એવો ક્યો કેસ છે, જેના વિશે દરેક જાગૃત નાગરિક,એક્ટિવિસ્ટ,સામાજિક રાજકીય કાર્યકરે જાણવાની જરુર છે.

એવો ક્યો કેસ છે, જેના વિશે દરેક જાગૃત નાગરિક/એક્ટિવિસ્ટ/સામાજિક-રાજકીય કાર્યકરે જાણવાની જરુર છે?

ભારતનું બંધારણ 26 જાન્યુઆરી 1950ના રોજ અમલમાં આવ્યું. ત્યારથી લઈને 2022 સુધીમાં સૌથી મોટો ઐતિહાસિક ચૂકાદો સુપ્રિમ કોર્ટે 24 એપ્રિલ 1973ના રોજ આપ્યો હતો. કેસ હતો કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરલ રાજ્યનો. આ કેસ વિશે દરેક જાગૃત નાગરિક/એક્ટિવિસ્ટ/એડવોકેટ/જજ/પત્રકાર/કાયદાના વિદ્યાર્થી/ સામાજિક-રાજકીય કાર્યકરે જાણવું ખૂબ જરુરી છે.

સ્વામી કેશવાનંદ ભારતીય, કેરલના કાસરગોડ જિલ્લા સ્થિત ઈડનીર મઠના પ્રમુખ હતા, શંકરાચાર્ય હતા. કેરળ સરકારે 1971માં જમીન સુધારણા માટે/ જમીનદારી પ્રથા નાબૂદી માટે/ જમીન ટોચમર્યાદા માટે કાનૂન બનાવેલ. નાગરિકો વચ્ચે જમીનની બાબતમાં સમાનતા સ્થાપવાનો હેતુ હતો. આ કાયદાથી રાજ્ય સરકારે જમીનદારો અને મઠો પાસે જે હજારો એકર જમીન હતી તે મેળવી લીધી. તેથી કેશવાનંદે સુપ્રિમકોર્ટમાં આર્ટિકલ-32 (મૂળભૂત અધિકારના ભંગના કિસ્સામાં, સુપ્રિમકોર્ટમાં સીધી અરજ કરી શકાય) હેઠળ આ કાયદાને પડકારેલ.

જેમાં આર્ટિકલ-25 ધાર્મિક સ્વતંત્રતા; આર્ટિકલ-26 ધાર્મિક બાબતોનો વહિવટ કરવાનો અધિકાર; આર્ટિકલ-14 સમાનતાનો અધિકાર; આર્ટિકલ-19 (1) (F) સંપતિ પ્રાપ્ત કરવાનો અધિકાર; આર્ટિકલ-31 સંપત્તિ સંપાદન કરવાની જોગવાઈનો સમાવેશ થતો હતો. ગોલકનાથ કેસ (1967)માં સુપ્રિમકોર્ટના 11 જજની ખંડપીઠે ચૂકાદો આપેલ હતો, અને તે ચૂકાદાની સમીક્ષા કરવાની હતી, તેથી કેશવાનંદ ભારતીના કેસમાં 13 જજની ખંડપીઠ સમક્ષ આ કેસ ચાલ્યો હતો. તે વખતે સુપ્રિમકોર્ટમાં કુલ 13 જજ હતા ! ચૂકાદો આવતા 6 મહિના લાગ્યા હતા. આ કેસમાં સરકાર સામે પ્રખ્યાત ધારાશાસ્ત્રીઓ નાની પાલખીવાલા/ફલી નરીમાન/સોલી સોરાબજી હતાં.

શામાટે આ સૌથી મોટો ઐતિહાસિક કેસ છે?

[1] સુપ્રિમકોર્ટના જજીસમાં ભારે વૈચારિક મતભેદ હતા. સુપ્રિમકોર્ટે 7-6થી ઠરાવ્યું કે બંધારણ; સંસદની ઉપર છે, સર્વોચ્ચ છે, તેથી બંધારણના મૂળ ઢાંચામાં (Basic Structure of the Constitution) સંસદ ફેરફાર કરી શકે નહીં. આર્ટિકલ-368, સંસદને બંધારણમાં સુધારા કરવાની સત્તા આપે છે. પરંતુ બંધારણના મૂળભૂત માળખામાં સુધારો કરી શકે નહીં.

[2] બંધારણનો મૂળભૂત ઢાંચો એટલે શું? મૂળભૂત માળખું એટલે શું? તેમાં સંસદ શામાટે સુધારો કરી શકે નહીં? 1951માં વડાપ્રધાન નેહરુએ, પ્રથમ બંધારણીય સુધારાથી મિલકતના અધિકારને સીમિત કરવા, આર્ટિકલ-31A તથા 31Bનો ઉમેરો કર્યો. આર્ટિકલ-31Aથી જમીનદારી પ્રથા સમાપ્ત કરવાની જોગવાઈ કરી. આર્ટિકલ- 31Bથી અનુસૂચિ-9માં સામેલ કરેલ કાયદાની ન્યાયિક સમીક્ષા-judicial review કોર્ટ કરી શકશે નહીં તેવી જોગવાઈ કરી. આ સુધારાને શંકરીપ્રસાદ વિરુદ્ધ ભારત સરકાર કેસમાં પડકારવામાં આવ્યો. સુપ્રિમકોર્ટે શંકરીપ્રસાદ વિરુદ્ધ ભારત સરકાર (1951) અને સજ્જનસિંહ વિરુદ્ધ રાજસ્થાન રાજ્ય (1965)માં ચૂકાદો આપેલ કે ‘બંધારણમાં સુધારો કરવાની સંસદને સંપૂર્ણ સત્તા છે.’ પરંતુ ગોલકનાથ વિરુદ્ધ પંજાબ રાજ્ય(1967) કેસમાં જમીનદાર ગોલકનાથે વાંધો ઉઠાવ્યો કે ‘મિલકત રાખવા/મિલકત અર્જિત કરવા/કોઈ પણ વ્યવસાય કરવાનો મારો મૂળભૂત અધિકાર છે.

સરકારે મારી જમીન હસ્તગત કરીને બંધારણે આપેલ કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણના મૂળભૂત અધિકારની વિરુદ્ધનું ગેરબંધારણીય પગલું છે. શું મૂળભૂત અધિકારોમાં સુધારો કરી શકાય?’ સુપ્રિમકોર્ટે 6-5થી શંકરીપ્રસાદ તથા સજ્જનસિંહ કેસના નિર્ણયને બદલતા ઠરાવ્યું કે ‘સંસદ પાસે મૂળભૂત અધિકારોમાં સુધારો કરવાની સત્તા નથી !’ બંધારણનું મૂળભૂત માળખું એટલે શું એ બાબતે સુપ્રિમકોર્ટે કેશવાનંદ ભારતીના કેસમાં યાદી આપી નથી; પરંતુ બંધારણની સર્વોપરિતા/લોકશાહી/ કાયદાનું શાસન/ ન્યાયતંત્રની સ્વતંત્રતા/બિનસાંપ્રદાયિકતા/ મૂળભૂત અધિકારો/ફેડરલ સીસ્ટમ/ સંસદીય પ્રણાલી/ સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી/ વ્યક્તિની સ્વતંત્રતા અને ગરિમા/ કોઈ પણ કાયદાની ન્યાયિક સમીક્ષા વગેરેનો સમાવેશ થાય છે.

ટૂંકમાં લોકતંત્રના આદર્શો વિરુદ્ધ કોઈ કાયદો સંસદ બનાવી શકે નહીં ! ઉદાહરણ તરીકે- એસ. આર. બોમ્માઈ વિરુદ્ધ ભારત સરકાર (1994) કેસમાં; બાબરી મસ્જિદ તોડી પાડ્યા બાદ રાષ્ટ્રપતિ દ્વારા BJP સરકારોને બરખાસ્ત કરેલ તે નિર્ણયને ઉચિત ઠરાવતા સુપ્રિમકોર્ટે કહ્યું કે ‘ધર્મનિરપેક્ષતા માટે આ સરકારોને કાઢવી જરુરી હતી !’ હાલના વડાપ્રધાન ઈચ્છે તો પણ ભારતને હિન્દુરાષ્ટ્ર બનાવી શકે નહીં કે મનુસ્મૃતિને બંધારણની જગ્યાએ સ્થાપી શકે નહીં!

[3] આર. સી. કપૂર વિરુદ્ધ ભારત સરકાર (1970) જેમાં બેન્કોનું રાષ્ટ્રીયકરણ ગેરકાયદેસર ઠરાવ્યું; માધવરાવ સિંધિયા વિરુદ્ધ ભારત સરકાર; જેમાં રજવાડાઓને મળતાં સાલિયાણાં-પ્રિવી પર્સને બંધ કરેલ તે નિર્ણયને ગેરકાયદેસર ઠરાવેલ અને ગોલકનાથ કેસ (1967)માં જમીન અધિગ્રહણના નિર્ણયને ગેરકાયદેસર ઠરાવેલ. આ બધાં ચુકાદાઓને બિનઅસરકાક બનાવવા માટે તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ ફેબ્રુઆરી 1967 થી એપ્રિલ 1973 સુધીમાં, બંધારણમાં મહત્વપૂર્ણ સુધારા કર્યા; જેમાં 24મો/25મો26મો અને 29મો સુધારો હતો. 24મો સુધારો ખતરનાક હતો.

આર્ટિકલ-13 અને 368 માં સુધારો કર્યો હતો. આર્ટિકલ-13, આર્ટિકલ 368 ઉપર લાગુ ન પડે. અને આર્ટિકલ-368 હેઠળ સંસદને; બંધારણના કોઈ પણ ભાગમાં સુધારો કરવાની અમર્યાદ સત્તા આપતો હતો. 25મા સુધારથી મિલકતના અધિકારને સીમિત કર્યો. માર્ગદર્શક સિદ્ધાંતોને લાગુ કરવા માટે કોઈ કાયદો બનાવવાનાં આવે તો તેને એ આધારે ગેરકાયદેસર નહીં ઠરાવી શકાય કે આર્ટિકલ-14, 19 અમને 31માં દર્શાવેલ અધિકારોનો ભંગ થાય છે. 26મા સુધારાથી રજવાડાના સાલિયાણા-પ્રિવી પર્સ બંધ કર્યા. 29મા સુધારાથી બંધારણની અનુસૂચિ-9માં કેરળના ભૂમિ સુધાર કાનૂન 1919 તથા કેરળ ભૂમિ સુધાર કાનૂન 1971નો સમાવેશ કર્યો હતો. -આ બધા સુધારાઓને કેશવાનંદ ભારતીએ સુપ્રિમકોર્ટમાં પડકાર્યા હતા.

[4] ‘મૂળભૂત માળખા’ના સિદ્ધાંતની ઉત્પત્તિ જર્મનીના બંધારણમાં જોવા મળે છે. જર્મનીમાં નાઝી શાસન પહેલાં બંધારણમાં બે-તૃતિયાંશ બહુમતીથી બંધારણમાં સુધારો કરવાની સંસદને સત્તા હતી. જેથી હિટલરે બંધારણમાં પોતાને અનુકૂળ સુધારા કરાવી લીધા હતા ! આ અનુભવના કારણે જર્મનીના નવા બંધારણમાં એના વિશિષ્ટ ભાગમાં સુધારો કરવા સંસદની સત્તા ઉપર મર્યાદા મૂકી હતી. ભારતમાં મૂળભૂત માળખાના સિદ્ધાંતમાં સંસદ દ્વારા પસાર કરેલ કોઈ પણ કાયદો ન્યાયિક સમીક્ષાને પાત્ર ઠરાવેલ છે.

[5] કેશવાનંદ ભારતીને કેરલ સરકારે કરેલ જમીન સુધારણા કાયદામાં રાહત ન મળી. કેશવાનંદની હાર થઈ પરંતુ ભારતના કરોડો લોકોની જીત થઈ; તેમના લોકશાહી અધિકારોની જીત થઈ ! કેટલાંક આલોચકો કેશવાનંદ ભારતીના કેસમાં સ્થાપિત થયેલ સિદ્ધાંતને અલોકતાંત્રિક માને છે, કેમકે આ ચૂકાદો જજને; લોકો દ્વારા ચૂંટાયેલ પ્રતિનિધિઓએ બનાવેલ કાયદાને રદ કરવાની સત્તા આપે છે. જ્યારે આ ચૂકાદાના સમર્થકો માને છે કે આ સિદ્ધાંત બહુસંખ્યવાદ/તાનાશાહી સામે એક સુરક્ષા હથિયાર તરીકે કામ કરે છે.

[6] 1976માં, બંધારણમાં 42મો સુધારો આર્ટિકલ-368 (4)થી કરવામાં આવ્યો કે ‘સંસદની બંધારણમાં સુધારો કરવાની સત્તા અસીમિત છે અને સુધારાને કોર્ટમાં પડકારી શકાય નહીં ! ન્યાયિક સમીક્ષા-judicial review થઈ શકે નહીં !’ પરંતુ મિનર્વા મિલ્સ વિરુદ્ધ ભારત સરકારના કેસમાં સુપ્રિમકોર્ટે ઠરાવ્યું કે ‘આર્ટિકલ- 368 (4)થી કરેલ સુધારો invalid-ગેરબંધારણીય છે; કેમકે ન્યાયિક સમીક્ષા-judicial review એ મૂળભૂત અધિકાર છે. 1981માં વામન રાવ વિરુદ્ધ ભારત સરકારના કેસમાં સુપ્રિમકોર્ટે ઠરાવેલ કે મૂળભૂત ઢાંચાનો સિદ્ધાંત કેશવાનંદ ભારતીના જજમેન્ટ બાદ એટલે કે 24 એપ્રિલ 1973 પછી બંધારણીય સુધારાઓને લાગુ પડશે, અગાઉના સુધારાઓને લાગુ નહીં પડે !

હાલે બંધારણીય સુધારા અંગે શું સ્થિતિ છે?

[1] કેશવાનંદ ભારતીના ચૂકાદા પછી 25 જૂન 1975 થી 21 માર્ચ 1977 સુધી ઈન્દિરાજીએ કટોકટી લાદી અને બંધારણનાં અનેક સુધારા કર્યા હતાં; જે સુધારાઓ કેશવાનંદ ભારતીના ચૂકાદામાં સ્થાપિત સિદ્ધાંતના આધારે સુપ્રિમકોર્ટે અયોગ્ય ઠરાવેલ હતા.

[2] સંસદ મૂળભૂત અધિકારોમાં સુધારો કરી શકે છે; પરંતુ સંસદની આ સત્તા અસીમિત નથી. સરકાર પાસે સત્તાની જે શક્તિ છે તેનું મૂળ બંધારણ છે. બંધારણ સર્વોચ્ચ છે. સરકાર બંધારણથી ઉપરવટ નથી.

[3] દરેક કિસ્સામાં કોર્ટ એ નક્કી કરશે કે બંધારણીય સુધારાથી બંધારણના કોઈ આધારભૂત લાક્ષણિકતા ભૂંસાઈ છે કે નહીં? જો એવું લાગે તો સુધારો એટલા પૂરતો invalid-ગેરકાયદેસર ઠરશે. ન્યાયિક સમીક્ષાથી બચવા માટે સરકારોએ અનુસૂચિ-9 માં 300 જેટલાં કાયદાઓ મૂકી દીધાં ! એટલે કે બંધારણ સુધારવાની સત્તાનો દુરુપયોગ થયો. પરંતુ સંસદે કરેલ કોઈ પણ કાયદાની ન્યાયિક સમીક્ષા-judicial review સુપ્રિમકોર્ટ કરી શકે છે.

[4] 24 એપ્રિલ 1973 પછી થયેલ સુધારાઓને જ મૂળભૂત માળખાના સિદ્ધાંત આધારે ગેરકાયદેસર ઠરાવી શકાશે, તે પહેલાના સુધારાઓને લાગુ નહીં પડે. મતલબ કે સુર્રિમકોર્ટે; સરકારે અગાઉ જે કાયદા બનાવ્યા હતા તેમાં ચોળીને ચીકણું કરવાને બદલે/ઝઘડો ટાળવાનો અભિગમ અપનાવ્યો અને આગળ એવું નહીં કરવા લાલ બત્તી ધરી દીધી ! સંસદ અને ન્યાયતંત્ર વચ્ચે સંતુલન સ્થપાયું ! આમ ભારતની લોકશાહી માટે કેશવાનંદ ભારતી કેસમાં 24 એપ્રિલ 1973ના ચૂકાદાનું ઐતિહાસિક મૂલ્ય એ છે કે ‘બંધારણ થકી સંસદ બની છે; સંસદે બંધારણ બનાવ્યું નથી !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *