IPLમાં ખેલાડીઓની હરાજી કેવી રીતે થાય છે, ખેલાડીઓની બેઝ પ્રાઈસ કેવી રીતે થાય છે નક્કી,જાણો અહીં સંપૂર્ણ માહિતી.

IPLમાં ખેલાડીઓની હરાજી કેવી રીતે થાય છે? ખેલાડીઓની બેઝ પ્રાઈસ કેવી રીતે થાય છે નક્કી?,જાણો અહીં સંપૂર્ણ માહિતી.

સૌ પ્રથમ IPLની શરૂઆત ૨૦૦૮માં થઈ હતી અને આ વર્ષે તેની ૧૫ મી સીઝન રમાશે. આઈપીએલ ૨૦૨૨ની હરાજી ૧૨ અને ૧૩ ફેબ્રુઆરીએ બેંગલુરુમાં થવા જઈ રહી છે. આ વખતે IPL મેગા હરાજીમાં ૧૦ ટીમો ભાગ લેવાની છે. આ મેગા ઓક્શનમાં કુલ ૫૯૦ ખેલાડી પર બોલી લાગશે. એમાં ૩૨૦ ભારતીય હશે, જ્યારે ૨૭૦ વિદેશી ખેલાડી છે. ચાલો, જાણીએ કે કેવી રીતે થાય છે IPLની હરાજી, કેવી રીતે નક્કી થાય છે ટીમોની બેઝ પ્રાઈસ?

સામાન્ય રીતે હરાજીમાં ખેલાડીઓને ત્રણ કેટેગરી-ઈન્ડિયન કેપ્ડ, ઈન્ડિયન અનકેપ્ડ અને વિદેશી ખેલાડીઓમાં વહેંચવામાં આવે છે. એ પછી આ ખેલાડીઓને અલગ-અલગ લોટમાં તેમની વિશેષતાના આધારે રાખવામાં આવે છે, જેમ કે – બોલર, ઝડપી બોલર, સ્પિન બોલર, ઓલરાઉન્ડર અને વિકેટકીપર. પોતાના દેશ માટે અત્યારસુધી ઈન્ટરનેશનલ મેચ નહીં રમનારા ખેલાડીને અનકેપ્ડ કહેવામાં આવે છે.

કેવી રીતે થાય છે IPL ખેલાડીઓની હરાજી ?

– આ હરાજી પણ અન્ય કોઈ હરાજી જેવી જ હોય છે. IPL હરાજી દરમિયાન હરાજી કરાવનાર કે ઓક્શનર ખેલાડીના નામનું એલાન કરે છે.

ઓક્શનર જણાવે છે કે ખેલાડી શું કરે છે, એટલે કે બેટર છે કે બોલર અને કયા દેશનો ખેલાડી છે અને તેની બેઝ પ્રાઈસ શું છે. એ પછી ટીમો એ ખેલાડીની બેઝ પ્રાઈસ અનુસાર બોલી લગાવે છે.

– માની લો કે કોઈ ખેલાડીની બેઝ પ્રાઈસ ૧ કે ૨ કરોડ રૂપિયા છે તો એ ખેલાડીની પ્રથમ બોલી ૧ કે ૨ કરોડ રૂપિયાથી જ શરૂ થશે. તેના પછી બાકીની ટીમોની પણ બોલી લગાવવાથી એ ખેલાડીની કિંમત વધતી જાય છે. ખાસ વાત એ છે કે કોઈપણ ખેલાડીને તેની બેઝ પ્રાઈસથી ઓછી કિંમત પર ખરીદી શકાતો નથી. જો કે કોઈપણ ટીમ કોઈ ખેલાડીને તેની બેઝ પ્રાઈસ પર પણ ખરીદી શકે છે. કોઈ ખેલાડી માટે સૌથી ઊંચી બોલી લાગ્યા પછી ઓક્શનર ખેલાડી પર લાગેલી અંતિમ બોલી વિશે ત્રણ વાર તમામ ટીમોને જણાવ્યા પછી અને જો કોઈ ટીમ રસ ન દર્શાવે તો સોલ્ડ કહીને હરાજી પ્રક્રિયાને પૂરી કરી દે છે.

– જે ટીમ સૌથી ઊંચી બોલી કે અંતિમ બોલી લગાવે છે, એ જ ખેલાડીને ખરીદે છે અને પોતાની ટીમમાં સામેલ કરે છે. ઘણીવાર કોઈ ખેલાડીને ખરીદવા માટે બે ટીમો વચ્ચે હરીફાઈ જામે છે, તેને બીડિંગ વોર કહે છે. એનાથી ઘણીવાર ખેલાડી પોતાની બેઝ પ્રાઈસથી ખૂબ ઊંચી કિંમતમાં વેચાય છે.

ખેલાડીઓની બેઝ પ્રાઈસ કેવી રીતે થાય છે નક્કી? –

– બેઝ પ્રાઈસ એ લઘુતમ કિંમત હોય છે, જેના પર હરાજીમાં ખેલાડી પર બોલી લાગે છે. બેઝ પ્રાઈસને ખેલાડી હરાજી અગાઉથી નક્કી કરે છે અને બીસીસીઆઈને સોંપે છે.

– ખેલાડી પોતાના બોર્ડથી એક નોન-ઓબ્જેક્શન સર્ટિફિકેટ એટલે કે NOC પણ બીસીસીઆઈને સોંપે છે, જેમાં લખેલું હોય છે કે તેને બોર્ડની તરફથી તેને આઈપીએલમાં સામેલ થવાની અનુમતિ મળી ચૂકી છે.

– સામાન્ય રીતે ચર્ચિત કેપ્ડ ભારતીય ખેલાડી અને વિદેશી ખેલાડી પોતાની બેઝ પ્રાઈસ વધુ રાખે છે, કેમ કે તેમને આશા હોય છે કે તેમને હરાજીમાં ઊંચી કિંમત મળશે. જ્યારે અનકેપ્ડ અને ઓછા ચર્ચિત ખેલાડી અપેક્ષાકૃત પોતાની બેઝ પ્રાઈસ ઓછી રાખે છે.

– ખેલાડી બેઝ પ્રાઈસને નક્કી કરતી વખતે પોતાના અગાઉના પ્રદર્શન, પોતાની લોકપ્રિયતા, સોશિયલ મીડિયા ફોલોઅર્સ વગેરે જેવી ચીજોને ધ્યાનમાં રાખે છે.

અનસોલ્ડ ખેલાડી વિશે પણ જાણો –

– અનસોલ્ડ ખેલાડી એ હોય છે, જેના પર હરાજી દરમિયાન કોઈપણ ટીમ બોલી લગાવતી નથી કે જેને કોઈપણ ટીમ ખરીદવા માગતી નથી.

– જો કોઈ ખેલાડી પૂરી હરાજી પ્રક્રિયા દરમિયાન વેચાઈ શકતો નથી તો તેને અનસોલ્ડ પ્લેયર કે ન વેચાઈ શકેલો ખેલાડી કહે છે.

શું અનસોલ્ડ ખેલાડી ફરીવાર વેચાઈ શકે છે?

હા, હરાજીના પ્રથમ રાઉન્ડમાં અનસોલ્ડ રહેલા ખેલાડીનું નામ હરાજીના અંતમાં કે ઝડપથી થનારી હરાજી પ્રક્રિયા દરમિયાન ફરીથી લાવી શકાય છે. એવું ત્યારે બને છે, જ્યારે ટીમો એ ખેલાડીમાં રસ દર્શાવે છે.

એક હરાજીમાં કેટલા ખેલાડીઓ પર લાગે છે બોલી?

દરેક હરાજીએ ખેલાડીઓની સંખ્યા બદલતી રહે છે. જો મિની હરાજી હોય, તો તેમાં ખેલાડીઓની સંખ્યા ઓછી થાય છે. ખેલાડીઓનો કરાર સમાપ્ત થયા પછી થનારી મેગા હરાજીમાં ખેલાડીઓની સંખ્યા વધુ હોય છે,જેમ કે IPL૨૦૨૨ મેગા હરાજી છે.

હરાજીમાં ભાગ લેનારા ખેલાડીઓની અંતિમ સંખ્યા એ વાત પર નિર્ભર કરે છે કે હરાજી માટે રજિસ્ટર કરાયેલા ખેલાડીઓમાંથી કયા ખેલાડીઓને લઈને ટીમોએ રસ દાખવ્યો છે. આ વર્ષની હરાજી માટે કુલ ૧૨૧૪ ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, પરંતુ તેમાંથી માત્ર ૫૯૦ ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા.

ખેલાડીઓને જેટલા પૈસામાં ખરીદાય છે, એટલા તેમને મળે છે?-

હા, જો કોઈ ખેલાડીને ૧૦ કરોડ રૂપિયામાં ૨ વર્ષના કરાર પર ખરીદવામાં આવ્યો છે તો તેને પ્રતિ વર્ષ ૧૦ કરોડ રૂપિયા મેળવવાનો હકદાર છે.

તેથી, જો આ લેખ પસંદ આવ્યો હોય તો કોમેન્ટ અને શેર કરી તમારા મિત્રોને પણ જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *