આંતરરાષ્ટ્રીય સ્તરે શા માટે વધી રહ્યા છે ક્રૂડ ઓઈલના ભાવ તેમજ ભારત પર તેની શું અસર થઈ રહી છે,જાણો અહીં.

આંતરરાષ્ટ્રીય સ્તરે શા માટે વધી રહ્યા છે ક્રૂડ ઓઈલના ભાવ તેમજ ભારત પર તેની શું અસર થઈ રહી છે,જાણો અહીં

છેલ્લા બે વર્ષ દરમિયાન કોરોનાના સમયે આર્થિક અને આરોગ્યની દૃષ્ટિએ ખુવાર થયેલો મધ્યમ અને ગરીબ વર્ગ માંડ માંડ બેઠો થઈ રહ્યો છે, ત્યારે મોંઘવારીએ પ્રજા પર ભરડો લીધો છે. આવક અને રોજગારીનાં મર્યાદિત સંસાધનોની સ્થિતિ વચ્ચે દરરોજ વધી રહેલી મોંઘવારીએ જાણે પ્રજાના ચહેરા પરની ખુશીને છીનવી લીધી છે. અસહ્ય બની રહેલી મોંઘવારીના મૂળમાં ઈંધણના ભાવો જવાબદાર છે, ત્યારે ઘરઆંગણે તથા આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ, કોલસા, કુદરતી ગેસની કિંમતોમાં કેવી સ્થિતિ પ્રવર્તિ રહી છે એ અંગે અમે તમને જણાવીશું.

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ શા માટે વધી રહ્યા છે –

– કોરોના મહામારી બાદ વૈશ્વિક અર્થતંત્રમાં ઝડપભેર સુધારો થતા વિશ્વના દેશો તરફથી ક્રૂડ ઓઈલની જંગી પ્રમાણમાં માગ નિકળી છે, આ સંજોગોમાં આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડના બેરલ દીઠ ભાવ ૮૪ ડોલર થઈ ગયા છે,જે વર્ષ ૨૦૧૭-૧૮ના લેવલે છે. બીજી બાજુ પેટ્રોલિયમ ઉત્પાદક ૧૩ દેશના સમૂહ ઓર્ગેનાઈઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ (OPEC) વૈશ્વિકસ્તરે ક્રુડની માગમાં આવેલા ઉછાળાનો ભરપૂર લાભ લેતા હોય તેમ ખૂબ જ ધીમી ગતિએ ઉત્પાદનમાં વધારો કરી રહ્યા છે. તેને લીધે એક વર્ષ અગાઉ પ્રતિ બેરલ જે ભાવ ૪૦-૪૨ ડોલરની સપાટી પર હતા તે વર્તમાન સમયમાં લગભગ બમણા થઈ ૮૪ ડોલર થઈ ગયા છે.

– તાજેતરમાં જ OPEC+ ગ્રુપની બેઠક યોજાઈ હતી. ક્રૂડની માગ અને કિંમતોમાં તીવ્ર ઉછાળો આવ્યો હોવા છતાં નવેમ્બરથી દૈનિક ફક્ત ચાર લાખ બેરલ સપ્લાઈ વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ક્રુડ ઉત્પાદક દેશોના આ સમૂહે વર્ષ ૨૦૨૦ માં કોરોના મહામારીના સમયમાં ઉત્પાદનમાં મોટો ઘટાડો કર્યો હતો.

– કુદરતી ગેસની નવેમ્બર મહિના માટેની ડિલિવરી પણ એશિયામાં અત્યાર સુધીના સૌથી ઊંચા ૫૬.૩ મેટ્રિક મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ (MMBTU) ડોલર ભાવ થઈ ગયો છે. અમેરિકામાં હરિકેનની સ્થિતિ તથા રશિયા તરફથી અપેક્ષા કરતાં ઓછા પ્રમાણમાં કુદરતી ગેસનો પુરવઠો મળવા સહિતના કારણોને લીધે કિંમતોમાં આ ઉછાળો આવ્યો છે.

બીજી તરફ આંતરરાષ્ટ્રીય સ્તરે કોલસાની કિંમત પણ અત્યાર સુધીની સૌથી ઉંચી સપાટી પર પહોંચી છે. ચીનમાં કોલસાની અછતને લીધે ચીન વીજ સંકટનો સામનો કરી રહ્યું છે. વૈશ્વિક અર્થતંત્રમાં અપેક્ષા કરતાં પણ વધારે ઝડપી સુધારો આવ્યો છે ત્યારે કોલસાની કિંમત પણ પ્રતિ ટન ૨૦૦ ડોલરને પાર થઈ ગઈ છે, જે માર્ચ મહિનામાં ટન દીઠ ૬૦ ડોલર હતી.

ક્રૂડ ઓઈલની કિંમતની ભારત પર અસર – આંતરરાષ્ટ્રીય લેવલ પર ક્રુડના ભાવ વધવા સાથે ભારતમાં પણ સતત પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થઈ રહ્યો છે. ભારતમાં સપ્ટેમ્બર મહિનામાં પેટ્રોલનો વપરાશ એક વર્ષ અગાઉની સમાન અવધિની તુલનામાં ૯ ટકા વધારે રહ્યો છે, જોકે ડીઝલની તુલનામાં પેટ્રોલનો વપરાશ વધારે રહ્યો છે. ભારતમાં પેટ્રોલિયમ પેદાશમાં ડીઝલનો હિસ્સો આશરે ૩૮ ટકા છે અને તે ઉદ્યોગ તથા કૃષિ ક્ષેત્ર માટે ચાવીરૂપ ઈંધણ છે. આવનાર સમયમાં તહેવારોની સિઝન આવી રહી છે ત્યારે દેશમાં આર્થિક સુધારાને વેગ મળે અને તેવા સંજોગોમાં ડીઝલના વપરાશમાં નોંધપાત્ર પ્રમાણમાં વધારો થઈ શકે છે. અલબત નિષ્ણાતોનું માનવું છે કોરોના મહામારી સર્જાઈ તે અગાઉ ડીઝલનો જેટલા પ્રમાણમાં વપરાશ થતો હતો તે સ્તરે ૨૦૨૨ માં જ પહોંચશે.

– આંતરરાષ્ટ્રીય સ્તરે ગેસની કિંમતોમાં ભાવ વધારાને લીધે ઘરઆંગણે ઉત્પાદિત થતા કુદરતી ગેસની કિંમતમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ (PPAC)એ ONGC તથા ઓઈલ ઈન્ડિયા દ્વારા જે કુદરતી ગેસનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે તેને છ મહિના અગાઉના સમયમાં પ્રતિ એમએમબીટીયુ ૧.૭૯ ડોલરથી સમીક્ષા કરી ૨.૯ એમએમબીટીયુ કરવામાં આવી છે. આ ઉપરાંત PPACએ અલ્ટ્રા ડિપ વોટર એટલે કે ઊંડા સમુદ્રમાંથી મેળવવામાં આવેલા ગેસની કિંમત માટે પણ એમએમબીટુયુ દીઠી ૬.૧૩ ડોલરની કિંમત મર્યાદા નક્કી કરી છે, અગાઉ આ કિંમત ૩.૬૨ ડોલર હતી.

– ગેસની કિંમતોમાં થયેલા આ ભાવ વધારાની પરિવહન માટે ઈંધણ તરીકે ઉપયોગમાં લેવાતા કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG) અને રસોઈ ઈંધણ તરીકે ઉપયોગમાં લેવામાં આવતા પાઈપ્ડ નેચરલ ગેસ (PNG) તેમજ લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ (LPG)ની કિંમતમાં અસહ્ય વધારો થઈ રહ્યો છે.

તેથી,જો આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ અને શેર કરી અન્ય લોકોને પણ જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *