ટ્રાફિક નિયંત્રણ માટે TRB જવાનોની માનદ સેવા રદ કરીને હોમગાર્ડની સેવા ઉપયોગ કરવા ગુજરાત સરકારમાં આવેદન પત્ર.

છેલ્લા ઘણા વર્ષોથી ઉચ્ચ અધિકારીઓ દ્વારા TRB જવાનોની કામગીરી ફક્ત હપ્તા ઉધરાવવા અને અધિકારીઓને ઘર કામ કરાવવા માટે રાખેલ છે.

ગુજરાતભરમાં ટ્રાફિકના નિયંત્રણ માટે ગુજરાત સરકારની સૂચના મુજબ અલગ-અલગ શહેરોમાં બનાવવામાં આવેલ ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના માનદ સેવકો ટ્રાફિકની સરળતા માટે પોલીસ ખાતાને મદદ કરવામાં આવે છે. છેલ્લા ઘણા વર્ષોથી TRB જવાનોની કામગીરી અંગે સવાલો ઉઠેલ છે. નાગરીકો સાથેના ઘર્ષણ અને ભ્રષ્ટાચાર દિન પ્રતિ દિન વધે છે. એક બાજુ ગુજરાતભરમાં હોમગાર્ડના જવાનોની ઉપલબ્ધતા પુરતી છે. હોમગાર્ડની કામગીરીમાં પણ ટ્રાફિકનું નિયંત્રણની જવાબદારી સમાવેશ કરવામાં આવેલ છે. છતાં હોમગાર્ડની સેવા ટ્રાફિક નિયંત્રણ માટે લેવામાં આવતી નથી. અને માનદ સેવાના નામે સરકારી ખર્ચે TRB જવાનોને ટ્રાફિક નિયંત્રણ કરાવવામાં રાખવામાં આવે છે. આ અંગે શહેરના જાગૃત નાગરિક સંજય ઇઝાવા દ્વારા વિગતવાર પત્ર લખીને ગુજરાતભરમાં ટ્રાફિક નિયંત્રણ માટે TRB જવાનોની માનદ સેવા રદ કરીને હોમગાર્ડની સેવા ઉપયોગ કરવા સરકારમાં મંગણી કરવામાં આવેલ છે.

ટ્રાફિક બ્રિગેડ અને હોમગાર્ડઝની સમાનતા.

1. ગુજરાત રાજ્યમાં સેવા આપી રહેલ હોમગાર્ડની મેહકમ ૪૫,૨૮૦ અને હાલ સેવા આપી રહેલ હોમગાર્ડની સંખ્યા ૩૮,૮૨૭ છે. જે પૈકી સુરત જીલ્લામાં હોમગાર્ડઝ જવાનોની ૨૦૦૦ મંજૂર મેહકમ સામે ૧૬૪૨ જવાનો ફરજ બજાવે છે.

પોલીસ મહાનિર્દેશકશ્રી અને મુખ્ય પોલીસ અધિકારીની કચેરીમાંથી અધિક પોલીસ મહાનિર્દેશકશ્રી(કાયદો અને વ્યવસ્થા) દ્વારા “માર્ગ સુરક્ષા નિધિમાંથી મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં એન.જી.ઓ. ની મદદથી ટ્રાફિક બ્રિગેડની રચના કરવા તમામ શહેરોને નિર્દેશ આપવામાં આવેલ છે.સુરત જીલ્લામાં મંજૂર મેહકમ ૬૫૦ (૬૫ લાખની વસ્તી મુજબ) સામે ૧૪૭૫ TRB જવાનોને ફરજ બજાવે છે.

અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ સાથે હોમગાર્ડઝ જવાનોની ૬૯૬૮ મંજૂર મેહકમ સામે ૬૨૬૯ જવાનો ફરજ બજાવે છે. રાજકોટ શહેરમાં હોમગાર્ડઝ જવાનોની ૭૪૩ મંજૂર મેહકમ સામે ૬૫૬ જવાનો ફરજ બજાવે છે. વડોદરા શહેરમાં હોમગાર્ડઝ જવાનોની ૧૬૬૩ મંજૂર મેહકમ સામે ૯૦૧ જવાનો ફરજ બજાવે છે.

2. માર્ગ સુરક્ષા નિધિમાં સરકારશ્રીની નવી યોજના હેઠળ સને ૨૦૦૫ થી મોટી રાશી ફાળવવામાં આવે છે. જે માર્ગ સુરક્ષા નિધિમાંથી ટ્રાફિક બ્રિગેડ માટે ખર્ચ કરવા માટે તા. ૦૫.૦૫.૨૦૦૯ ના રોજના પત્રમાં સૂચના આપવામાં આવેલ છે. વર્ષ ૨૦૦૯ થી વર્ષ ૨૦૨૦ સુધી માર્ગ સુરક્ષા નિધિમાં સરકારશ્રી દ્વારા રૂ. ૬૪,૮૮,૮૬,૯૯૬/- ની ફાળવણી કરવામાં આવેલ છે. જેનો ઉપયોગ TRB જવાનોને માસિક ભથ્થું આપવામાં ખર્ચ કરી રહ્યા છે.

3. TRB જવાનોને ટ્રાફિક ફરજો જેવો કાયદા અને વ્યવસ્થાની ફરજો સોપવામાં આવે છે ત્યારે હોમગાર્ડ જવાનો પાસે રાત્રી ફરજ, ટ્રાફિક ફરજ, ગાર્ડ ફરજ તથા ચુંટણી ફરજ જેવો કાયદો વ્યવસ્થાની ફરજો સોપવામાં આવે છે.

4. વર્ષ ૨૦૧૮ માં – ૯૩, વર્ષ ૨૦૧૯ માં – ૯૬, વર્ષ ૨૦૨૦ માં – ૧૩૬, વર્ષ ૨૦૨૧ માં – ૨૧૯ અને વર્ષ ૨૦૨૨ માં – ૨૬૪ મળીને ફૂલે ૮૦૮ જેટલા TRB જવાનોને છેલ્લા ૫ વર્ષમાં ભ્રષ્ટાચાર અને અન્ય કારણોસર ફરજમાંથી મુક્તિ આપવામાં આવેલ છે.

5. વારનવાર પબ્લિક અને TRB જવાનોની વચ્ચે થઇ રહેલ ઘર્ષણ અંગે ઘણી FIR પણ નોંધવામાં આવેલ છે. છેલ્લા ૧ વર્ષમાં TRB જવાનોના ભ્રષ્ટાચાર અંગે સુરત ટ્રાફિક પોલીસમાં મળેલ ફરીયાદો પૈકી ૬ જેટલી ફરિયાદમાં તપાસ પણ થયેલ છે.

6. ફક્ત ટ્રાફિક નિયંત્રણ કરવાની ફરજ હોવા છતાં TRB જવાનો દ્વારા વાહન ચાલકોને રોકી વાહન અને વાહન ચાલકના ડોક્યુમેન્ટ માગવામાં આવતા ઘણા કિસ્સા બહાર આવેલ છે.

7. TRB જવાનો દ્વારા વાહન ચાલકો પાસેથી નિયમ વિરુધ હપ્તો ઉધરાવતો કિસ્સાઓ પણ બહાર આવેલ છે, જે અંગે ઘણા વિડીઓ સોશિયલ મીડિયા અને ન્યૂઝ ચેનલોમાં પ્રકાશિત કરવામાં આવેલ છે.

8. પોલીસ અધિકારીઓ પોતાના અંગત લાભ માટે હપ્તાની ઉઘરાણી માટે TRB જવાનોનો ઉપયોગ કરી રહ્યા હોવાના ઘણા ઓડીઓ મેસેજ પણ વાયરલ થયેલ છે.જે અંગે પણ પોલીસ ખાતા દ્વારા તપાસો થયેલ છે.

9. TRB જવાનો અને હોમગાર્ડ જવાનોને એક દિવસનું ભથ્થું તરીકે રૂ. ૩૦૦/- વેતન ચુકવવામાં આવે છે.

શું છે અરજદારની માંગણી:-

હોમગાર્ડ જવાનોને ગુજરાતભરમાં પુરતી સંખ્યામાં કાયદો વ્યવસ્થાની જાળવણી માટે ફરજ સોપવામાં આવતી હોય ત્યારે કરોડોનો ખર્ચ કરીને સરખા કામ માટે TRB જવાનોની ભરતી કરીને સરકાર દ્વારા જનતાના માથે બોજ વધારી રહ્યા છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ TRB જવાનોનો ઉપયોગ મોટા પાયે હપ્તાની ઉધરાણી, ઉચ્ચ અધિકારીઓના ઘરમાં ઘર કામ કરાવવા માટે, ડ્રાઈવર તરીકે પોલીસના વાહનો ચલાવવા માટે, રોડ વચ્ચે વાહન ચાલકોને રોકીને માંડવાળ ફી વસુલવા જેવા કામો કરાવી રહ્યા છે. સરકારશ્રીના હુકમથી હોમગાર્ડની રચના કરી ફરજ બજાવવા માટે તાલીમ આપ્યા પછી પણ હોમગાર્ડ જવાનોને પુરતું કામ નથી મળતું અને હોમગાર્ડમાં હોવા છતાં અન્ય કામ કરીને પોતાનો અને પરિવારનો ખર્ચ ઉઠાવવાની મજબુરી છે.

વધતો જતો ભ્રષ્ટાચાર અને નાગરીકો જોડે થઇ રહેલ ઘર્ષણને ધ્યાને લઇ કહેવાતી માનદ સેવા આપી રહેલ TRB જવાનોની સેવા રદ કરીને કાયદો અને વ્યવસ્થાની ફરજો નિભાવવા તાલીમ મળેલ હજારોની સંખ્યાવાળા હોમગાર્ડને ટ્રાફિક વ્યવસ્થા જાળવવા હેતુ નિમણુક કરવા અરજદાર દવારા માંગણી કરવામાં આવેલ છે.

TRB જવાનોની સેવા બંધ કરી હોમ ગાર્ડઝ જવાનો ની સેવા ઉપયોગ કરશે તો છેલ્લા ૧૪ વર્ષ થી સરકારને થઇ રહેલ નાણાકીય બોજ પણ ઓછું થશે, સંભાવના પણ છે. આ અંગે યોગ્ય કાર્યવાહી સરકાર દ્વારા કરવામાં ન આવે તો ભવિષ્યના ન્યાયના હિતમાં કોર્ટમાં પણ જવા અરજદારની તૈયારી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *