પાસપોર્ટ વેરિફિકેશન માટે નહીં જવું પડે પોલીસ સ્ટેશન, જાણો શું છે કાયદો.

પાસપોર્ટ વેરિફિકેશન માટે નહીં જવું પડે પોલીસ સ્ટેશન, નિયમ મુજબ પોલીસ તમારા ઘરે આવીને કરશે વેરિફિકેશન.

ગુજરાતભરમાં પાસપોર્ટની અરજી લઈને હેરાન પરેશાન થતા નાગરિકો માટે આ માહિતી સુરતના જાગૃત્ત નાગરિક સંજય ઇઝાવા દ્વારા પાસપોર્ટ ઓફિસ અને પોલીસ કમિશ્નર કચેરીમાંથી મેળવી લીધેલ છે. ” આ માહિતી મેળવીને પોલીસ વેરિફિકેશન અંગેનું આખું પ્રકરણ સરળ ભાષામાં નાગરિકો સમક્ષ રજુ કરી રહ્યા છે.પોલીસ સ્ટેશનમાં વેરિફિકેશન માટે દખા ખાઈને પરેશાન થવાની કોઈ જરૂર નથી, પોલીસ તમારા ઘરે આવશે વેરિફિકેશન કરવા માટે” – સંજય ઇઝાવા, (RTI એક્ટિવિસ્ટ).

પોલીસ વેરિફિકેશન અંગેના નિયમો:-

પાસપોર્ટ માટે અરજી કાર્ય પછી પોલીસ વેરિફિકેશન માટે હવે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી. તા.07.11.2019 ના રોજ અધિક પોલીસ મહાનિર્દેશકશ્રી, તકનીકી સેવાઓ અને એસ.સી.આર.બી, ગાંધીનગર દ્વારા પોલીસ કમિશ્નરશ્રી સુરત શહેરનાઓને આપવામાં આવેલ સૂચના મુજબ ” પાસપોર્ટ વેરિફીકેશન અનુસંધાને અધિક પોલીસ મહાનિદેશકશ્રી,ઈન્ટ. તરફથી આવેલ પત્ર બી/પાસપોર્ટ/વેરી/૩૨૦/૨૦૧૯ તા.૩૦/૦૯/૨૦૧૯ મુજબ નવા પોલીસ વેરિફિકેશન રીપોર્ટમાં અરજદારની સહિ તથા તેના પોલીસ સ્ટેશનમાં રૂબરૂ થયેલ વેરિફીકેશનના કબુલાતનામાને દુર કરવામાં આવેલ છે. જેથી હવે આ કામગીરી માટે અરજદારની સહિની જરૂરીયાત ન હોય, નાગરિકોને પોલીસ વેરિફીકેશન માટે પો.સ્ટે. પર બોલાવવાના રહે નહિ અને અરજદારના ઘર પર જઇ વેરિફીકેશનની કામગીરી પુર્ણ કરવાની રહેશે.

પોકેટ કોપ મોબાઈલ એપથી પાસપોર્ટ વેરિફિકેશન કરવાનું હોવાથી પોલીસ અરજદારના ઘરે જઈને વેરિફિકેશન કરવું એવું સ્પષ્ટ સૂચના પોલીસ મહાનિર્દેશકશ્રી દ્વારા વારંવાર આપવામાં આવેલ છે.

પાસપોર્ટ અરજીની તાપસમાં પોલીસ દ્વારા કઈ-કઈ બાબતોની ચકાસણી કરવાની હોય છે ?:-

1. પાસપોર્ટ મેળવવા અરજી કરનાર અરજદારનું નામ, પિતાનું નામ, માતાનું અને પતિ/પત્નીના નામની તપાસણી તેમજ જન્મનો દાખલો, સ્કૂલ લીવીંગ સર્ટી તથા મેરેજ સર્ટીફિકેટ તથા અન્ય કાયદેસરના દસ્તાવેજોને વેરીફાઈ અને ક્રોસ ચેકીંગ તપાસણી ક૨વાનું રહે છે.

2. અરજદારની જન્મ તારીખ, જન્મ સ્થાનનું વેરીફીકેશન, જન્મનો દાખલો, સ્કૂલ લીવીંગ સર્ટી આધારે ચકાસણી કરવી અને કોઈ શંકાસ્પદ જણાય તો સર્ટીફિકેટ ઈસ્યુ ક૨ના૨ ઓથોરીટી સાથે ખરાઈ અને ક્રોસ ચેક કરવું. દર્શાવેલ સરનામા ગામ તથા શહેર વિસ્તારના પીનકોડ નંબરનો સમાવેશ કરવો, જેથી અરજદારના રહેણાંક અંગેની ચોકસાઈ થઈ શકે.

3. અરજદાર અગાઉનો કોઈ પાસપોર્ટ ધરાવે છે કે કેમ? અને અગાઉ વિદેશ પ્રવાસ કરેલ છે કે કેમ? જે અંગે અરજદારની મૌખિક તપાસણી ક૨વી. શકય હોય તો તે માહિતી મોકલી આપવી.

4. અરજદાર કયા નોકરી-ધંધો કરે છે ? નોકરીએ રાખનાર સંસ્થા પાસે માહિતી મેળવવી. અને જો કોઈ નોકરી-ધંધો ન કરતાં હોય તો તેના પરિવારની પૂર્વ ઈતિહાસની ચકાસણી કરવી. અરજદાર કોઈ ધંધો–વેપાર કરતો હોય તો તેના સેલ્સટેક્ષ નંબર/દુકાન રજીસ્ટ્રેશ અંગેની માહિતી મેળવી રેકર્ડમાં રાખવી. અને જો તે ખેતી ક૨તો હોય તો જમીનના ડોકયુમેન્ટસની ક્રોસ ચકાસણી કરવી.

5. અ૨જદા૨નું પૂરુ નામ, પિતાનું પૂરુ નામની તપાસણી ઉપલબ્ધ હકીકત તથા દસ્તાવેજોના આધારે કરવી.

6. અરજદાર જો ઉર્ફે–ઉપનામના નામે ઓળખાતો હોય તો જે તે વિસ્તારમાંથી ઓળખ મેળવવી.

7. અરજદારના રહેણાંક બાબતેની તપાસણી તેના બેંક એકાઉન્ટ, પાસબુક, ટેલીફોન બીલ, સોસાયટીનાં રજીસ્ટ્રેશનના દાખલા અથવા ગ્રામ સર્વે રેકર્ડ ડોકયુમેન્ટ વગેરેના આધારે કરવી.

8. અરજદાર જણાવેલ સરનામે છેલ્લા એક વર્ષથી રહેતો ન હોય તો તે અગાઉ કઈ જગ્યાએ રહેલ છે. જે અંગેની માહિતી મેળવવી.

9. અરજદારે નામ કે અટક બદલ્યા હોય તો તેની તપાસણી પ્રેસકટીંગ અને અસલ એફીડેવીટ અથવા સરકાર ધ્વારા જાહેર કરતા ગેઝેટ ધ્વારા ક૨વી.

10. વધુ પડતા પાસપોર્ટ અરજી વેરીફીકેશન કેસોમાં પોલીસ ધ્વારા અરજદારની રૂબરૂમાં તપાસણી કરવામાં આવતી નથી. જેથી અરજદારને વ્યક્તિગત હાજર રાખી તેની શારીરિક તપાસણી જેવી કે તેની ઉચાઈ, બાંધો, આંખનો રંગ, વાળનો રંગ કે શરીર ઉ૫રનું કોઈ ઓળખના ચિન્હોની માહિતી મેળવવી. જેથી ભળતા નામ દેખાવ વાળા કેસો પકડી શકાય.

11. અરજદારની નાગરિકતાની, તેના જન્મ દાખલા અથવા તેમના માતા-પિતાનાં જન્મ સ્થળ, રજીસ્ટ્રેશન ચેક કરી નકકી કરવી.

આ 11 ગુનામાં સંડોવાયેલ વ્યક્તિઓને પાસપોર્ટ મળી શકે નહીં :-

1. રાષ્ટ્ર વિરોધી જાસુસી કરનાર અને રાષ્ટ્રની સંપતિને નુકશાન તથા ભાંગફોડ કરવાની પ્રવૃત્તિમાં સંડોવાયેલ ઈસમો.

2. દાણચોરી કે પ્રતિબંધિત વસ્તુઓની હેરાફેરી કે સંગ્રહ કરવાની પ્રવૃત્તિમાં સંડોવાયેલા ઈસમો.

3. બનાવટી પાસપોર્ટ, વિઝા કે તે સંબંધેના અન્ય ખોટા દસ્તાવેજો ધરાવનાર કે તે બનાવનાર એજન્ટ કે આવા દસ્તાવેજોનો ઉપયોગ કરનાર કે તે સંબંધે જાહેર થયેલ કે પકડાયેલ ઈસમો.

4. રાષ્ટ્ર વિરૂધ્ધની કોઈ પણ પ્રવૃત્તિમાં કે રાષ્ટ્ર વિરૂધ્ધ પ્રચાર કરનાર, કોમી ઉશ્કેરણી કરનાર અને અલગ ધર્મ જ્ઞાતિઓમાં વર્ગ વિગ્રહ જગાડનાર ઈસમો.

5. રાષ્ટ્રની આંતરીક સલામતી જોખમાય તેવા બળવાખોર ઈસમો.

6. બીજા દેશોમાંથી ગેરકાયદેસર ઘુષણખોરી, સ્ફોટક પદાર્થો વિગેરેની આપ-લે કરતા તથા તેનો ગેરકાયદેસર રીતે સંગ્રહ કરતા તથા તેનો ગેરકાયદેસરના કામોમાં ઉપયોગ કરતા તેને વહન કરી લઈ જનાર કે તેમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંડોવાયેલ હોય તેવા ઈસમો.

7. દેશી-વિદેશી હથિયારો, દારૂગોળો, સ્ફોટક પદાર્થો વગેરેની આપ-લે કરતા તથા તેનો સંગ્રહ કરતા તથા તેનો ગેરકાયદેસરના કામોમાં ઉપયોગ કરતા તેને વહન કરી લઈ જનાર તેમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંડોવાયેલા હોય તેવા ઈસમો.

8. કોમી ઉગ્ર વૈમનસ્ય ધરાવતા અને તે અંગે ગુનો કરવાની મનોવૃતિ ધરાવતા ઈસમો.

9. આતંક ફેલાવનાર, બોમ્બ ધડાકા કરનાર, મોટા ગેંગવોરમાં સંડોવાયેલા ગુનેગારો.

10. પાસા-ટાડા-ખૂન-ધાડ-રાયોટસ તડીપાર વગેરેમાં સંડોવાયેલ હોય તેવા ઈસમો

11. મોટા પાયે માદક દ્રવ્યોની હેરફેર કરનાર કે તેનો સંગ્રહ કરવામાં પકડાયેલ કે સંડોવાયેલ ઈસમો.

પાસપોર્ટ પોલીસ વેરિફિકેશન સમયે કયા દસ્તાવેજોની ચકાસણી થશે :-

1. ભારતીય પાસપોર્ટ અરજીની સાથે નાગરિકોએ જરૂરી દસ્તાવેજો તથા તેની ઝેરોક્ષ કોપી-૧ રજૂ કરવાની હોય છે જેમાં રહેઠાણના પુરાવામાં,આધારકાર્ડ, ચુંટણીકાર્ડ, જન્મનું પ્રમાણપત્ર, વગેરે રજૂ કરવાના હોય છે.

2. જન્મ અંગેના પુરાવામાં સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ અથવા જન્મનો દાખલો, તેમજ સ્કૂલમાં અભ્યાસ કરતા હોય તો જે તે સ્કૂલનું બોનોફાઇડ સર્ટિફિકેટ જે વ્યકિતનો જન્મ તા.26-1-1989માં કે તે પછીથી થયેલ હોય તો તેઓ ફકત મ્યુનીશીપલ ઓથોરીટી અથવા જન્મ-મરણ નોંધણી રજીસ્ટર ઘ્વારા ઇસ્યુ કરેલ બર્થ સર્ટીફીકેટ જ માન્ય ગણાશે.

3. લગ્ન કરેલ સ્ત્રીઓના કેસમાં મેરેજ સર્ટિફિકેટ અથવા પતિ-પત્નીના જોઇન્ટ ફોટા સાથેની મેરેજ એફિડેવિટ રજૂ કરવાનું રહે છે. (તા. 01/01/2008 કે ત્યારબાદ લગ્ન કરેલ અરજદારે ગુજરાત મેરેજ એકટ-2006 મુજબ ફરજીયાત મેરેજ સર્ટી રજુ કરવાનુ રહેશે.

4. પાસપોર્ટ અરજી માટે કોઈ એજન્ટ સાથે લઈને આવવાની જરૂર હોતી નથી કે એજન્ટ રોકવાની જરૂર હોતી નથી.

પોલીસ વેરિફિકેશનમાં કોઈ ફી લાગુ પડે છે ? :-

પોલીસ ઇન્કવાયરી દરમ્યાન પોલીસ તપાસ માટેની કોઈ ફી લેવામાં આવતી નથી. જો કોઈ પોલીસ કર્મી કોઈ રકમની માંગણી કરશે તો તે ગેર કાયદેસર છે. દરેક અરજદારને આ સેવા મફ્તમાં આપવામાં આવે છે. કોઈ પોલીસ કર્મી કોઈ રકમની માંગણી કરશે તો 100 નંબર ડાયલ કરીને ફરિયાદ લખાવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *