પક્ષપલટા વિરોધી કાનૂન શું છે? જો કોઈ વ્યક્તિ પક્ષપલટો કરે છે તો તેના પર શું નિયમો લાગે છે?

પક્ષપલટા વિરોધી કાનૂન શું છે? જો કોઈ વ્યક્તિ પક્ષપલટો કરે છે તો તેના પર શું નિયમો લાગે છે? તેમજ જાણો પક્ષપલટા વિરોધી કાયદાની જોગવાઈઓ વિશે. (AntiDefection Act)

દેશમાં અને રાજ્યમાં છેલ્લા થોડાક વર્ષોથી સત્તા અને પૈસા માટે પક્ષ પલટો કરવાની પ્રવૃત્તિ વધી રહી છે. પોતાના અંગત સ્વાર્થ માટે ચુંટાયેલા ધારાસભ્ય કે સાંસદ રાજીનામું આપે એવા સમાચાર હવે રોજબરોજ આવવા લાગ્યા છે. દરેક રાજ્યોમાં સત્તા માટે પ્રજાદ્રોહ કરતા નેતાઓની સંખ્યા વધી રહી છે. વારંવાર ચુંટણીના ખર્ચાઓ, રાજકિય અસ્થિરતા અને આચાર સંહિતા તેમજ ચુંટણી કામગિરીના કારણે સરકારી કચેરીઓમાં કામ ખોરંભે ચડી જાય વગેરે તમામ બાબતનો તમાશો પ્રજા લાચાર અને મજબુરીભરી નજરે જોઈ રહી છે ત્યારે પક્ષ પલટા વિરોધી કાયદા વિશે જાણવું ખુબ જ જરૂરી બને છે. આવો જાણીએ આ વિશે વિગતવાર…

શું છે પક્ષપલટા વિરોધી કાયદો? – ભારતના મુળ બંધારણમાં રાજકીય પક્ષો વિશેની કોઇ જોગવાઇ કરવામાં આવેલ નથી એટલે બંધારણમાં પક્ષપલટા વિરોધી કોઈ જોગવાઈ પણ ન હતી. વર્ષ 1967 થી 1971 વચ્ચેના સમયગાળા દરમ્યાન 142 જેટલા સાંસદો અને 1900 ધારાસભ્યોએ ચુંટાઇ ગયા બાદ પોતાની પાર્ટી બદલી હતી. આ પ્રકારની રાજકીય અસ્થિરતાઓને ધ્યાનમાં લઇને વર્ષ – 1985 માં તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધીએ બંધારણમાં ૫૨’મો સુધારા દ્વારા બંધારણમા નવી 10 મી અનુસુચિ જોડવામાં આવી તેમજ કલમ-101, 102, 190 અને 191 માં સુધારો કરવામાં આવ્યો. બંધારણની દસમી અનુસુચિને પક્ષપલટા વિરોધી કાયદા તરીકે ઓળખવામાં આવે છે.

કઈ-કઈ જોગવાઇ છે આ કાયદામાં? –

– ભારતના બંધારણની કલમ-102 (2) અને 191 (2) માં પક્ષપલટા વિરોધી બાબતે ચુંટાયેલા પ્રતિનિધિની ગેરલાયકાતો અંગે જોગવાઇ કરવામાં આવી છે.

– જે પાર્ટીની ટિકીટ ઉપરથી ચુંટાયેલો હોય તે રાજ્કીય પક્ષમાંથી સ્વેચ્છાએ રાજીનામું આપે તો ધારાસભ્ય/સાંસદ તરીકે ગેરલાયક ઠરે છે.

– ગૃહની અંદર પોતાની પાર્ટીના આદેશ (વ્હિપ) વિરુદ્ધ મતદાન કરે તો ધારાસભ્ય/સાંસદ તરીકે ગેરલાયક ઠરે છે. લોકસભા કે રાજ્યસભા ગૃહમાં રાષ્ટ્રપતિ દ્વારા નોમિનેટ કરવામાં આવેલા સભ્યો શરૂઆતના છ મહિના સુધી કોઇપણ પાર્ટી સાથે જોડાઈ શકે છે પરંતુ છ મહિના પછી જો રાજકીય પક્ષ સાથે જોડાય તો તેઓનું સભ્યપદ રદ્દ થાય છે.

રાજ્કીય પક્ષોના જોડાણ અને વિભાજન થાય તો? – ભુતકાળમાં આપણે જોયું હશે કેટલીય રાજકીય પાર્ટીઓ એકબીજા સાથે જોડાણ કરે અથવા મુખ્ય પાર્ટીમાંથી અલગ પડીને પોતાનો નવો પક્ષ બનાવે તેવી ઘટના બને છે. આવા સમયે જે-તે પાર્ટીમાંથી ચુંટાયેલા જનપ્રતિનિધિને એક પાર્ટીમાંથી અલગ પાર્ટી બનાવે તો ગેરલાયક ઠરે છે પરંતુ જો 1/3 બહુમતિ દ્વારા બે અલગ અલગ પાર્ટીઓ એક બને તો તેને આ કાયદો લાગુ પડતો નથી.

પક્ષ પલટા વિરોધી કાયદાની નબળી બાજુઓ –

– આ કાયદામાં પાર્ટીના આદેશ વિરુદ્ધ ન જઈ શકાવાના કારણે જનપ્રતિનિધિની સ્વતંત્રતતા છીનવાય છે. ભારતના બંધારણ મુજબ ચુંટાયેલા પ્રતિનિધિ ઉપર રાજકીય પાર્ટીઓનો કંટ્રોલની કોઇ જોગવાઈ નથી માટે ચુંટાયેલા સભ્યો રાજકીય પક્ષોના ગુલામ બની રહી જાય છે. આમ ચુંટાયેલા પ્રતિનિધિઓ કોઇપણ મુદ્દે પોતાનું વ્યક્તિગત સ્ટેન્ડ લઈ શકતા નથી.

– આ કાયદા મુજબ નોમિનેટેડ સભ્યો અને ચુંટાયેલા સભ્યો વચ્ચે ભેદભાવ ભરી જોગવાઈ છે. નોમિનેટેડ સભ્ય સદસ્ય બન્યા પછી શરૂઆતના છ મહિનામાં કોઇપણ પાર્ટી જોડાઇ શકે છે જ્યારે ચુંટાયેલો સભ્ય ચુંટાયા પહેલા અથવા ટર્મ પુરી થયા પહેલા અન્ય પાર્ટીમાં જોડાઇ શકતો નથી.

પક્ષપલટા કાયદામા જરૂરી સુધારાઓ – સૌપ્રથમ તો રાજકીય પાર્ટીના આદેશોની સત્તા ઘટાડવી જોઇયે અને ચુંટાયેલા સભ્યો પોતાનો સ્વતંત્ર અને અલગ અભિપ્રાય મુજબ મત આપવાની રાખવાની છુટ આપવી જોઇયે. આ સિવાય ચુંટાયેલ પ્રતિનિધિને પક્ષ છોડતા પહેલા તેમજ પોતાનો હોદ્દો છોડતા પહેલા નોટીસ પિરિયડ હોવો જરૂરી છે. ગેરવ્યાજબી કારણોસર અને સત્તા માટે પોતાનો હોદ્દો છોડતા નેતાઓના ચુંટણી લડવા ઉપર આજીવન પ્રતિબંધની જોગવાઇ પણ હોવી જોઇયે.

આથી,જો આ લેખ પસંદ આવ્યો હોય તો કોમેંન્ટ અને શેર કરી તમારા મિત્રોને જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *