પૂર્વ IPS રમેશ સવાણી નો આ લેખ ગુજરાતનું હિત ઇચ્છતા દરેક વ્યકિત એ વાંચવો જોઈએ.

ક્રાઈમ બ્રાન્ચનું કામ ગુનાઓ અટકાવવાનું છે કે ગુનાઓ આચરવાનું?

રાજકોટના પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે FIR નોંધ્યા વિના જ; ચીટિંગના વિક્ટિમ પાસેથી 75 લાખ વસૂલ્યા છે, તેવી લેખિત ફરિયાદ રાજકોટના ધારાસભ્યે ગૃહમંત્રીને 2 ફેબ્રુઆરી 2022ના રોજ કરી છે તેથી મીડિયામાં/લોકોમાં ઊહાપોહ મચ્યો છે. આ 75 લાખની વસૂલાત ક્રાઈમ બ્રાન્ચના PI મારફતે પોલીસ કમિશ્નરે કરી હતી, તેથી ક્રાઈમ બ્રાન્ચ છાપરે ચડી છે. સવાલ એ છે કે ક્રાઈમ બ્રાન્ચનું કામ ગુનાઓ અટકાવવાનું છે કે ગુનાઓ આચરવાનું? શું ક્રાઈમ બ્રાન્ચ, હવાલા બ્રાન્ચ છે?

થોડાં પ્રશ્નો :
[1] શું માત્ર રાજકોટના પોલીસ કમિશ્નર પૈસા લે છે? દરેક શહેર અને જિલ્લાની ક્રાઈમ બ્રાન્ચ તોડ કરે છે. ગુનાઓ અટકાવવાને બદલે ગુનાઓ આચરે છે. નાગરિકો ન્યાય મેળવવા પોલીસ સ્ટેશને જાય અને તેમની ફરિયાદ તરત નોંધાઈ જાય તેવી વ્યવસ્થા સરકાર ઊભી કરી શકી નથી. ‘ઉપરની’ સૂચના હોય તેવા ગુનાઓમાં જ ક્રાઈમ બ્રાન્ચ રસ લે છે.

[2] મનોજ અગ્રવાલની રાજકોટ પોલીસ કમિશ્નર તરીકે જુલાઈ-2018માં નિમણૂંક થઈ હતી. 3 વરસ અને 6 મહિના થયા. આટલા સમયમાં કેટલાં ફરિયાદીઓને અન્યાય કર્યો હશે?

[3] આ કિસ્સામાં મનોજ અગ્રવાલ જવાબદાર તો છે જ, પરંતુ સરકાર વધુ જવાબદાર છે. કાયદા મુજબ ચાલનાર અધિકારીઓને પોલીસ કમિશ્નરની પોસ્ટ ઉપર મૂકવામાં આવતા નથી, સરકારની ચાપલૂસી કરનારની નિમણૂંક થાય છે અને તેમને લાંબા સમય સુધી હોદ્દા ઉપર ચોંટાડી રાખવામાં આવે છે.

[4] મીડિયાએ ઊહાપોહ કર્યા બાદ સરકારની ઊંઘ ઊડી ગઈ છે. ગૃહમંત્રી તપાસની વાત કરે છે. પરંતુ આ તો બે મહિનાથી પ્રકરણ ચાલે છે; હવે ગૃહમંત્રી જાગ્યા? જ્યારે આ પ્રકરણ માટે સ્થાનિક ધારાસભ્ય તથા સંસદસભ્યએ ગૃહમંત્રી/મુખ્યમંત્રીને રુબરુ મળી વાત કરી હતી તે સમયે માત્ર FIR નોંધવાની જ સૂચના રાજકોટના પોલીસ કમિશ્નરને આપી હતી; પરંતુ તે સમયે જ પોલીસ કમિશ્નરના ‘તોડ’ સામે કોઈ તપાસ કરવામાં ન આવી.

[5] છેલ્લા 30 વર્ષમાં, એક પણ IPS/IAS અધિકારી ઉપર એન્ટિ કરપ્શન ડીપાર્ટમેન્ટે રેઈડ કરી? શું IPS અધિકારી દેવદૂત હોય છે? પોલીસખાતામાં નીચેના અધિકારીઓ-કોન્સ્ટેબલ/PSI/PI જ તોડ કરે છે/પૈસા લે છે? શું ACB નાની માછલીઓ પકડવા માટે જ છે?

[6] અમુક અપવાદ બાદ કરતા, મોટા ભાગે પોલીસ કમિશ્નર/રેન્જ વડા/SPની નિમણૂંક વેળાએ મોટી રકમ અધિકારીઓ ચૂકવે છે. દિલ્હીથી લિસ્ટ આવે તે મુજબ ઉચ્ચ અધિકારીઓની નિમણૂંક શામાટે થાય છે? શું મુખ્યમંત્રી આ જાણતા નથી?

[7] જ્યારે પોલીસ કમિશ્નર/રેન્જ વડા/SPની નિમણૂંકમાં; મુખ્યમંત્રી કાર્યાલયના 2013માં નિવૃત થયેલ IAS અધિકારી મુખ્ય ભૂમિકા ભજવે છે; તેમની જવાબદારી થાય કે નહીં?[8] શામાટે દરેક શહેર/જિલ્લાની ક્રાઈમ બ્રાન્ચ હવાલા બ્રાન્ચ બની ગઈ છે? એકના એક અધિકારીઓ વરસો સુધી ક્રાઈમ બ્રાન્ચમાં જ કેમ ફરજ બજાવે છે? ઉપલા વર્ણના ચોક્કસ અધિકારીઓ જ શામાટે ક્રાઈમ બ્રાન્ચમાં નિમણૂંક પામે છે? અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં એક અધિકારીએ PSI/PI/DySP તરીકે 25 વર્ષ કરતા વધુ સમય સુઘી એકધારી ફરજ બજાવી હતી, આવું કેમ? આ દરમિયાન અનેક ચૂંટણી આચારસંહિતાઓ આવી ત્યારે પણ ક્રાઈમ બ્રાન્ચમાં ચાલુ રાખ્યા હતા. આ સમય દરમિયાન તેમણે અનેક એન્કાઉન્ટર પણ કર્યા; એ શું સૂચવે છે?

લોકો જાગે/RTI હેઠળ માહિતી મેળવે/દાબ જૂથો રચે/સત્તાને સવાલો કરે તો કંઈક અંશે સરકારની નીંદર તૂટે ! ચમત્કાર તો જૂઓ; પોલીસ કમિશનર સામેની તપાસ તેમના હાથ હેઠળની ક્રાઈમ બ્રાન્ચના DySP કરી રહ્યા છે. હિન્દુરાષ્ટ્ર બનશે ત્યારે IPS/IAS અધિકારીઓ કેવા-કેવા/કેવડા મોટા તોડ કરશે, અને તે અંગેની તપાસ તેમના હાથ હેઠળના કોન્સ્ટેબલ કરતા હશે; એ વિચારથી ધ્રૂજી જવાય છે.

~ રમેશ સવાણી ( નિવૃત્ત આઇપીએસ અધિકારી )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *