કેન્દ્રીય માહીતી પંચ દ્વારા હુકમ પતિનું IT રિટર્ન ત્રાહિત પક્ષકારની અંગત માહિતી હોવા છતાં પત્નીને મળી શકે છે.

કેન્દ્રીય માહિતી આયોગે જામનગરની આવકવેરા કચેરીના જાહેર માહિતી અધિકારીને પતિની આવક સંબંધી માહિતી પત્નીને વિનામૂલ્યે પૂરી પાડવા કરેલો આદેશ.

જામનગર સ્થિત આસિસ્ટન્ટ કમિશ્નર ઓફ ઇન્કમટેક્ષની કચેરીના જાહેર માહિતી અધિકારીને કેન્દ્રીય માહિતી આયોગે તાજેતરમાં એક અપીલનો નિકાલ કરતાં મહિલાના મેન્ટનન્સના કેસમાં વાજબી રકમની દાવો કરી શકે તે માટે પતિની કુલ તેમજ નેટ ટેકસેબલ આવકની સામાન્ય માહિતીની વિગતો માહિતી અધિકારના કાયદા હેઠળ ૧૫ દિવસમાં વિનામૂલ્યે પૂરી પાડવા આદેશ કર્યો છે.

માહિતી કમિશનર, શ્રીમતી સરોજ પુનાનીએ ચુકાદો આપતાં અવલોકન કર્યું છે કે, આવકવેરા રિટર્નની વિગતો કે તેની નકલો ત્રાહિત પક્ષકારની માહિતી ગણાય, આ માહિતી અન્ય ત્રાહિત વ્યક્તિને આપવાની જરૂર નથી. તેમ છતાં, માહિતી કમિશનર, શ્રીમતી પુનાનીએ જુદી-જુદી અદાલતોના ચુકાદાઓનો ઉલ્લેખ કરી એવું ઠરાવ્યું છે કે, “કોર્ટમાં માહતા ભરણ-પોષણના કેસમાં જ્યાં પત્નીના ભરણપોષણનો મુદ્દો સામેલ છે, તે કેસમાં પતિની આવક સંબંધિત માહિતી વ્યક્તિગત માહિતીની કક્ષામાં ગણવાની રહેતી નથી.”

પ્રસ્તુત કેસમાં અરજદાર શ્રીમતી અંબિકા બાટિયા એ આકારણી વર્ષ 2013-14 થી આકારણી વર્ષ 2020-21 સુધીની તેના પતિને લગતી કુલ આવક અને નેટ ટેકસેબલ આપની માહિતી ઓનલાઇન આટીનાઈ અરજી દાખલ કરી માંગી હતી.

કોર્ટમાં પેન્ડિંગ શ્રીમતી ભાટિયાના મેટ્રિમોનિયલ કેસમાં મેન્ટેનન્સની રકમ નક્કી કરવા માટે આકારણી વર્ષ 2013-14 થી આકારણી વર્ષ 2020-21 સુધીની પતિની આવકની વિગતો મેળવવી તેમના માટે ખૂબ જરૂરી હતી. આ માહિતી મળે તો જે તેઓ માગવામાં આવેલી મેન્ટનન્સની રકમનું વ્યાજબીપણું કોર્ટ સમક્ષના દાવામાં સાબિત કરી શકે તેમ છે. આથી તેમણે આ માહિતી મેળવવા RTI અરજી દાખલ કરી હતી.

અપીલકર્તાએ ‘રહેમત બાનો’ના કેસમાં CICની ખંડપીઠના ચુકાદા પર આધાર રાખ્યો હતો, જે કેસમાં પરિવારના ભરણપોષણ અને આજીવિકા માટે પત્નીને પતિની કુલ આવકની રકમ સાબિત કરવા પતિની કુલ અને નેટ ટેકસેબલ આવક જાહેર કરવાની મંજૂરી આપવામાં આવી હતી.

કેન્દ્રીય માહિતી આયોગ દ્વારા હાથ ધરાયેલી સુનાવણી દરમ્યાન પણ આસિસ્ટન્ટ કમિશ્નર ઓફ ઈન્કમટેક્સની કચેરી જામનગરના જાહેર માહિતી અધિકારીએ ગિરીશચંદ્ર દેશપાંડે ના ચુકાદાનો ઉલ્લેખ કરી માહિતી પૂરી પાડવાના ઇનકાર નો પુનરોચ્ચાર કર્યો હતો અને રજૂઆત કરતાં જણાવ્યું હતું કે ત્રાહિત પક્ષે તેમની સાથે સંબંધિત માહિતી કોઇને પણ પૂરી-પાડવાનો સ્પષ્ટપણે ઇનકાર કર્યો હતો. અપીલકર્તા કાયદેસર રીતે ત્રાહિત પક્ષકારના પત્ની હોઈ શકે છે, પરંતુ RTI કાયદાની જોગવાઈ અનુસાર તે ત્રાહિત પક્ષકાર છે, અને તેથી તેમને માહિતી પૂરી પાડી શકાતી નથી.

જુદી-જુદી હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના રજૂ થયેલા ચુકાદાઓ ધ્યાને લઇ સુનાવણીના અંતે કેન્દ્રીય માહિતી કમિશનર, શ્રીમતી સરોજ પુનાનીએ ચુકાદો આપતાં કેન્દ્રીય શહેર માહિતી અધિકારી અને આસિસ્ટન્ટ કમિશનર ઓફ ઈન્કમટેક્સ, જામનગરની ઓફિસને સંબંધિત અરજદાર શ્રીમતી અંબિકા ભાટિયાને તેમના પતિની ચોખ્ખી કરપાત્ર આવક અને કુલ આવકની સામાન્ય વિગતો ૧૫ દિવસમાં વિનામૂલ્યે પૂરી પાડવા નિર્દેશો જારી કર્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *