ટૂ-વ્હીલર પર બાળકો સાથે મુસાફરી કરતા હોવ તો આ નવા નિયમ જાણીલો, નહીંતર ભરવો પડશે દંડ.

ટૂ-વ્હીલર પર બાળકોની સુરક્ષા માટે નવા નિયમ મુજબ હાર્નેસ બેલ્ટ પહેરવો પડશે, નહીંતર ભરવો પડશે આટલો દંડ?,જાણો અહીં હાર્નેસ બેલ્ટ શું છે?

છેલ્લાં થોડા મહિનામાં રોડ એક્સિડન્ટ બહુ વધ્યા છે અને તેમાં ખાસ કરીને ટુ-વ્હીલર ચલાવતા લોકોને વધુ ઈજા પહોંચતી હોવાના કેસ વધુ સામે આવ્યા છે. આ બાબતે સરકાર હવે જાગૃત થઈ છે અને આ અંગે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે ટુ-વ્હીલર ચાલકો માટે નવા ટ્રાફિક નિયમો બહાર પાડ્યા છે. નવા નિયમો અનુસાર હવે ૪ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ટુ-વ્હીલર પર લઈ જવા માટે સુરક્ષાનું સંપૂર્ણ ધ્યાન રાખવું પડશે. ડ્રાઇવરોએ બાળકો માટે હેલ્મેટ અને હાર્નેસ બેલ્ટનો ઉપયોગ કરવો જરૂરી રહેશે. તેમજ, ટુ-વ્હીલરની સ્પીડ ૪૦ કિમી પ્રતિ કલાકથી વધુ ન હોવી જોઈએ.

નવા મોટર વ્હીકલ એક્ટના નિયમો કેવાં હશે? – મોટર વ્હીકલ એક્ટ,૧૯૮૮ (૧૯૮૮ ક ૫૯)ની કલમ ૧૩૭ ની કલમ (ક)ની સત્તાઓનો ઉપયોગ કરીને કેન્દ્ર સરકારે સેન્ટ્રલ મોટર એક્ટ નિયમ ૧૯૮૯ માં વધુ સુધારો કરવા માટે નીચેના નિયમો બનાવ્યા છે. નવા નિયમોનું સંક્ષિપ્ત નામ સેન્ટ્રલ મોટર વ્હીકલ (બીજો સુધારો) નિયમો, ૨૦૨૨ છે. કેન્દ્રીય મોટર વાહન નિયમો, ૧૯૮૯ના નિયમ ૧૩૮ના પેટા-નિયમ (૬) પછી નીચેના પેટા-નિયમો દાખલ કરવામાં આવશે. સેન્ટ્રલ મોટર વ્હીકલ (બીજો સુધારો) નિયમો, ૨૦૨૨ના પ્રકાશનની તારીખથી એક વર્ષ પછી એટલે કે ૨૦૨૩ થી મોટરસાયકલ ચાલકે ૯ મહિનાથી ૪ વર્ષની વયના બાળકને વ્હીકલમાં પાછળ બેસાડતી વખતે સેફ્ટી હાર્નેસનો ઉપયોગ કરવો પડશે.

સેફ્ટી હાર્નેસ બેલ્ટ એટલે શું છે? – સેફ્ટી હાર્નેસ એ અડજસ્ટેબલ બેલ્ટ છે, જે બાળક દ્વારા પહેરવામાં આવે છે. આ બેલ્ટ ભલે બાળકે પહેરેલો હોય પરંતુ તેનો એક ભાગ ટુ-વ્હીલર રાઇડર સાથે જોડાયેલો રહે છે. બાળક આ બેલ્ટને સ્કૂલ બેગની જેમ પહેરી શકે છે. પછી તેનો એક ભાગ રાઇડરની કમર અથવા પેટથી બંધ થઈ જાય છે. એટલે કે, બાઈક રાઇડર સાથે તે સંપૂર્ણ રીતે જોડાયેલું રહે છે. તેનો મોટો ફાયદો એ છે કે બાઈક કે સ્કૂટર પરથી બાળક પડી નહીં જાય. બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ એક્ટ, ૨૦૧૬ (૨૦૧૬A ૧૧) હેઠળ તૈયાર કરવામાં આવનાર હાર્નેસ સેફ્ટી બેલ્ટનાં સ્પેસિફિકેશન્સ નીચે પ્રમાણેના હોવાં જોઇએ.

– લાઇટ કેરિંગ, અડજસ્ટેબલ, વોટરપ્રૂફ અને ડ્યુરેબલ હોય
– હેવી નાયલોન, પૂરતો કમ્ફર્ટેબલ હોય અને ફોમવાળા મટિરિયલથી બનેલો હોય
– ૩૦ કિલો સુધીનું વજન ઉઠાવવાની કેપેસિટી હોય

શું હેલ્મેટ પણ પહેરવું પડશે? – નવા નિયમ હેઠળ, મુસાફરી કરતી વખતે ક્રેશ હેલ્મેટ અથવા સાયકલ હેલ્મેટ પહેરવું જરૂરી રહેશે. કેન્દ્રએ બાળકો માટે હેલ્મેટ બનાવવાનું શરૂ કરવા માટે ઉત્પાદકોને પહેલેથી જ સૂચના આપી દીધી છે.

નિયમ તોડ્યો તો કેટલા રૂપિયાનો દંડ લાગશે – નવા ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરવા પર ૧,૦૦૦ રૂપિયાનો દંડ અને ૩ મહિના માટે ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ થઈ શકે છે. સેન્ટ્રલ મોટર વ્હીકલ એક્ટમાં ટુ-વ્હીલરની પાછળ બેઠેલા બાળકો માટે વધુ સલામતી સુનિશ્ચિત કરવા માટે નવા નિયમનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ નિયમ ચાર વર્ષ સુધીના બાળકોને સમાવેશ કરી લે છે.

સ્પીડ ૪૦ કિમીથી વધુ ન હોવી જોઇએ – આ નવો નિયમ ટુ-વ્હીલર રાઇડર્સ માટે એ પણ સુનિશ્ચિત કરે છે કે બાળકો સાથે મુસાફરી કરતી વખતે વાહનની સ્પીડ કલાક દીઠ ૪૦ કિમી કરતાં વધુ ન હોવી જોઇએ. અગાઉ ગયા વર્ષે ઓક્ટોબરમાં મંત્રાલયે ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડીને નિયમમાં ફેરફારનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેમાં વાહન ચાલકો માટે સેફ્ટી હાર્નેસ અને ક્રેશ હેલ્મેટનો ઉપયોગ ફરજિયાત બનાવવાની દરખાસ્ત કરવામાં આવી હતી. આ નિયમ ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૩થી લાગુ થશે.

તેથી,જો આ લેખ પસંદ આવ્યો હોય તો કોમેંન્ટ અને શેર કરી તમારા મિત્રોને પણ જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *