નદીઓના જોડાણ યોજના અંગે પૂર્વ IPS ઓફીસર શ્રી રમેશ સવાણીનો આ લેખ તમને પણ વિચારવા મજબૂર કરી દેશે.

ડેમથી ગુમાવવાનું આદિવાસીઓને અને ડેમનો સઘળો ફાયદો મોટા ઉદ્યોગોને/બ્લેકમનીથી બનેલા જમીનદારોને; આવું કેમ?

NWDA-નેશનલ વોટર ડેવલપમેન્ટ એજન્સી મુજબ કેન્દ્રીય જળસંસાધન વિકાસ મંત્રાલય દ્વારા વર્ષ 1980માં અછતગ્રસ્ત વિસ્તારોમાં પાણી પહોંચે તે માટે નદીઓના જોડાણની યોજના વિચારવામાં આવી હતી. દેશની કૃષિ મહદંશે વરસાદ આધારિત છે, જેના કારણે અમુક વિસ્તારોમાં દર વર્ષે દુષ્કાળની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. આથી, નદીના પાણીને દરિયામાં વહી જતું અટકાવવા/તેનો સંચય કરવા/પૂરની પરિસ્થિતિને ટાળવા/પીવા-સિંચાઈ માટે વાપરવા/વીજઉત્પાદન માટે નદીઓનું જોડાણ કરવાની યોજના છે.

દક્ષિણ ગુજરાતની નદીઓનું જોડાણ કરીને દરિયામાં વહી જતાં મીઠા જળને સૌરાષ્ટ્ર-કચ્છ લઈ જવા માટે પાર-તાપી-નર્મદા લિંક યોજના છે. આ યોજના માટે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં છ ડેમ્સનું નિર્માણ હાથ ધરાશે:

[1] ઝરી ડેમ: મહારાષ્ટ્રમાં નાસિક જિલ્લાના છ ગામ ડૂબમાં જશે, જેમાં 1030 પરિવારના 5733 લોકો વિસ્થાપિત થશે.

[2] પૈખેડ ડેમ: મહારાષ્ટ્રમાં નિર્માણ પામનાર આ ડેમમાં 11 ગામડાંના 1474 પરિવારના 7360 લોકો વિસ્થાપિત થશે.

[3] ચિકાર ડેમ: ગુજરાતના ડાંગ જિલ્લામાં આ ડેમનું નિર્માણ થશે. જેમાં નવ ગામના લગભગ 1300 પરિવારના 7800 જેટલા લોકો વિસ્થાપિત થશે.

[4] ચાસ-માંડવા ડેમ: ગુજરાતના વલસાડ જિલ્લામાં નિર્માણ પામનારા આ ડેમમાં ધરમપુર તાલુકાનાં સાત ગામના 2122 પરિવારના લગભગ 9700 લોકો વિસ્થાપિત થશે.

[5] દાબદર ડેમ : ગુજરાતના ડાંગ જિલ્લામાં બનનારા આ ડેમમાં 11 ગામના 1600 પરિવારના 10,660 લોકો બેઘર થશે. [6] કેળવણ ડેમ : ડાંગ જિલ્લામાં 2220 પરિવારના લગભગ 12000 લોકો વિસ્થાપિત થશે.

2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે નદીઓના જોડાણના પાંચ પ્રોજેક્ટ તૈયાર હોવાનું જણાવ્યું છે. 2010માં, પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેકટ માટે કેન્દ્ર સરકાર/ગુજરાત સરકાર અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચે સમજૂતી કરાર થયો છે. એ સમયે વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહ હતા. હાલના વડા પ્રધાન, એ સમયે ગુજરાતના મુખ્યમંત્રી હતા, જ્યારે અશોક ચવ્હાણ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હતા. વર્ષ 2015માં પાર-તાપી-નર્મદા લિંકનો DPR-ડિટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર થયો હતો.

આ પ્રોજેક્ટને કારણે 35 ગામના આદિવાસીઓ વિસ્થાપિત થશે/જમીનવિહોણા બનશે. જેથી દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ ચિંતામાં મૂકાયા છે. એટલે આ યોજના સામે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ‘ડેમ હટાવો, જંગલ બચાવો’ જેવા સૂત્રો સાથે 16 ફેબ્રુઆરી 2022ના રોજ ડાંગ જિલ્લાના રંભાસ ગામ ખાતે જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. 28 ફેબ્રુઆરી 2022ના રોજ ડાંગ જિલ્લાના ધરમપુર ખાતે આદિવાસીઓની વિશાળ વિરોધ-રેલી નીકળી હતી.

થોડાં પ્રશ્નો-

[1] નર્મદા ડેમનું ઉદાહરણ આપણી સામે છે. વિસ્થાપિત આદિવાસીઓ થયા અને લાભો બિન આદિવાસીઓને મળ્યા, આવું કેમ? નદીઓનું મીઠું જળ પીવા/સિંચાઈ માટે ઉપયોગી બને; તેની સામે વાંધો હોઈ શકે નહીં; પરંતુ આવી યોજનાઓમાં કાયમી ભોગ આદિવાસીઓનો જ લેવાય તે ઉચિત છે? ડેમની અનિવાર્યતા હોય જ, તો આદિવાસીઓને ‘ઉત્તમ વિકલ્પ’ શામાટે અપાતો નથી?

[2] ડેમ બને તો આદિવાસીઓ મૂળ સહિત ઊખડી જશે તેનું શું? તેઓ સંતાનોને લઈને ક્યાં જશે? શહેરોમાં કે અન્ય જગ્યાએ તેઓ સ્થિર થઈ શકશે? સ્થળાંતરથી આદિવાસીઓ નવી જગ્યાએ એડ્જસ્ટ થઈ શકશે?

[3] ડાંગ જિલ્લામાં ત્રણ મહાકાય ડેમ બનવાથી ડાંગના ગાઢ જંગલોને સૌથી મોટું નુકસાન થશે, તેનું શું?

[4] આદિવાસીઓ જંગલ વિસ્તાર પર નિર્ભર હોય છે. જંગલ નહીં બચે તો આદિવાસીઓનું અસ્તિત્વ પણ નહીં ટકી શકે. બીજાનો વિકાસ, આદિવાસીઓના ભોગે કેમ?

[5] સૌરાષ્ટ્ર વિસ્તારની પાણીની સમસ્યાને દૂર કરવા અન્ય વિકલ્પ છે, તે અંગે શામાટે કામ થતું નથી? સરકાર શામાટે મોટી કંપનીઓ અને ફેકટરીઓને લાભ પહોંચાડવા માંગે છે? શામાટે આદિવાસીઓના અધિકારોનું હનન કરવામાં આવી રહ્યું છે? ડેમથી બાપદાદાના સમયથી સાચવેલ જમીન અને તેમની મહેનત ડેમના પાણીમાં નહીં જાય?

[6] વર્ષોથી આદિવાસીઓ ખેતી સાથે જ સંકળાયેલા છે અને ખેતી સિવાય અન્ય કોઈ ધંધો કરતા નથી. નવી જગ્યાએ આદિવાસીઓને જમીનનો નાનો ટુકડો આપવામાં આવશે, તેમાં તેઓ પોતાનો જીવનનિર્વાહ કઈ રીતે કરશે?

[7] ડેમનો વિરોધ કરનારા વિપક્ષના કાર્યકરોને પોલીસ વહેલી સવારે ઘેરથી ઊઠાવી જાય છે, તો આ પોલીસ આદિવાસીઓ ઉપર કેટલો જુલમ કરશે?

[8] લાકડા/ખનીજ માટે સરકારે જંગલની જમીનો કોર્પોરેટ કંપનીઓને વેચીને આદિવાસીઓને તેમના હક્કોથી વંચિત કરી દીધા. હવે ખેતીની જમીનો ડેમના નામે પડાવી લેશે. આમ, આદિવાસીઓનું ભયંકર શોષણ એ નક્સલવાદનું ખરું કારણ નથી? ડેમથી ગુમાવવાનું આદિવાસીઓને અને ડેમનો સઘળો ફાયદો મોટા ઉદ્યોગોને/બ્લેકમનીથી બનેલા જમીનદારોને; આવું કેમ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *