કોન્સ્ટેબલ અને PSI ભરતી પરીક્ષા આપનાર યુવાનો માટે ડો.ચિંતન વૈષ્ણવનો ખુબ જ અગત્યનો લેખ.ભાગ-1 થી 5

સરકારી ભરતી પરીક્ષાઓની મોસમ આવી ગઈ (ભાગ-1)

ગુજરાત સરકારમાં સરકારી નોકરી મેળવવા માટે કેટલીક વિવિધ પરીક્ષાઓ આપવાની થતી હોય છે. વર્ગ 3 કક્ષાની સરકારી નોકરી જેવી કે પંચાયત મંત્રી, રેવન્યુ તલાટી, પોલીસ સબ ઈન્સ્પેકટર, કોન્સ્ટેબલ, કોઈ સરકારી કચેરીના ક્લાર્ક, વિધુત સહાયક, વગેરે હોદ્દાઓ પ્રાપ્ત કરવા માટે ગુજરાતનાં યુવાનોએ સમયાંતરે યોજાતી સરકારી ભરતી પરીક્ષાઓ આપવાની થતી હોય છે. વર્ગ 1 અને 2 કક્ષાની રાજ્ય સરકારની ભરતી પરીક્ષાઓ મોટેભાગે જી.પી.એસ.સી. દ્વારા લેવામાં આવતી હોય છે. જેમાં નાયબ કલેક્ટર, ડી.વાય.એસ.પી., મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, લેબર ઓફિસર, વગેરે હોદ્દાઓનો સમાવેશ થાય છે.

છેલ્લે લગભગ 15 વર્ષોમાં સરકારના વિવિધ વિભાગોમાં પુષ્કળ પ્રમાણમા ભરતીઓ કરવામાં આવેલ છે. હાલમાં રાજ્ય સરકારનું ચાલુ ટર્મનું છેલ્લું વર્ષ ચાલી રહ્યું છે ત્યારે લગભગ 10-12 મહિના બાદ વિધાનસભા ચૂંટણીઓ યોજવાનું નક્કી જેવુ છે. આથી બેરોજગાર યુવાનોના મત મેળવી શકાય એ હેતુથી રાજ્ય સરકાર આ વર્ષમાં સૌથી વધારે ભરતીઓ બહાર પાડશે એમાં શંકાને સ્થાન નથી.

અગાઉ જાહેર થયેલી પરંતુ આજદિન સુધી ન લેવાયેલી ભરતીઑ પણ ચાલુ વર્ષે લેવાશે એવું દેખાય રહ્યું છે. સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાઓની તૈયારીઓ કરતાં વિધાર્થીઓને હું એટલું અવશ્ય કહીશ કે હવેનો એક એક દિવસ, એ દિવસની એક એક કલાક અને એ કલાકની એક એક સેકન્ડ તમારી કારકિર્દી બનાવવા માટે ખૂબ જ અગત્યની છે.

આજથી લગભગ 12-15 વર્ષ પહેલાની વાત કરું તો હું પોતે દરેક સરકારી ભરતીની પરીક્ષાઓ આપતો. મારા સમયગાળામાં મે કુલ 16 સરકારી નોકરીઓ મેળવેલ. જેમાં ક્લાર્ક, તલાટી, પોલીસ, શિક્ષક, બેન્ક, સ્ટાફ સિલેકશન, સી.ડી.એસ., મામલતદાર વગેરે ભરતી પરીક્ષાઓનો સમાવેશ થતો હતો. છેલ્લા લગભગ 15 વર્ષથી હું પોતે જય કેરિઅર એકેડેમીના માધ્યમથી સ્પર્ધાત્મક પરિક્ષાઓના ક્ષેત્ર સાથે જોડાયેલો હોવાથી મારા અનુભવે ઉમેદવારોને વારંવાર ઉદભવતા કેટલાક પ્રશ્નનો બાબતે આજે અહી માર્ગદર્શન આપવા ઇચ્છું છું.

(1) કેટલી કલાક વાંચન કરવું જોઈએ ?
વાંચન માટે મહત્વનુ છે એકાગ્રતાથી વાંચવું. હકીકતે તો વાંચવું શબ્દ કરતાં અભ્યાસ કરવો શબ્દપ્રયોગ વધારે અનુકૂળ રહે. આપણે એવું જ માનીએ છીએ કે માત્ર વાંચન કરીને પાસ થઈ જવાય પણ એવું નથી. વાંચન કરતાં પણ અગત્યનું છે લખી લખીને તૈયારીઓ કરવી. વારંવાર મહાવરો કરવો. કોઈ ટોપીકને લઈને ગ્રુપમા ચર્ચાઓ કરવી. પેપરો ભરવાની પ્રેક્ટિસ કરવી, કોઈ ક્લાસીસમા જોડાઈને લેક્ચર્સ ભરવા… સફળતા મેળવવા માટે આ બધુ ખૂબ જ અગત્યનું અને જરૂરી છે.

(2) કયું મટિરિયલ વાંચવું જોઈએ ?
મારૂ એવું માનવું છે કે દરેક ઉમેદવારે મટિરિયલ અલગ અલગ હોવું જોઈએ. બજારમા ઉપલબ્ધ પુસ્તકો પૈકી લગભગ દરેક પુસ્તક ઓછે-વતે અંશે ઉપયોગી હોવાનું જ. તેમાથી આપણા કામનું શું છે અને જે પરિક્ષાની તમે તૈયારીઓ કરી રહ્યા છો એના માટે કેટલું અગત્યનું છે એ જાણવું બહુ જરૂરી છે. એ ઉપયોગી મુદ્દાઓ પૈકી જેટલા મુદ્દાઓ વિષે તમને જાણકારી ન હોય એ મુદ્દાઓ અને પ્રશ્નો અલગથી વિષયવાઈઝ નોંધવા જોઈએ. વારંવાર તેનું રિવિઝન કરતાં રહેવું જોઈએ. આ પ્રકારે બનેલું મટિરિયલ સૌથી વધુ ઉપયોગી સાબિત થાય. ગણિત, રીઝનીંગ અને અંગ્રેજી જેવા વિષયોની સત્તત પ્રેક્ટિસથી જ ફાયદો થાય છે.

(3) ક્લાસીસમા ફી ભરીને જોડવાય કે નહીં ?
સામાન્ય રીતે મારૂ માનવું એવું છે કે કોઈપણ ક્ષેત્રમાં જો આપણે નવા હોઈએ તો સૌથી પહેલા તેના વિષે સંપૂર્ણ જાણકારી મેળવવી ખૂબ જરૂરી છે. આથી સ્પર્ધાત્મક પરીક્ષાઓના ક્ષેત્રમાં જો તમે નવા હોવ તો એક વખત ક્લાસમા જોડાવું હિતાવહ રહેશે. તમામ વિષયો અંગે તલસ્પર્શી જાણકારી એક વખત મેળવી લેવી જોઈએ. ગણિત અને અંગ્રેજી જેવા વિષયોની પ્રશ્નો હલ કરવાની પધ્ધતિઓ શીખી લેવી જોઈએ.

ત્યારબાદ વખતોવખત એક વખત મેળવેલા અનુભવ અને જ્ઞાનને આધારે ઘેરે બેસીને કે લાયબ્રેરીમાં જાતે તૈયારીઓ કરી શકાય. ખાસ મહત્વનુ છે ભરોસાપાત્ર ક્લાસીસમાં જોડાવું. કારણકે ઘણા ક્લાસીસો વાળા મિત્રોએ કાયદેસર રીતે કોચિંગ ક્લાસને ધંધો બનાવી દીધો છે. મટિરિયલ, પુસ્તકો અને વિવિધ પ્રકારની લોલિપોપ પકડાવીને તેઓ ઉમેદવારોના ભવિષ્ય સાથે ચેડાં કરી રહ્યા હોવાના દાખલાઓ પણ મોજૂદ છે.

(4) ક્લાસીસ પસંદ કરતાં સમયે શું ધ્યાન રાખવું જોઈએ ?
સૌથી પહેલા તો જે ક્લાસીસમાં જોડાવાની ઈચ્છા હોય ત્યાં અભ્યાસ કરી ગયેલા ભુતપૂર્વ વિધાર્થીનો સંપર્ક કરીને તેના પ્રતિભાવો મેળવવા જરૂરી. જે-તે ક્લાસીસનું સંચાલન કરનાર વ્યક્તિના સિધ્ધાંતો, અનુભવ, આચાર અને વિચાર અને ખાસ તો આ ક્ષેત્રમાં તેની ખુદની સાફલ્યગાથા વિષે જાણીને પછી આગળ વધવું ખૂબ જરૂરી. જે વ્યક્તિ પોતે જ સફળ થયો ન હોય એ બીજાને કઈ રીતે સફળતા અપાવી શકે ?

અલગ અલગ વિષયોના નિષ્ણાંત શિક્ષકોનું જે-તે વિષય પરનું પ્રભુત્વ, જે-તે બેચની સરખામણીમા ફી નું ધોરણ, મેનેજમેન્ટ, ક્લાસરુમની બેઠક વ્યવસ્થા, ભૂતકાળના પરિણામો વગેરે બધી જ તપાસ કરીને તેમજ ચાલુ બેચમા 3-4 દિવસ લેક્ચર્સ ભર્યા બાદ જ એકેડેમીમા જોડવાનું નક્કી કરવું જોઈએ.

(5) વર્ગ 3 ની તૈયારીઓ કરવી જોઈએ કે જી.પી.એસ.સી. ની ?
જો તમે સ્નાતક હોવ અને શૈક્ષણિક બેકગ્રાઉંડ સારું હોય, લાંબો સમય એકાગ્રતાથી અભ્યાસ કરવાની ત્રેવડ હોય, અન્ય કોઈ પ્રવૃત્તિ કરતા ન હોવ અને માત્ર સરકારી અધિકારી બનવાનું જ લક્ષ્ય હોય, તમારા વિસ્તારમાં કોઈ આ બાબતે માર્ગદર્શન આપનારું હોય અથવા મોટા શહેરમાં જઈને રહેવા-જમવા અને ભણવાનો ખર્ચ માફક આવે તેમ હોય… તો હું તો એવું કહું છું કે જી.પી.એસ.સી. જ નહીં પરંતુ યુ.પી.એસ.સી. ની તૈયારીઓ કરવી જોઈએ.

લક્ષ્ય ભલે ઉંચુ રાખવું જ જોઈએ પરંતુ સાથોસાથ વર્ગ 3 કક્ષાની યોજાતી વિવિધ ભરતી પરીક્ષાઓ પણ આપતા રહેવી જોઈએ. જેમા પાસ થયા બાદ નોકરી સ્વીકારવી કે નહીં એ નિર્ણય જે-તે સમયે પરિસ્થિતી જોઈને લેવો જોઈએ. મારૂ પોતાનું લક્ષ્ય ક્લાસ-1 ઓફિસર બનવાનું હતું. જે મે વર્ષ 2011 મા પ્રાપ્ત કર્યું. પરંતુ વર્ષ 2006 થી વર્ષ 2011 દરમિયાન મારા લક્ષ્યપ્રાપ્તિની દિશામાં સખત મહેનત કરવાના કારણે મને કુલ 16 સરકારી નોકરી મેળવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું.

હાલમાં જ પોલીસ કોન્સટેબલ, પોલીસ સબ ઈન્સ્પેકટર, બિનસચિવાલય ક્લાર્ક વગેરે જેવી પરીક્ષાઓ યોજાવાની છે ત્યારે આ અંગે વધુ માહિતી આપવા અંકમાં ચર્ચીશું.

સરકારી ભરતી પરીક્ષાઓની મોસમ આવી ગઈ (ભાગ-2)

દિવાળી બાદ યોજાનારી સરકારી ભરતી પરીક્ષાઓ જેવી કે પોલીસ કોન્સટેબલ, પોલીસ સબ ઈન્સ્પેકટર, બિનસચિવાલય ક્લાર્ક, પંચાયત મંત્રી, જુનિયર ક્લાર્ક, નાયબ ચિટનીશ, મુખ્ય સેવિકા, હેલ્થ વર્કર, ગ્રામ સેવક વગેરે માટે કેટલાક વિષયો ખૂબ અગત્યના અને કોમન છે. જેમકે ભારત અને ગુજરાતનો ઇતિહાસ, ભારત અને ગુજરાતની ભૂગોળ, ભારતનું બંધારણ, ગુજરાતનો કલા સાંસ્કૃત્તિક વારસો, કોમ્પ્યુટર, સામાન્ય વિજ્ઞાન, પંચાયતી રાજ, ગુજરાતી સાહિત્ય, ગુજરાતી વ્યાકરણ, અંક ગણિત, રીઝનીંગ, અંગ્રેજી વ્યાકરણ…

સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાઓમાં સફળ થનારા યુવાનોમાં કેટલીક ખાસ વિશિષ્ટતાઓ રહેલી હોય છે. જેવી કે તેઓ હાર્ડવર્ક નહિ પરંતુ સ્માર્ટવર્કમાં માનનારા હોય છે. જે-તે પરિક્ષાના અભ્યાસક્રમ પૈકી ક્યાં મુદ્દાઓ અને જે-તે મટિરિયલમાથી ક્યાં ક્યાં પેજ અગત્યના નથી એ બાબતથી જે ઉમેદવાર વાકેફ હશે તેની સફળ થવાની શક્યતાઓ સૌથી વધારે રહેલી છે. કારણકે બિનજરૂરી મુદ્દાઓ તૈયાર કરવામાં એમનો સમય બગડશે નહીં. આ સમયનો સદુપયોગ તેઓ અગત્યના મુદ્દાઓ તૈયાર કરવામાં કરી શકશે. આ સાથે મારા અનુભવે કેટલાક અગત્યના સૂચનો કરું છું, જે આપને ચોક્કસ કામ લાગશે.

માત્ર વાંચન નહીં કરતાં લખી-લખીને તૈયારીઓ કરવી.

વાંચન અને લેખન ઉપરાંત ચર્ચા, બોર્ડવર્ક, દ્રશ્ય-શ્રાવ્ય વગેરે પધ્ધતિઓનો પણ ઉપયોગ કરવો.

દરેક વિષયના એકાદ નિષ્ણાંત વ્યક્તિનો સંપર્ક એવો રાખવો કે અભ્યાસ દરમિયાન જે-તે મુદ્દાને અનુરૂપ ઉદભાવતા પ્રશ્નોનું ફોન પર કે વ્હોટ્સએપ પર સીધું જ સમાધાન મળી જાય.

કેટલી કલાક અભ્યાસ કરો છો તેના કરતાં એકધારો કેટલો વખત અભ્યાસ કરી શકો છો એ મહત્વનુ છે. મારી વાત કરું તો હું સાંજે 7 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી સત્તત અભ્યાસ કરતો.

જે પરિક્ષા પાસ કરવાનું લક્ષ્ય નક્કી કરેલ હોય તેનો સંપૂર્ણ અભ્યાસક્રમ કંઠસ્થ હોવો જોઈએ.

જે-તે પરિક્ષાના જૂના લેવાયેલા તમામ પેપર તેના ઉકેલ સાથે આપણી ફાઇલમાં હોવા જોઈએ. તેમાં અગાઉ પૂછાયેલા પ્રશ્નોને અનુરૂપ જ તૈયારીઓ કરવી.

વધુમાં વધુ પેપર્સ ભરવાની પ્રેક્ટિસ કરવી. વિવિધ પ્રકાશનો દ્વારા પ્રકાશિત થતાં મોડેલ પેપર સેટ ખરીદી લેવા જોઈએ. માસિક બહાર પડતાં જનરલ નોલેજના મેગેઝીનોમાં પણ ઘણી વખત મોડેલ પેપર આપવામાં આવતા હોય છે. જે ભરવાની પ્રેક્ટિસ રાખવી જોઈએ.

એકદમ હળવો ખોરાક લેવો. ખૂબ ઠાંસી ઠાંસીને જમવું નહીં. પરીક્ષા જેમ નજીક આવે તેમ તેમ 6 થી 7 કલાકની પૂરતી ઊંઘ લેવી.

દરેક ભરતી વખતે કલાસીસમાં જોડાવું જરૂરી નથી. ઉકત તમામ વિષયો એક વખત ક્લાસીસમાં ભણ્યા બાદ વખતો વખત ઘેરે અથવા લાયબ્રેરીમા તેનો મહાવરો કરવો જરૂરી છે.

સત્તત એકધારો અભ્યાસ કરવાની ટેવ હોય તો મ્યુઝીક સાંભળવું, કોઈ કામ લાગે તેવો વિડીઑ જોવો, એકાદ નાનકડી રમત રમવી વગેરે પ્રવૃત્તિ વચ્ચે વચ્ચે 5-10 મિનિટનો સમય કાઢી કરી લેવી હિતાવહ.

ઘણા મિત્રો મટિરિયલ માટે સતત ચિંતિત જોવા મળે છે. બજારમાં અત્યારે ઘણા બધા પ્રકાશનોની બુક્સ મળતી હોય છે. દરેક પોતપોતાની રીતે પોતાનું મટિરિયલ શ્રેષ્ઠ હોવાના દાવાઓ કરતાં હોય છે. હકીકતે ભરોસાપાત્ર પ્રકાશનો ખૂબ ઓછા છે. યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડના પુસ્તકો દરેકે રિફર કરવા જોઈએ. આ સિવાય GCERT અને NCERT ના પુસ્તકો પણ આપને ઉપયોગી નીવડશે. તમારા વિસ્તારની સરકારી લાઈબ્રેરીના પુસ્તકોનો વધુમાં વધુ ઉપયોગ કરવો.

મારી દ્રષ્ટિએ અને મારા અનુભવે વાત કરું તો દરેક ઉમેદવારે પોતાનું મટિરિયલ જાતે બનાવવું જોઈએ. તમને ન આવડતા મુદ્દાઓ તમારા મટિરિયલમાં સમાવિષ્ટ હોવા જોઈએ. જે પ્રેક્ટિસ પેપર ભરો છો તેમાથી ખોટા પડેલા પ્રશ્ન અને તેના જવાબો એક નોટબુકમાં લખવાની ટેવ રાખવી. આ પ્રમાણે જો 100 પેપર્સ ભર્યા અને તેમાથી 40% પ્રશ્નો આપણને ન આવડયા તો કુલ 4000 પ્રશ્નોનું એક મટિરિયલ આપણું તૈયાર થશે.

જેનો વખતો વખત મહાવરો કરીને ફરીથી કોઈના મારફત પ્રશ્નોત્તરી કરાવીને જે પ્રશ્નોનાં જવાબો હજુ પણ યાદ ના રહેતા હોય તેવા 10-15% પ્રશ્નો અને તેના જવાબો ફરીથી અલગ તારવીને નવી નોટબુકમાં નોંધવાની ટેવ રાખવી. આમ અંતે તમારું ખૂબ જ ઉપયોગી એવું મટિરિયલ તૈયાર થશે કે જેમાં 100 પેપર્સના કુલ 10000 પ્રશ્નો પૈકી તમને યાદ નહીં રહેતા હોય તેવા 1000 કે 1500 પ્રશ્નો શોર્ટલિસ્ટ કરેલા તમારી પાસે હશે.

એક ખાસ બાબત યાદ રાખવી જોઈએ દરેક ઉમેદવારે કે તરત જ આવતી આગામી પરિક્ષાની તૈયારીઓ માત્ર નહીં કરતાં ઓછામાંઓછા 2 કે 4 વર્ષનો ટાર્ગેટ રાખીને તૈયારીઓ કરવી જોઈએ. ગણિત અને અંગ્રેજી વિષયો બાબતે ઘણા વિધાર્થીઓ મુંઝવણ અનુભવતા હોય છે. એમને આ બાબતે માર્ગદર્શન આપવાનો પ્રયત્ન આગામી લેખ-3 માં કરીશ.

સરકારી ભરતી પરીક્ષાઓની મોસમ આવી ગઈ (ભાગ-3)

છેલ્લા 15 વર્ષથી સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાઓ અંગે ઉમેદવારોને માર્ગદર્શન આપવાના મારા અનુભવે હું કહી શકું કે મોટાભાગના ઉમેદવારો ગણિત અને અંગ્રેજી વિષયોથી ગભરાતા હોય છે. શાળાકીય અભ્યાસ દરમિયાન આ બંને વિષયો પ્રત્યે ઉપેક્ષા રાખવાનું પરિણામ કેટલાય ઉમેદવારોને સરકારી નોકરીથી હાથ ધોઈને ભોગવવું પડતું હોય છે.

હકીકતે ગણિત અને અંગ્રેજી વિષયથી ગભરાવાની જરૂર નથી. આ બંને વિષયો રોકડિયા છે. ગણિતના સૂત્રો અને અંગ્રેજીના નિયમો ક્યારેય બદલવાના નથી. સ્પર્ધાત્મક ભરતી પરિક્ષાની તૈયારી કરનારા યુવાનોએ અંકગણિત અને ભૂમિતિના પ્રકરણો તૈયાર કરવા જરૂરી બને છે. સરાસરી, નફો-ખોટ, ટકાવારી, સમય અને કામ, કામ અને મહેનતાણું, ઉંમર સંબંધિત દાખલાઓ, સાદું અને ચક્રવૃદ્ધિ વ્યાજ, વર્તુળ, ત્રિકોણ, ક્ષેત્રફળ, ઘનફળ વગેરે પ્રકરણોમાથી મોટેભાગે વધુ માત્રામાં પ્રશ્નો પૂછાતા હોય છે. જ્યારે અંગ્રેજી વિષયમાં Article, Preposition, Conjunction, Tenses, Model Auxiliaries, Active-Passive વગેરે પ્રકરણોમાથી વધુ પડતા પ્રશ્નો પૂછાતા હોય છે.

સારા પ્રકાશનોની વાત કરીએ તો મોટેભાગે ગણિત વિષયના રેફરન્સ માટેના પુસ્તકો અંગ્રેજી ભાષામાં તૈયાર કરવામાં આવેલ છે. પરંતુ વિકાસ વર્તુળ ટ્રસ્ટ – ભાવનગર દ્વારા તૈયાર કરવામાં આવેલ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી ગણિતનું પુસ્તક ગુજરાતી ભાષામાં તૈયાર કરવામાં આવેલ ખૂબ સરસ પુસ્તક છે.

આ ઉપરાંત કેટલાક ફેકલ્ટીઑ દ્વારા યૂ-ટ્યૂબના માધ્યમથી પણ ગણિત શીખવવામાં આવે છે. હું તો એવી સલાહ આપીશ કે બાજુમાં બેસીને ઓફલાઇન ગણિત વિષય શીખવે એવા કોઈ સારા શિક્ષક પાસે જ ગણિત શીખવું જોઈએ. શિખેલી ફોર્મ્યુલા વાળા દાખલાઓની સતત પ્રેક્ટિસ કરતી રહેવી જોઈએ.

ખૂબ જ પાયાથી અને સરળતાથી અંગ્રેજી શીખવા માટે મારી દ્રષ્ટિએ સૌથી શ્રેષ્ઠ પુસ્તક કોઈ હોય તો એ છે સી.સી.અડાલજા લિખિત Easy English Pathmala (Part 1-2-3). આ પુસ્તક ત્રણ ભાગમાં વહેચાયેલું છે. ત્રણેય નાની નાની પુસ્તિકાઓમાં એક પછી એક સરળથી કઠિનના ક્રમમા પ્રકરણો આપવામાં આવેલ છે. દરેક પ્રકરણ પૂર્ણ થયા બાદ પ્રેક્ટિસ માટે સ્વાધ્યાય આપેલ છે.

દરેક સ્વાધ્યાયમાં ગુજરાતીનું અંગ્રેજીમાં ટ્રાન્સલેશન માટેના વાક્યો આપવામાં આવેલ છે. આ પુસ્તકનાં અભ્યાસથી કંટાળા વગર પ્રાથમિક અંગ્રેજી વ્યાકરણ શીખી શકાય છે. સાથોસાથ જો પ્રેક્ટિસ કરવામાં આવે તો અંગ્રેજી બોલવાની ફાવટ પણ લાવી શકીએ છીએ. પાઠમાળામાથી અંગ્રેજીનો અભ્યાસ કર્યા બાદ થોડા ઉપરના લેવલે જવા માટે Ready Racknor ના પુસ્તકોનો અભ્યાસ કરી શકાય. આ વિષય પણ ગણિતની જેમ જ સતત પ્રેક્ટિસનો છે.

હાલમાં જે ઉમેદવારો પોલીસ ભરતી માટેની તૈયારીઓ કરી રહ્યા છે એ પૈકીનાં કોન્સટેબલની જગ્યાઓ માટે તૈયારીઓ કરતાં યુવાનો એટલા નસીબદાર ખરા કે તેના અભ્યાસક્રમમાં અંગ્રેજીનો સમાવેશ કરવામાં આવેલ નથી. ગણિતના પ્રશ્નો પણ અન્ય ભરતી પરીક્ષાઓની સરખામણીમાં ખૂબ સરળ પૂછવામાં આવે છે. સરકારી નોકરી મેળવવાની સરળમાં સરળ કોઈ પરીક્ષા હોય તો એ કોન્સટેબલની ભરતી પરીક્ષા છે.

જે મિત્રો રનિંગ ટેસ્ટ પાસ કરી શકતા હોય એમણે લેખિત પરિક્ષાની તૈયારીઓ શરૂ કરવામાં હવે સમય બગાડવો હિતાવહ નથી. એટલું ખાસ કહેવા ઈચ્છું છું કે કોન્સ્ટેબલની તૈયારીઓ કરતાં ઉમેદવારોએ નવનીત પ્રકાશનની જનરલ નોલેજની સંપૂર્ણ બુક ખૂબ જ ઊંડાણપૂર્વક વાંચવી જરૂરી છે. આ પુસ્તકનો તલસ્પર્શી અભ્યાસ તમને ખાખી વરદી પહેરવામાં મદદરૂપ થઈ શકે છે. આ પરીક્ષામાં 35 થી 40 માર્કસના પ્રશ્નો માત્ર નવનીત જનરલ નોલેજમાથી પૂછાતા હોવાનું મે અનુભવ્યું છે.

એ.એસ.આઈ. કે પી.એસ.આઈ. નો ગોલ ધરાવતા ઉમેદવારોને મુખ્ય પરીક્ષામાં અંગ્રેજી વિષયનો સામનો કરવાનો આવશે. આથી રનિંગ અને પ્રિલિમ્સ પાસ થવાનો આત્મવિશ્વાસ ધરાવતા ઉમેદવારોએ અત્યારથી જ અંગ્રેજી વિષયની તૈયારીઓ આરંભી દેવી જોઈએ. વધુમાં વધુ તૈયારીઓ લખીલખીને કરવાથી જનરલ નોલેજના વિષયો ઝડપથી યાદ રહી જશે.

અગાઉ ભૂતકાળમાં લેવામાં આવેલ પી.એસ.આઈ. ભરતી પરિક્ષાના પેપર્સ અને મોડેલ પેપર્સ ભરવાની પ્રેક્ટિસ પણ ખૂબ ઉપયોગી સાબિત થશે. બજારમાં મળતા વિવિધ પ્રકાશનના પોલીસ ભરતીના પુસ્તકો પર માત્ર ભરોસો રાખવો નહીં. તમારી નોટ્સ તમારે જાતે જ બનાવવી. પોલીસ ભરતી માટે સમય મર્યાદામાં રનિંગ પૂરી કરવા બાબતે અગત્યની માર્ગદર્શક સૂચનાઓ આગામી લેખમાં આપવામાં આવશે.

સરકારી ભરતી પરીક્ષાઓની મોસમ આવી ગઈ (ભાગ-4)

હાલમાં પોલીસ ભરતીનો માહોલ બરોબર જામેલો છે. હાલમાં લગભગ ગામેગામ રસ્તા પર કે મેદાનોમાં તમને યુવાનો રનિંગની પ્રેક્ટિસ કરતાં નજરે પડશે. આ વખતની પોલીસ ભરતીમાં કોન્સટેબલ, એ.એસ.આઈ. અને પી.એસ.આઈ. ત્રણેયની મળીને કુલ ૧૧૮૪૧ જગ્યાઓની ભરતી થવાની છે. જેમાં કોન્સટેબલની ૧૦૪૫૯, એ.એસ.આઈ. ની ૯૮૩ અને પી.એસ.આઈ. ની ૩૯૯ જગ્યાઓનો સમાવેશ થાય છે.

જેના માટે આજદિન સુધીમાં અંદાજે ૧૧ લાખથી પણ વધારે ફોર્મ ભરાયા છે. લગભગ દરેક કેટેગરીમાં હરીફાઈ ખૂબ વધારે છે. સૌથી વધારે મહત્વ લેખિત પરીક્ષાનું રહેલું છે. પરંતુ અત્યારે તો યુવાનો સૌથી પહેલા રનિંગમાં ક્વોલિફાય થવા પાછળ મહેનત કરતા જોવા મળે છે.

સરકારી ભરતી પરીક્ષાઓ ક્ષેત્રે યુવાનોને માર્ગદર્શન આપવાના મારા ૧૫ વર્ષના અનુભવે જણાવું તો પોલીસ ભરતીમાં પાસ થવાનું કેલિબર ધરાવતા ઘણા યુવાનો ભરતી પ્રક્રિયાના પ્રથમ તબક્કા રનિંગમાં જ કેટલાક કારણોસર સફળ થઈ શકતા નથી. રનિંગ માટે ધ્યાનમા રાખવા જેવી અગત્યની ટિપ્સ આપવાના હેતુસર મારે આ લેખ લખવાની ફરજ પડેલ છે. પુરુષ ઉમેદવારોએ ૦૦:૨૫:૦૦ મિનિટમાં ૫ કિલોમીટર રનિંગ પૂર્ણ કરવાની છે. જ્યારે મહિલા ઉમેદવારોએ ૧૬૦૦ મીટર રનિંગ ૦૦:૦૯:૩૦ મિનિટમાં પૂર્ણ કરવાની થાય છે. આર્મીમાથી નિવૃત્ત થયેલા પૂર્વ સૈનિકોએ ૨૪૦૦ મીટરની રનિંગ ૦૦:૧૨:૩૦ મિનિટમાં પૂર્ણ કરવાની થાય છે.

અગાઉના વર્ષોમાં રનિંગ કે અન્ય ફિઝીકલ પરીક્ષાઓ માત્ર ક્વોલિફાય થવા પૂરતી જ સીમિત હતી. પરંતુ છેલ્લી ૩ ભરતીઓથી પોલીસ ભરતી બોર્ડ દ્વારા રનિંગમાં પણ વિવિધ તબક્કાઓ મુજબ માર્કસ રાખવામા આવ્યા છે. આથી ઓછામાં ઓછી મિનિટમાં રનિંગ પૂર્ણ થાય એ પણ ખૂબ ફાયદાકારક સાબિત રહે. કેટલીક અગત્યની ટિપ્સ નીચે મુજબ છે. જેની દરેક ઉમેદવારે નોંધ લેવા જેવી ખરી…

જો તમે કાયમી રનિંગ કરતાં નથી અને હાલ શરૂઆત જ કરવા જાઓ રહ્યા છો તો સીધું જ ઝડપથી દૌડવાનું શરૂ કરશો નહીં. સૌથી પહેલા હળવું હળવું ધીમું અને લાંબુ જોગિંગ પ્રકારનું રનિંગ કરવાનું રાખશો. ધીમે ધીમે જ્યારે તમારા પગના સ્નાયુઓ ટેવાઇ જાય પછી ઝડપથી દૌડવાનું શરૂ કરો. જ્યારે સંપૂર્ણ આત્મવિશ્વાસ આવી જાય ત્યારબાદ તમારો લાગુ પડતો ટાઈમિંગ ચેક કરવાનું શરૂ કરો.

બને ત્યાં સુધી ડામર રોડ અને કડક સપાટી પર દૌડવાનું ટાળીએ. પગના સાંધાઓને નુકસાન થવું જોઈએ નહીં. ઘણા ઉમેદવારોને મે પર્વતો પર આવેલા પગથિયાં ચડીને દૌડવાની પ્રેક્ટિસ કરતાં જોયા છે. જે ભવિષ્યમાં હેલ્થની દ્રષ્ટિએ ખૂબ હાનિકારક સાબિત થઈ શકે છે. પોલીસ ભરતીની તૈયારીઓ કરવામાં પગના સાંધાઓ કે ગોઠણની ગાડી ગુમાવવાનો વારો ન આવે તેનું ધ્યાન રાખવું જરૂરી.

રનિંગ કરતાં પહેલા થોડી હળવી કસરતો કરીને શરીરને ગરમ કરવું અને પગનું સ્ટ્રેચિંગ કરવાનું રાખવું જોઈએ. ઘણા મિત્રો દૌડતા સમયે ની-કેપ પહેરતા હોય છે. પરંતુ પગમાં દુખાવો ન હોય તો ઓર્થોપેડિક ડૉક્ટરની સલાહ વગર સતત ની-કેપ પહેરી રાખવી જોઈએ નહીં. ખુલ્લા પગે દૌડવાને બદલે પગમાં વજનમાં હળવા બુટ પહેરીને દૌડવું જોઈએ. દૌડતા પહેલા પૂરતી ઊંઘ લેવી જરૂરી. બને તો ચડ્ડી પહેરીને દૌડવું. શરીરને પૂરતો ઑક્સીજન મળી રહે એટ્લે ગંજી પહેરીને દૌડવું જોઈએ. બહેનોએ પણ એકદમ હળવા કપડાં પહેરીને દૌડવું જોઈએ. શરીરમાં પાણીની માત્ર ઓછી થવી જોઈએ નહીં અને બહુ વધારે માત્રામાં પાણી પી ને પણ દૌડવું જોઈએ નહીં.

દૌડતી વખતે શરીરને ટટ્ટાર રાખવું પરંતુ આગળના ભાગથી થોડું નીચે નમીને દૌડવું જરૂરી. દૌડતી વખતે ખૂબ ઊંડા શ્વાસ લેવાના રાખવા. આખો પગ જમીન પર પડે એ મુજબ દૌડવું. દૌડતી વખતે લાંબા સ્ટેપ્સ લેવા જોઈએ. મોટા શહેરોમાં ઘણા ઉમેદવારો જિમમાં જઈને ટ્રેડમિલ પર દૌડતા હોય છે. પરંતુ ટ્રેડમિલ પર દૌડવું અને મેદાન પર દૌડવું બંનેમાં ઘણો ફર્ક છે. આપણે ફાઇનલ દૌડમાં મેદાન પર દૌડવાનું છે તો પ્રેક્ટિસ પણ મેદાનમાં વર્તુળાકાર રીતે જ કરવી જોઈએ. રનિંગની પ્રેક્ટિસ પણ અલગ અલગ સમયે કરવી. એટ્લે કે માત્ર સવારે કે સાંજે જ પ્રેક્ટિસ નહીં કરતાં ક્યારેક બપોરે 12 વાગે તો ક્યારેક બપોરે 2 વાગે પણ પ્રેક્ટિસ કરવી.

પગના સ્નાયુઓ મજબૂત બને એ હેતુથી દરરોજ લેગની કસરત કરવી જોઈએ. પ્રાણાયામ પણ દરરોજ કરવાથી રનિંગમાં ખૂબ ફાયદો થાય છે. દરરોજ જે બુટ પહેરીને દૌડવાની પ્રેક્ટિસ કરતાં હોવ એ પહેરીને જ ફાઇનલ રનિંગમાં જવું. નવા બુટ ખરીદવા નહીં. ફાઇનલ રનિંગમાં આપનો વારો આવે એ પહેલા થોડું પાણી પીવું અને ફ્રેશ થઈને જ દૌડવા જવું. રનિંગ પૂર્ણ થયા બાદ પણ થોડી સ્ટ્રેચિંગની કસરત કરવી જોઈએ. બરફની કોથળીની મદદથી સ્નાયુઓને ઠંડક આપી રિલેક્સ કરી શકાય. જેથી ડેમેજ થયેલા સ્નાયુઓને આરામ મળે.

તમારે જે દિવસે પોલીસ ભરતી બોર્ડ દ્વારા રનિંગની પરીક્ષા હોય એ દિવસથી ૩ દિવસ પહેલા ભૂલેચૂકે કોઈ પ્રકારની દવા લેશો નહીં. જો શરદી કે તાવ હોય તો ડોક્ટરની સલાહ લઈને અને તેમને તમારી ફીઝીકલ પરીક્ષા અને શારીરિક તપાસણી હોવાનું જણાવીને પછી જ દવા લેવી. કોઈપણ પ્રકારની સ્ટીરોઈડ દવા ભૂલથીએ લેવાઈ નહીં એ ધ્યાનમાં રાખવું.

આ સિવાય દરરોજની ખાવા-પીવાની ચીજવસ્તુઓ પણ રનિંગ કરવા પર અસર કરતી હોય છે. આથી બને ત્યાં સુધી ફાસ્ટફૂડ ખાવું નહીં. સોફ્ટડ્રિંક્સ પીવા જોઈએ નહીં. હેલ્ધી અને પ્રોટીનયુક્ત ખોરાક ખાવો હિતાવહ. રનિંગ કરતાં પહેલા ગ્લુકોઝ, લીંબુ શરબત, ફ્રૂટજ્યુસ પી શકાય તેમજ ડાર્ક ચોકલેટ ખાવાથી પણ શરીરમાં એનર્જી આવે.

આગામી ૩ ડિસેમ્બરથી શરૂ થતી પોલીસ ભરતી રનિંગ પરીક્ષા માટે તમામ ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવું છું. ખાખી વરદી દરેકના નસીબમાં નથી હોતી. ખાખી પહેરવા માટે જેટલું લગાવી શકો એટલું જોર લગાવી દયો. જો તમે સ્નાતક હોવ તો પી.એસ.આઈ. બનવાનો ટાર્ગેટ જ રાખો. પોતાની જાત પર ભરોસો રાખો. વાહન ચલાવવામાં હાલ ખૂબ કાળજી લેવી. વાયરલ ઇન્ફેક્શનના આપણે શિકાર ન થઈ જઈએ તેની ખાસ પરેજી રાખવી.

કારણકે જો તમારી પરિક્ષાના સમયગાળામાં જ બીમાર પડ્યા તો પછી આવી તક હવે બે વર્ષ સુધી તો નહીં જ મળે. ન કરે નારાયણ અને જો આ તારીખોમાં બીમાર પડ્યા તો તાત્કાલિક પોલીસ ભરતી બોર્ડનો સંપર્ક કરીને તમારી તારીખ બદલાવવા તજવીજ હાથ ધરવી. અગાઉની કોન્સ્ટેબલની ભરતી પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નો વિષે ચર્ચા અને આગામી લેખિત પરિક્ષાની તૈયારીઓ બાબતે આગામી લેખમાં વાત કરીશું.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *