પરીક્ષાઓની મોસમ આવી ગઈ (ભાગ-2)

દિવાળી બાદ યોજાનારી સરકારી ભરતી પરીક્ષાઓ જેવી કે પોલીસ કોન્સટેબલ, પોલીસ સબ ઈન્સ્પેકટર, બિનસચિવાલય ક્લાર્ક, પંચાયત મંત્રી, જુનિયર ક્લાર્ક, નાયબ ચિટનીશ, મુખ્ય સેવિકા, હેલ્થ વર્કર, ગ્રામ સેવક વગેરે માટે કેટલાક વિષયો ખૂબ અગત્યના અને કોમન છે. જેમકે ભારત અને ગુજરાતનો ઇતિહાસ, ભારત અને ગુજરાતની ભૂગોળ, ભારતનું બંધારણ, ગુજરાતનો કલા સાંસ્કૃત્તિક વારસો, કોમ્પ્યુટર, સામાન્ય વિજ્ઞાન, પંચાયતી રાજ, ગુજરાતી સાહિત્ય, ગુજરાતી વ્યાકરણ, અંક ગણિત, રીઝનીંગ, અંગ્રેજી વ્યાકરણ…

સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાઓમાં સફળ થનારા યુવાનોમાં કેટલીક ખાસ વિશિષ્ટતાઓ રહેલી હોય છે. જેવી કે તેઓ હાર્ડવર્ક નહિ પરંતુ સ્માર્ટવર્કમાં માનનારા હોય છે. જે-તે પરિક્ષાના અભ્યાસક્રમ પૈકી ક્યાં મુદ્દાઓ અને જે-તે મટિરિયલમાથી ક્યાં ક્યાં પેજ અગત્યના નથી એ બાબતથી જે ઉમેદવાર વાકેફ હશે તેની સફળ થવાની શક્યતાઓ સૌથી વધારે રહેલી છે. કારણકે બિનજરૂરી મુદ્દાઓ તૈયાર કરવામાં એમનો સમય બગડશે નહીં. આ સમયનો સદુપયોગ તેઓ અગત્યના મુદ્દાઓ તૈયાર કરવામાં કરી શકશે. આ સાથે મારા અનુભવે કેટલાક અગત્યના સૂચનો કરું છું, જે આપને ચોક્કસ કામ લાગશે.

માત્ર વાંચન નહીં કરતાં લખી-લખીને તૈયારીઓ કરવી.

વાંચન અને લેખન ઉપરાંત ચર્ચા, બોર્ડવર્ક, દ્રશ્ય-શ્રાવ્ય વગેરે પધ્ધતિઓનો પણ ઉપયોગ કરવો.

દરેક વિષયના એકાદ નિષ્ણાંત વ્યક્તિનો સંપર્ક એવો રાખવો કે અભ્યાસ દરમિયાન જે-તે મુદ્દાને અનુરૂપ ઉદભાવતા પ્રશ્નોનું ફોન પર કે વ્હોટ્સએપ પર સીધું જ સમાધાન મળી જાય.

કેટલી કલાક અભ્યાસ કરો છો તેના કરતાં એકધારો કેટલો વખત અભ્યાસ કરી શકો છો એ મહત્વનુ છે. મારી વાત કરું તો હું સાંજે 7 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી સત્તત અભ્યાસ કરતો.

જે પરિક્ષા પાસ કરવાનું લક્ષ્ય નક્કી કરેલ હોય તેનો સંપૂર્ણ અભ્યાસક્રમ કંઠસ્થ હોવો જોઈએ.

જે-તે પરિક્ષાના જૂના લેવાયેલા તમામ પેપર તેના ઉકેલ સાથે આપણી ફાઇલમાં હોવા જોઈએ. તેમાં અગાઉ પૂછાયેલા પ્રશ્નોને અનુરૂપ જ તૈયારીઓ કરવી.

વધુમાં વધુ પેપર્સ ભરવાની પ્રેક્ટિસ કરવી. વિવિધ પ્રકાશનો દ્વારા પ્રકાશિત થતાં મોડેલ પેપર સેટ ખરીદી લેવા જોઈએ. માસિક બહાર પડતાં જનરલ નોલેજના મેગેઝીનોમાં પણ ઘણી વખત મોડેલ પેપર આપવામાં આવતા હોય છે. જે ભરવાની પ્રેક્ટિસ રાખવી જોઈએ.

એકદમ હળવો ખોરાક લેવો. ખૂબ ઠાંસી ઠાંસીને જમવું નહીં. પરીક્ષા જેમ નજીક આવે તેમ તેમ 6 થી 7 કલાકની પૂરતી ઊંઘ લેવી.

દરેક ભરતી વખતે કલાસીસમાં જોડાવું જરૂરી નથી. ઉકત તમામ વિષયો એક વખત ક્લાસીસમાં ભણ્યા બાદ વખતો વખત ઘેરે અથવા લાયબ્રેરીમા તેનો મહાવરો કરવો જરૂરી છે.

સત્તત એકધારો અભ્યાસ કરવાની ટેવ હોય તો મ્યુઝીક સાંભળવું, કોઈ કામ લાગે તેવો વિડીઑ જોવો, એકાદ નાનકડી રમત રમવી વગેરે પ્રવૃત્તિ વચ્ચે વચ્ચે 5-10 મિનિટનો સમય કાઢી કરી લેવી હિતાવહ.

ઘણા મિત્રો મટિરિયલ માટે સતત ચિંતિત જોવા મળે છે. બજારમાં અત્યારે ઘણા બધા પ્રકાશનોની બુક્સ મળતી હોય છે. દરેક પોતપોતાની રીતે પોતાનું મટિરિયલ શ્રેષ્ઠ હોવાના દાવાઓ કરતાં હોય છે. હકીકતે ભરોસાપાત્ર પ્રકાશનો ખૂબ ઓછા છે. યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડના પુસ્તકો દરેકે રિફર કરવા જોઈએ. આ સિવાય GCERT અને NCERT ના પુસ્તકો પણ આપને ઉપયોગી નીવડશે. તમારા વિસ્તારની સરકારી લાઈબ્રેરીના પુસ્તકોનો વધુમાં વધુ ઉપયોગ કરવો.

મારી દ્રષ્ટિએ અને મારા અનુભવે વાત કરું તો દરેક ઉમેદવારે પોતાનું મટિરિયલ જાતે બનાવવું જોઈએ. તમને ન આવડતા મુદ્દાઓ તમારા મટિરિયલમાં સમાવિષ્ટ હોવા જોઈએ. જે પ્રેક્ટિસ પેપર ભરો છો તેમાથી ખોટા પડેલા પ્રશ્ન અને તેના જવાબો એક નોટબુકમાં લખવાની ટેવ રાખવી. આ પ્રમાણે જો 100 પેપર્સ ભર્યા અને તેમાથી 40% પ્રશ્નો આપણને ન આવડયા તો કુલ 4000 પ્રશ્નોનું એક મટિરિયલ આપણું તૈયાર થશે.

જેનો વખતો વખત મહાવરો કરીને ફરીથી કોઈના મારફત પ્રશ્નોત્તરી કરાવીને જે પ્રશ્નોનાં જવાબો હજુ પણ યાદ ના રહેતા હોય તેવા 10-15% પ્રશ્નો અને તેના જવાબો ફરીથી અલગ તારવીને નવી નોટબુકમાં નોંધવાની ટેવ રાખવી. આમ અંતે તમારું ખૂબ જ ઉપયોગી એવું મટિરિયલ તૈયાર થશે કે જેમાં 100 પેપર્સના કુલ 10000 પ્રશ્નો પૈકી તમને યાદ નહીં રહેતા હોય તેવા 1000 કે 1500 પ્રશ્નો શોર્ટલિસ્ટ કરેલા તમારી પાસે હશે.

એક ખાસ બાબત યાદ રાખવી જોઈએ દરેક ઉમેદવારે કે તરત જ આવતી આગામી પરિક્ષાની તૈયારીઓ માત્ર નહીં કરતાં ઓછામાંઓછા 2 કે 4 વર્ષનો ટાર્ગેટ રાખીને તૈયારીઓ કરવી જોઈએ. ગણિત અને અંગ્રેજી વિષયો બાબતે ઘણા વિધાર્થીઓ મુંઝવણ અનુભવતા હોય છે. એમને આ બાબતે માર્ગદર્શન આપવાનો પ્રયત્ન આગામી લેખ-3 માં કરીશ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *