પેપર લીક થતા અટકાવવા એક્સપર્ટનો આ ઓપિનિયન સરકાર ધ્યાન માં લેશે ? વાંચો ડૉ. ચિંતન વૈષ્ણવનો લેખ.

પુર્વ મામલતદાર ડૉ. ચિંતન વૈષ્ણવે આ લેખમાં દર્શાવેલી પદ્ધતિઓ અનુસાર સરકારી ભરતી પરીક્ષાઓ લેવામાં આવે તો કોઇ માઈ ના લાલની ત્રેવડ નથી પેપર લીક કરવાની.

હેડ ક્લાર્ક પેપર લીક મામલો : ઇંકલાબ ઝીંદાબાદ (ભાગ-1)

સમજાતું નથી કે સરકાર શું કરવા બેઠી છે ? છેલ્લા અમુક વર્ષોમાં સરકારી ભરતી પરીક્ષાઓનું આ લગભગ દશમું પેપર ફૂટયું છે. નોકરી મેળવવા ઇચ્છતા યુવાનો માટે આ સમાચાર કાળજું કંપાવી મૂકે એવા હતા.

મુખ્ય કારણ એ કે હજુ બિનસચિવાલય ક્લાર્ક ભરતી પરીક્ષા કે જેનું પેપર લીક થતા ઉમેદવારોના ધાડે ધાડા ગાંધીનગરની સડકો ઉપર ઉતરી આવ્યા હતા.

એ ભરતી પરીક્ષા આ ઘટનાને 3 વર્ષ પૂર્ણ થવા આવ્યા હોવા છ્ત્તા આજદિન સુધી લેવામાં આવેલ નથી. વધારામાં કોરોનાએ ઉમેદવારોના 2 વર્ષ બગાડી નાંખ્યા. કઈક આશાનું કિરણ દેખાયું હેડક્લાર્ક ભરતી પરીક્ષા સ્વરૂપે તો એમાં પણ પેપર લીક થયાના સમાચારો સાંભળીને બિચારા યુવા ઉમેદવારોનું મોરલ તો તૂટી જ ગયું પણ સાથોસાથ સરકારી તંત્ર પરથી વિશ્વાસ પણ ઊડી ગયો. ઉમેદવારોની સ્થિતિ રીંગણી ઉપર હિમ પડ્યા જેવી થઈ.

એક ઉમેદવારે મને મેસેજ કર્યો અને લખ્યું કે સાહેબ અમારે આવી બોગસ સિસ્ટમમાં જ કામ કરવાનું હોય તો પછી સરકારી ભરતી પરીક્ષાઓ આપવામાં અને તેની તૈયારીઓ કરવામાં શા માટે સમય વેડફ્વો જોઈએ?

મારી પાસે આ પ્રશ્નનો કોઈ નક્કર જવાબ હતો નહીં પરંતુ મે તેને એટલું માત્ર કહ્યું કે જો તમારી જેવા સુધારાવાદી વલણ ધરાવતા અને હકારાત્મક દ્રષ્ટિકોણથી કામ કરવા ઇચ્છતા યુવાનો સરકારી વહીવટી ક્ષેત્રમાં નહીં જોડાય તો આ સિસ્ટમ ક્યારેય નહીં સુધરે. ટૂંકમાં ઉમેદવારો આ વખતે ખૂબ નાસીપાસ થયા છે.

સરકારી ભરતી પરીક્ષાઓની આખેઆખી પધ્ધતિ ઉપરથી યુવાનોનો વિશ્વાસ ઉઠી ગયો છે. ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષશ્રી પણ આ બાબતને ખાસ ગંભીરતાથી લેતા ન હોય એવું જણાય છે.

એમના અધ્યક્ષપણા હેઠળ લગભગ આ ચોથું પેપર લીક થયું છ્ત્તા સરકાર દ્વારા એમનો કારણદર્શક ખુલાસો પૂછવાની કે એમની ઉપર પગલાઓ લેવા બાબતની કોઈ જ કાર્યવાહી આ લેખ લખાઈ છે ત્યાં સુધીમાં કરવામા આવેલ નથી. ઊલટાનું થોડા સમય પહેલા જ તેમને અધ્યક્ષ તરીકે પૂન: નિયુક્ત કરવામાં આવ્યા છે.

એક તરફ જુઓ તો સરકાર પોતે ભ્રષ્ટાચાર નાથવાના અને તંત્રને મજબૂત બનાવવાના પોકળ દાવાઓ કરતી નજરે પડે છે ત્યારે છેલ્લા 10 વર્ષોમાં 10-10 વખત પેપરો ફૂટે એ કેટલે અંશે વ્યાજબી કહેવાય ? આ કોઈ એસ.એસ.સી. કે કોલેજના સેમેસ્ટર પરિક્ષાના પેપરો નથી ફૂટયા. આ તો એક એવી ભરતી પરિક્ષાના પેપર ફૂટયા છે કે જેના આધારે યુવાનોને સરકારી નોકરી મળવાની છે. યુવાનોની કારકિર્દી જેના આધારે નક્કી થવાની છે.

એમનું સામાજિક ભવિષ્ય આખું જે નોકરી ઉપર આધારીત છે એવી ખૂબ જ અગત્યની પરીક્ષાનું પેપર લીક થયું છે. ગૌણ સેવા પસંદગી મંડળ, તેના અધ્યક્ષ અને ખુદ મુખ્યમંત્રીની અંગત જવાબદારી થાય છે આ બાબતે. એમની ચેનલ અને ગોઠવેલી વ્યવસ્થા એટલી બધી નબળી અને નિષ્ફળ ગણાય કે વારંવાર પેપરો લીક થવાના બનાવો બને છે.

હકીકતે જો ફૂલપ્રૂફ વ્યવસ્થા ગોઠવવામા આવે અને સરકાર ધારે તો પેપર તો શું એક પ્રશ્ન પણ લીક થાય નહીં. પણ તેમનામા આવું કરવાની ઈચ્છાશક્તિનો અભાવ જણાય છે. એકાદ ચર્ચામાં તો મે એવું પણ સંભાળ્યું કે સરકાર પોતે જ પડદા પાછળ રહીને આ બધુ કરાવી રહી છે. જેથી આગામી ચૂંટણીઓ સંદર્ભે તેઓને ચૂંટણી ખર્ચ માટેનું ભંડોળ મળી રહે.

અગાઉ પણ જ્યારે તલાટી ભરતી કૌભાંડ થયેલું ત્યારે કોઈ કલ્યાણસિંહ ચમ્પાવત કરીને વ્યક્તિએ કોઈ મીડિયા ચેનલ સમક્ષ હાજર થઈને કહેલું કે મારા જીવને ખતરો છે. મારી પાસે કેટલાક મોટા નેતાઓએ તલાટી ભરતીનું કૌભાંડ કરાવ્યુ છે.

તેણે એવું પણ કહ્યું કે આનાથી પણ મોટું કૌભાંડ જી.પી.એસ.સી. ક્લાસ1/2 પરીક્ષામાં ઇન્ટરવ્યુ વખતે થયેલું પરંતુ એ હજુ સુધી બહાર આવ્યું નથી. આ ઘટનાને આજે ઘણા વર્ષો થયા છે છ્ત્તા હજુ સુધી આ કૌભાંડના માસ્ટર માઇન્ડ પકડાયા હોવાના કોઈ સમાચારો નથી.

કલ્યાણસિંહના પણ કોઈ સમાચાર નથી. આ ઘટનામાં જવાબદાર અધિકારી સુખેથી નિવૃત્ત પણ થઈ ગયા અને નવાઈ ની વાત તો એ છે કે, એ નિવૃત્ત અધિકારી હાલ નિવૃત્તિ પછી પણ સરકારમાં ફરીથી ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન છે. ગુજરાતની પબ્લિક અને ખાસ કરીને યુવાનો માટે આટલો ઈશારો બસ છે મારી દ્રષ્ટિએ.

ભરતી પરીક્ષાઓમાં થતા વારંવારના પેપર લીક થવાના બનાવોના કારણે યુવાનો નાસીપાસ થાય છે એની સાથોસાથ સરકારી કલાકોનો પણ ખૂબ બગાડ થાય છે. સરકારી નાણાનો બગાડ થાય છે. વધુમાં લાંબા સમય સુધી સરકારમાં ખાલી રહેલી જગ્યાઓ ભરાતી નથી, જેના કારણે અરજદારોના કામ સમયસર થતાં નથી અને કચેરીઓના ધક્કા ખાઈખાઈને દુ:ખી થાય.

વિચારવાનું એટલું છે કે શા માટે સ્ટાફ સિલેકશન કમિશન, યુ.પી.એસ.સી. કે આઈ.બી.પી.એસ. જેવી અન્ય કેન્દ્રિય ભરતી બોર્ડ સંસ્થાઓ દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓના પેપરો લીક થતાં નથી ? આપણે બહાર ક્યાય શીખવા જવાની જરૂર નથી. જી.પી.એસ.સી. ના નવા ચેરમેન તેમજ પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ પાસેથી પણ પરીક્ષા મેનેજમેંટ શીખી શકાય એમ છે.

પોલીસ ભરતી પરીક્ષાનું પેપર લીક થયું કે તરત જ એ ભરતી રદ જાહેર કરીને માત્ર એક મહિનાના સમયગાળામાં જ બીજી વખત પરીક્ષા લેવામાં આવી. આ એક ઉત્તમ ઉદાહરણ છે. સામે પક્ષે ગૌણ સેવા પસંદગી મંડળ પેપર લીકને 3-3 વર્ષ થવા છ્ત્તા હજુ સુધી બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા લઈ શક્યું નથી.

આ વિષય ઉપર હજુ ઘણું લખી શકાય એમ છે. કેટલીક બાબતો ઉપર આગામી લેખાંકમાં વાત કરીશું. ખાસ તો પેપર લીક ન થાય એ માટેની ફૂલપ્રૂફ વ્યવસ્થા શું કરી શકાય એ બાબતે પણ હું આગામી લેખમાં મારા વિચારો આપ સૌ સુધી પહોચાડીશ.

હેડ ક્લાર્ક પેપર લીક મામલો : ઇંકલાબ ઝીંદાબાદ (ભાગ-2)

અગાઉના લેખમાં આપણે પેપર લીક થવાના કારણે ઉમેદવારોના માનસ પર તેમજ તેમની સામાજિક લાઈફ પર કેવી કેવી અસરો થાય છે એ બાબતની ચર્ચા કરી. નેશનલ ન્યુઝ ચેનલો પર પણ ઘણી ચર્ચાઓ આ મુદ્દે થઇ. કોઈએ સરકારને દોષ આપ્યો તો કોઈએ ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેનશ્રીને દોષિત ગણ્યા. જવાબદારી ગણો કે વાંક ગણો તો એ સરકારનો પણ છે અને ચેરમેન સાહેબનો પણ છે.

સાથોસાથ મતદારો અને યુવાનોની સહનશીલતાનો પણ છે. પરંતુ આ બધી ચર્ચાઓના અંતે પેપર લીક જ ન થાય અને ફૂલપ્રૂફ આયોજન થકી વિના કૌભાંડે પરીક્ષા કઈ રીતે લઈ શકાય એ બાબતે કોઈએ ચર્ચાઓ કરી નહીં. અંતે ખૂબ વિચારણા કરવાને કારણે કેટલાક ફંડાઓ મારા મગજમાં જનમ્યા. જે અહી આપની સાથે હવે ચર્ચી રહ્યો છું.

ગુજરાત સરકારે ધોરણ 12 પાસ તમામ વિધાર્થીઓ માટે Qualify Test નું આયોજન કરવાની જરૂર છે. જેવી રીતે આર.ટી.ઑ. માંથી ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે તેની વેબસાઇટ પર જઈને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે. રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ ઓટોમેટિક આપણને ઓનલાઈન કોમ્પ્યુટર ટેસ્ટ માટે સ્થળ પસંદગી પૂછવામાં આવે છે.

જે પસંદ કર્યા બાદ આપણને ઘેર બેઠા મોબાઈલ પર કે ઇ-મેઈલ પર થોડા દિવસો બાદની પરિક્ષાની તારીખ, સમય અને આપણે પસંદ કરેલ સ્થળની વિગતો મળી જાય છે.

જે-તે પરીક્ષા સ્થળે આપણે પરીક્ષા આપવા જઈએ ત્યારે ત્યાં આપણે કોલલેટર તેમજ આધાર કાર્ડ બતાવો એટ્લે પરીક્ષા લેબમાં આપણને પ્રવેશ મળે છે. કોમ્પ્યુટર સામે બેસીને ઓનલાઈન ટેસ્ટ આપવાની રહે છે. આ પ્રકારની પધ્ધતિમાં પેપર લીક થવાની શક્યતાઓ નહિવત રહે છે.

બસ આવા જ કોઈ પ્રકારે કોઈ સારા નામકરણથી રાજ્ય સરકારે વખતો વખત સરકારી ભરતી પરીક્ષાઓ માટેની Qualify Test યોજવી જોઈએ. વેબસાઇટ પર ઓનલાઈન ફોર્મ ભરીને ઉમેદવાર આ પરીક્ષા માટે અરજી કરે. પોતાની સંપૂર્ણ વિગતો ઉમેદવારે માત્ર પહેલી વખત રજીસ્ટ્રેશન કરાવતી વખતે ઓનલાઈન સબમિટ કરવાની હોય.

ત્યારબાદ દરેક ટ્રાય વખતે માત્ર આધારકાર્ડ નંબર દાખલ કરવાથી ઉમેદવારની સંપૂર્ણ વિગતો ધરાવતું ફોર્મ ઓટોમેટિક ખૂલી જાય. જેને સબમિટ કરવાનું થાય અને OTP ઉપર આ સિસ્ટમ કાર્ય કરી શકે. સરકાર આ પ્રકારની Qualify Test માટે ઉમેદવારને વધુમાં વધુ 5 તક આપી શકે.

પેપરો પણ ઓનલાઈન કાઢવાના થાય. ઉમેદવારને પરીક્ષા આપવા માટેનું સ્થળ માટે સરકારી સંસ્થાઓ જેવી કે ITI કે પોલિટેકનિક કે યુનિવર્સિટી કે સરકારી કોલેજની કોમ્પ્યુટર લેબ રાખી શકાય. અહી સુપરવીઝનમાં પણ સરકારી અધિકારીઓના ઓર્ડર કરી શકે.

અત્યારે જે સરકારી ભરતી પરીક્ષાઓ લેવાઈ રહી છે તે દરેકમાં પુષ્કળ પ્રમાણમા ઉમેદવારોએ અરજી કરેલી હોવાથી અઢળક સેન્ટરો ઉપર પરીક્ષાઓ લેવામાં આવે છે. આથી સ્ટાફની અછત ઊભી થાય છે. પરિણામે ખાનગી વ્યક્તિઓને પણ સુપરવીઝન માટે નિમણૂંક આપવાની ફરજ પડે છે.

જે ખૂબ જ સેન્સિટિવ અને ગંભીર બાબત ગણાય. પેપર લીક તો આપણે સમજ્યા પણ ઘણી જગ્યાઓ ઉપર ખાનગી શાળાના શિક્ષકો સુપરવીઝનમાં હોય છે, જ્યાં પહેલેથી જ પ્રશ્નોનાં જવાબો લખાવવાની સૂચના કે થોડું ઘણું લિબરલ રહેવાનુ પ્રેશર કરવામાં આવતું હોય છે.

આ કારણથી પણ કેટલાય ઉમેદવારો પોતાની હેસિયત કરતાં વધારે ગુણ પ્રાપ્ત કરીને મેરીટમાં આવી જતાં હોય છે. મે સરકારી અધિકારી તરીકે નોકરી કરેલી છે. આથી મને પણ ઘણી વખત પરીક્ષાઓ પાસ કરીને આવેલ ક્લાર્ક કે રેવન્યુ તલાટીઑ પાસે કામ લેતી વખતે આશ્ચર્ય થતું કે આવા નબળા અને ડફોળ યુવાનો કે જેને અરજી લખતા પણ નથી આવડતી એ આવી અઘરી પરીક્ષા પાસ કઈ રીતે કરી ગયો !!!!!

મૂળ વાત પર આવીએ તો Qualify Test આપવા માટે ઉમેદવારે અરજી કર્યા બાદ તેને તારીખ, સમય અને સ્થળ ફાળવવામા આવે અને ઉમેદવારે કોમ્પ્યુટર પર બેસીને ઓછી મિનિટોમાં વધારે પ્રશ્નોનાં જવાબો આપવાના થાય. ગણિત અને રીઝનીંગ જેવા અઘરા ગણાતા વિષયોના પ્રશ્નો વધારે પૂછવામાં આવે.

સીધા જ Qualify Test Committee ના અધ્યક્ષ સમયની 10 મિનિટ પહેલા જ ગાંધીનગર બેઠા બેઠા પોતાના જ પર્સનલ લેપટોપમાથી પેપર સેટ કરીને ઓનલાઈન મૂકે. વળી નેગેટિવ માર્કસ રાખવામા આવે એટ્લે પછી ચોરી કરવી કે પેપર લીક કરવું શક્ય જ ન રહે.

અડધી કલાકની આ Qualify Test પૂરી થાય કે તરત જ ઉમેદવારને પૂછાયેલા દરેક પ્રશ્નના સાચા જવાબો અને તેણે મેળવેલા માર્કસ પણ પોતાની સ્ક્રીન પર મળી રહે. સાથોસાથ Qualify Test માં નિયત કરેલા મિનિમમ માર્કસ મેળવનાર ઉમેદવારને ઈમેઈલ કે વ્હોટ્સએપ પર મેસેજ મારફત એક યુનિક આઈ.ડી. નંબર પ્રાપ્ત થાય કે જેનો ઉપયોગ કરીને તે ભવિષ્યમાં આવનારી રાજ્ય સરકારની કોઈપણ સરકારી ભરતી પરીક્ષામાં અરજી કરી શકે.

Qualify Test નો વિચાર અમલમાં મૂકવાથી સૌથી મોટો ફાયદો એ થશે કે ભવિષ્યમાં આવનારી સરકારી ભરતીઓ જેવી કે પોલીસ ભરતી, બિનસચિવાલય ક્લાર્ક, પંચાયત વિભાગ, ગૌણ સેવા કે જીપીએસસી દ્વારા લેવામાં આવતી કોઈપણ ભરતી પરીક્ષામાં ફોર્મ ભરનારા ઉમેદવારોની સંખ્યા પર નિયંત્રણ લાવી શકાશે. ધારો કે હાલમાં શરૂ પોલીસ ભરતીમાં કુલ 12 લાખ જેવા ફોર્મ ભરાયા છે. જ્યારે બિનસચિવાલય ક્લાર્કમાં કુલ 11 લાખ ફોર્મ ભરાયા છે.

હવે આટલી મોટી સંખ્યામાં ઉમેદવારોની પરીક્ષાઓ યોજવી, આખા રાજયમાં વિવિધ જિલ્લાઓ અને તાલુકાઓમાં પરીક્ષા કેન્દ્રો સેટ કરવા, લેખિત પરીક્ષાઓ માટે પેપરો સેટ કરવા, ફીઝીકલ ટેસ્ટ માટે ગ્રાઉન્ડ સેટ કરવા, આટલા મોટા પ્રમાણમા રાખેલા કેન્દ્રો ઉપર સ્ટાફની નિમણૂંક કરવી,

પેપરો છપાવવા માટે પ્રિંટિંગ પ્રેસમાં મોકલવા, પેપરો છપાઈને આવે એટ્લે દરેક જિલ્લાઓના મુખ્ય કેન્દ્રોના સ્ટ્રોંગ રૂમ સુધી પહોચાડવા, ત્યાથી પરિક્ષાના શરૂ થવાના થોડા કલાકો અગાઉ પેપરો પરીક્ષા કેન્દ્રો સુધી પહોચાડવા… વગેરે પ્રકારની પુષ્કળ કામગીરીઓ કરવી પડતી હોય છે.

સાથોસાથ પેપર ચોરી ન થાય એના માટે સખત પોલીસ બંદોબસ્ત પણ રાખવો પડતો હોય છે. છ્ત્તા પેપરો તો લીક થાય જ છે. ટૂંકમાં ભરતી પરીક્ષાઓ યોજવી એ કઈ રમત વાત નથી. કોઈને કોઈ તબક્કે પેપરો લીક થવાની પૂરેપુરી શક્યતાઓ રહેલી છે.

હવે અહી મે જણાવેલો ફંડા અમલમાં મૂકવામાં આવે તો Qualify Test પાસ કરેલા ઉમેદવારો જ જે-તે સરકારી ભરતીમાં અરજી કરી શકે. આમ કરવાથી 10 લાખ અને 12 લાખની સંખ્યામાં ભરાતા ફોર્મની સંખ્યા 3 લાખ કે 4 લાખ સુધી મર્યાદિત થઈ જશે. ટૂંકમાં Qualify Test એ અગાઉથી જ ફિલ્ટર પ્રોસેસ કરી આપશે. જે ઉમેદવારો ખરેખર મહેનત કરે છે.

થોડું ઘણું લેવલ ધરાવે છે, એ જ ઉમેદવારો વચ્ચે સ્પર્ધા થાય. આવું કરવાથી નીચે મુજબના અન્ય ફાયદાઑ થશે. જિલ્લાઓ અને તાલુકાઓના ગમે તેવા નાના કેન્દ્રો ઉપર પરીક્ષાઓ લેવાને બદલે મોટા મથકો ઉપર જેમકે અમદાવાદ, ગાંધીનગર, સુરત, રાજકોટ, ભાવનગર વગેરે કેન્દ્રો ઉપર માત્ર પરીક્ષાઓ ગોઠવી શકાય.

આવું કરવાથી મેનેજમેંટ ઘણેખરે અંશે સરળ રહેશે. સુપરવિઝન માટે સરકારી સ્ટાફની નિમણૂંક કરી શકાશે. ખાનગી વ્યક્તિ કરતા સરકારી વ્યકતીને ફરજમાં બેદરકારી કરવા પાછળના પરિણામો ખ્યાલ હોવાથી તેના દ્વારા પેપરો લીક થવા કે પેપરમાં ચોરી કરવા દેવા બાબતે નબળું ચલાવવાની શક્યતાઓ ખૂબ ઓછી રહેશે.

વધુમાં આવું કરવાથી ઓફલાઇન પરીક્ષાઓ લેવાને બદલે વિવિધ સરકારી કે ખાનગી સંસ્થાઓને રિકવીઝીટ કરીને કોમ્પ્યુટર લેબમાં ઓનલાઈન પરીક્ષાઓ યોજી શકાય. જેમાં ફરજિયાત CCTV કેમેરા દ્વારા સીધું જ ગાંધીનગર કંટ્રોલ રૂમ મારફત પરોક્ષ તથા ક્લાસ 1 અને 2 કક્ષાના અધિકારીઓ મારફત પ્રત્યક્ષ સુપરવીઝન કરાવી શકાય.

વાયબ્રન્ટ ગુજરાત અને રણોત્સવ જેવા ફાલતુ કાર્યક્રમો કરવા સમયે આખા રાજ્યના વિવિધ વિસ્તારોમા ફરજ બજાવતા મહેસૂલી અને પોલીસ અધિકારીઓને ઓર્ડર કરીને ગાંધીનગર તેડાવવામાં આવે છે. તો પછી સરકારી ભરતી પરીક્ષાના દિવસે તો ઉચ્ચ અધિકારીઓને વિવિધ જિલ્લાઓમાથી જવાબદારી સોંપીને બોલાવી જ શકાય.

આ પ્રકારે પરીક્ષા લેવાથી સરકાર અને પબ્લિક બંનેના સમય, શક્તિ અને નાણાંનો બચાવ કરી શકાય. ઉમેદવારોને પેપર પૂર્ણ થાય કે તરત જ પોતાની સ્ક્રીન પર પરિણામ મળી જાય. ઓનલાઈન પેપર હોવાના કારણે ભરતીબોર્ડના અધ્યક્ષ પોતે જ પોતાના અંગત લેપટોપમાથી પરીક્ષા શરૂ થવાના થોડા સમય અગાઉ એ પેપરને ઓનલાઈન કરી શકે છે. આમ પેપર લીક થવાની બિલકુલ શક્યતાઓ નહિવત થઈ જાય છે.

પેપરો ઓનલાઈન હોવાથી પ્રશ્ન પેપર તથા જવાબ પેપર સહિત કાગળોનો અને ઇન્ડાયરેક્ટલી પર્યાવરણનો પણ બચાવ કરી શકાય છે. પેપરો છપાવવાનો, ચેક કરવાનો, પોલીસ બંદોબસ્તનો, વાહન વ્યવહારનો વગેરે તમામ તબક્કાઓનો બચાવ કરી શકાય છે.

બીજું એ કે સરકારે જેવી રીતે ભૂમાફિયાઓ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ નામનો કાયદો બનાવ્યો, એ જ પ્રકારે પેપર લીક મામલે પણ કડક જોગવાઇઓ ધરાવતો કાયદો બનાવવો જોઈએ. આ કાયદામાં પેપર લીક કરનાર સામે તથા પેપરો ખરીદનાર સામે પણ કડક ફોજદારી કાર્યવાહી થવી જોઈએ.

પેપર લીક કૌભાંડમા પકડાયેલા અને ગુન્હો સાબિત થયેલાના તમામ સીધી લીટીના અને આડી લીટીના વારસદારોને 3-3 વર્ષ સુધી સરકારી ભરતી પરીક્ષાઓ આપવામાથી ગેરલાયક ઠેરવવા તેમજ જો હાલ સરકારી નોકરી પર ચાલુ હોય તો તેમને તત્કાલ ફરજમુક્ત કરવા સુધીની જોગવાઇઓ આ કાયદામાં સામેલ હોવી જોઈએ.

વધુમાં આખી ભરતી પ્રક્રિયામાં વિવિધ તબક્કે વિવિધ સરકારી અધિકારીઓની જવાબદારીઓ ફિક્સ કરવી જોઈએ. જિલ્લા મથકો ઉપર કે જ્યાં પરીક્ષા કેન્દ્રો બનાવવામાં આવ્યા હોય ત્યાં જિલ્લા કલેક્ટર અને એસ.પી. ને અંગત જવાબદારી સોંપવી જોઈએ. જે અધિકારી પોતાની જવાબદારીમાથી ચૂકે એના ઉપર પણ સર્વિસ મેટરના પ્રોસિડિંગ્સ ચલાવીને ખાતાકીય તપાસો થવી જોઈએ. તેમજ જવાબદારીમાથી ચૂક્યા હોય તો ફોજદારી રાહે પણ પગલા લેવાવા જોઈએ.

ટૂંકમાં વાત કરું તો સરકારની પોતાની ઈચ્છાશક્તિ હશે અને સુધારાવાદી નીતિ હશે તો કોઈ માઈ ના લાલની ત્રેવડ નથી પેપર લીક કરવાની. ગંભીરતાથી તૈયારીઓ કરતા યુવાનોની કઠણાઇ એ છે કે સરકાર પોતે ગંભીરતાથી આ વાતને લેતી નથી. પેપર લીક થવાના કિસ્સાઓ માટે પંકાયેલ ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષનું રાજીનામું લેવાની ત્રેવડ આપણા મુખ્યમંત્રીમાં નથી.

વિચારો મિત્રો કે શા માટે સરકાર અસિત વોરાનું રાજીનામું માંગવામાં ઉણી ઉતરી રહી છે ? શું અસિત વોરા ભરતી પરીક્ષાઓને લગત સરકારના કોઈ એવા રાઝ જાણે છે કે જે બહાર આવવાથી સરકારની ઈમેજને બહુ મોટું નુકસાન થઈ શકે ? કારણ જે હોય તે પણ હવે પબ્લિક જાણી ગઈ છે કે વિકાસની હારમાળા સર્જવાની લૂખ્ખી વાતો કરતી આ નિષ્ફળ સરકારે ભરતી કૌભાંડોની હારમાળા સર્જી દીધી છે. યુવાનોએ હવે ભગતસિંહના માર્ગે ચાલીને ઇંકલાબ ઝીંદાબાદ કરી બતાવવાની જરૂર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *