કોન્સ્ટેબલ અને PSI ભરતી પરીક્ષા આપનાર યુવાનો માટે ડો.ચિંતન વૈષ્ણવનો ખુબ જ અગત્યનો લેખ.ભાગ-5 થી 7

સરકારી ભરતી પરીક્ષાઓની મોસમ આવી ગઈ (ભાગ-5)

જુનાગઢ જિલ્લાના ડુંગરપુર ગામમાં જન્મેલ એજાજ ચૌહાણ નામનો એક યુવાન વર્ષ 2010-11 માં યોજાયેલી પોલીસ ભરતીમાં કોન્સ્ટેબલ બનવાથી માત્ર એક જ માર્કસથી રહી જાય છે. એ ખૂબ નિરાશ થાય છે. આ યુવાન જૂનાગઢની સૌથી જૂની અને શ્રેષ્ઠ પરિણામો આપતી શૈક્ષણિક સંસ્થા જય કરિઅર એકેડેમીમાં અભ્યાસ કરતો હતો. આથી તે એકેડેમીની ઓફિસે રૂબરૂ આવે છે. એકેડેમીના ડાયરેક્ટર તેને પેપર ખોલાવવાની સલાહ આપે છે. બને છે એવું કે પેપર ખોલાવતા તેમાં માર્કસની ગણતરીમાં થયેલી ભૂલ સુધરવાના કારણે એજાજને પાસ જાહેર કરવામાં આવે છે.

ફરીથી અંતિમ યાદી બહાર પડે છે અને સફળ ઉમેદવારોને ડોક્યુમેંટ વેરિફિકેશન માટે બોલાવવાં આવે છે. પરંતુ એ યાદીમાં એજાજનું નામ નથી હોતું. ફરીથી તે એકેડેમીની ઓફિસે આવે છે અને એકેડેમીના ડાયરેકટરને મળે છે. હવે તેને રૂબરૂ ગાંધીનગર જવાની સલાહ મળતા તે પોલીસ ટ્રેનીંગ એકેડેમી કરાઇ ખાતે એક ઉચ્ચ અધિકારીને મળવા જાય છે. તેમની મદદથી ફરીથી યાદીમાં ફેરફાર થાય છે અને એજાજનું નામ ઉમેરવામાં આવે છે. તમામ ઉમેદવારોની સાથે તેનું પણ ડૉક્યુમેન્ટ વેરિફિકેશન થાય છે.

થોડા દિવસો બાદ તમામ સફળ ઉમેદવારોને ટ્રેનીંગમાં હાજર થવાના કોલ લેટર આવી જાય છે. પરંતુ હાજર થવાની તારીખ પસાર થઇ જવા છ્ત્તા એજાજને કોલ લેટર મળતો નથી. જૂનાગઢની એસ.પી. કચેરીના ધક્કા ખાઈ ખાઈને તે લાંબો પડી જાય છે પણ કઈ નક્કર પરિણામ આવતું નથી. આ ઘટનાના લગભગ ત્રણ મહિના બાદ તેને એક લેટર મળે છે.

જેમાં લખ્યું હોય છે કે, “તમને ત્રણ ત્રણ વખત હાજર રહેવાની જાણ કરવા છ્ત્તા તમે હાજર થયા ન હોવાથી તમને રસ નથી એવું માનીને તમારી ઉમેદવારી રદ કરવામાં આવે છે…” હવે એ ખૂબ નિરાશ થાય છે અને માનસિક રીતે એકદમ નબળો પડી જાય છે. પરંતુ એ વખતે તેનો એક મિત્ર તેને સલાહ આપે છે કે તું ઘણા સમયથી હેરાન થાય છે. હવે તું ચિંતન વૈષ્ણવ સાહેબને ફોન કરીને એમની મદદ માંગ.

એજાજ મારો સંપર્ક કરીને રૂબરૂ મળવા આવે છે અને મને માંડીને બધી વાત કરે છે. સરકારી પત્ર વ્યવહારની ભાષામાં હું તેને એક અરજી તૈયાર કરાવું છું. કોને મળવું અને કોને અરજી આપવી એ બધુ સમજાવીને રવાના કરું છું અને અંતે પોલીસ ભરતી બોર્ડે એ છોકરાને ન્યાય આપીને કોન્સટેબલ તરીકે હાજર લેવો પડે છે. અહી એજાજ ચૌહાણની સત્યકથા ખૂબ ટૂંકાણમાં મે વર્ણવી છે. હકીકતે તેની આખી સંઘર્ષગાથા દરેકે વાંચવા જેવી છે.

ભવિષ્યમાં જાગતે રહો કોલમમાં જ આપણે તેને સ્થાન આપીશું. હાલ તો આ વાતથી વાકેફ કરાવવાનો હેતુ માત્ર એટલો છે કે એક માર્કસના તફાવતને કારણે એજાજને કેટલુયે સહન કરવું પડ્યું. કેટલા ધક્કાઓ સરકારી કચેરીના અને ગાંધીનગરના ખાવા પડ્યા. હતાશા અને નિરાશાજનક પરિસ્થિતિઓનો વારંવાર સામનો કરવો પડ્યો. છ્ત્તા તે હિંમત હાર્યા વગર સતત લડતો રહ્યો એટ્લે જીત્યો.

મોટાભાગના છોકરાઓ જે એકાદ-બે માર્કસથી સફળતાથી વંચિત રહી જતાં હોય છે એ હિંમત હારીને પોતાનો રસ્તો બદલી નાંખતા હોય છે. મારી પાસે આવા પણ અનેક ઉદાહરણો છે. અહી આ વાતનો ઉલ્લેખ એટ્લે કરવાનો છે કે 100 માર્કસના પેપરમાં એક-એક માર્કસની કિંમત છે. એક-એક પ્રશ્ન અને દરેક વિષયો મહત્વના છે. છેલ્લી કેટલીક ભરતીઓની વાત કરું તો વર્ષ 2019 માં લેવામાં આવેલ કોન્સ્ટેબલની ભરતી પરીક્ષાના પેપરમાં તર્કશક્તિના પ્રશ્નો વધારે પૂછવામાં આવેલ.

જ્યારે વર્ષ 2016 ની પરિક્ષાના પેપરમાં ઇતિહાસ, ભૂગોળ, ભારતીય બંધારણ, સામાન્ય વિજ્ઞાન સહિત ગણિત અને તર્કશક્તિના પણ પ્રશ્નો સરખી માત્રામાં પૂછવામાં આવેલા. વર્ષ 2015 માં ગુજરાતને લાગત પ્રશ્નો વધારે પૂછવામાં આવેલ. જ્યારે વર્ષ 2012 માં ગણિતના પ્રશ્નો એકંદરે વધારે સંખ્યામાં પૂછવામાં આવેલા હતા.

આ બધા જ પ્રશ્નપત્રો સહિત પી.એસ.આઈ. ભરતી પરિક્ષાના પ્રશ્નપત્રોનો અભ્યાસ કરીએ તો જાણવા મળશે કે મોટાભાગના પ્રશ્નો ખૂબ જ પ્રાથમિક કક્ષાના પૂછવામાં આવતા હોય છે. જેમકે માનવ શરીરનું સામાન્ય તાપમાન કેટલુ હોય છે? ભૂદાન ચળવળના પ્રણેતા કોણ હતા? સૌથી જૂનો વેદ કયો? ભારતના રાષ્ટ્રધ્વજની લંબાઈ પહોળાઇનું માપ શું હોય છે? ધોળાવીરા ગુજરાતનાં કયા જીલ્લામાં આવેલું છે?

મોઢેરાનું સૂર્યમંદિર ગુજરાતના કયા જીલ્લામાં આવેલું છે? લોહીનું દબાણ માપવાના સાધનને શું કહેવામા આવે છે? રતનમહાલ રીંછ અભ્યારણ્ય ક્યાં જીલ્લામાં આવેલું છે? નર્મદા નદીનું મૂળ કયું છે? થર્મોમીટરમાં કઈ ધાતુ વપરાય છે? સ્વાઇન ફ્લૂ કયા વાયરસથી ફેલાય છે? આગ બુઝાવવા કયો ગેસ વપરાય છે? પંચતંત્રના રચયિતા કોણ છે? વગેરે….

કાયદો, ગણિત અને રીઝનીંગને બાદ કરતાં જનરલ નોલેજના મોટા ભાગના પ્રશ્નો ખૂબ સામાન્ય લેવલના હોય છે. પોલીસ ભરતીની તૈયારીઓ કરતાં યુવાનોને હું નવનીત જનરલ નોલેજ નામનું પુસ્તક વારંવાર અને વ્યવસ્થિત રીતે વાંચવાની ખાસ ભલામણ કરીશ. સાથોસાથ ભારત અને ગુજરાતના લેવલનું કરંટ અફેર્સનું પણ વાંચન કરવાની ટેવ રાખવી. આ ભરતીમાં પૂછતા કાયદા વિષયના પ્રશ્નો બાબતે ખાસ ધ્યાનમાં રાખવું કે ભરતી પરીક્ષામાં આ વિષય સામેલ કરવાનો હેતુ માત્ર ઉમેદવારોની કેટલાક કાયદાઓ પ્રત્યેની સામાન્ય સમાજ ચકાસવા પૂરતો છે. આથી ખૂબ અઘરા કે એલ.એલ.બી. કક્ષાના પ્રશ્નોની તૈયારીઓ કરવાની જરૂર નથી. કાયદો વિષય અંગે વિસ્તૃત માર્ગદર્શન ભવિષ્યના આગામી કોઈ લેખાંકમાં આપવાનો પ્રયત્ન કરીશ.

સરકારી ભરતી પરીક્ષાઓની મોસમ આવી ગઈ (ભાગ-6)

સરકારી ભરતી પરીક્ષાઓની તૈયારીઓ કરતાં ઘણા યુવાનો સફળતા મળવામાં સમય લાગતો હોવાના કારણસર નાસીપાસ થઈને પોતાનો રસ્તો બદલી નાંખતા હોય છે. જિંદગી એક રેસ છે અને આ રેસમાં જો જીતા વહી સિકંદર. આ રેસ એવી છે કે અહી મુકદ્દર કા સિકંદર બનવાનું સૌભાગ્ય લગભગ સાંપડતું નથી. સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાઓના ક્ષેત્રમાં વિજેતા થવા માટે નસીબ નહીં પણ વાતાવરણ, શૈક્ષણિક બેકગ્રાઉન્ડ, કોચિંગ ક્લાસ, મટિરિયલ્સ, હિમ્મત હાર્યા વગરની સખત અને સત્તત મહેનત વગેરે પરિબળો ભાગ ભજવે છે.

લાખો બેરોજગાર યુવાનો સરકારી નોકરી મેળવવા માટે તલપાપડ હોય છે. જૂજ જગ્યાઓ માટેની વર્ગ 3 કક્ષાની ભરતી પરીક્ષાઓ જ્યારે પણ બહાર પડે છે ત્યારે આ લાખો ઉમેદવારો એમાં ફોર્મ ભરે છે. મ્યુઝીકલ ચેર ની રમતમાં જ્યારે ખંજરી વાગતી બંધ થાય ત્યારે દૌડનારા તમામ ખાલી ખુરસીઓ ઉપર બેસવા માટે પડાપડી કરવા લાગે છે.

આવું જ કઈક સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાઓનું પણ છે. સ્વભાવિક છે કે કેટલીક નાની ભરતીઓમાં 200-500 કે પછી કેટલીક મોટી ભરતીઓમાં 7000-8000 ખાલી જગ્યાઓ ભરવા માટે લાખોની સંખ્યામાં ફોર્મ ભરાય ત્યારે દરેક યુવાનોને તો સફળતા મળવાની જ નથી. પરંતુ મારા અનુભવે કહું તો જે ઉમેદવાર પોતાના પથ પરથી ડગતો નથી એ યુવાનને એક દિવસ તો જરૂર સફળતાનો સ્વાદ ચાખવા મળે જ છે.

હું મારા વિધાર્થીઓને વારંવાર કહેતો હોવ છું કે તમે લોકો સ્કૂલ કે કોલેજમાં અભ્યાસ કરતા તે સમયે તમે શું હતા અને એ સમયે તમે કેટલા હોંશિયાર હતા એ બધુ હવે જાહેર જીવનમાં આવ્યા પછી મહત્વ નથી રાખતું. જ્યારે તમે તમારી કારકિર્દી બનાવવા માટે એક લક્ષ્ય નક્કી કરી જ લીધું છે ત્યારે પછી પીછે હટ કરવા વિષે વિચારવાનું શુદ્ધા નથી. ગોલપ્રાપ્તિની દિશામાં શરૂ કરેલી સફરના માર્ગમાથી ટસથી મસ થયા વગર અને ભૂલોને સુધારી સતત જ્ઞાનનું અપડેશન કરનાર વિધાર્થી સફળતાના શિખરો સર કરે કરે અને કરે જ. એમાં શંકાને કોઈ સ્થાન નથી.

આટલું વાંચીને કોઈ એમ વિચારશે કે લાખો ઉમેદવારો ફોર્મ ભરે એટ્લે કઈ બધા તો સફળ થવાના નથી એ નક્કી છે. તો પછી સ્પર્ધાત્મક ભરતી પરિક્ષાના ક્ષેત્રમાં જ સફળતા મળશે એવું વિચારીને વર્ષો સુધી પડ્યા પાથર્યા રહીએ તો આવા તો કેટલા વર્ષોનો ભોગ આપવાનો ? તો જાણી લ્યો મિત્રો કે સૌથી પહેલા ધોરણ 12 પૂરું થયા બાદ જ તમારો ગોલ સેટ કરવો જરૂરી છે. કોલેજના ત્રણ-પાંચ વર્ષ દરમિયાન રેગ્યુલર અભ્યાસની સાથોસાથ સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાઓની તૈયારીઓ શરૂ કરવી પડે. દરેક ઉમેદવારે પોતાની જાતને આ ક્ષેત્રમાં અજમાવવા માટે કેટલાક વર્ષનું આયોજન વિચારી રાખવું પડે.

ધારો કે મારી વાત કરું તો વર્ષ 2004 માં મારી ઉંમર 21 વર્ષની હતી ત્યારે મે નક્કી કરેલ કે સરકારી નોકરી કરવી છે. 2 વર્ષ મે મારી પોતાની જાતે પુસ્તકોમાથી અભ્યાસ કર્યો અને ઘણી ભરતી પરીક્ષાઓ આપી પરંતુ એકપણ પરીક્ષામાં પાસ થયો નહીં. અંતે એક કોચિંગ ક્લાસમાં જોડાયો અને મને મારી ભૂલો ક્ષતિઓ વિષે જાણવા સમજવા મળ્યું. ક્લાસ પૂર્ણ થયા બાદ મે ફરીથી મારી જાતે જ તૈયારીઓ કરવાની શરૂ જ રાખી. વર્ષ 2009 સુધી મે ઘણી પરીક્ષાઓ આપી પરંતુ એમાં પણ મને સફળતા મળી નહીં.

પરંતુ મે એવું નક્કી કરેલ કે મારી ઉંમર 28 વર્ષ થાય છ્ત્તા જો હું સરકારી નોકરી મેળવવામાં સફળ થાવ નહીં તો પછી હું બીજો કોઈ વિકલ્પ બાબતે વિચારીશ. પરંતુ વર્ષ 2009 પછી તરત જ હું એક પછી એક પરીક્ષામાં પાસ થતો ગયો. વર્ષ 2011 માં હું જી.પી.એસ.સી. ક્લાસ 1/2 માં ઉતીર્ણ થયો અને મામલતદાર બન્યો ત્યાં સુધીમાં મે કુલ 16 સરકારી નોકરીઓ મેળવેલ. જેમાં બેન્ક ક્લાર્કની 4, બેન્ક ઓફિસરની 2 સહિત ઇ.પી.એફ.ઓ., સ્ટાફ સિલેકશન, સી.ડી.એસ., પોલીસ ભરતી, રેવન્યુ ક્લાર્ક, તલાટી મંત્રી, એલ.આઇ.સી., વગેરે… જગ્યાઓનો સમાવેશ થાય છે.

ગ્રામીણ બેંકમાં ક્લાર્ક અને રેવન્યુ ક્લાર્કની પરીક્ષા મે સૌથી પહેલા પાસ કરેલ. જે પૈકી રેવન્યુ ક્લાર્ક તરીકે જુનાગઢ કલેક્ટર કચેરીમાં જ મને નિમણૂંક મળેલ. મે એકાદ મહિનો કામ પણ કર્યું. પરંતુ પછી મારો આત્મવિશ્વાસ વધ્યો અને મે નક્કી કર્યું કે મારે અધિકારી બનવું છે. મારે જી.પી.એસ.સી. પાસ કરવી છે. એટ્લે હું ક્લાર્કની નોકરી છોડીને ફરીથી તૈયારીઓમાં લાગી ગયો. મને મારા ઘણા મિત્રો અને પરિવારજનોએ ગાંડો ગણ્યો. તેઓ કહેતા કે સરકારી નોકરી કોઈને મળતી નથી અને તને મળી તો તે મૂકી દીધી.

મે કરેલી સાચી દિશાની મહેનત રંગ લાવી હતી. અમારા આખા પરિવારમાથી સીધી ભરતીથી ડાયરેક્ટ ક્લાસ-2 બનનાર હું પહેલો વ્યક્તિ હતો. પરંતુ જો કદાચ હું મારૂ લક્ષ્ય પ્રાપ્ત કરવામાં અસફળ રહ્યો હોત તો હું મારી નક્કી કરેલ લિમિટ એટ્લે કે 28 વર્ષ પૂર્ણ થાય ત્યાં સુધી જ સરકારી નોકરી મેળવવા મહેનત કરેત. આ લિમિટ પૂર્ણ થયા બાદ હું ખાનગી નોકરી કે વેપાર ધંધાની દિશામાં આગળ વધત.

પણ જો થોડા મહિનાઓ કે 2-3 વર્ષોની મહેનત બાદ મે શરણાગતિ સ્વીકારી લીધી હોત કે પછી બધે લાગવગ અને ભ્રષ્ટાચાર જ ચાલે છે એવી નેગેટિવ વાતો થકી અભ્યાસ જ મૂકી દીધો હોત તો કદાચ હું વેપાર ધંધો શરૂ કરી શકું એવી તો મારી આર્થિક પરિસ્થિતિ હતી જ નહીં એટલે ખાનગી નોકરી થકી કોઈ કંપનીની કે કોઈ મોટા શેઠની ગુલામી કરતો હોત.

“હિંમતે મર્દા તો મદદે બજરંગ દાદા” આ વાક્ય પર અડગ રહીને અને પોતાની જાત પર વિશ્વાસ રાખીને મિત્રો આગળ વધો. દુનિયા હારેલા વ્યક્તિને ક્યારેય યાદ નથી રાખતી. લોકો યાદ રાખે છે તો માત્ર વિજેતાઓને. વિજયી ભવ.

સરકારી ભરતી પરીક્ષાઓની મોસમ આવી ગઈ (ભાગ-7)

હાલમાં જ મે જુનાગઢ ખાતે પોલીસ ભરતીની તૈયારીઓ કરતાં ગંભીર ઉમેદવારો માટે તદ્દન ફ્રી મા એક બેચ શરૂ કરેલ છે. જેમાં મે 26 વિધાર્થીઓને પ્રવેશ આપેલ છે. આ બેચનું નામ સ્પેશ્યલ 26 – મિશન ખાખી રાખવામા આવેલ છે. આ બેચમાં જે ભાઈઓ બહેનો ભણવા આવે છે એ દરેકનું અલગ અલગ વિષય પરનું લેવલ અલગ અલગ છે. એટ્લે કે કોન્સટેબલની પરીક્ષામાં પૂછાતા વિષયો પૈકી કાયદો વિષયને બાદ કરતાં કોઈ ઉમેદવારનો ઇતિહાસ તો કોઈનો ભારતીય બંધારણ વિષય સારો છે. કોઈને ભૂગોળ તો કોઈને વિજ્ઞાન વિષયની જાણકારી ઘણી સારી છે. કોઈના એકથી વધારે વિષયો નબળા છે. પરંતુ એક બાબત મે માર્ક કરી કે ગણિત વિષય લગભગ દરેકનો નબળો છે.

આજે આપણે વાત કરવી છે કોન્સટેબલ જેવી ભરતી પરીક્ષાની કે જેમાં લાખોની સંખ્યામાં ઉમેદવારોએ પોતાની નોંધણી કરાવી છે. 100 ગુણની માત્ર એક જ લેખિત પરીક્ષા પાસ કરીને ખાખી વર્દી પહેરવાની આ તક જતી કરાય એમ નથી. આ ભરતીમાં રનિંગના માર્કસ ની સાથોસાથ લેખિત પરિક્ષાના માર્કસ પણ ખૂબ અગત્યના છે. લેખિત પરિક્ષાની વાત કરીએ તો ઇતિહાસ, ભૂગોળ, બંધારણ, સામાન્ય જ્ઞાન, સામાન્ય વિજ્ઞાન, ભારત અને ગુજરાતનો સાંસ્કૃત્તિક વારસો, કમ્પ્યુટર વગેરે વિષયો લગભગ વાંચીને કે જાતમેળે પણ તૈયાર કરી શકાય છે. પરંતુ ગણિત અને રિઝનિંગ વિષયો એવા છે કે જે કોઈની પાસે શીખવા પડે. જેની વધુમાં વધુ પ્રેક્ટિસ કરવી પડે. જેનું પ્રાથમિક જ્ઞાન હોવું બહુ જરૂરી છે.

ઉદાહરણ તરીકે સમજાવું તો એવો દાખલો પૂછાયો કે, “એક નળ ટાંકીને ભરવા માટે 20 કલાકનો સમય લે છે જ્યારે બીજો નળ ટાંકીને 30 કલાકમાં ભરે છે. હવે જો બંને નળ એકીસાથે ખુલ્લા રાખવામા આવે તો ટાંકી ભરાતા કેટલો સમય લાગે ?” આ પ્રકારનો દાખલો વિવિધ પુસ્તકોમાં વિવિધ રીતે ગણીને સમજાવવાનો પ્રયત્ન કર્યો હશે. આર્ટ્સ કે કોમર્સ બેકગ્રાઉન્ડમાથી આવેલા વિધાર્થીઓને પુસ્તકમાં સમજાવેલ રીતનો અભ્યાસ કરીને પણ મગજમાં નહીં ઉતરે કે દાખલો ઉકેલ્યો કઈ રીતે !!

આ દાખલો આપણે બિલકુલ ટૂંકી રીત વડે કરી શકીએ. જો બંને નળ ટાંકીને ભરતા હોય તો આપણે માત્ર એટલું યાદ કરવાનું કે ઉપર (અંશ માં) બંનેનો ગુણાકાર અને નીચે (છેદ માં) બંનેનો સરવાળો. હવે અંશ માં આવશે 30×20=600 અને છેદ માં આવશે 30+20=50. હવે સાદુરૂપ આપતા 600÷50=12 જવાબ આવે. આમ જો બંને નળ એકીસાથે ખુલ્લા રાખવામા આવે તો આખી ટાંકી ભરાતા 12 કલાક લાગે.

ઉમેદવારોને ટૂંકી રીત યાદ રહી જાય પછી ઉપરોક્ત દાખલો ખૂબ સરળ અને ઝડપથી થઈ જાય એવો છે. પરંતુ જો એમને 2,3,4,5,7,9,11.. ની ચાવીઓ નહીં આવડતી હોય કે 1 થી 25 સુધીના ઘડિયા (પાડા) નહીં આવડતા હોય કે પછી છેદ ઉડાવતા નહીં આવડતા હોય તો આ દાખલાની પધ્ધતિ શીખવા છ્ત્તા સાદુરૂપ નહીં આપી શકવાના કારણે દાખલાનો ફાઇનલ જવાબ નહીં મેળવી શકે. પરિણામે એક માર્કસ ગુમાવવાનો વારો આવશે.

હવે જો એવું ધારી લઈએ કે આ વખતે પેપર સેટરે 10 પ્રશ્નો ગણિત ના અને 10 પ્રશ્નો રિઝનિંગના પૂછ્યા, તો સ્વાભાવિક છે કે બાકીના 80 પ્રશ્નો આપણને પૂરેપૂરા આવડતા હશે છ્ત્તા પણ કોન્સટેબલ તરીકે પસંદ થવાની શક્યતાઓ ખૂબ ઓછી છે. કારણકે ગત ભરતીઓના પરિણામો આધારે આપણે કહી શકીએ કે 88% થી ઓછા માર્કસ લાવનારને ખાખી વર્દી પહેરવા મળતી નથી. ટૂંકમાં જે ગણિત અને રિઝનિંગ વિષયો ની તૈયારીઓ બરોબર કરશે તેને સફળતા મળવાની શક્યતાઓ સૌથી વધારે છે.

હવે વાત કરીએ કે ગણિતની તૈયારીઓ કરી રીતે કરવી ? ગણિત શીખવા માટે નજીકની પ્રાથમિક સ્કૂલના કોઈ ગણિત શિક્ષકનો તમે સંપર્ક કરી શકો છો. સૌથી પહેલા એકમ-દશક-સો વગેરે સ્થાનોની સ્થાનકિંમત વિષે પ્રાથમિક જાણકારી મેળવી લ્યો. ત્યારબાદ દશાંશ પધ્ધતિ, સંખ્યા પધ્ધતિ, લસાઅ-ગુસાઅ, વર્ગ-વર્ગમૂળ, સાદુરૂપ, ઘાત-ઘાતાંક વગેરે બેઝીક ચેપ્ટર વિષે સમજણ મેળવવી પડે.

આટલું પરફેક્ટ સમજી લ્યો પછી સરાસરી, ટકાવારી, સાદું અને ચક્રવૃદ્ધિ વ્યાજ, નફો અને ખોટ, સમય અને કામ, કામ અને મહેનતાણું, ભાગીદારી, ઉંમર સંબંધિત પ્રશ્નો, ઝડપ, વર્તુળ, ચોરસ, લંબચોરસ, ત્રિકોણ વગેરે લાગત દાખલાઓ શીખવા પડે. વધુમાં વધુ પ્રેક્ટિસ કરવી પડે. કોન્સટેબલ કક્ષાના પેપરમાં પૂછાતા દાખલાઓનું લેવલ ખાસ અઘરું હોતું નથી. આથી દરેક પ્રકરણમાં ધોરણ 10 સુધીના લેવલ ધરાવતા દાખલાઓ જ તૈયાર કરવા.

ઘણી વખત દાખલાઓ સૂત્ર ઉપરથી કે કોઈ ચલ ધાર્યા વગર પણ થતાં હોય છે. ધારો કે ઉંમર સંબંધિત કોઈ દાખલો પૂછવામાં આવ્યો હોય કે, “એક છોકરાની હાલની ઉંમર અને પાંચ વર્ષ પછીની ઉંમરનો સરવાળો 35 છે, તો તેની હાલની ઉંમર શોધો ?” આ દાખલો સામાન્ય રીતે એવી રીતે થતો હોય છે કે ધારો કે એ છોકરાની હાલની ઉંમર ‘X’ છે. આથી પાંચ વર્ષ પછીની ઉંમર (X+5) થાય. હવે પ્રશ્નમાં જણાવ્યા મુજબ સમીકરણ બનાવીએ તો X+(X+5)=35, 2X+5=35, 2X=35-5, 2X=30, X=30÷2, X=15. આમ છોકરાની હાલની ઉંમર 15 વર્ષ થાય. પરંતુ આ દાખલો એકદમ ઝડપથી કરવો હોય તો વિકલ્પો ઉપરથી કરી શકાય. અહી આપેલા ચાર વિકલ્પો આ મુજબ છે – 25, 30, 15, 20. હવે આપણે દરેક વિકલ્પો એક પછી એક ચકાસવા પડે.

જેમકે ધારો કે છોકરાની હાલની ઉંમર 25 વર્ષ હોય તો 5 વર્ષ પછીની ઉંમર શોધવા માટે તેમાં 5 ઉમેરો તો 30 થાય. અને 30 અને 25 નો સરવાળો કરો તો જવાબ આવે 55, જે ખરેખર રકમમાં આપ્યા મુજબ 35 થવો જોઈએ. ત્યારબાદ બીજો વિકલ્પ પસંદ કરીએ તો 30 માં 5 વર્ષ ઉમેરો તો 35 થાય અને તે બંનેનો સરવાળો કરીએ તો 65 થાય, જે પણ ખોટો જવાબ થાય. આમ ત્રીજો વિકલ્પ 15 પસંદ કરીએ તો 15 માં 5 ઉમેરી તો 20 અને હવે એ બંનેનો સરવાળો કરીએ તો 35 થાય, જે રકમ મુજબ બરોબર ફિટ બેસે છે. આથી જવાબ 15 આવે. સમજવામાં કદાચ આ રીત લાંબી લાગે પરંતુ હકીકતે આ પ્રકારના દાખલાઓ વિકલ્પો ઉપરથી હલ કરવા વધારે સરળ પડે.

ગણિતમાં એટલું યાદ રાખવું કે કોઈપણ દાખલો ચાર પ્રકારે થઈ શકશે. (1) સૂત્ર ઉપરથી (2) ‘X’ ધારીને (3) વિકલ્પો ઉપરથી (4) રકમમાં જણાવ્યા મુજબ સમીકરણ બનાવીને. જેમ મે અગાઉ જણાવ્યુ એ પ્રમાણે ક્ષેત્રફળ, ઘનફળ, સરાસરી, સાદું અને ચક્રવૃદ્ધિ વ્યાજ વગેરે મુદ્દા સંબંધિત દાખલાઓ સૂત્ર ઉપરથી કરવા સરળ પડે. જ્યારે ટકાવારી, ગુણોત્તર અને પ્રમાણ, સમય અને કામ, કામ અને મહેનતાણું, ભાગીદારી વગેરે દાખલાઓ રકમમાં જણાવ્યા મુજબ સમીકરણ રચીને કરવા સહેલા પડે. આ ઉપરાંત નફો-ખોટ, ચોરસ, લંબચોરસ, ઝડપ વગેરે ‘X’ ધારીને તેમજ ઉંમર સબંધિત દાખલાઓ વિકલ્પો પરથી ઉકેલવા જોઈએ. દરરોજની ઓછામાંઓછી 2 કલાક ગણિતને ફાળવવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *