યુવરાજસિંહ સામે IPC કલમ-307 લગાવવાથી સરકારને શું ફાયદો છે ? જાણો.

યુવરાજસિંહને IPC કલમ-307 હેઠળ જેલમાં પૂરવાની જરુર કેમ પડી?- પૂર્વ IPS ઓફીસર શ્રી રમેશ સવાણી.

પૂર્વ IPS ઓફીસર શ્રી રમેશ સવાણીનો આ લેખથી તમને ઘણું જાણવા મળશે.

સત્તાને સવાલ કરો તે સત્તાને ક્યારેય ગમતું નથી. સરકારના કૌભાંડ ખુલ્લા પાડનારનું જાહેર સન્માન થવું જોઈએ; પરંતુ એમને જામીન ન મળે તેવી IPC કલમ-307 હેઠળ જેલમાં પૂરીને સરકાર રાહતનો શ્વાસ લેવા ઈચ્છે છે.

સરકાર એવું માને છે કે ગોદી મીડિયા અને સરકારી જાહેરખબરો/હોર્ડિંગ/દરબારી પત્રકારો મારફતે લાલ જાજમ હેઠળ ગંદકી/કૌભાંડો ઢાંકી શકાય છે. સરકારની આ માન્યતા સાચી પણ છે, કેમકે ગંગામાં અઢળક લાશો તરતી હોવા છતાં ઉત્તરપ્રદેશમાં માર્ચ-2022માં સત્તાપક્ષ ફરી સત્તામાં ગોઠવાઈ ગયો આ કારણથી સરકારને લોકમતની ચિંતા હોતી નથી.

સવાલ એ છે કે ગાંધીનગર સેક્ટર-21માં યુવરાજસિંહ સામે 5 એપ્રિલ 2022ના રોજ, IPC કલમ-307/332 હેઠળ ગુનો દાખલ કરી તેમને જેલમાં પૂરવાની જરુર કેમ પડી? કલમ-332 જાહેર સેવકને તેની ફરજ બજાવતા રોકવાના ઈરાદે ઈજા પહોંચાડે તે અંગેની છે; સજા 3 વર્ષ સુધીની છે. કલમ-307 Attempt to murder-હત્યા કરવાના પ્રયત્ન માટેની છે. આજીવન કેદ કે 10 વરસની કેદની જોગવાઈ છે.

નોન-બેઈલેબલ ગુનો છે અને સેશન્સ કોર્ટમાં કેસ ચાલે છે. બીજી એક IPC કલમ-124 A, Sedition-રાજદ્રોહની છે; તેનો સરકાર બહુ જ દુરુપયોગ કરે છે તેમાં પણ 307 જેટલી જ સજાની જોગવાઈ છે. આ બન્ને કલમોનો ઉપયોગ સત્તાપક્ષના ઈશારે પોલીસ સરકારનો વિરોધ કરનાર સામે લગાડીને તેમને ચૂપ કરવા જેલમાં પૂરે છે. યુવરાજસિંહે સરકારના કૌભાંડો સામે અવાજ બુલંદ કર્યો, એ એમનો ગુનો !

યુવરાજસિંહને જેલમુક્ત કરવા ક્ષત્રિય સમાજ મેદાને પડ્યો છે. વાસ્તવમાં આ કામ ક્ષત્રિય સમાજનું નથી; પરંતુ ગુજરાતના સર્વસમાજનું છે, લોકસંગઠનોનું છે. સરકાર માટે ઉલમાંથી ચૂલમાં પડવા જેવો ઘાટ થયો છે. યુવરાજસિંહનું મોં બંધ કરવા જતાં ગુજરાતના લોકોએ અવાજ બુલંદ કર્યો છે. સરકાર માને છે કે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં મુસ્લિમ નફરત મતો અપાવશે, પરંતુ શિક્ષણમંત્રીના બેજવાબદાર વિધાનો અને કૌભાંડને ખુલ્લા પાડનાર સાથે લોકો જોડાઈ જાય તો સરકારને વિપક્ષમાં બેસવાનો વારો પણ આવે ! આ ચિંતા સત્તાપક્ષને કોરી રહી છે. કરવા ગયા કંસાર અને થઈ ગઈ થૂલી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *